વનિતાવિશેષ
રક્ષા શુક્લ
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
હેમેન શાહ
પક્ષીઅભ્યારણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો અને સહેલાણીઓની ભીડ હોય ત્યારે પત્રકાર હેડીંગ બાંધે ‘પંછી, નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે’. જાવેદ અખ્તરનું ‘રેફ્યુજી’ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના કંઠે સાંભળીએ એટલે શ્વાસોમાં સુકુન પથરાય છે અને મનમાં મહેક. મનોરંજન સાથે મનોમંથન પણ આપે છે. સાચી કલા અંતરને આનંદ આપે અને આંખને ખોલે પણ છે. અલકાની ગાયકીની સરહદ દેશ વિદેશ સુધી વિસ્તરી છે.
એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ હશે જે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ગીત પર ઝૂમી ન ઉઠ્યો હોય. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગવાયેલ આ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. અલકાનું પ્રથમ ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મ ‘સીતા ત્યાગ’નું છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…’ ગીતથી અલકાના પાર્શ્વગાયનને ચાર વત્તા ચાર એમ આઠ ચાંદ લાગી ગયા. ફિલ્મ ‘લાવારિસ’થી પ્લેબેક સિંગિંગના તેઓ વારિસ બન્યા. પછી તો તેણે પાછા વાળીને જોયું જ નહીં અને એક કે બાદ એક સોલીડ સુપરહિટ ગીતોની હારમાળા સર્જી દીધી.
૨૦૨૦માં ‘સા રે ગા મા – લિટલ ચેમ્પ’ કે ‘સુપરસ્ટાર સિંગર’ જેવા રિયાલિટી શોમાં અલકા યાજ્ઞિક નવા અંદાઝમાં જોવા મળ્યા હતા. શોને જજ કરવા ઉપરાંત અલકા તેમાં ભાગ લેતા બાળકોની મેન્ટર પણ બની હતી. અલકા પાસે સંગીતની શિક્ષા મળે એનાથી રૂડું શું ! ગુરુ અલકા યાજ્ઞિક ગીત સાંભળતી વખતે કાનસેન બને છે. ગીતના ભાવ તેના ચહેરા પર ઉડાઉડ કરતા હોય છે. એ સમયે આંખના પલકારા પણ સૂરમાં હોય છે.
કારકિર્દીના શરૂઆતના દિવસો બધા માટે આકરા અને અવઢવભર્યા સંઘર્ષના હોય છે. પ્રારંભિક તબક્કામાં અમિતાભના અવાજને આકાશવાણીએ રીજેક્ટ કર્યો હતો. આજે તો એમના પ્રભાવશાળી અવાજ અને અંદાઝ સૌના દિલોદિમાગ પર છવાયેલા છે. એવી જ રીતે અલકા યાજ્ઞિકને પણ એના પાતળા અવાજને કારણે નકારવામાં આવી હતી. પરંતુ પછીથી સંગીતકાર રાજકમલે તેની પાસે એક શાસ્ત્રીય ગીત ગવડાવ્યું ત્યારે સાંભળનારા સૌ તેને પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. તેનો અવાજ ભલે પાતળો હતો. જો કે એ આરંભિક તબક્કામાં ગીતના ભાવ પ્રગટ કરવામાં હજુ પૌઢત્વ પ્રગટ્યું ન હતું. એ પછી તો અલકાનો અવાજ અષાઢી વાદળોની જેમ ચોતરફ મેઘાડંબર બની ગૂંજી ઉઠ્યો.
કલકત્તામાં ૧૯૬૬માં જન્મેલા અલકા યાજ્ઞિક એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાંથી આવે છે. પિતા કલકત્તાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા. માતા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય સંગીતના ગાયિકા હોવાથી એમની પાસે અલકાએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાને કારણે અલકાનો પણ સંગીતમાં રસ વધતો ગયો. માત્ર ૬ વર્ષની ઉંમરમાં તેણે આકાશવાણી કલકત્તા માટે ગાવાની શરુઆત કરી. 10 વર્ષની ઉંમરમાં અલકા પોતાના માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મમેકર રાજ કપૂરને મળી. રાજ કપૂરને અલકાનો અવાજ ગમ્યો અને એમણે અલકાની મુલાકાત લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કરાવી. એક વાત એવી પણ છે કે અલકા ચાર વર્ષની ઉંમરથી સ્ટેજ પર ગાતી હતી. એને એેક પ્રોગ્રામમાં સાંભળીને સંગીતકાર કલ્યાણજી આણંદજીએ એને મુંબઇ તેડાવી અને ફિલ્મ પ્લેબેક સિંગિંગ માટે તૈયાર કરી. કલ્યાણજી આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયન વચ્ચેના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ૧૯૮૮માં આવેલી ફિલ્મ તેજાબના ગીત ‘એક દો તીન’ પછી અલકાને પ્લેબેક સિંગર તરીકે વધુ ઓળખ મળી. પછી એણે ૧,૨,૩ નહીં પરંતુ ૧૦૦ જેટલા હીટ ગીતોનો ગુચ્છ ચાહકો સમક્ષ ધરી દીધો. તેજાબના આ ગીતે તેને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ત્યાર પછી અલકાએ લગભગ ૭૦૦થી વધારે ફિલ્મોમાં ૨,૦૦૦ કરતાં વધુ ગીતો ગાયાં છે.
૧૯૮૦ – ‘૮૫ પછી લતાજી અને આશાજીની પ્રવૃત્તિ થોડી મર્યાદિત થવા લાગી અને પાર્શ્વગાયન ક્ષેત્રે જ્યારે થોડું શૂન્યાવકાશ સર્જાયું ત્યારે વિકલ્પ રૂપે પૂર્ણિમા, અનુરાધા પોંડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાધના સરગમના નામો તરી આવ્યા. પરંતુ એ અઢી-ત્રણ દાયકાની ગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ મોખરે આવે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ગુજરાતીઓ ઓછા મળે પરંતુ અલકા યાજ્ઞિકને ગૌરવપૂર્વક યાદ કરી શકાય. આતંકી ઓસામા બીન લાદેનને ગાયિકા અલકા યાજ્ઞિકનાં ગીતો બહુ પસંદ હતા પણ અલકાજીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ કદી પસંદ ન હતા.
અલકાએ હિન્દી ફિલ્મોમાં એવું વર્ચસ્વ જમાવી દીધું કે દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને. નવી પેઢીના સંગીતકારો માટે પણ અલકા અનિવાર્ય બનતી ગઈ. કોઈ પણ ગીતની ધૂન તે બહુ ઝડપથી પકડી શકતી એટલે સંગીતકારોને ય રાહત અનુભવાતી. એના કારણમાં એની શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ. પોતાના સમયની માતબર અભિનેત્રીઓ રાખી, રેખા, હેમા માલિની અને અન્યો માટે સંખ્યાબંધ હિટ ગીતો ગાયાં છે. એ અભિનેત્રીઓ સામેથી સંગીતકારને કહેતી કે અલકા અમારા ગીતો માટે માટે કંઠ. હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ ગીતો ગાનાર પ્લેબેક સિંગર્સમાં અલકા અગ્ર ક્રમે આવે છે. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે સૌથી વધારે રોમેન્ટિક ગીતો ગાયા છે. અલકામાં રહેલું શૈલી અને ભાવનું વૈવિધ્ય જુદા જુદા પ્રકારનાં ગીતો સાથે આભમાં પીંછું ફરે એમ વિસ્તર્યું છે.
બોલિવૂડમાં અલકાએ અનેક સુપરહિટ ગીતો આપ્યાં છે અને એની કદર પણ યોગ્ય સમયે થઇ છે. બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં અલકા યાજ્ઞિકનું નામ ફિલ્મફેરમાં ૩૫ વાર નોમિનેટ કરવામાં આવ્યું, જેમાંથી ૭ વાર અવોર્ડ મેળવ્યો. આ સિવાય બે નેશનલ એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. તેના જેટલા એવોર્ડ્સ તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને મળ્યા નથી. ઓગસ્ટ, ૨૦૧૯ના વર્ષમાં જ અલકા યાજ્ઞિકને ભારત સરકારના પ્રતિષ્ઠિત એવોર્ડ અટલ મિથિલા એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. આશા ભોંસલેને તેમની કારકિર્દીમાં સાત ફિલ્મફેર મળ્યા છે. અલકાને પણ એટલા મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને ‘પંછી નદીયાં…’ ‘જાને ક્યૂ… (દિલ ચાહતા હૈ), ‘કભી અલવિદા ના કહેના’ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થાય છે. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ચાંદ છૂપા બાદલ મેં’ ગીતમાં સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાય વચ્ચેની કેમેસ્ટ્રી જોરદાર દેખાય છે. પણ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર આ સ્વરાંકનને એક પગથિયું વધુ ઉપર લઈ જાય છે.
