ભગવાન થાવરાણી
આજે વાત કરવી છે બે નાટકોની. બન્નેમાં માત્ર એક જ સમાનતા છે અને તે એ કે બન્નેનું કથાવસ્તુ માત્ર એક જ રાત્રિમાં પુરું થાય છે. એક નાટક બંગાળ – ભારતના શીર્ષસ્થ નાટ્યકાર બાદલ સરકાર લિખિત છે જેના હિંદી રૂપાંતરણનું નામ છે ‘ સારી રાત ‘. એ છેક ૧૯૬૩ માં લખાયું હતું. બીજું નાટક દસેક વર્ષ પહેલાં સુમન્ના અહમદ અને સૈફ હૈદર હસન દ્વારા સંયુક્ત રીતે લખાયું છે. નામ છે ‘ એક મુલાકાત ‘. ‘સારી રાત’ માં ત્રણ પાત્રો છે જેમના નામ છે સ્ત્રી, પુરુષ અને વૃદ્ધ. ‘એક મુલાકાત’ ના બે પાત્રોના નામ જાણીતા છે. અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી. બન્ને નાટકોની કથા રાત્રિના શરુ થાય છે અને સવાર પડતાં, દર્શકો સમક્ષ અનેક પ્રશ્નાર્થો મૂકી સમાપ્ત થાય છે.
બાદલ સરકાર એટલે ભારતીય રંગભૂમિનું બહુ મોટું નામ. હબીબ તનવીર, મોહન રાકેશ, વિજય તેંદુલકર અને ગિરીશ કર્નાડ સાથે એકી શ્વાસે લેવું પડે તેવું. એવમ ઈંદ્રજીત, પગલા ઘોડા, બાસી ખબર, બાકી ઈતિહાસ જેવા સુપ્રસિદ્ધ નાટકો લખનાર આ સર્જકના અનેક નાટકો ગુજરાતીમાં પણ ભજવાયા છે. ‘ સારી રાત ‘ શરુ થાય છે એક તોફાની વરસાદી રાતમાં ફસાયેલા એક યુગલ – સ્ત્રી અને પુરુષ – ના આશ્રય લેવા એક હવેલીનુમા મકાન પ્રવેશથી. એ વખતે જ પતિ પત્ની વચ્ચે નાની-મોટી નોંકઝોંક અને દલીલો ચાલુ છે. અચાનક એક વૃદ્ધ પ્રગટ થઈ એમને આવકારે છે. એ એમને નિશ્ચિંત થઈ અહીં રાતવાસો કરવાનું કહે છે. પ્રથમ સશંક સ્ત્રી અને પુરુષ ધીમે ધીમે આશ્વસ્ત થાય છે. આખરે પ્રશ્ન તો તોફાન શમે ત્યાં લગીનો જ છે ને !
વૃદ્ધ અને દંપતિ વચ્ચે સંવાદની શરુઆત થાય છે પુરુષની એ વાતથી કે વરસાદ કદાચ ‘ આખી રાત ‘ નહીં રોકાય અને વૃદ્ધનો જવાબ કે ‘ માણસ ઊંઘ્યા વિના ખુલ્લી આંખે રાતોની રાતો વિતાવી દેતો હોય તો એક રાતની શી વિસાત ! ‘ ખબર પડે છે કે વૃદ્ધ આ હવેલીનો માલિક છે, એકલો છે અને અહીં જ રહે છે.
હળવી ઔપચારિક વાતો પરથી સરકીને એમની વાતચીત ગંભીરતાના સ્તરે પહોંચે છે જેની શરુઆત થાય છે વૃદ્ધને સ્ત્રી દ્વારા પૂછાતા આ પ્રશ્નથી ‘ તમે આવડા મોટા મકાનમાં એકલા જ છો ? ‘ જેના જવાબમાં વૃદ્ધ પ્રતિપ્રશ્ન કરે છે ‘ તમે પણ એકલા નથી ? ‘ બંને પતિપત્ની હાંફળા ફાંફળા કહે છે ‘ અમે ક્યાં એકલા છીએ ? ‘. વૃદ્ધ વાત વાળી લે છે.
વાતમાંથી વાત નીકળતી જાય છે અને જઈ સ્પર્શે છે લગ્ન છતાં જિંદગીમાં અનુભવાતી એકલતાને. ધીમે ધીમે ખૂલે છે કે પુરુષ પ્રથમ દ્રષ્ટિએ એક સમર્પિત, ઈમાનદાર અને વફાદાર પતિ હોવા છતાં હુંપદ ધરાવતો અને પત્નીનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાની ઘસીને ના પાડનાર લાક્ષણિક હિંદુસ્તાની ધણી છે. સ્ત્રી લગ્રની નાગચૂડમાં સપડાયેલી નિ:સહાય ભારતીય નારી ! એને જિંદગીભરનું ‘ સુખ, શાંતિ અને સલામતી ‘ જોઈતા નથી . એને જોઈએ છે પરમ આનંદ અને તૃપ્તિની, પોતાના અસ્તિત્વની સાર્થકતાની થોડી તો થોડી પણ બહુમૂલ્ય ક્ષણો ! વૃદ્ધ સ્ત્રીના મનને ખોતરી એને વધુને વધુ ઊંડે લઈ જાય છે. નાટ્ય લેખક પણ દર્શકોની ભીતર લગી જઈ કશુંક અજ્ઞાત, રાખ વળી ગયેલું બહાર લાવવા મથે છે. કવિતા, કોયડા, ગંજીપાની હળવી રમતોથી શરુ થયેલી વાત પહોંચે છે મનના અજ્ઞાત દુર્ગમ ભોંયરાઓ લગી ! વૃદ્ધ કહે છે ‘ દર સાત વર્ષે જીવનનું એક પ્રકરણ પૂરું થાય છે અને માણસ નવેસરથી જીવનને મૂલવવાનું શરુ કરે છે. ‘ સ્ત્રી પુરુષના લગ્નને બરાબર સાત વર્ષ જ થયા છે !
