કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

“આફતને ફેરવીએ અવસરમાં“ આ જરા અવળવાણી લાગીને ? પણ આફતને અવસરમાં ફેરવી શકાય છે. હરેક આફતોના ઉકેલ અવશ્ય હોય છે. ઘણીવાર અણધારી આવી પડેલી આફત એવી તબાહી ફેલાવી એટલું બધું નુકશાન વહોરાવી દે છે કે એ જોઇને અરેરાટી નીકળી જાય છે. આમાંથી ઉગરવાનો કોઇ આરો વારો જ નથી દેખાતો. એવા મુંઝારાની વિકટ પળે પણ જો માણસ મનને હિંમત વડે બરાબર મક્કમ બનાવી આવી પડેલી મુશ્કેલી-આફતને “કંઇક કરી છૂટવાનો મોકો” [ચાંસ] સમજીને પુરુષાર્થ વડે ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો  એ વલોવાટમાંથી મલાઇ રૂપ કોઇ નવી વાત, નવી પદ્ધતિ કે કાર્યક્રમ- નુસ્ખા મુંઝારામાં માર્ગ રૂપે મળી આવ્યા હોય એવા જાત અનુભવના મારા બેચાર .પ્રસંગોની વાત કરવી છે આજે.

[૧]…..”ખેતર” નું રૂપ “વાડી” માં ફેરવાઇ ગયું :

કૃષિ કોલેજના ભણતર દરમ્યાન મેળવેલ ખેતીના વિવિધ વિષયોના સૈધાંતિક જ્ઞાન, પ્રત્યક્ષકાર્યો, શૈક્ષણિક પ્રવાસો તથા પ્રયોગશીલ ખેડૂતોની વાડીઓની મુલાકાતો પછી નિશ્ચય કરેલો કે “ભણીને એવી ખેતી  કરી દેખાડવી છે કે જોઇને લોકો કહે કે જુઓ, “ઉત્તમખેતી” કોને કહેવાય ?” એનો ઉત્તમ નમૂનો ખડો કરી દેવાના મનસુબા સાથે ભણતર પૂરું કરી પહોંચી ગયો એવી ખેતી કરવા વતનમાં.

પણ આ શું ? Hear ij the land ? Bat wher ij the Soil ?” ખેતી કરવાના મારા નિર્ણયમાં બળ પૂરનાર ખેડૂતોની ઉત્તમ વાડીઓ, અવનવા ખેત સાધનો અને નોખનોખી ખેતીની પદ્ધતિઓ, ફળોથી લથબથ બગીચાઓ, હેંડલ માર્યા ભેળાં ખ..ળ..ળ..ળ પાણીના ધોધ વહાવતાં ઓઇલ એન્જિનો, ફરજામાં હમચી ખુંદતાં ઘોડા જેવા બળદોની જોડી, અરે ! દૂધથી ફાટ ફાટ થતા અડાણ વાળી ગાયો થકી વ્યવસ્થિત મળતાં વળતરના સંતોષથી હરખાતા હરખાતા માણકી ઘોડી પર સવાર થઈ મોલાતોમાં આંટો મારતા ખેડૂતો મારી નજર સામે હતા. ક્યાં એ મેં કલ્પેલા આદર્શના દ્રશ્યો અને ક્યાં આ મરુભૂમિ જેવી આ મારા ખેતરની ધરતી અને એની સ્થિતિ ?

જમીન ખરી, પણ સાવ ભૂખલી અને વધારામાં પાછી ઢોરાઢડિયા અને ઢાળવાળી ! નહીં ખેતર ફરતી વાડ કે કોઇ બંધપાળાનું નિશાન ! નથી ભળાતી મોલને પિયત દેવાની કોઇ સુવિધા કે નથી ભળાતું પડામાં એકેય ઝાડવું ! દેખાય છે બસ પરંપરાગત ખેતીના નબળા પાકો અને જૂની પુરાણી ખેતીની પદ્ધત્તિઓ ! આને કાંઇ “વાડી” થોડી કહેવાય ? મેં તો ધાર્યું હતું કે “હું ઉત્તમ ખેતી કરી દેખાડીશ” આવી પરિસ્થિતિમાં ખેતી કરવી કેમ ? મારું ખેતી કરવાનું સ્વપ્નું ભાંગીને ભુક્કો થઈ ગયું ! અને મુંઝારામાં ને મુંઝારામાં જરા જોરથી બોલાઇ ગયું “ ભારે કરી ! ખેતી કરવાનો નિર્ણય લેવામાં ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને મારી ?” આ મારી પહેલી આફત હતી.

