અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
ગુજરાતની વિવિધ બોલીઓના સર્જનાત્મક સાહિત્યમાં પ્રયોગ વિશે અભ્યાસો થતા રહે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ,એ બે પ્રદેશો એવા છે જેમનાં સાહિત્યનો પણ અલગ રીતે વિચાર થતો રહ્યો છે. આનું કારણ કદાચ એ છે કે આ બે પ્રદેશના સાંસ્કૃતિક રંગો નોંધ પાત્ર રીતે નિરાળા તરી આવે છે અને તેમની તાસીર ધ્યાનાકર્ષક રીતે તેમના સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. સાહિત્ય અને સંસ્કૃતિનો સંબંધ સમજવામાં આ બે પ્રદેશનું સાહિત્ય સચોટ દ્રષ્ટાંતરૂપ બને એમ છે. એમાંય કચ્છનો કિસ્સો અત્યંત વિશિષ્ટ છે. એની પોતાની આગવી ભાષા છે, એમાં રચાયેલા સાહિત્યની ઠીક ઠીક લાંબી પરંપરા છે અને વર્તમાન સમયમાં પણ તેને ટકાવી રાખવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે તે જોવું ખૂબ રસપ્રદ છે. આમ છતાં ગુજરાતી, એ પણ કચ્છને માટે પરાઈ ભાષા નથી, એના સર્વક્ષેત્રીય વ્યવહારનું એ પણ પરંપરાગત માધ્યમ છે-સાહિત્યનું પણ. આ બે ભાષાનો આ પ્રદેશમાં અરસપરસ પ્રભાવ પણ દેખાઈ આવે એવો છે.
કચ્છનો ભૂમિભાગ વિશાળ છે. એની ભૌગોલિક પરિસ્થિતિમાં ખાસ્સું વૈવિધ્ય છે. વસતી પાંખી છે પરંતુ એમાં જુદી જુદી જાતિ અને કોમના લોકો વસે છે. એમના વ્યવસાય, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મ, કલાકારીગરી, પહેરવેશ, નૃવંશીય ખાસિયતો એકાબીજાથી ભિન્ન છે. એમની વાણીમાં વિલક્ષણતા શ્રવણે પડે છે. આ કારણે કચ્છની ભોમકાને ભાતીગળ કહી છે. એની સાંસ્કૃતિક મુદ્રામાં આ ભાત નજરે પડે છે અને છતાં ધરતી પ્રત્યેનો ઊંડો પ્રગાઢ પ્રેમ, કચ્છીપણાનું ઉગ્ર ભાન સહુને એકસૂત્રિત કરે છે. સરહદી પ્રાંત, ભૌગોલિક વિષમતાને લઈને પડી જતું અંતર અને એને કારણે ઊભી થતી એકલતા, કયારેક અનુભવાતી અસહાયતા, એથી જન્મતી અન્યાય અને અસમાનતાની લાગણી, જાગી ઊઠતું ખમીર અને આત્મગૌરવ, આવાં આવાં પરિબળો પણ એની સાથે ગૂંથાય છે અને સાહિત્યમાં સંદર્ભ પામે છે. સાહિત્યમાં બીજું ઘણુબધું હોય છે પરંતુ કચ્છ જેવી વિલક્ષણ ભૂમિમાં સરજાયેલા સાહિત્યમાં આવી વિશિષ્ટ પરિસ્થિતિ અને પરિબળોએ જગવેલો એક અલગ તરી આવતો સૂર અવશ્ય સાંભળી શકાય છે.
ધીરેન્દ્ર મહેતાની વિવેચના
ધીરેન્દ્ર મહેતાની પ્રથમ અને કદાચ અંતિમ ઓળખ પણ એક નીવડેલા સર્જકની છે. બાર જેટલી જેટલી નવલકથાઓ, ચાર વાર્તાસંગ્રહો , ત્રણ કાવ્યસંગ્રહોના સર્જક તરીકે તેઓ અનેક સન્માનોથી સન્માનિત થયા છે ને સન્માનોને પણ ગૌરવાન્વિત કર્યા છે.
