સંવાદિતા

ન સંકલ્પો, ન સંચરવું, ન એકે શબ્દ સાંભરશે
                    સહજ સાથે સળંગાઈ, સમય ખળખળ વહ્યા કરશે
                    – રાજેંદ્ર શુકલ

ભગવાન થાવરાણી

ઘણી ફિલ્મો એવી છે જેના કેંદ્રમાં કોઇ યાદગાર કે લોકપ્રિય કવિતા અથવા એની થોડીક પંક્તિઓ હોય છે અને સમગ્ર ફિલ્મની કથા એ કવિતાની આસપાસ આકાર લેતી હોય છે. આવી હિંદી ફિલ્મોના ઉદાહરણો જોઈએ તો આનંદ – ૧૯૭૧ ( મૌત તુ એક કવિતા હૈ – ગુલઝાર ), કભી કભી – ૧૯૭૫ ( કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ – સાહિર ), અર્ધ સત્ય – ૧૯૮૩ ( ચક્ર વ્યુહ મેં ઘુસને સે પહલે – દિલીપ ચિત્રે ), અગ્નિપથ – ૧૯૯૦ ( વૃક્ષ હોં ભલે ખડે, હોં ઘને હોં બડે – હરિવંશરાય બચ્ચન ), ક્યા દિલ્લી ક્યા લાહૌર – ૨૦૧૪ ( લકીરેં હોં તો રહને દો – ગુલઝાર ), મસાન – ૨૦૧૫ ( તુ કિસી રેલ સી ગુઝરતી હૈ – દુષ્યંત કુમાર ) જેવી ફિલ્મોના નામ ગણાવી શકાય.
વિશ્વ સિનેમામાં પણ આવી અનેક ફિલ્મો છે. અહીં જ આપણે થોડાક સમય પહેલાં ફિલ્મ ડેડ પોએટ્સ સોસાયટી – ૧૯૮૯ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી વોલ્ટ વ્હીટમેનની કવિતા ‘ ઓ કેપ્ટન માય કેપ્ટન ‘ વિષે સવિસ્તાર વાત કરી ગયા.
આજે વાત કરીએ એક મહાન ઈરાનિયન ફિલ્મ ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ ( ૧૯૯૯ ) એટલે કે ‘ પવન લઈ જશે આપણને ‘ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી હોનહાર ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદની એક કવિતાની.
ઈરાની ફિલ્મોનું એક આગવું વિશ્વ છે. ત્યાં કડક સેંસરશીપ અને સમાજમાં રુઢિચુસ્તતા હોવા છતાં ત્યાંના મજીદ માજીદી, જાફર પનાહી, ડેરિયસ મેહરજુઈ, મસૂદ કિમીયાઈ, શિરીન નિશાત, અસગર ફરહાદી અને સૌથી વિશેષ અબ્બાસ કિયારોસ્તામી જેવા ફિલ્મ સર્જકો જે કૌશલ્ય અને સંવેદનશીલતાથી પોતાની વાત દર્શકો લગી પહોંચાડે છે અને સર્જક તરીકેની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે એની નોંધ ઈરાન અને વિશ્વના પ્રબુદ્ધ દર્શકોએ હંમેશા લીધી છે.
ફિલ્મકાર અબ્બાસ કિયારોસ્તામીની ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ વાત કરે છે એક એવા પત્રકારની જેને એના માલિકોએ તહેરાનથી સુદૂર કુર્દ પહાડીઓના એક દુર્ગમ ગામમાં એક વિશિષ્ટ મિશન માટે મોકલ્યો છે. એ વિસ્તારના લોકો કોઈના મૃત્યુ વખતે ચોકક્સ પ્રકારની વિધિઓ કરે છે. એક વૃદ્ધ સ્ત્રી મરવા પડી છે. આ પત્રકારે, એનું મૃત્યુ થાય કે તુરત એ વિધિઓની નોંધ લઈ એનો અહેવાલ તૈયાર કરવાનો છે.
નાયક એ ગામમાં એક ખોરડું ભાડે રાખી એ વૃદ્ધાના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. વૃદ્ધા તો મરતી નથી પરંતુ એ નિવાસ દરમિયાન નાયક આ ગામના ગરીબ,મહેનતકશ અને ભલા-ભોળા લોકોના જીવનને નજીકથી જૂએ છે. અહીં જે નિષ્પાપ અને નિસ્વાર્થી જીવન જીવાય છે એની સરખામણી મનોમન એ પોતાના શહેરી જીવન સાથે કરીને ચકિત થાય છે. બધા જ માટીના ઘરોમાં રહે છે અને સમજે છે કે જીવન માટી છે પણ ‘ માટી મહીં જ મબલખ મજા ‘ પામવાની છે. એ અનુભવે છે કે જેની એ રાહ જોઈ રહ્યો છે એ મૃત્યુ આ જીવાતા જીવનની જ અંતિમ પરિણતિ છે. જેણે જીવનને જોયું, સમજ્યું છે એના માટે મૃત્યુ જીવનથી અલગ નથી. છેવટે તો વિંડ વિલ કેરી અસ, પવન જ આપણા સૌની રાખ – માટીને ઉસેડી જશે !
 