“ના ના ! જરાય ભૂલ થઈ નથી તમારી ! ભડ થઈને ભાંગી કાં પડો છો ? જુઓ, આ જ ખેતરમાંથી આપણા અભણ  વડીલો કુટુંબના રોટલા રળી શકતા હોય તો તમે તો ખેતીવાડીનું ભણતર ભણ્યા છો. હરેરી ગયે થોડો પાર આવે ? હિંમતે મર્દા તો મદદે ખુદા ! બધું થઈ રહેશે. હું છું ને ૧૬ વરસની તમારી સાથે !” પત્નીનો આવો બળુકો પડકારો  મળતાં હૈયામાં હિંમત આવી ગઈ. અને ભૂખલ્યા ખેતરને વ્યવસ્થિત વાડી બનાવવાના ઉપાયો અજમાવવા મન મક્કમ બન્યું.

લોકભારતીમાંના શિક્ષણ દરમ્યાન ખેતીને ઉજ્વળ બનાવવાના અનેક પાસાંઓ માંહ્યલી સૌથી પહેલાં “પાક ઉત્પાદનમાં પિયતનું મહત્વ અને એના લાભ” વિશેની વિગત યાદ આવી ગઈ. આવતી સીઝન પહેલાં આખા ખેતરમાં પિયતની સગવડ કરે પાર !

ઘડીભર થયું કૂવો ખોદાવું ? પણ તળમાં નીચે કાળમીંઢ પથ્થર ! કામ ઘણું કઠ્ઠણ-લાંબું અને પાણી થવાની પૂરી અનિશ્ચિતતા વાળું ! કૂવાની ધમાલમાં મોસમ ચુકાઇ જવાય તો ? મન કૂવાની અવેજી શોધવા લાગ્યું. ખેતરને નીચલે શેઢે જ કાળુભાર નદી. તે દિવસોમાં બારેમાસ અખંડ વહે. નદીમાં જ એન્જિન મૂકી ખેતરને પાણી પીતું કરવા મન અધીરું બન્યું. પણ નદી હતી ખુબ નીચાણમાં અને પડું હતું ખૂબ ઉંચું ! આ તો નેવાંનાં પાણી મોભારે ચડાવવાનાં ! પૂછતાં ઉપાય જડ્યો. ભૂગર્ભમાં સિમેંટ-પાઇપ નાખી શકાય. એ વખતે એવા ઉપાયનું જરાયે પ્રચલન નહોતું. પાઇપ બનાવનારા ભાગ્યે જ મળતા. પહોંચ્યો બોટાદ. એક રૂપિયાની એક ફૂટ એ લેખે થોડી પાઇપ લાવ્યો અને એની ટેકનીક પણ જાણતો આવ્યો. ખેતરના કાંઠે જ રેતી અને પાણી તો હતાં જ ! જાતે 2000 ફૂટ પાઇપ બનાવી. અમારા પરિશ્રમે જવાબ આપ્યો. નદીનો સીધો પ્રવાહ – વાયા પાઇપલાઇન – આખા ખેતરમાં પહોંચી ગયો ! પડું બધું હવે “ખેતર” મટી “વાડી” બની ગયું. ઉત્પાદન અચંબો પમાડે એવું જોરુકું મળવા લાગ્યું. આવી પડેલી મુશ્કેલીથી મુંઝાયા વિના માર્ગ શોધવાની મહેનતે ખેતીને કાયમ ખાતે જીવંત બનાવી દીધી.

[૨]…..ઉપરા ઉપરી પડેલા 3 દુકાળે- પિયતની ઇલમી પધ્ધત્તિની ભેટ ધરી :

અમારા ગઢડા વિસ્તારમાં ૧૯૮૫, ‘૮૬ અને ‘૮૭ ના ઉપરા ઉપરીના ત્રણ ખાબક્યા દુશ્કાળ. કૂવાના પાણી ડૂક્યાં, તળ તોડાવ્યાં, આડા-ઊભા દાર કરાવ્યા, પણ પાણી ન વધ્યું. કાંઠે વહેતી કાળુભાર નદી પણ સાવ કોરી ધાકોડ ! કુદરતના રીસામણાં સામે માનવી શું કરી શકે ? કૂવામાં માત્ર પોણો કલાકનું પાણી અને સામે પાણી માગનારાં ૬૦ વીઘામાં ૪,૦૦૦ ઝાડવાં ! ક્યુ ઝાડ શેનું છે તે યે ન પરખાય તેવાં પાન વિહોણાં નર્યાં ઠુંઠા ! તેમના “પાણી…પાણી” ના પોકારો વચ્ચે ઊભેલા અમ પતિ-પત્ની ! તદ્દન અવાક, અસહાય ! દુશ્કાળરૂપી આવેલી આફતનું  એ દ્રશ્ય યાદ આવતાં આજે પણ રુંવાડાં ઊભાં કરી દે છે