તેમનાં સર્જનની લગોલગ ચાલતી રહેલી તેમની વિવેચન સમૃદ્ધિ એટલી જ માતબર છે, જેના તરફ અભ્યાસીઓનું હજુ જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું નથી. તેમનો મહાનિબંધ ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’૧૯૮૪માં ‘નંદશંકરથી ઉમાશંકર’ શીર્ષકથી પ્રગટ થયો ને તાજેતરમાં ‘દર્શક અને બીજાઓ વિષે’(૨૦૧૫) નામનો એમનો અગિયારમો વિવેચનસંગ્રહ પ્રસિદ્ધ થયો,જેમાં એમના વિવેચક તરીકેના ત્રણ દાયકાથી તપઃપૂત વિવેચનાનો સાંગોપાંગ પરિચય સાંપડે છે.
ધીરેન્દ્ર મહેતાએ પોતાના પ્રદેશ કચ્છને મનભરીને ચાહ્યો છે. ને તેથી જ તેમનાં સર્જનમાં તો કચ્છનો પરિવેશ ડોકાય જ છે; પણ તેમના વિવેચનમાં તેમણે પોતાના આ પ્રદેશવિશેષને પૂરી નિસબતથી મૂકી આપ્યો છે. આ વિષે આપણને તેમની પાસેથી બે મહત્વના પુસ્તકો સાંપડે છે. તેમાંનું પ્રથમ છે ‘ઘટડો મિંજ તો ગરે’ જેમાં કચ્છી કવિતાનું આયોજનપૂર્વકનું વિવેચન છે. આ કૃતિ કચ્છી કવિતાનાં વિવેચનનો પહેલવહેલો વિવેચન સંગ્રહ છે ને એની પ્રસ્તાવનામાં કચ્છી કવિતાનો ‘તૃણના શિખરેથી આકાશદર્શન’ શીર્ષક હેઠળ અપાયેલો ઈતિહાસ મૂલક પરિચય છે, જે બહુમૂલ્ય પ્રમાણિત થાય તેવો છે.
કચ્છી સાહિત્ય વિશેના આ અભ્યાસમાં ધીરેન્દ્ર મહેતાએ કચ્છનું લોક સાહિત્ય, કચ્છી વ્રજભાષા પાઠશાળા, મેકણથી આરંભાયેલી કચ્છી સંત પરંપરા, નગરજીવનના કવિઓ ને સાંપ્રત કચ્છી કવિતા જેવા અનેક વિષયોનું આધુનિક સંદર્ભે મૂલ્યાંકન કર્યું છે. ધીરેન્દ્ર મહેતાનાં કેટલાંક નિરીક્ષણો કદાચ પહેલી વાર જ વાર થયેલાં છે ને તેથી તેનું ઐતિહાસિક મૂલ્ય છે. કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ :
‘દુલેરાય કારાણીનું કાવ્ય સાહિત્ય દેશના સરહદી પછાત વિસ્તારની એક ગૌણ ભાષામાં સર્જનાત્મક શક્યતા અને ક્ષમતા પડેલી છે. તેનો જીવતો જાગતો પુરાવો છે. સમગ્રપણે આ પ્રદાનનું જે મહત્ત્વ છે તે સાંસ્કૃતિક છે એમ કહી શકાશે.’
સમગ્ર અભ્યાસના નિષ્કર્ષરૂપે ધીરેન્દ્ર મહેતાએ ભવિષ્યના અભ્યાસીઓ માટે કેટલાક સંકેતો પણ આપ્યા છે.
સમગ્ર કચ્છી કાવ્યસાહિત્યના વિગતપૂર્ણ ઐતિહાસિક અધ્યયનની આવશ્યકતા; કચ્છી સંતોની વાણીની અન્ય ભાષાના સંતો સાથે તુલનાની આવશ્યકતા; કચ્છી કવિતાના પ્રકારો, કચ્છી કવિતામાં વતન પ્રીતિ વગેરે જેવા વિષયો અભ્યાસીઓની રાહ જુએ છે.
