ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે આમાં એનો શાબ્દિક અર્થ એટલે કે નાણાંકીય કિંમતનો સમાવેશ પણ થશે.

ડેન્‍માર્ક દેશમાં ઈ.સ.૨૦૩૦થી ખેડૂતો પર નવા જ પ્રકારનો વેરો લાદવાની ઘોષણા કરવામાં આવી છે અને આવો વેરો લાદવાનો પ્રસ્તાવ લાવનાર એ વિશ્વનો સહુ પ્રથમ દેશ છે. ગાય, ડુક્કર, ઘેટાં જેવું પશુધન ધરાવનાર ખેડૂતોને એ લાગુ પડશે. કારણ? આ પશુઓ મિથેનવાયુનો ઉત્સર્ગ કરે છે. મિથેન વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ માટે સૌથી વધુ જવાબદાર વાયુઓ પૈકીનો એક છે. ડેન્માર્કના કરવેરા મંત્રી યેપ્પે બ્રુસે જણાવ્યું છે કે ડેન્માર્કમાં મિથેન ઉત્સર્જનનું જે પ્રમાણ ૧૯૯૦માં હતું તેમાં ૨૦૩૦ સુધી ૭૦ ટકા જેટલો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. પશુધન ધરાવતા ખેડૂતોએ અંગારવાયુના પ્રતિ ટન ત્રણ સો ક્રોનર એટલે કે આશરે ૪૩ યુ.એસ.ડોલર જેટલો વેરો ભરવાનો આવશે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૭૫૦ ક્રોનર એટલે કે આશરે ૧૦૮ યુ.એસ.ડોલર થશે. અલબત્ત, આવકવેરામાં મળતા ૬૦ ટકા વળતરને કારણે ખેડૂતોએ પ્રતિ ટન ૧૨૦ ક્રોનર એટલે કે ૧૭.૩  યુ.એસ.ડોલર ચૂકવવાના થશે, જે વધીને ૨૦૩૫ સુધીમાં ૩૦૦ ક્રોનરે પહોંચશે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

લૅન્ડફીલ તરીકે ઓળખાતી ઘન કચરો ઠાલવવાની ખુલ્લી જગ્યાઓ, તેલ અને કુદરતી વાયુપ્રણાલિઓ તેમજ પશુધન દ્વારા છોડવામાં આવતા મિથેનનું પ્રમાણ ૨૦૨૦થી ઝડપભેર વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્‍સ એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામના જણાવ્યા અનુસાર ઉત્સર્જિત મિથેન વાયુમાંથી ૩૨ ટકા પશુધન દ્વારા કરવામાં આવે છે. મંત્રી બ્રુસના અનુસાર ૨૦૪૫ સુધીમાં ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવા તરફનું આ મોટું પગલું તેઓ ભરી રહ્યા છે. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ એટલે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય કરી દેવું. કૃષિ પર વાસ્તવિક અંગારવાયુનો વેરો લગાવવાનો આરંભ કરનાર પહેલવહેલો દેશ ડેન્‍માર્ક હશે અને અન્ય દેશો પણ તેને અનુસરશે એમ તેમણે ઊમેર્યું હતું.

ન્યુઝીલેન્‍ડે પણ લગભગ આવો જ કાયદો તૈયાર કરેલો છે, જેનો અમલ ૨૦૨૫થી થવાનો છે. જો કે, એ બાબતે ખાસ્સો ઊહાપોહ થતાં હમણાં કૃષિક્ષેત્રને તેમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

યુરોપભરના ખેડૂતો પોતપોતાના દેશની કૃષિનીતિ, ખાસ કરીને હવામાન સુધારણા અંગે લેવાતાં પગલાં  બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમ કે છેવટે તે રાહતમાં ઘટાડો કરે છે, અને ખેડૂતોને વધુ દેવાદાર બનાવે છે.

આ વેરા થકી ઊભી થતી આવકનો ઊપયોગ સરકાર વૃક્ષો ઉછેરવામાં કરશે એમ કહેવાયું છે. બ્રિટીશ વડાપ્રધાન વિન્‍સ્ટન ચર્ચીલે કહેલું, ‘તેઓ હવા અને પાણી પર પણ વેરો લાદશે.’ અલબત્ત, આ વિધાન તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતના નેતાઓ સંદર્ભે કહેલું. પણ એ સાચું પુરવાર થઈ રહ્યું છે, અને કેવળ ભારતના નહીં, મોટા ભાગના દેશના નેતાઓ બાબતે.

