સંવાદિતા

યાસુજીરો ઓઝુની ફિલ્મો આપણને એક એવા જગતમાં લઈ જાય છે જે આપણું ન હોવા છતાં આપણું પોતીકું લાગ્યા કરે .

ભગવાન થાવરાણી

આજે વાત કરીએ એક એવા વિલક્ષણ જાપાનીઝ ફિલ્મ સર્જક અને એમની એક સર્વકાલીન મહાન ફિલ્મની જેના ઉલ્લેખ વિના ફિલ્મોના સર્વાંગી ફલકની વાત અધૂરી લેખાય. આ સર્જકનું નામ યાસુજીરો ઓઝુ અને આ ફિલ્મ એટલે 1953 ની ‘ ટોકયો સ્ટોરી ‘. ૫૫ જેટલી ફિલ્મો ( જેમાંની અડધા ઉપરાંત સાઇલેન્ટ ફિલ્મો હતી )સર્જનાર આ મહાન ફિલ્મકારે ફિલ્મ નિર્માણની ટેકનીકમાં એવા પ્રયોગો કર્યા જેમણે વાર્તા- કથનની શૈલી જ ધરમૂળથી બદલી નાખી. મધ્યમવર્ગીય જાપાનીઝ સમાજની રહેણીકરણીના ચિત્રણમાં એમનો જોટો નહોતો અને આ ‘ વધુ પડતા જાપાનીઝ ‘ હોવાના કારણે છેક એમના મૃત્યુ (૧૯૬૩ ) લગી એમની ફિલ્મો જાપાનની સરહદોની બહાર ખાસ પ્રદર્શિત ન થઈ. સૌથી વિખ્યાત જાપાનીઝ ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની સમકક્ષ અને કેટલીક બાબતોમાં એમનાથી ય ચડિયાતા લેખાતા આ ફિલ્મ સર્જકે કેમેરાના સાવ નોખા એંગલની પ્રયોજના કરી. એમની બીજી વિશિષ્ટતા એ કે દ્રશ્ય બદલાય ત્યારે પછીના દ્રશ્યને જોડતા વચગાળાના પ્રતિક તરીકે કોઈ સ્થિર દ્રશ્ય આવે. એ ફૂલદાની હોય કે ઘડિયાળ કે સમુદ્ર કાંઠો કે રેલવે નું દ્રશ્ય પણ હોય. વળી સામાન્ય સર્જકો જે અગત્યની ઘટના ( જન્મ,લગ્ન કે મૃત્યુ ) ને ઘટનાના કેન્દ્ર તરીકે બહેલાવે એનો અછડતો ઉલ્લેખ માત્ર કરીને ઓઝુ વાર્તામાં આગળ વધી જતા.
જાપાનીઝ સમાજની રહેણી કરણીનું અસરકારક ચિત્રણ એમના જેટલું કોઈ જાપાનીઝ સર્જકે કર્યું નથી. લાક્ષણિક સ્વદેશી વસ્ત્રો પહેરેલા પાત્રો, દરેક હાથમાં નિરંતર ઝૂલતો હાથપંખો,  વિશિષ્ટ શૈલીથી ચા પીરસવા – પીવાની વિધિ,  સ્ત્રી પુરુષો દ્વારા સાકે (જાપાનીઝ સુરા ) નું સેવન અને એ માટે એક જ ઘૂંટડે ખાલી થતી ટચૂકડી પ્યાલીઓ,  વારંવાર ઝૂકીને ઘરના સભ્યોનો પણ આભાર માનવો,  ગોઠણ વાળીને બેસવું,  સુવા માટે જમીન ઉપર પથરાયેલી પથારીઓ,  આ બધું દર્શકને જાપાનીઝ જીવન પદ્ધતિની છેક નજીક લાવી દે !
એમની મહાન ફિલ્મ ‘ટોક્યો સ્ટોરી’ ની વાત. વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોની દરેક યાદીમાં આ ફિલ્મને કાયમ સ્થાન મળે છે એટલું જ નહીં, ૨૦૧૨ ની સાઇટ એન્ડ સાઉન્ડ મેગેઝીન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકોએ કરેલા સર્વેક્ષણમાં આ ફિલ્મને વિશ્વની શ્રેષ્ઠતમ ફિલ્મ તરીકે નવાજવામાં આવેલી !
ફિલ્મની વાર્તા કથની છે એક નિવૃત્ત દંપતિ શુકીચી અને ટોમી હીરાયામાની . બંને પોતાની સૌથી નાની પુત્રી ક્યોકો સાથે એક નાનકડા ગામમાં રહે છે. મોટો દીકરો કોઈચી પોતાના પરિવાર સાથે ટોકયો રહે છે.મોટી દીકરી શીગે પણ પતિ સાથે ત્યાં જ છે અને વચેટ દીકરાની વિધવા પત્ની નોરીકો પણ. સૌથી નાનો દીકરો કીઝો એકલો ઓસાકા રહે છે. બધા સંતાનો માંડ બે છેડા ભેગા કરી જીવે છે.
