ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
સફળતાના બાપ ઘણા હોય છે, પણ સફળતાની કોઈ ફોર્મ્યુલા હોતી નથી. કોઈક વસ્તુ સફળ જાય એ પછી લોકો તેની ફોર્મ્યુલા ઘડતા હોય એમ મોટે ભાગે જોવા મળે છે. ૧૯૭૫માં રજૂઆત પામેલી રમેશ સીપ્પી દિગ્દર્શીત ‘શોલે’ને હવે તો પચાસ વર્ષ થવા આવશે, છતાં હજી તે લોકોના દિલોદિમાગ પર છવાયેલી છે. એ ફિલ્મનાં પાત્રાલેખન સશક્ત હતાં, સિનેમેટોગ્રાફી અને દિગ્દર્શન ઉત્તમ હતાં, પણ તેની કથા કંઈ એવી અસામાન્ય નહોતી. અનેક વાર્તાઓનું એમાં મિશ્રણ હતું. ‘શોલે’ અગાઉ રમેશ સીપ્પીએ ‘અંદાઝ’ અને ‘સીતા ઔર ગીતા’ જેવી ફિલ્મો બનાવી હતી, જે એકંદરે સફળ હતી એમ કહી શકાય, પણ એમાં કશું અસાધારણ નહોતું. અલબત્ત, તેમના પિતાજી જી.પી.સીપ્પી મોટા ગજાના નિર્માતા હતા.

‘શોલે’ની ગંજાવર સફળતા પછી રમેશ સીપ્પીનું મોટું સાહસ હતું ‘શાન’. શાન રજૂઆત પામવાની હતી એ વખતે તેની પાછળ ખર્ચાયેલા નાણાંના આંકડા પણ પ્રચારનું મહત્ત્વનું અંગ હતા. યાદ છે ત્યાં સુધી એ આંકડો છ કરોડનો હતો. ઊપરાંત ફિલ્મ પણ મલ્ટીસ્ટારર હતી. ‘શોલે’માં રાહુલ દેવ બર્મનનું સંગીત અને આનંદ બક્ષીએ લખેલાં ગીતો પણ ઘણાં લોકપ્રિય થયેલાં. ‘શાન’માં આ જ ગીતકાર અને સંગીતકાર હતા. આમ છતાં, ૧૯૮૦માં રજૂઆત પામેલી ‘શાન’ બુરી રીતે પિટાઈ ગઈ. કારણ જે હોય તે, પણ ‘શોલે’નો જાદુ ‘શાન’માં પુનરાવર્તિત ન થઈ શક્યો. એ જરૂરી પણ નથી, કેમ કે, એ રીતે જોઈએ તો એ પછી આવેલી રમેશ સીપ્પીની ફિલ્મો ‘શક્તિ’ (૧૯૮૨) અને ‘સાગર’ (૧૯૮૫) પણ ખાસ સફળ નહોતી રહી. ઘણી વાર કોઈ સર્જકની એકાદી કૃતિ એટલી લોકપ્રિય બની જાય કે એ આજીવન એની ઓળખ બની રહે. સાચા સર્જકને આ બાબત હંમેશા નડતી રહેતી હોય છે, પણ બીજો કોઈ આરો હોતો નથી.
‘શાન’નું સંગીત એટલે કે તેનાં ગીતો મજાનાં હતાં, છતાં તમામ ગીતો લોકપ્રિય બની શક્યાં નહોતાં.
શશી કપૂર, સુનિલ દત્ત, અમિતાભ બચ્ચન, શત્રુઘ્નસિંહા, રાખી, પરવીનબાબી, બિંદીયા ગોસ્વામી, કુલભૂષણ ખરબંદા, મઝહરખાન સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં. ‘આતેજાતે હુએ મૈં સબપે નજર રખતા હૂં’ (મહંમદ રફી), ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ (આશા), ‘દરિયા મેં જહાજ ચલે પાશા’ (કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર અને સાથીઓ), જાનૂં મેરી જાન, મૈં તેરે કુરબાન (મ.રફી, કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર), ‘યમ્મા યમ્મા યે ખૂબસૂરત સમા’ (રફી, આર.ડી.બર્મન) અને ‘તેરે લિયે જીના, તેરે લિયે મરના’ (લતા, આશા અને સાથીઓ) પૈકીનાં બે-ત્રણ ગીતો હજી વિવિધ અંતાક્ષરીઓ કે કાર્યક્રમોમાં ગવાતાં રહે છે, જ્યારે બાકીનાં ભાગ્યે જ યાદ આવે છે.

આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉષા ઉથુપના સ્વરમાં ગવાયેલું ગીત ‘દોસ્તોં સે પ્યાર કિયા’ હતું. અંગત રીતે આ ફિલ્મનું મને આ સૌથી ગમતું ગીત છે, કેમ કે, એમાં રાહુલ દેવ બર્મને કંઈક એવી કમાલ કરી છે કે એ ગમે એટલી વાર સાંભળવા છતાં ધરવ થતો નથી. સાવ ‘બીપ બીપ’ જેવા સ્વરથી શરૂ થયા પછી ધીમે ધીમે તેમાં વાદ્યો ઉમેરાતાં રહે છે. ઉષા ઉથુપનો પૌરુષીય અને પડછંદ સ્વર આ ગીતના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ફિલ્મના ટાઈટલની શૈલી કોઈ અંગ્રેજી ફિલ્મનાં, ખાસ કરીને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં આવતા ટાઈટલ જેવી છે, જેમાં એક યુવતી ડોલ્યા કરે અને એની છાયામાં વિવિધ ઈમેજ સુપરઈમ્પોઝ કરાયેલી હોય. એ વખતે કદાચ હિન્દી ફિલ્મોમાં આવું ઓછું જોવા મળતું. આખું ગીત આમ તો માત્ર બે જ લીટીનું છે, એટલે કે એમાં ફક્ત મુખડું જ છે, અંતરો નથી. પણ ટાઈટલ દરમિયાન એમાં ગીતનો અમુક જ હિસ્સો સંભળાય છે. ફિલ્મ સિવાય કેવળ ઓડિયોમાં એ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે એના ઈન્ટરલ્યુડમાં ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ ગીતનું મુખડું તંતુવાદ્યસમૂહ પર વગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, એ વખતે નવા અને કૌતુક સમા ગણાતા ચિત્રવિચિત્ર ધ્વનિઓ પણ એમાં સામેલ છે.
આ ગીતના શબ્દો નીચે મુજબ છે, જેમાં મુખડાની માત્ર બે લીટી ત્રણ ત્રણ વાર આવર્તન પામે છે:
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
शान से शान से
આ ગીતના ટાઈટલવાળો ભાગ અહીં સાંભળી શકાશે. ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’વાળી ધૂન આ હિસ્સામાં નથી. એટલો અંશ ફિલ્મના અંતમાં વાગે છે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