ગાય દ્વારા ઉત્સર્જિત મિથેન પર વેરો લાદીને આવક ઊભી કરવાનો જ મુખ્ય આશય હોય એમ જણાય છે, કેમ કે, વનીકરણ માટેનાં નાણાં સરકાર પાસે ન હોય એમ બને નહીં. ગાય, ઘેટું કે ડુક્કર કોઈ ઔદ્યોગિક એકમ નથી કે એના દ્વારા કરાતા વાયુના ઉત્સર્જનને નિયંત્રણમાં લાવી શકાય કે એ સદંતર બંધ કરી શકાય. એ

આ પશુઓ પાળેલાં હોય કે ન હોય, તેમના શરીરતંત્રની પ્રણાલિ અનુસાર વાયુ ઉત્સર્જન તેઓ કરવાના જ છે. ખેડૂતોએ તેના માટે વેરો ભરવાનો આવે એ વાત પહેલી નજરે ગળે ઊતરે એમ નથી. જો કે, ગળે ન ઊતરી શકે એવી બાબતોનો અમલ કરવામાં શાસકો બહુ પાવરધા હોય છે, ચાહે એ ગમે તે દેશના કેમ ન હોય!

શાસકોને કોઈ પણ પ્રકારના વેરાથી આવક ઊભી કરવી હોય એમ સતત લાગ્યા કરે છે. એ ઊભી કરવા માટે ઓઠું ગમે તે આગળ ધરવામાં આવે છે. ખરી જરૂર વાતાવરણને મોટા પાયે પ્રદૂષિત કરી રહેલા ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ લાદવાની છે. ઉદ્યોગો અલબત્ત, જરૂરી છે, પણ તેના થકી ફેલાતું પ્રદૂષણ કંઈ માત્ર વેરામાં વધારો કરવાથી રોકી ન શકાય. ઉત્સર્જિત ઘન, પ્રવાહી અને વાયુની યોગ્ય ટ્રીટમેન્‍ટ થવી જોઈએ અને તે નિર્ધારીત માત્રામાં લવાય ત્યાર પછી જ તે બહાર છોડી શકાય એવો કાયદો મોટે ભાગે બનાવાયેલો હોય છે. નાણાં આ કાયદો, ઉત્સર્જિત ચીજોની માત્રાની મર્યાદા સહિત બધાને કોરાણે મૂકી દે છે. ઉદ્યોગોને આખી પ્રણાલિ ઊભી કરવાનો ખર્ચ લાગે છે, અને તેઓ તેને ટાળે છે. બીજી તરફ શાસકો માત્ર વેરા લાદીને આવક ઊભી કરે છે અને ‘કંઈક’ કર્યાનો સંતોષ લે છે. તદુપરાંત, ભ્રષ્ટાચાર માટેની બારી પણ તે ખોલી આપે છે.

સરવાળે ભોગવવાનું સહુ કોઈના ભાગે આવે છે. પર્યાવરણને થતા નુકસાનનું વળતર ગમે એટલા નાણાંના વળતરથી સરભર કરી શકાય નહીં એ હકીકત છે. છેવટે જાળમાં આવે છે નાનાં માછલાં જેવા નાગરિકો. નાગરિકોની જવાબદારી અલબત્ત, ઓછી થતી નથી, પણ સમગ્રપણે જોઈએ તો તેમનું પ્રદૂષણ વધારવામાં પ્રદાન મોટા ઉદ્યોગોની સરખામણીએ ‘ઊંટના મોંમાં જીરાના વઘાર’થી વધુ હોતું નથી.

ડેન્‍માર્કે પશુધન દ્વારા થતા વાયુઓના ઉત્સર્જન પર વેરો લાદવાની ઘોષણા કરી છે, તેને બીજા દેશો ન અનુસરે તો જ નવાઈ! કોને ખબર, પચીસ-પચાસ વરસ પછી મનુષ્ય દ્વારા ઉચ્છવાસમાં કઢાતા અંગારવાયુ પર પણ વેરો નખાય! અને પછી તેનું આવકવેરામાંથી વળતર અપાશે કે રાહત અપાશે. પ્રદૂષણમાં ઘટાડો થવો હોય તો થાય, ને ન થવો હોય તો ન થાય!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)