એક દિવસ હીરાયામા દંપતી પોતાના બહોળા પરિવારને મળવા અને એમની સાથે થોડાક દિવસો વિતાવવા હોંશે હોંશે  ટોક્યો જવા ઉપડે છે. સંતાનોની મર્યાદાઓ જાણતું એ દંપતિ બને ત્યાં લગી એમને ઓછી તકલીફ આપવા કૃતસંકલ્પ છે. મોટો દીકરો ડોક્ટર હોવા છતાં ઝાઝું કમાતો નથી. એના બંને બાળકો દાદા દાદી ને નિહાળી જાણે કોઈ પરગ્રહના નિવાસી આવ્યા હોય એવી ઉદાસીનતા દાખવે છે. દીકરો અને વહુ એમને આવકાર તો આપે છે પણ એમાં ઉષ્મા કરતા ઔપચારિકતા વધુ છે. થોડાક દિવસ પોતાની પાસે રાખી મોટો દીકરો એમને બહેન શીગે પાસે ધકેલે છે. શીગે તો વળી વધુ વ્યવહારૂ ! એનું ઘર પણ વધુ સાંકડું અને કમાણી ઊભી કરવા ઉપરનો માળ ભાડે આપેલ છે. એકવાર તો એ માબાપનો પરિચય પોતાના બ્યુટી સલુનમાં આવેલા ગ્રાહકને ‘ ગામથી આવેલા ઓળખીતા પાળખીતા ‘ તરીકે આપે છે ! એકમાત્ર એમની વિધવા પુત્રવધુ નોરીકો જ એવી છે જે પોતાના એક ઓરડીના રહેઠાણમાં પણ એમને દિલોજાનથી સાચવે છે ! એ સાસુ -સસરાને ટુરિસ્ટ બસમાં શહેરની સહેલગાહે પણ લઈ જાય છે. આ બધું કરવા છતાં એ વારંવાર અફસોસ જતાવ્યા કરે છે કે પોતે એમની સરભરા બરાબર નથી કરી શકી. વૃદ્ધ દંપતિ વહુને આગ્રહપૂર્વક કહે છે કે અમારા પુત્રને ભૂલીને તું હવે બીજા લગ્ન કરી લે કારણ કે ‘ મોટી થઈશ તો એકલતા પીડશે તને ‘ ! બંને મનોમન વિચારે છે કે લોહીના સંબંધ કરતાં આ સંબંધ કેવો સ્નેહાળ !
મોટો દીકરો અને દીકરી માબાપને હવાફેર માટે (અને ઘરમાં મોકળાશ માટે ! ) નજીકના સસ્તા પ્રવાસન સ્થળે મોકલી આપે છે પણ એ બંનેને ત્યાંનો ઘોંઘાટ અને દેકારો ન ફાવતાં અડધેથી જ પાછા ફરે છે. દીકરી શીગે બંનેને વહેલા આવી જવા બદલ ઠપકો આપે છે. બંને મનોમન ત્યાં જ નક્કી કરી લે છે કે હવે આપણે પાછા ગામ જતા રહીએ !
શૂકિચી પત્નીને કહે પણ છે કે આપણા સંતાનો કેવા બદલાઈ ગયા છે. સાવ પારકા લાગે છે ! પછી મન મનાવી ઉમેરે છે ‘ એ લોકો કંઈ આપણી અપેક્ષા પ્રમાણે થોડા જીવે ! આપણે એવું વિચારીને સંતોષ માનવાનો કે એ લોકો સરેરાશ કરતાં સારા છે. આપણે એટલા નસીબદાર ! ‘
સ્ટેશને વળાવવા આવેલા સંતાનોને મા કહે છે કે તમે અમને સરસ સાચવ્યા. હવે આપણે સારી રીતે મળી જ લીધું છે તો અમારા બેમાંથી કોઈને ‘ કશું ‘  થાય તો ધક્કો ખાઈને હેરાન ન થતા.
ગામ પાછા ફરતાં જ માની તબિયત લથડે છે. બધા સંતાનો તાબડતોબ ‘ શોકમાં પહેરવાના કપડાની આગોતરી વ્યવસ્થા ‘ કરી પહોંચે છે અને મા પ્રાણ ત્યજે છે. અંતિમવિધિ પતાવીને બંને દીકરા અને દીકરી પાછા ફરે છે પણ નોરીકો – પુત્રવધુ થોડાક દિવસ રોકાય છે. કયોકોને સમજાવતાં એ કહે છે ‘ સંતાનો તો ઊડી જ જાય .એમનું પોતાનું જીવન તો હોય ને ! ‘ અને જવાબમાં કયોકો ‘ તો પછી કુટુંબનો અર્થ શું ? ‘
છેવટે નોરિકોને પણ પાછા ફરવું પડે છે અને વૃદ્ધ શુકિચી દીકરી સાથે એકલા રહી જાય છે.
ફિલ્મના એક દ્રશ્યમાં દાદી નાના પૌત્રને વહાલથી કહે છે કે તું પણ તારા પિતાની જેમ ડોક્ટર બનજે .જો કે એ દિવસ જોવા હું જીવતી નહીં હોઉં ! અન્ય એક દ્રશ્યમાં નાના દીકરા કીઝોનો એક મિત્ર કીઝોને સમજાવે છે ‘ માબાપ જીવે છે ત્યાં સુધીમાં જ સારા સંતાન બનવું જોઈએ. એ લોકો કબરમાં પહોંચી જાય પછી શું અર્થ ? ‘
આપણા સત્યજીત રાયની જેમ ઓઝૂની ફિલ્મોમાં પણ એકના એક કલાકારોનું એક નાનકડું વર્તુળ પુનરાવર્તિત થતું રહેતું. એમના પાત્રોના નામ પણ લગભગ એકના એક. વળી રાયની જેમ જ એમનું કોઈ પાત્ર બુરો ચીતરાયો ન હોય, કેવળ સંજોગોનો શિકાર હોય !
ફિલ્મમાં હીરાયામા દંપતિ અને નોરીકોની ભૂમિકાઓ  ઓઝુના માનીતા અને કાયમી કલાકારો ચીશુ રયુ, ચીકો હિગાશિયામા અને સેત્સુકો હારાએ ભજવી છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.