શૈલા મુન્શા

આજે અચાનક મને મારી તાન્યા યાદ આવી ગઈ. વાત એમ હતી કે મારા ક્લાસની સાહિરાના મમ્મી સાથે મારા સંબંધ સારા હતા અને એ અવારનવાર ફોન કરી સાહિરાની પ્રગતિની વાત કરતાં. આજે એમનો ફોન આવ્યો અને એ સાથે જ મને સાહિરાની પ્રતિકૃતિ જેવી તાન્યા યાદ આવી ગઈ.

તાન્યા આવી ત્યારથી એના લક્ષણ બધાં સાહિરા જેવા હતાં. ઈસ્માઈલ અને ડુલસે જેવા જુના બાળકો જેઓ સાહિરા સાથે ક્લાસમાં હતાં એ તો એને સાહિરા જ કહેતાં. નટખટ અને જમાદાર તાન્યાને બસ ક્લાસમાં બધા પર રુઆબ કરવા જોઈએ. જાણે એનાથી ચઢિયાતું કોઈ ના હોવું જોઈએ.

એક પ્રસંગ હજી મને બરાબર યાદ છે. આમ તો રોજના એના નખરાંને તોફાનોનું જ એક આખું પુસ્તક ભરાઈ જાય. એ દિવસે અમારા ક્લાસની બીજી છોકરી લેસ્લીની વર્ષગાંઠ હતી. લેસ્લી છ વર્ષની થઈ હતી. એની વર્ષગાંઠ ક્લાસમાં ઉજવી એટલે તાન્યા નારાજ થઈ ગઈ, બસ જીદ કરવા માંડી કે મારી વર્ષગાંઠ કેમ નહિ, અને હું ચાર વર્ષની કેમ ? એને કેટલું સમજાવ્યું પણ બેન માનવાને તૈયાર જ નહિ. કોમ્પ્યુટર પર “હું કોણ છું” ની રમત શરૂ કરીએ અને તાન્યાનો વારો આવે તો એ ચાર ને બદલે છ મીણબત્તી જ પોતાની કેક પર મુકે. ચાર વર્ષની તાન્યા જાણે અમારા બધાની દાદી હોય એવો એનો રૂઆબ.

એના રૂવાબનો બીજો એક પ્રસંગ! અમારા આ દિવ્યાંગ બાળકો સવારે સાડા સાત વાગ્યે સ્કૂલમાં આવી જાય અને બપોરે ત્રણ વાગ્યે ઘરે જાય. ત્રણથી છ વર્ષના અને તે પણ દિવ્યાંગ બાળકો માટે આ સમય ઘણો લાંબો થઈ જાય એટલે જમ્યા પછી અમે એમને એકાદ કલાક સુવાડી દેતાં એક દિવસ તાન્યાબહેન ધમાલના મૂડમાં હતાં. એને સુવું નહોતું એટલે આજુબાજુ સુતા બાળકોને પણ અવાજ કરી સુવા નહોતી દેતી. જાણી જોઈને હસ્યા કરે, જાતજાતનાં ચાળા કરે. છેવટે મીસ મેરીએ જરા ગુસ્સો કરી એને ત્યાંથી ખસેડીને રૂમના બીજા ખૂણે એકલી સુવાડી. હું ત્યારે જમવા ગઈ હતી. જ્યારે પાછી આવી તો તાન્યાને અલગ જગ્યાએ જોઈને સમજી ગઈ કે એણે કાંઈક તોફાન કર્યું લાગે છે. મેરીએ મને બધી વાત કરી પણ તાન્યા તો રડું રડું થતી સુતી હતી.

અમે બંને ટીચર જ્યારે આવું કોઈ બાળક સાથે થાય ત્યારે એક શિક્ષકે ગુસ્સો કર્યો હોય તો બીજું મનાવી લે, એટલે મેં તાન્યાને ને જુદા સુવાનું કારણ પુછ્યું અને સમજાવી પટાવી પાછી એની મૂળ જગ્યાએ સુવા જવાનું કહ્યું. મેરીએ પણ એને બોલાવી પણ હજી એનો ગુસ્સો મેરી પરથી ઉતર્યો નહોતો. બીજી બાજુ મોઢું કરીને એ સુવા જતી રહી. કલાક પછી ઉઠવાનો સમય થયો અને નાસ્તાનો સમય થયો. મેરીએ તાન્યાને નાસ્તો કરવા બોલાવી તો ના કહીને બેસી ગઈ.

આટલી નાની છોકરી ને પણ જાણે સ્વમાન કેટલું વહાલું હતું કે બસ મને ગુસ્સો કર્યો જ કેમ? જો કે બે મીનિટમાં બધાને બીસ્કીટ ખાતા જોઈ નાસ્તાના ટેબલ પર આવી ગઈ અને પાછી અમારી રમતિયાળ તાન્યા બની ગઈ.

આ બાળકો સાથે કામ કરવાની એજ મજા છે. એમની રીસ પણ લાંબી ટકતી નથી અને એમનો ગુસ્સો પણ લાંબો ટકતો નથી.

આ બાળકોને ભલે બીજી બહુ લાંબી સમજ નહિ હોય પણ એટલું એમને ખબર છે કે ટીચર એમને ખુબ વહાલ કરે છે અને મને પણ એ જ સંતોષ હમેશા રહેતો.

રીસાયા પછી પણ જ્યારે આ બાળકો વહાલથી આવી અમને વળગી પડતાં એ વ્હાલ, એ પ્રેમ જેણે અનુભવ્યો હોય તે જ જાણે.

આજે આટલાં વર્ષ પછી પણ એ દિવ્યાંગ બાળકો અને એમની મીઠી યાદ મારો અમુલ્ય ખજાનો છે.

કાશ આ નિર્દોષતા બધામાં હોય, ગુસ્સો ભુલી જઈ વહાલ ભર્યું વર્તન હોય તો દુનિયાની તાસીર કાંઈક જુદી જ હોત!!

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com