તવારીખની તેજછાયા

મોરારજી હંમેશ એક વાત પર ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં

પ્રકાશ ન. શાહ

લગભગ પાંચ દાયકા પાછળ ૧૨મી જૂન, ૧૭૫ના દિવસે બે ઐતિહાસિક ચુકાદા એકસાથે આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યાં હતાં. જેપી આંદોલને આણેલ જાગૃતિના માહોલમાં ચોક્કસ જ ઈન્દિરાઈ એકાધિકાર પર આ એક ફટકો હતો. બીજો ફટકો ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સાથે પડ્યો: ભલે સીમિત પણ જનતા મોરચો ગજું કરી ગયો હતો.

નવનિર્માણના દિવસોમાં જયપ્રકાશ ગુજરાત આવ્યા ત્યારે યોજાયેલ લોકસ્વરાજ સંમેલનનો તાંતણો પછી આગળ ચાલ્યો એમાં બિહાર આંદોલનથી બની રહેલ રાષ્ટ્રીય માહોલનો ખાસો હિસ્સો હતો. અમદાવાદનું ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર આ સંદર્ભમાં એક સંપર્કસૂત્ર જ નહીં રીતસર નર્વ સેન્ટર બની રહ્યું હતું. બેંતાલીસ બિરાદરી, સર્વોદય મંડળ, તરુણ વિદ્યાર્થીઓ, નિસબત ધરાવતા નાગરિકો, સૌનું એ મિલન ઠેકાણું બલકે થાણું હતું. સૌના ધરીપુરુષ ભોગીભાઈ- ભોગીલાલ ગાંધી. ૧૯૭૪ના ફેબ્રુઆરીમાં જેપીની મુલાકાત સાથે જે દોર આગળ ચાલ્યો એણે છોડાવવાનું એક મોટું ઉખાણું એ હતું કે ૧૫મી માર્ચે વિધાનસભાનું વિસર્જન તો થયું પણ નવી ચૂંટણીમાં સતત સળંગ મુદત પડતી ગઈ.

વિસર્જનને ખાસું એક વરસ વીતી ગયું ને કેન્દ્ર સરકારે ચૂંટણી યોજવાનું નામ ન લીધું ત્યારે અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન (નવી દિલ્હી)ના મંત્રી અને જેપી આંદોલનના સંયોજકવત્ રાધાક્રિષ્ણની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પક્ષ-અપક્ષ અગ્રણીઓનું સંમેલન યોજી ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. તે પછી તરતના અઠવાડિયામાં એપ્રિલ ૧૯૭૫માં મોરારજી દેસાઈએ ચૂંટણી યોજવા માટે અનશન કર્યા અને ઈન્દિરાજીના મોકલ્યા ગૃહપ્રધાન દીક્ષિતે મોરારજીભાઈની માગણી સ્વીકારી. તે સાથે બાંહેધરી પણ આપી કે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરીએ. લોકસ્વરાજ આંદોલન-લોકસંઘર્ષ સમિતિ-જનતા મોરચો એ પ્રક્રિયા આગળ ચાલી.

વાતની શરૂઆત પરિણામના દિવસથી કરી હતી, પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં ઝડપથી બે-ત્રણ મુદ્દા કરી લેવા જોઈએ. વ્યક્તિગત રીતે મોરારજીભાઈ સાથેના પરચિયથી (એમની અજાતમિત્ર આભા છતાં) સકારાત્મક છાપ પડી. મોરચાનો ઢંઢેરો તૈયાર કરવાની સમિતિ પર જેપી મિત્રોએ મૂક્યો હતો. કીર્તિદેવ દેસાઈ-પ્રવીણ શેઠ અમારા સહયોગી હતા. સંસ્થા કોંગ્રેસના બાબુભાઈ જશભાઈ ને દિનેશ શાહ તો અન્ય પક્ષો તરફથી આર. કે. અમીન વ. તેમ પ્રસંગોપાત પિલુ મોદી પણ જોડાતા. અમારા સૌમાં વયોવૃદ્ધ મોરારજી દેસાઈ બધો વખત બિલકુલ ટટ્ટાર બેસી ચર્ચામાં રસ લેતા. એક વાર પિલુ મોદીએ કહ્યું કે તમને છેલ્લે બધું બતાવી દઈશું. આટલું લાંબું બેસવાનું કષ્ટ કેમ લો છો. મોરારજી જેનું નામ- એ કહે, પિલુ, તું તો અંગ્રેજી આધ્યાક્ષર મુજબ બોર્ન પી.એમ. છે. જ્યારે મારે તો હજુ એમ.પી. બનવા માટે પણ મહેનત કરવાની છે. મુદ્દા ચર્ચવામાં મોરારજી હંમેશ એક વાત પર પોતાના વહીવટી અનુભવને જોરે ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં.