મહાનગરમાં વસીને પ્રદેશને ચાહતા ને પોતાના સર્જનમાં એને આકારતા કવિઓ વિશે ધીરેન્દ્ર મહેતાનું નિરીક્ષણ છે તેમ, ‘ડો. જયંત ખત્રીનાં પાત્રો જાકારો દેતી ધરતીની છાતીએ વળગી રહે છે એ રીતે માતૃભૂમિને વળગી રહ્યો નથી એ કચ્છી માડુ પૃથ્વીને ખૂણે ખૂણે પથરાયો છે, પોતાની કર્મઠ પ્રકૃતિથી એણે આધિપત્ય પણ જમાવ્યું છે, પણ એના પોતાના પર ત્યાંનો ઢોળ એણે ખાસ ચઢવા દીધો નથી. એ ધરતી ઉપર પણ પોતાની આસપાસ એ કચ્છની આબોહવા ઊભી કરી લે છે. વતન ભલે દૂર હોય, એની વાણી એને હૈયે છે. કચ્છી ભાષા, આ કચ્છી માડુ દુનિયાને કોઈ પણ છેડે હોય તોપણ એનો છેડો એની પોતાની ધરતીના છેડા સાથે બાંધી રાખે છે, એને એની અસલ સભ્યતા તથા સંસ્કારો જીવતાં રાખે છે. એ એના અંગત વિશ્વની ભાષા છે, જ્યાં માત્ર એનાં આપ્તજનોની વસાહત છે. કચ્છીમાં વ્યક્ત થતાંવેંત આ લોકો વચ્ચેનાં તમામ અંતર ઓગળી જાય છે. કચ્છીઓ પોતાની ભાષા વડે માત્ર સંકળાતા નથી, બંધાય છે.
આ જ સંદર્ભમાં અનુસંધિત એવી નાનકડી પુસ્તિકા ‘મોરચંગના સુર’માં કચ્છનાં અન્ય સાહિત્યનો પરિચયાત્મક આલેખ વિગતે અપાયો છે, જેમાં કચ્છી સામયિકો, કચ્છની સંસ્થાઓ, કચ્છનું પત્રકારત્વ જેવા મુદ્દાઓ વિગતે ચર્ચાયા છે.
ધીરેન્દ્ર મહેતાનાં આ બંને વિવેચનોમાં પ્રદેશની તાસીર એની લગભગ લાક્ષણિકતાઓ સાથે એટલી તો ઝીણવટથી ચર્ચાઈ છે કે કોઈ સમર્થ સર્જક પાસેથી પ્રદેશવિશેષનું આવું વિવેચન કદાચ આ પ્રથમ જ હશે એમ કહેવામાં અત્યુક્તિ નથી.
ધીરેન્દ્ર મહેતાએ ડો. જયંત ખાતરી અને સ્નેહ રશ્મિ વિશે મોનોગ્રાફ આપ્યા છે, જયંત ખાતરી વિષે તો ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું વિવેચન આપતું આ પહેલું જ પુસ્તક છે. ડો. ખત્રીનાં એક સર્જક તરીકેનાં તમામ પાસાં અહીં આ રીતે પહેલીવાર ચર્ચાયાં છે જે ડો. ખત્રીના પછીના અભ્યાસીઓ માટે અનિવાર્ય સંદર્ભ સામગ્રી બની રહે છે.
ધીરેન્દ્ર મહેતા પાસેથી કેટલાંક ઉત્તમ સંપાદનો સાંપડ્યાં છે જેવાં કે : ‘રણની આંખમાં દરિયો’(૧૯૮૬,૨૦૧૧), ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ (૨૦૦૦,૨૦૦૪), ‘ગુજરાતી કવિતાચયન: ૨૦૦૦ (૨૦૦૩), ‘વાનું પાંધીની સાગરકથાઓ’ (૨૦૦૯), ‘સુકાનીની સાગર કથાઓ’ (૨૦૧૨).