મુંઝાયે પાર આવે એવું નહોતું.. મૂળવિસ્તારમાં માટલાં દાટી તેમાં પાણી ભરી જોયું. પણ જામ્યું નહીં. ભાવનગરમાં “ટપક” વિશેની મિટીંગની વાત સાંભળી. પહોંચી ગયો ત્યાં. વાત કરનાર કંપનીના ડીલરને તેડી લાવ્યો વાડીએ, અને સર્વે કરાવ્યો. તેમણે અંદાજ આપ્યો- “સવાલાખ રૂપિયા થશે”. આંકડો સાંભળી મન મોળું પડી ગયું. આટલી મોટી રકમ ? એનું વ્યાજ કેટલું થાય ? અને આ “ટપક-ઇલમ” ન હાલ્યો તો ? તો તો ગોઠણભેર જ થઈ જઈએ ને ?

પણ વાડીએ આવીએ અને ઝાડવાં સામું જોઇએ ત્યાં મન ચકરાવે ચડે -“આ ઝાડવાં મરી જશે હો” ! ઘડીક આ છાબડું નમે, ઘડીક પેલું નમે ! બે દિવસના મનોમંથન થકી નક્કી કર્યુ કે સાહસ કરવું. ગામની સહકારી મંડળી, જિલ્લા સહકારી બેંક અને તેના પ્રમુખ શ્રી જયવંતસિંહજી જાડેજાની ત્વરિત મદદે ભેર કરી. લોન મળી. વાડીએ વીજ જોડાણ નહોતું. ઓઇલ એન્જિનના સહારે સાઇઠે વીઘામાં પથરાએલી ટપકની નળીઓ દ્વારા ટીપે ટીપે પાણી પિરસાયું. અને માત્ર પોણા કલાકના પાણીથી–કહોને દસમાં ભાગના પાણીથી ૪,૦૦૦ ફળવૃક્ષો બચી ગયાં ! “દુશાળ”નું રૂપ લઈને આવેલી આફતે “ડ્રીપ ઇરિગેશન સીસ્ટિમ” રૂપી બાબરાભૂતની ચોટલી હાથમાં આપી દીધી. આજે એ ઘટના ઉપરથી 35 વરહના વહાણાં વાઈ ગયાં- પણ એના પ્રત્યે વધુને વધુ વહાલ ઊભરતું જાય છે,

[૩] …”વાવાઝોડા” એ લીંબુનાં ઝાડને નવી ઝીંદગી કેમ આપવી તે શિખવાડ્યું :

મારી સાંભરણ્યનાં ૧૯૮૩, ૧૯૯૬, ૨૦૦૫ અને તાજેતરમાં ૨૦૨૧માં ખાબકેલ “તોક્તે” મળી કુલ ચાર વાવાઝોડાંનો પંચવટીબાગને માર ખમવાનો આવ્યો છે. એમાં ૧૯૯૬ નું વાવાઝોડું તો વાવણીના પ્રથમ વરસાદની સાથે જ તોફાની પવન આંટીઓ ખાઈ અવળચંડાઇએ એવો ચડી ગયો હતો કે ઘેરાના ઘેરા વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. વાડી ફરતી ઊંચી ને અડાબીડ ઊભેલી જીવંત વાડને પહેલાં ઉલાળી, અને પછી લીધો અંદરનાં ઝાડવાંનો વારો ! ઝાડવાંને કરડી-મરડી ભાંગ્યાં એટલાને ભાંગી-ચૂંથી નાખ્યા ! અને જેણે સામે ધક ઝીલી, એને મૂળિયાંમાંથી ઊખેડી-ઊથલાવી નાખ્યાં. ગામ ભાંગવા જેમ બહારવટિયા વારે ચડી આવ્યા હોય એમ આખા બાગને ધમરોળી નાખ્યો.

