સંવાદિતા
મૃત્યુ નજીક છે એ જાણી કેટલાક એ ક્ષણથી જ મરવાનું શરૂ કરી દે છે. કેટલાક ત્યારથી જીવવાનું શરૂ કરે.
ભગવાન થાવરાણી
ઉર્દુ લેખક કૃષ્ણ ચંદરની એક ટૂંકી વાર્તા છે ‘જામુન કા પેડ ‘.એમાં ભરરસ્તે એક ઝાડ પડી જાય છે અને એની હેઠળ એક માણસ દબાઈ જાય છે. લોકો ભેગા થઈ એ ઝાડ હટાવી એની નીચેથી પેલા માણસને કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક ડાહ્યો માણસ વચ્ચે પડે છે. ‘ આ સરકારી ઝાડ છે. આપણાથી હટાવાય નહીં. સરકારના માર્ગ વિભાગને જાણ કરવી જોઈએ.’ માર્ગ વિભાગના અમલદાર કહે છે ‘ જાહેર બાંધકામના કાર્યક્ષેત્રમાં આવે આ મામલો.’ એ વિભાગ કહે છે કે આ મામલો બાગાયતી વિભાગ હેઠળ આવે અને એ લોકો આ રાજ્ય સરકારનો નહીં કેન્દ્ર સરકારનો વિષય છે એવું કહી વાતને આગળ ઠેલે છે.અંતે ‘ સક્ષમ ‘ વિભાગના માણસો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં પેલો માણસ મરી ચૂક્યો હોય છે !
મહાન જાપાનીઝ ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૧૯૫૨ ની જે ફિલ્મ ‘ ઇકીરુ ‘ (એટલે જીવવું )ની વાત આજે આપણે કરવાના છીએ એનો નાયક કાંજી વાતાનબે આવો એક ‘ સક્ષમ ‘ અધિકારી છે જે દરેક રીતે એક અક્ષમ જીવન જીવ્યો છે. એણે ત્રીસ વર્ષની નોકરીમાં એક પણ દિવસ રજા પાડી નથી પરંતુ એ ત્રીસેય વર્ષોમાં યંત્રવત ફાઈલો ઠેકાડવા અને મુલાકાતીઓને ભગાડીને અન્યત્ર મોકલવા સિવાય કોઈ કામ કર્યું નથી. એ વિધુર છે અને પોતાના દીકરા અને વહુ સાથે રહે છે જેમને, એમની નજીક આવી રહેલી નિવૃત્તિના નાણા સિવાય એમનામાં કોઈ દિલચશ્પી નથી.મ્યુનસિપાલીટીના વિભાગીય વડા તરીકે એમની પાસે શહેરની મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ આવે છે. શહેરની વચ્ચે મચ્છરોથી ઊભરાતા કાદવ કચરા વાળા એક મેદાનને બાળ ક્રિડાંગણમાં ફેરવવા માટે એ રજૂઆત કરવા આવ્યું છે. એમને આ સાહેબ એમ કહી ભગાડી મૂકે છે કે આ કામ એમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. એમણે આખી નોકરીમાં જવાબદારીઓનો આમ જ ઉલાળીયો કર્યો છે.
પેટની તકલીફ માટે વાતાનબે સાહેબ એકવાર ડોક્ટર પાસે જાય છે. પોતાના એક્સ રેના પરિણામની રાહ જોઈ બેઠેલા વાતાનબેને ત્યાં એક વાતોડીયો માણસ ભેટે છે. વાત વાતમાં એ માણસ એમને કહે છે ‘ ડોક્ટર સાહેબ જો તમને કહે કે તમને ગમે તે ખાવા પીવાની છૂટ છે એનો અર્થ એવો કરજો કે તમને કેન્સર છે અને હવે છ એક મહિનાથી ઝાઝું જીવવાનું નથી. ‘ ડોક્ટર ખરેખર તેમ જ કહે છે. એમને હોજરીનું કેન્સર છે અને હવે મુશ્કેલીથી જિંદગીના છએક મહિના બચ્યા છે.
ખળભળી ઉઠેલા કાંજી ઘરે પહોંચી આ વાત એકના એક દીકરાને કરવાનો પ્રયત્ન કરે છે પણ એ કોઈ રસ દાખવતો નથી. એ બ્લેન્કેટ ઓઢી એકલા એકલા રડે છે અને દિવાલ ઉપર ટિંગાડેલ ” નોકરીના 25 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા નું પ્રમાણપત્ર ” એમને ઉપહાસથી જોઈ રહે છે !