‘રણની આંખમાં દરિયો’ માં કચ્છના સર્જકો દ્વારા રણ અને દરિયાને અનુલક્ષીને સર્જાયેલી વાર્તાઓ એનાં લાઘવપૂર્ણ અવલોકન સાથે સંપાદિત થઇ છે. એ જ રીતે વાર્તાકાર તરીકે સજ્જ અને સમર્થ હોવા છતાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓને કારણે તેમ જ પ્રચાર –પ્રસારના અભાવે અલ્પખ્યાત રહેલા ‘સુકાની’ અને વનુ પાંધીની વર્તાકલાને ઉજાગર કરવાનો પરિશ્રમ લેખકે આ સંપાદનમાં કયો છે. આ બંનેને સાદર અંજલિ આપતા લેખકનું માનવું છે તેમ, “સુકાની’ને આ સાગરકથાઓ સંકલ્પપૂર્વક લખેલી છે. શો હેતુ છે એનો? સાહસની પ્રેરણા તો ખરી જ. સાહસની સાથે વણાયેલાં હિમ્મત, દ્રઢતા, ઝિંદાદિલી, આત્મવિશ્વાસ, આપબળ, સંકલ્પશક્તિ, આત્મ ગૌરવ જેવા વ્યક્તિઘડતર માટે અગત્યના ગણાય એવા ગુણ વિશેષો આપોઆપ આ કથામાંથી સ્ફૂરી રહે છે. સ્વદેશપ્રેમ અને સ્વદેશાભિમાન જેવી વ્યાપક અને આજે પ્રમાણમાં ક્ષીણ થતી જતી ભાવનાનો ઉદ્ઘોષ ‘દરિયાનો દાનવ’ વાર્તામાં થયેલો છે તે ઘણો પ્રેરક નીવડે એવો છે. વાર્તાનાયક ફોન લ્યુકનેરના હૃદયમાં રહેલી અહિંસા અને માનવાતાની દ્રઢ પ્રતીતિ પણ અત્યંત વિરલ અને પ્રેરણાદાયી છે. સમુદ્રજાતિની ગૌરવંતી પ્રજા પ્રત્યે લેખના મનમાં કે વાર્તાની વચ્ચે એક યા બીજી રીતે પોતાનો આ પ્રકારનો ભાવ પ્રગટ કર્યા વિના એ રહી શક્યા નથી. એમ લાગે છે કે એથી અજાણ અત્યારની પેઢીને એ તેજસ્વી વારસાથી વાકેફ કરવાનું એમણે જરૂરી માન્યું છે.
‘બહુહેતુલક્ષી અને મૂલ્યનો મહિમા કરતી આ વાર્તાઓ એના લેખકના માનવજીવાભીમુખી અભિગમનું સૂચન કરે છે અને આ કૃતિઓ કેવળ રંજનલક્ષી નથી એમ સિદ્ધ કરી એની ગુણવત્તા દર્શાવી આપે છે.’
એ જ રીતે વાર્તાકાર ડો. મનુભાઈ પાંધીની આલોચના કરતાં નિરીક્ષણો પણ ધ્યાનપાત્ર બને છે; (તેમના) ‘વર્તાજાગતમાં જે બે અનોખાં તત્ત્વો ધ્યાન ખેંચે છે – તેમાંનું એક છે મુસ્લિમ સમાજનાં પાત્રો અને બીજું છે પ્રાણીઓનો પાત્રરૂપે વિનિયોગ. જેમ ગુજરાતી સમાજમાં તેમ વાર્તા સમાજમાં પણ મુસ્લિમકોમ લઘુમતીમાં છે. એ પરિસ્થિતિમાં મનુભાઈ પાંધીની વાર્તાઓમાં તેની વસ્તી ગણતરી કરવા જેવી છે. નજીકથી જોયેલા સમાજનું અને વ્યક્તિઓનું મનુભાઈએ એમાં નિરૂપણ કર્યું છે. પ્રાણીપાત્રોમાં યાદગાર છે. મનુભાઈની નોંધપાત્ર વાર્તા ‘બેકાબૂ’નો કમાલ નામનો અશ્વ.’
ધીરેન્દ્ર મહેતાએ ‘સુકાની’થી માંડીને એમના પૂર્વકાલીનો એવા ડો. ખત્રી,ડો. પાંધી, નાનાલાલ જોશી ને સમકાલીનો વાનું પાંધી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી ને અનુકાલીનો એવા કચ્છી કવિઓ ને માવજી મહેશ્વરી જેવા ગુજરાતી સર્જકોના કર્તૃત્વનું મૂલ્યાંકન કરીને એક બાજુથી પૂર્વજોનું ઋણ અદા કર્યું છે; સમકાલીનોની તટસ્થ જાળવણી કરીને અનુકાલીનોની શક્તિઓને તાગી બતાવી છે. પોતાના પ્રદેશ પર આ પ્રકારે ઊંડાણમાં ઊતરીને કોઈ સર્જકે પ્રદેશનું આવું ગૌરવ કર્યાના ઉદાહરણો ઝાઝાં ન જડે. એ અર્થમાં ધીરેન્દ્ર મહેતાએ પ્રદેશને આપેલો આ અર્ધ્ય અનોખું મુલ્ય ધરાવે છે.