તે દિવસોમાં પંચવટીબાગમાં ઉંમરલાયક ફળઝાડના ઘેરા હતા બે. એક લીંબુડીનો અને બીજો હતો ચીકુડીનો. ચીકુડીની ડાળીઓ હોય ચીકણી અને દૂધવાળી, વળી એની આખી ઘટા હોય જમીનને અડકેલી. વાવાઝોડાના ગાંડા વાયરાએ એનેય આડી-અવળી હલાવી-ધૂણાવી બહુ, પણ ભાંગી-તોડી-ઊથલાવી નાખવા જેવું વહમું નુકશાન કરવાની કારી ન ફાવી .મુશ્કેલીમાં પૂરેપૂરો મૂક્યો લીંબુડીના ઘેરાને ! ૩૦૦ ઝાડના આખા ઘેરામાં એક પણ ઝાડને સાજુ-નરવ્યું ન રહેવા દીધું. ત્રણસોએ ત્રણસો લીંબુડીની લાશો માથું પૂર્વમાં અને ટાંટિયા આથમણા, એવો એક સરખો સમાર જ ફેરવી દીધો જાણોને ! અમારા આ વહાલસોયા વૃક્ષની એકાદ ડાળીને થોડુંકેય નુકશાન કોઇ કાવરુ માણહે કર્યું હોય તો વઢી-ઝઘડીને તેની તો ધૂડ કાઢી નાખી હોય, એને બદલે આખેઆખા ઘેરાને સુવરાવી દીધો ? ભગવાન ભેળો થાય તો એકવાર તો બાથંબાથ આવી જવાનું મન થઈ ગયું હતું. માથે ફાળિયું ઓઢીને રોવાનું જ બાકી રહ્યું હતું. કોને કહેવું આ દુ:ખ કહો !

વાવાઝોડું તો કુદરતી હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિ પેદા થતાં સર્જાતું હોય છે, તે કેટલી ઝડપે આવી રહ્યું છે, ક્યારે ક્યાં પહોંચશે અને કઈ બાજુ ફંટાશે-તેનું ગણિત કંઇકે કરી શકાય છે, પણ તેને બંધ કરવાની ત્રેવડ હજુ સુધી વિજ્ઞાન મેળવી શક્યું નથી. ત્યાં સુધી તો તે પસાર થઈ ગયા પછી પાયમાલીની જે પરિસ્થિતિ ઊભી કરી હોય તેમાંથી હવે સુધારો કેમ કરવો તેના જ ઉપાયો અજમાવવા પડતા હોય છે.

હવે શું કરવું ? બધાં ઝાડ નેવકા કાઢી નાખવા ? પછી નવું જે રોપાણ કરીએ તેનું ઉપજણ લેતાં તો વાર લાગી જાય ૫ -૬  વરસની ! શું કરવું કંઇ સુઝતું નહોતું. “કંઇક તો કરવું જોઇશે” એવું વિચારી સૂઈ રહેલા લીંબુડીના ઘેરા વચ્ચે એક ઝાડ, બીજું ઝાડ, ત્રીજું-ચોથું એમ એકે એકની ખબર લેવા માંડ્યા. ૮ ૧૦ ઝાડવાને તપાસ્યાં ભેળો એક ઝબકારો થયો ! અલ્યા ! આ બધાં ઝાડવાં માંદા થયા છે, કંઇ મર્યા નથી ! તેનાં એકબાજુનાં મૂળિયાં બહાર ભલે નીકળી ગયાં એ વાત સાચી, પણ નીચેની બાજુનાં તો  સાવ જ સાબૂત છે ! એમ કર્યું હોય તો કે દરેક થડને જમીનથી 6 ઇંચ ઉપરથી કાપી લઈએ અને બહાર દેખાતાં મૂળ પણ કાપી લઈ, અને થડ ફરતે માટીનું ઢુંગલું કરી દઈએ તો ? નીચેના સાબૂત મૂળિયાં દ્વારા નવી ફૂટ નહીં મેળવી લે ?

વિચારને મૂક્યો અમલમાં. બધા ઝાડને થડિયેથી કાપી, ડાળી-પાંખડા દૂર કરી, થડિયે માટી ચડાવી, અંદરના ખાલામાં દાંતી-રાંપ ચલાવી પડું કર્યું ચોખ્ખું અને ખામણા કરી ખાતર-પાણી કર્યા શરુ ! દરેક થડિયે પીલા ફૂટ્યા ઘણા, પણ બે બે રાખી, વાંસ-લાકડીનો ટેકો આપી ઝાડવાંને વધવાની મોકળાશ કરી આપતાં ત્રીજા જ વરસે ઉત્તમ ઘટાદાર બાળવૃક્ષો બની ફાલ આપવા મંડી પડ્યા ! જાણે ઉપરથી વાવાઝોડા રૂપી ઘાત ગઈ જ નથી ! કહો, આફતે તો લીબુંના બાગને વૃદ્ધમાંથી ફરી યુવાન બનાવી દીધોને?

