દીપક ધોળકિયા

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. મૂળ લક્ષ્ય  તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” ક્રાન્તિકારીઓ ઇચ્છતા હતા કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે કૉલેજને ઘેરી લીધી પણ એ તો નાસી છૂટ્યા હતા.

ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર આઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

ભગવતી ચરણ વોહરા ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.


સંદર્ભઃ

1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

  1. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm


દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી