દીપક ધોળકિયા
સાઇમન કમિશન સામે વિરોધનો વંટોળ, લાલા લાજપત રાય પર પોલીસનો હુમલો અને એમનું મૃત્યુ, આનો બદલો લેવામાં સૌંડર્સની હત્યા, ઍસેમ્બ્લી બોંબકાંડ, અને એમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા…તે પછી વાઇસરૉય પર હુમલાના બે નિષ્ફળ પ્રયાસ. ઘટના ચક્ર બહુ ઝડપભેર ફરતું હતું.
આ દરમિયાન, મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો. બરાબર એ જ સાથે ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ બીજા ‘લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. એમાં ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ આરોપી હતા. પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી
૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો બચાવ કરેલો છે. એમણે ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટને જંગલી અને અમાનવીય ગણાવતાં કહ્યું કે એ કાનૂને કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું”
માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.
ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –
“એ કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે આ સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”
૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.
જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.
ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.
લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.
૦૦૦
સંદર્ભઃ
ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).
https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