ઢંઢેરાના મુખડા જેવો એક પેરા કીર્તિદેવ દેસાઈએ અને મેં તૈયાર કર્યો હતો. એમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં એક નવું રાજકારણ રચાઈ રહ્યાનો નિર્દેશ હતો. ગુજરાતમાં જયપ્રકાશ ક્યાંથી, એવી વેધક પૃચ્છક નજરે મોરારજીભાઈએ અમારા સામું જોયું, પણ બાબુભાઈ દરમ્યાન થયા: આ લોકો (જેપી મિત્રો) છે તો આપણે બધા સાથે થઈ શક્યા છીએ.

તે પછી બધું સમું ચાલ્યું. અનૌપચારિક સંબંધ એવો તો થઈ ગયો મોરારજીભાઈ સાથે પછીના ગાળામાં કે એ એમના આરોગ્યના પ્રયોગો વગેરેની વાત રસથી મિત્રભાવે કરે. એક વાર તાવ આવ્યો, ઊતરવાનું નામ લે, એટલે પોતે લંઘનનો રાહ લીધો. તે પછી આટલે વરસે એકે વાર તાવ આવ્યો નથી, એમ પણ એમણે કહ્યું. મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને કહ્યું: ‘હવે મને ખબર પડી કે આપણે કેમ બનતું નથી… તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જેપીવાળા… ઉલ્લંઘનવાળા!’ એ ખડખડાટ હસી પડ્યા. પણ હતા તો મોરારજી, એટલે કહ્યા વગર રહી શક્યા નહીં કે તમે તમારા મનમાં કબજામાં છો જ્યારે મારું મન મારા કબજામાં છે.

ખરું જોતાં વાસંતી સંઘર્ષ દિવસો તો એક લાંબી દાસ્તાં છે અને પાંચસો સાતસો શબ્દૈડીમાં એને ખતવી શકાય નહીં. પણ એટલું સંભારી લઉં કે જનતા મોરચાએ સરકાર રચવા માટે જે સાથ લેવો પડ્યો એને અંગે અમારા મનમાં કંઈક કચવાટ જરૂર રહ્યો. જોકે અત્યારે સૂત્રો હાથમાં ન લઈએ તો આવનારા દિવસો ભયાવહ વળાંક લઈ શકે છે એવીયે એક માન્યતા હતી. ઉમાશંકરે મન્યુવશ પ્રતિક્રિયા આપી કે અહીં જેપી થીસિસને બદલે મોરારજી થીસિસ ચાલે છે. શપથવિધિ માટે જતા બાબુભાઈને એમણે કહ્યું- હું તમને ‘વિશ’ કરી શકતો નથી. (જોકે ૨૬મી જૂને કટોકટી ઝિંકાઈ તે સાથે આ થીસિસ વિવાદ અપ્રસ્તુત બની ગયો.)

પાંચમી જૂન, ૧૯૭૪ (સંપૂર્ણ ક્રાંતિ દિવસ) અને બારમી જૂન, ૧૯૭૫, જેપી થીસિસ ને મોરારજી થીસિસ વચ્ચેનું ગુણાત્મક અંતર ૧૯૭૭ના જનતા રાજ્યારોહણ સાથે કપાતું લાગ્યું.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.