[૪]…..કોરોના-કોવિડ-19 વાયરસના હુમલા પછી જીવન જીવવાની નવી રીત મળી :

દુનિયા આખીના કંઇક માણસોને મોતની ખાઇમાં ધકેલી દેનાર વાયરસ-કોવિડ-૧૯ એ ૨૨ માર્ચ-૨૦૨૦ થી ભારતમાં પગપેસારો કર્યાને દોઢ વરસ થવા આવ્યું છતાં દેશ છોડવાનું નામ લેતો નથી એવા આ લપિયા વાયરસે બહુ લાંબો સમય લોકડાઉન ઉપર લોકડાઉન- અને એને પરિણામે દેશના નાનાં મોટાં તમામ ધંધાઓ બંધ, કારખાના-ફેક્ટરીઓ, બસસેવા, ટ્રૈનસેવા, દરિયાઇસેવા, અરે ! હવાઇ જહાજ-પ્લેનસેવા અને મોટર-કાર, ટ્રકો, રીક્ષાઓ તથા બાઇક સેવા તો શું, બજારોમાં લોકોની હરફર સુદ્ધાં બંધ, જેવા ઘણા બધાં પગલાં તેને મહાત કરવા ભરાયાં છતાં તેની બીજી લહેરે તો એવો આતંક મચાવ્યો કે દવાખાનાઓ બધાં દર્દીઓથી ઊભરાયાં,દવાઓ ખુટી પડી, રેમડેસીવર ઇંજેક્શનોના કાળાબજાર બોલાયા છતાં મોતના ખપ્પરમાં એટલા બધાને લઈ લીધા કે કુદરતનો માણસોને મારી નાખવાનો લક્ષાંક જાણે પૂરો જ ન થતો હોય તેમ મડદાંઓને સ્મશાનોમાં દાખલ થવા માટેની લાઇનો લાગી-કહોને સ્મશાનો ખૂટી પડ્યાં ! આ કંઇ “આફત” નહોતી, “કુદરતનો કોપ” હતો. એણે દેશ અને દુનિયાના લોકોને ગફલતમાં રહ્યે શું થાય તેનું વરવું દર્શન કરાવી દીધું.

જેમનું જેમનું આયુષ ખુટ્યું હતું તેવાને કાળને ભેટાડવાનું નિમિત્ત કોવિડ-૧૯ જરૂર બન્યો, પણ બીજી બાજુ વિચારીએ તો જે માણસો જરા સમજુ હતા, વિજ્ઞાનના તજજ્ઞોની સલાહને માનનારા હતા-કહોને પોતે સજાગ હતા તે બધાએ કોરોનાએ મચાવેલા વરવા દ્રશ્યો જોઇ પોતે જીવન કેવું જીવવું એ પાઠ પાક્કો કરી લીધો છે. આ દરદને લગતી દવાઓ, ઇંજેકશનો અને સારવાર બધાથી ઉપર શરીરને સાજું રાખવાનો કારગરમાં કારગર ઉપાય જો કોઇ હોય તો પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી એ જ છે. અમોને પણ આ વાત બરાબરની સમજાઇ, અને તબીબી વિજ્ઞાન આપણી ભેરે આવી ગયું હોવાથી શોધાએલાં વેક્સીનના ઇંજેક્શનો સમયસર લઈ લેવા ઉપરાંત આળસ ખંખેરી, નિયમિત પણે યોગ-પ્રાણાયામ, કલાકભર સવારમાં ચાલવું, થઈ શકે તેટલો ઉત્પાદક શ્રમ કરવો, તુલસી-અજમો-ફુદિનો-ગળો અને હળદરનો ગરમ પાણી સાથેનો નાહ અને આ જ પદાર્થોનો ઉકાળો, આદુ-લીંબું-આમળાનું સેવન, સાદો-પૌષ્ટિક ખોરાક, હાથ-મોં-શરીરની ચોખ્ખાઇ અને વગર જોઇતા પ્રવાસોનું નિયમન તથા પરિવાર ભાવનાને પ્રાયોરીટી જેવી ટેવો, કોરોના વહ્યો જાશે તો પણ ચાલુ રાખવાની આદત ઊભી થઈ ગઈ હોવાથી જીવન સુખમય રીતે પસાર કરી શકાશે તેવો વિશ્વાસ આવી ગયો છે.

આ રીતે મિત્રો ! આફતો આપણા હીરને બહાર પ્રકટાવવાનો મોકો આપતી હોય છે. કસોટીની ખરી પળ આવે છે ત્યારે જ આપણે મીણના છીએ કે પોલાદના તે આવા સમયે જ નક્કી થાય છે.


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com