ડો. ધીરેન્દ્ર મહેતાની કચ્છ પ્રદેશનો એમના પૂર્વજોને સમકાલીનો ને અનુકાલીનોને લક્ષતી ને ઉજાગર કરતી કૃતિઓ આ પ્રમાણે છે :
રણની આંખમાં દરિયો – ૧૯૮૬,૨૦૧૧
ઘટડો મિંજતો ગરે – ૧૯૯૩
મોરચંગના સૂર -૧૯૯૫
સુકાનીની સાગરકથાઓ – ૨૦૧૨
વનુપાંધીની સાગર કથાઓ – ૨૦૦૯
જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ -૨૦૦૦
સર્જક અલક – ૨૦૧૫
સુકાની પરિચય પુસ્તિકા – ૨૦૧૫
જોઈ શકાય છે કે તેમનાં સર્જનની લગોલગ પ્રદેશના સર્જકોને ઉજાગર કરતાં વિવેચનો- સંપાદનો ધીરેન્દ્ર મહેતા પાસેથી આપણને સાંપડ્યાં છે.
આ પ્રકારનું કામ થઇ શક્યું એમાં મૂળિયામાં કર્યાં. તો રણની આંખમાં દરિયોની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે “કચ્છના લેખકોએ… મંતવ્ય છે.’
સુકાનીમ વનુ પાંધી , મનુ પાંધી, નાનાલાલ જોશી જેવા પૂર્વજો ને માટે સમકાલીનો જેમણે કચ્છ પ્રદેશને, નવલિકાના સ્વરૂપને આગવી મુદ્રા… છે તે કચ્છના પરિવેશને પ્રદેશ કક્ષાએ આગળ મૂકી આપ્યા છે. પણ લગભગ હમણાં સુધી પ્રજાનું ધ્યાન તેમના પર ખેંચાયું નહોતું જે ખેંચાવાનું વિવેચક કૃત્ય ને અનુજકૃત્ય કરીને ધીરેન્દ્ર મહેતાએ પોતાની પ્રદેશપ્રીતિની સાથોસાથ પૂર્વજપ્રીતિ ને નિસબતનોય પરિચય આપણને સંપડાવ્યો છે.
ધીરેન્દ્ર મહેતાનાં આ સંપાદનો, વિવેચનો ને સંપાદનોમાં શુદ્ધ સંશોધનાત્મક અભિગમ પ્રગટ થાય છે. સંપાદનની સૂઝ તેમનાં આ સભ્યો દીપમાળાની જેમ એકમાંથી એક પ્રકાશિત થતા રહ્યા જેમાં મૂળમાં એનાં વિદ્યાપ્રીતિ જ નહી વિદ્યાપાસનાની વૃત્તિ ઉજાગર થતી જણાય છે. વિદ્યાની અંખડ ઉપાસના કરનારને જ આવું સુઝતું હોય છે.
તેઓ પોતે જ આવાં ઉત્તમ અભ્યાસ. કામો કરીને અટક્યા નથી, પણ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ ને મિત્રોને આવા ધૂળધોયા કામ કરવા પ્રેર્યા –ઉતેજ્યા છે જેના દ્રષ્ટાંતરૂપે રતનબાઈની કવિતા ( દર્શના ધોળકિયા) સાજન ભગત ( રમણીક સોમેશ્વર) જેવા અભ્યાસલેખો તેમણે સંપડાવ્યા તો કચ્છ યુનિવર્સીટીના એમ.ફિલ. ના માર્ગદર્શક તરીકે તેમણે નાનાલાલ જોશીની વાર્તાઓ ( ફાલ્ગુની પોમલ) ને સુકાની ની સાગર કથાઓ ( મેહુલ પટેલ) જેવા … લઘુશોધો તૈયાર કરાવ્યા.
હજુ પણ તેવોના મનમાં કચ્છ વિશેના અભ્યાસ માટેની લાંબી યાદી તૈયાર જ છે. જેમના પર કાર્ય કરી રહ્યા છે.
ઘણા બધા સર્જકોના પરિચયમાં ચાલ્યા પછી મને સતત વરતાયું છે તેમ કોઈ સર્જકની આ પ્રકારની પ્રદેશની..
ડો. ધીરેન્દ્ર મહેતાએ પંચોતેર વર્ષની યાત્રા પૂર્ણ કરી ત્યારે એ નિમિત્તે તેમનો પ્રદેશ પ્રીતિને વિદ્યાપ્રીતિને તેમણે આપેલો પુરાવો આપના પ્રદેશની મોટી વિરાત બની રહે છે.