સમય સાથે તાલ મિલાવતી અલકાને ‘તાલ’માં એ. આર. રહેમાને ‘તાલ સે તાલ મિલા’ ગવડાવ્યું ત્યારે તે ચોથા ફિલ્મફેર માટે લાયક સાબિત થઈ. વાતની મજા એ હતી કે ‘તેજાબ’ પછી ‘ચોલી કે પીછે’ (ખલનાયક) અને ‘જરા તસવીર સે તું’ (પરદેશ) ગીતોએ એને ફિલ્મફેર અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ ફિલ્મ હતી, જેમ ‘તાલ’ ઘાઇની હતી. એક સમયે અલકા યાજ્ઞિકના સ્વરના એવા સિક્કા પડતા હતા કે એના વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નહોતું. તેને ૧૯૯૩ની ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં ‘ઘૂંઘટ કી આડસે દિલબરકા’ ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ ગીત માટે ય થયું હતું.
આમિર ખાન સાથેનો એક રમૂજી કિસ્સો યાદ આવતા આજે પણ અલકા યાજ્ઞિક હસી પડે છે. બનેલું એવું કે અલકા ‘કયામત સે કયામત તક’ માટે ગીત રેકોર્ડ કરી રહી હતી. ત્યારે આમિર ખાન એની સામે આવી બેસી ગયા. આમીર તે વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. અલકાએ ગુસ્સાથી એને સ્ટુડિયોની બહાર જવા કહ્યું કારણ કે આમીર વારંવાર અલકાજીને તાકી રહ્યા હતા. એમ કરવાને કારણે અલકાને વિચિત્ર લાગતું હતું અને એ ક્ષોભ અનુભવતી હતી. રેકોર્ડીંગ પૂરું થતા સ્ટાર કાસ્ટ સાથે ઓળખાણ કરાવતા અલકાને ખ્યાલ આવ્યો કે આમીર મેઈન હીરો છે. પછી તો અલકાએ હસતા હસતા માફી પણ માગી. આમીરે પણ માફી આપી. જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.
જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.
એક ગીત માટે લાખો રૂપિયા ચાર્જ લેતા નવા ગાયકોને ખ્યાલ પણ નહીં હોય કે લીજેંડ ગણાતા આપણા લતાજીને આટલી ઊંચાઈ પર પહોંચતા કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. એક જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ લખે છે કે ‘લતાનું ‘મહલ’ માટે ગાયેલું ગીત ‘આયેગા આયેગા’ સાંભળીને આજેય આપણે ડોલી ઉઠીએ છીએ એ ગીતનું રિહર્સલ પાંચ દિવસ સુધી ચાલ્યું હતું અને ત્યાર પછી જ ઓ.કે. થયું હતું. લતાને એ વાતનો રંજ છે કે તેમના ગળાએ પાંચ પાંચ દિવસની કાળી મજૂરી કરી હોવા છતાં એ ગીત ગાવાનો એક કાંણિયો પૈસોય તેમને હજી સુધી મળ્યો નથી, એટલું જ નહીં, એ ગીતની રેકર્ડ પર તેમનું નામ પણ નથી. ટૂંકમાં આવું સુંદર ગીત ગાવાના પૈસા તેમજ પ્રતિષ્ઠા તે પામ્યા નથી’.
અલકાએ ૧૯૮૯માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી. બન્ને અલગ અલગ ફીલ્ડના છે, માટે તેમણે નિર્ણય કર્યો કે અલગ અલગ રહીને પોતાના કામ પર ફોકસ કરશે. તેમની એક દીકરી છે સાયશા. સિંગર અલકા યાજ્ઞિકે એકલા હાથે દીકરીના લગ્ન કર્યા. પોતાની દીકરીનાં લગ્નમાં એક ઇમોશનલ સિંગિંગ પરફૉર્મેન્સ પણ આપ્યું હતું. અલકાનું આભિજાત્યપણું એ વાતમાં દેખાઈ આવે કે એણે લતા, આશા કે બીજા કોઈ વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત નથી કરી બલકે, તે સૌનો સતત આદર કરે છે. કોઇ સારું ગીત અન્ય ગાયિકા પાસે ચાલી જાય તોય તેણે કદી કોઈ ઈર્ષા કે બળાપો પ્રગટ નથી કર્યો. ગાયકીની શ્રેષ્ઠતા જેવું જ અલકાનું આભિજાત્ય છે. એનો કોઈ ફિલ્મફેર એવોર્ડ મળતો હોત તો ચોક્કસ એમને જ મળે…!
ઇતિ
નાનું સરખું જુઠ્ઠાણું પણ માણસનો નાશ કરી શકે છે, જેમ ઝેરનું એક ટીપું પણ દૂધનો નાશ કરે છે.
-ગાંધીજી
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