એ વાત પણ સપાટી પર આવે છે કે સ્ત્રી અને પુરુષના સ્વયંને, એકબીજાને અને એમના લગ્નજીવનને જોવાના દ્રષ્ટિકોણ સાવ અલગ છે. પતિ વ્યવહારુ છે તો પત્ની ‘ વધારે પડતી કલ્પનાશીલ અને બાલિશ ‘ છે. પતિને બાળક જોઈએ છે પણ એટલા માટે કે પત્નીમાં થોડીક પરિપક્વતા આવે ! એને પત્નીમાં રહેલો ન સમજાય એવો અજંપો ગમતો નથી.
સ્ત્રી કબૂલ કરે છે કે એ પણ વૃદ્ધની જેમ અડધી રાતે અચાનક જાગી જાય છે અને બારી બહાર તાકતી રહે છે. ઘસઘસાટ ઊંઘવા ટેવાયેલા પુરુષને એ ખબર જ નથી !
વરસાદ અને તોફાન રહી જતાં, પોતાની ભીતરી દુનિયા સાથે થયેલા સાવ જ નવા સાક્ષાત્કાર સાથે એક નવું તોફાન સાથે લઈ પતિ પત્ની સવાર પડતાં વિદાય થાય છે.
૨૦૧૫ માં દિગ્દર્શિકા અપર્ણા સેને આ વિલક્ષણ નાટક પરથી ‘ સારી રાત ‘ નામની સુંદર ફિલ્મ બનાવેલી. ફિલ્મમાં સ્ત્રી, પુરુષ અને વૃદ્ધના પાત્રો ભજવ્યા છે કોંકણા સેન શર્મા, ઋત્વિક ચક્રવર્તી અને અંજન દત્તે.
‘ એક મુલાકાત ‘ ની વાત કરીએ. અહીં પણ વાત છે કેવળ એક રાતની. સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમના સંબંધોની વાત સર્વેને સુવિદિત છે. નાટકમાં એક રાતે સાહિર અચાનક વણકહ્યા અમૃતાના દિલ્હીના ઘરે આવી ચડે છે. બન્ને વર્ષો પછી મળી રહ્યા છે. આરંભાય છે એક કાવ્યમય, ફરિયાદમય, દાવા-પ્રતિદાવા મંડિત બે ખરાં સાક્ષરો વચ્ચેની રાત્રિ ! બન્નેની વાતચીતમાં બન્ને વચ્ચેના પ્રેમના રાખ વળી ગયેલા લાલઘૂમ અંગારા દેખા દેતા રહે છે. સાહિરે લખેલ કવિતાઓ ‘ અભી ના જાઓ છોડ કર ‘ અને ‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ ‘ વચ્ચે વચ્ચે નેપથ્યે ગુંજતી રહે છે.
જે સાથે વીતાવી શક્યા હોત પણ વીતાવી ન શક્યા એ જિંદગીની વાત બન્ને કરે છે. સાહિર અમૃતાને એના વર્તમાન પ્રેમી ઈમરોઝની યાદ અપાવે છે તો અમૃતા એમ કહી બચાવ કરે છે કે દરેકને ઊભા રહેવા ઠોસ જમીનની જરૂર પડે . અમૃતા પણ સાહિરને એના ગાયિકા સુધા મલ્હોત્રા સાથેના સંબંધો અંગે હળવા લહેજામાં કહે છે. વાતચીતમાં બન્નેની એકમેક તરફની રીસ અને એકમેક વિનાની એકલતા પણ વ્યક્ત થતી રહે છે. બન્નેની કવિતાઓ ઉપરાંત વિભાજન, સ્ત્રી-પુરુષ અસમાનતા, લગ્ન સંસ્થા, શરાબ સેવન અને સંગીતની વાતો પણ થાય છે.
વચ્ચે એક – બે વાર અંદરના કમરામાં ટેલિફોન રણકે છે પણ લાઈન ખરાબ હોવાથી કપાઈ જાય છે.
મળસ્કે અમૃતાના રોકાઈ જવાના આગ્રહ છતાં સાહિર જિદ્દપૂર્વક નીકળી જાય છે.
સાહિરના ગયા પછી આખરે મુંબઈથી આવતો પેલો કોલ લાગે છે. એ કોલ શેના અંગે હતો એ અધ્યાહાર રાખીએ. રસક્ષતિ ન થાય એ ખાતર !
આ નાટકના અત્યાર સુધીના બધા પ્રયોગોમાં અમૃતા પ્રીતમની ભૂમિકા
દીપ્તિ નવલ અને સાહિરની ભૂમિકા
શેખર સુમને ભજવી છે. નાટકના દિગ્દર્શક સૈફ હૈદર હસન આ અગાઉ ‘ આઈને કે સૌ ટુકડે ‘ અને પછીથી ગુરુદત્ત અને ગીતા દત્તના સંબંધો પર આધારિત નાટક ‘ ગર્દિશ મેં તારે ‘ સર્જી ચૂક્યા છે. નાટક ઉપર અગાઉ ભજવાઈ ગયેલ
એમ એસ સથ્યુ નિર્દેશિત ‘ એક થી અમૃતા ‘ ( જેના પાત્રોમાં સાહિર અને અમૃતા ઉપરાંત ઈમરોઝ પણ છે )અને અમૃતા પ્રીતમની આત્મકથા ‘ રસીદી ટિકટ ‘ ની અસર છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
રસપ્રદ લેખ.
LikeLike
આભાર સર્યુંબહેન !
LikeLike