અંતે જે દિવસે એ પોતાની મુલાકાતથી સંતુષ્ટ થઈ ગામ છોડે છે એ જ દિવસે, લાંબી રાહ જોવડાવ્યા બાદ પેલી વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામે છે પણ હવે જીવનને જોઈ લીધા બાદ મૃત્યુના વિધિ-વિધાન જોવામાં એને કોઈ રસ નથી. એ નીકળી જાય છે અને ગામના પાદરે વહેતી નદીમાં એક વૃક્ષની તૂટેલી ડાળખી દૂર લગી વહેતી રહે છે !
ફરો ફરોખઝાદ
ફિલ્મના મધ્ય ભાગમાં ગામના એક મકાનની ગમાણમાં નાયકને એક પર્દાનશીન યુવતીનો ભેટો થાય છે. એને આશ્ચર્ય થાય છે કે આ ગામડિયણ કવિતા સમજે છે અને એણે યુવાન વયે મૃત્યુ પામેલ ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદનુ નામ અને કવિતાઓ સાંભળી છે. ( માત્ર ૩૨ વર્ષની વયે અકસ્માતે મૃત્યુ પામનાર ફરો કવયિત્રી અને ફિલ્મ સર્જક હતા. એમનું જીવન અત્યંત વિવાદાસ્પદ અને પરંપરાઓના વિરોધ માટે ચર્ચામાં રહ્યું તો મૃત્યુ પણ એવું જ શંકાઓના દાયરામાં રહ્યું. )
નાયક ફરોની જે કવિતા આ ભરવાડ સ્ત્રીને સંભળાવે છે એના ગુજરાતી ભાવાનુવાદ સાથે વિરમીએ :
                 ॥  પવન લઈ જશે આપણને  ॥
 
અફસોસ !
મારી ટચુકડી રાત્રિમાં
પવન – પાંદડાઓનું મિલન હવે હાથવેંતમાં છે
મારી સંક્ષિપ્ત રાત્રિ છે
વિનાશકારી પીડાથી તપ્ત
સાંભળો !
સંભળાય છે તમને પડછાયાઓનો ગણગણાટ ?
આ સુખ મારા માટે અજાણ્યું છે
હું છું હતાશાથી ટેવાયેલી
સાંભળો !
સંભળાય છે તમને છાયાઓની ગુસપુસ ?
પણે રાત્રિ મધ્યે કશુંક બની રહ્યું છે
ચંદ્ર લાલચોળ અને ચિંતાતુર છે
ગમે ત્યારે તૂટી પડવાની સંભાવનાઓ ધરાવતા 
આ છાપરાંને વળગેલો
વાદળો વિલાપ કરતી સ્ત્રીઓના ટોળાંની જેમ
વર્ષાના જન્મને ઝંખે છે
એક ક્ષણ અને પછી પરમ મૌન !
બારીની પાછળ રાત્રિ થરથરે છે
અને પૃથ્વી ધુમરાતી અટકે છે
બારીની પાછળ
કોઈક આગંતુક તારી અને મારી ચિંતા કરે છે.
તું તારી લીલપમાં
પેલી સળગતી સ્મૃતિઓ જેવા તારા હાથ
મારા પ્રેમ – તપ્ત હાથ ઉપર મૂકે છે
અને જીવનથી ધબકતાં તારા ઉષ્ણ અધરને
મૂકે છે મારા સ્નિગ્ધ હોઠ પર
પવન લઈ જશે આપણને
આપણને પવન જ લઈ જશે ..
( ફારસીમાંથી કોઈ અજ્ઞાત અનુવાદકે કરેલા અંગ્રેજી અનુવાદ ઉપરથી ભાવાનુવાદ )

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.