ભૌગોલિક રીતે કચ્છ અત્યંત વિલક્ષણ પ્રદેશ છે. એની એ વિલક્ષણતા આ કૃતિઓમાં પૂરેપૂરી પ્રગતી ઊઠી છે. એ પણ નોંધપાત્ર છે કે કચ્છના લેખકોની સર્જકતાનો સબળ સંસ્પર્શ પણ સૌથી વધુ એમની આ પ્રકારની કૃતિઓમાં જ અનુભવાય છે. રણ, સમુદ્ર અને વારંવાર પડતા ભીષણ દુષ્કાળનો અહીંના પ્રજાજીવન પર ઊંડો પ્રભાવ એમાં કલાત્મક તથા વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી વ્યક્ત થયો છે.
કચ્છના લેખકોને ગુજરાતના લેખકોથી અલગ તારવીને એમની વાર્તાઓની ચર્ચા શા માટે કરવી જોઈએ, એવો પ્રશ્ન પૂછી શક્ય. હું જયારે એવો ઉપક્રમ યોજુ છું ત્યારે મારા મનમાં ‘કચ્છના લેખકો’ એટલે એવા લેખકો નથી જેઓ કચ્છના વતનીમાત્ર છે પરંતુ કચ્છના એવા લેખકો છે જેમની વાર્તાઓને આ પ્રદેશ સાથે ઊંડી નિસબત છે. આ લેખકોએ આ સિવાયની વાર્તાઓ પણ લખી છે, જોવા માગીએ તો એમાં પણ એક યા બીજી જગાએ કચ્છનો સંદર્ભ જોઈ શકાશે: ક્યાંક પ્રકૃતિના કોઈ ચિત્રમાં, ક્યાંક કોઈ પ્રતીકની પસંદગીમાં કે કલ્પનની યોજનામાં જેમાં આવું કોઈ તત્વ ન હોય એવી વાર્તાઓ પણ આ લેખકો પાસેથી મળી છે પરંતુ ત્યાંકચ્છનો લેખક. ગુજરાતી ભાષાના બીજા લેખકોથી જુદો પડતો નથી. અને તો એ કચ્છનો વતની છે એવી વિગતનું આપણે મન કશું મહત્ત્વ નથી.
રણ અને સમુદ્રથી વીંટળાયેલો આ પ્રદેશ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. એનો ઘણો મોટો પથરાટ, એના અવિકસિત – લગભગ ઉજ્જડ કહી શકાય એવા અંતરાલો , વિકસિત વિસ્તારોથી એનું લાબું અંતર, અવરજવરની અડચણો, આવાં આવાં પરિબળોએ આ પ્રદેશવાસીઓના આર્થિક-સામાજિક-વ્યક્તિગત વ્યવહારો પર અને એમની જીવનદ્રષ્ટિ પર ઊંડી અને ગાઢ અસર કરેલી છે. મતલબ કે આ પ્રદેશનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. આને લીધે આ પ્રદેશના લેખકોનું કામ એક રીએ સરળ છે તો બીજી રીતે મુશ્કેલ છે. રણ અને સમુદ્રની એક નવીન સિદ્ધ સૃષ્ટિ હાથવગી હોવાને લીધે એ વાચકના મનમાં સહેલાઇથી કૌતુક જગવી શકે છે, તો બીજી બાજુ પ્રકૃતિનાં આ બે રૂપોના વર્ણનમાત્રથી કશુક નવીન સિદ્ધ કર્યાનું માની લેવાનું જોખમ પણ આ લેખકોને માથે હોય છે.
આ વાર્તાઓનો પણ વિષય તો માનવસંવેદન જ છે, પરંતુ એના લેખકો પાસે એવી ખાસ અપેક્ષા રહે છે કે તેઓ એવા મનુષ્યના સંવેદનનું આલેખન કરે જેને આ પ્રદેશવિશેષથી અલગ રીતે ઓળખી ન શકાય. એઈ જ રીતે તે એ મનુષ્યના એવા સંવેદનને લક્ષ્ય તરીકે લે, જેને આ પ્રદેશના વ્યક્તિત્વ સાથે અનિવાર્ય સંબંધ હોય. કૃતિમાં એ વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય અને પાત્રને એના એક ઘટક તરીકે જોઈ શકાતું હોય, એટલે કે પાત્રનું જીવન અને એની નિયતિ એ સ્થળ વિશેષને અધીન હોય : Locale affects the lives and fortunes of the inhabitants.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
