ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
નભમંડળમાં અનેક તારલાઓ ટમટમતાં હોય છે પણ તે બધાં માંથી જુદો પડી અચલ ,અવિરત નોખો નિખરી આવતો , પોતાનાં તેજ-પૂંજ અને ઓજ થકી ટમટમતો ધ્રુવનો તારો કેવો અનોખો લાગે છે! સાહિત્યનાં નભાકાશમાં પણ પોતાના નોખા સર્જન થકી અનોખા તરી આવતા ધ્રુવદાદાનાં ગીતો,નવલકથાઓ વાંચતાં ,તેમને મળીને ,સાંભળીને જે વાત મનને સ્પર્શી ગઈ અને શરીર-મનમાં ક્યારેક ઝણઝણાટી કે પરમ સાથેનાં પમરાટ સાંભળવાની ચાવી બતાવી ગઈ, જીવન જીવવાની સાચી અને સરળ વાત સમજાવી ગઈ તે સ્પર્શને તમારા સુધી પ્રસરાવવાનો નમ્ર પ્રયત્ન કરવો છે.
તમે ચાલતાં ચાલતાં ઊભા રહી ઝાડ સાથે વાત કરી છે? ખુલ્લા પગે, વહેલી સવારે લીલાંછમ્મ ઘાસ પર પડેલાં ,સાચાં મોતી જેવાં ઝાકળને જોઈને સાચાં મોતી જોયા હોય તેવો આનંદ મેળવ્યો છે? સાગર કિનારે ઊભા રહી વેગ અને ધૂધવાટનાં આવેગ સાથે આવતા મોજાને જોઈ ,તમારો પ્રેમી તમને પ્રેમથી નવડાવવા,દોડીને મળવા આવી રહ્યો હોય તેવો ઉન્માદ અનુભવ્યો છે? નદીની રેતીમાં છીપલાં વીણતાં બાળકને જોઈને તમારાં બાળપણની નિર્દોષતા સ્મરી છે? તમારા ગામની નદી સાથેની માતા જેવી મમતા નદીમાં પગ બોળી અનુભવી છે? વરસાદમાં કાળા ભમ્મર વાદળો સાથે વાત કરી તમારાં પ્રિયજનને સંદેશા મોકલ્યા છે?વીજળીનાં ઝબકારામાં વાદળનાં ગડગડાટમાં પરમને ઘોડે સવારી કરી,હણહણાટ કરતાં ઘોડાઓ સાથે વીજળી રૂપી બેટરી પૃથ્વી પર ફેંકતો અનુભવ્યો છે?ફૂલોને પવનની સંગ ડોલતાં જોઈ તેની પવન સાથેની પ્રીતને અનુભવી છે?સૂરજનાં તેજને આંખોમાં ભરી હ્રદયમાં ઉતારી પરમની જ્યોતને ભીતરમાં ઝળહળતી જોવા પ્રયત્ન કર્યો છે? પૂનમની ચાંદનીને ધૂંટડે ઘૂંટડે પીને તમારાં ઘરની મીણબત્તી ઓલવી, ચાંદનીની શીતળતાને રોમે રોમમાં ભરી રોમાંચિત થવાનો પ્રયત્ન કર્યો છે?
તો આવો,કરીએ આ અનુભવની અનુભૂતિનેા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન. પ્રકૃતિનાં પંચમહાભૂત તત્વો સાથે એકાત્મ કેળવી ,માનવતાનો ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે ,અને પ્રકૃતિમાં જ પરમનો અનુભવ છે,પ્રેમ સર્વત્ર વ્યાપ્ત છે,તેમ જેમના સર્જન અને ગીતો દ્વારા સમજાવતાં ધ્રુવદાદાની વાત કોઈને ન સ્પર્શે તો જ નવાઈ?
ખાદીનાં સદરામાં કોઈપણ જાતનાં દેખાડા વગર, હિંચકાં પર,સાવ સાદા ઘરમાં ,હીંચકતું સાવ અદકેરું વ્યક્તિત્વ એટલે સૌનાં વ્હાલાં ધ્રુવદાદા.જેવી વાતો તેવું જ વર્તન. ગામડાંનાં આદિવાસી બાળકો સાથે ,તેમની વચ્ચે બેસી,બાળક બની ,અચરજ પમાડે તેવી આધ્યાત્મિકતાને પામી ,સૌ સાથે તેને વહેંચવાનું કામ કરવું તે ધ્રુવદાદા.
ધ્રુવદાદાએ તેમનાં સર્જનો દ્વારા માણસોનાં કોયડાઓ ઉકેલવાની વાત કરી છે.ધર્મ એટલે માનવતા અને દરેક માણસમાત્રને પ્રેમ કરવો અને અખિલ બ્રહ્માંડને પોતીકું બનાવી આખી સૃષ્ટિનાં સર્જનને પ્રેમ કરી,કંઈક પામવું.અને પામતાં પામતાં ભીતરનાં અંધકારમાં અજવાળું કરવા પ્રયત્ન કરી અંતરમાં ઝાંખવું. આમ ઝાંખતા ઝાંખતા ધ્રુવદાદા ગાઈ ઊઠે છે,
અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું,
માટી ફંફોસી તો મહોર્યો મોલ,
અમે સપનું ઢંઢોળ્યું તો ભીતર બોલિયું,
તું નીંદર ઓઢી લઈને આંખો ખોલ.
હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળાં પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન,સત્ય,પ્રેમ,સર્જન,સેવા,શ્રધ્ધા અને આનંદનાં રંગો.આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે.ધ્રવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે.આગળનાં શબ્દો તો જુઓ,
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ,
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ.
શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ કબીર કહે છે ,તેમ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે.માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે.હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે,કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી? સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું.એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે.પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે.ઓશો કહે છે બધું ભૂલી ,તમારી જાતને પણ ભૂલી ,ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન.
અને મકરંદ દવે ગાઈ ઊઠે છે,
કોઈ તારું વાગશે,કોઈ તળિયા ચાટશે,
તું તમા ન લેશ કર, બસ ખેલતો જા હસ કર.
અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું ,તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું.તે રસ્તો બતાવવા દીવો તો ધરશે જ.શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા,
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ,
અમે
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા,
ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
તું રાખ ભરોસો ખુદપર,તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..
આવતા અંકે ધ્રુવદાદાની બીજા સંસ્પર્શની વાતો સાથે ફરી મળીશું.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