સ્વસ્થતા કેળવી એ નોકરી ઉપર જવાનું બંધ કરે છે અને ખિસ્સામાં 50,000 યેન ભરી જીવન ‘ માણવા ‘ નીકળી પડે છે. બાર, કેસિનો, કેબરે, સ્ટ્રીપ ટીઝ અને માનુનીઓના મેળાવડામાં ફરતાં એમને એક મનમોજી લેખક ભેટે છે. એ એમની જીવી લેવાની ઉતાવળ અને એના કારણો સમજે છે. એ જ્યારે એમને વધુ પડતો દારૂ ઢીંચતા રોકે છે ત્યારે જવાબમાં કાનજી કહે છે ‘ આ પીવું એ મારો મારી અત્યાર સુધીની જિંદગી સામે નોંધાવેલો પ્રતિરોધ છે. ‘ !
એક પાર્ટીમાં એ પિયાનો વાદકને એક જૂનું ‘ ગોન્ડોલા ગીત ‘ વગાડવાની ફરમાઈશ કરે છે અને પછી પોતે જ એ ગણગણે છે. એમણે ગાયેલા ગીતમાં સમાયેલું દર્દ સાંભળી પાર્ટીમાં ઉપસ્થિત સૌ લોકો ચકિત રહી જાય છે !
એમની જ ઓફિસમાં કામ કરતી એક સહકાર્યકર સ્ત્રી એમને મળવા આવે છે. એ નોકરીમાંથી રાજીનામું આપવા માંગે છે કારણ કે દોઢ વર્ષ નોકરી કરી એણે પોતાનો સમય વેડફ્યો હોય એવું એને લાગે છે. એ સ્ત્રીને રાજીનામાના પત્રમાં કાંજીની મંજૂરીની સહી જોઈએ છે. જીવનના સાક્ષાત ધબકાર સમ એ સ્ત્રી ચંચળ લીલીછમ અને સતત પ્રવૃત્તિશીલ છે. એને નોકરી છોડી બાળકો રમીને રાજી થાય એવા રમકડા બનાવવામાં બાકીની જિંદગી ખરચવી છે. ઓફિસના સહકાર્યકારો એની ગેરહાજરીમાં એની કેવી ઠેકડી ઉડાડે છે એ વાત જ્યારે એ સ્ત્રી કાંજીને કહે છે ત્યારે એ જવાબ આપે છે ‘ કોઈની ઘૃણા કરવી હવે મને પોસાય જ નહીં. મારી પાસે એટલો સમય જ ક્યાં છે ? ‘ . એ સ્ત્રીની ની જીવન સાથેની ઘનિષ્ઠ નિસ્બત જોઈને કાંજી ઉચ્ચારે છે ‘ મરતાં પહેલા ઓછામાં ઓછો એક દિવસ મારે તારી જેમ વ્યતીત કરવો છે.’
કાંજીને લાગે છે કે મોજમજા એ વેડફાયેલા જીવનને ભરપાઈ કરવાનો સાચો ઉકેલ નથી. એને યાદ આવે છે,એના શહેરમાં ખરાબાની જમીનને બાળ ઉદ્યાનમાં ફેરવવા વિનંતી કરવા એક સ્ત્રીઓનું જૂથ આવેલું. એ મનોમન કંઈક નક્કી કરે છે. ઘણા દિવસ પછી ઓફિસે જાય છે અને મચ્છર અને ગંદકીથી ખદબદતી એ જગ્યાએ બગીચો બનાવવાની ઝુંબેશ શરૂ કરે છે. બધા ચકિત કે આ મુર્દામાં જીવ ક્યાંથી ! એ બધું અવગણી દોડાદોડી કરે છે, અન્ય વિભાગોનો સહકાર લે છે, ક્યાંક પોતાના કાર્યક્ષેત્રની ઉપરવટ પરાણે જાય છે અને બગીચાનું નિર્માણ શરૂ કરાવે છે.
બગીચો પૂર્ણ થાય છે. એક દિવસ સમાચાર આવે છે કે કાંજી, પોતે બધા સંજોગોની સામે ઝઝુમીને બનાવેલા બગીચામાં એક અડધી રાતે હિંચકામાં ઝૂલતો ઝૂલતો કડકડતી ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો છે ! એક સહકાર્યકરે તો એ હિંચકતો હતો ત્યારે એને પોતાની સગી આંખે અને કાને ‘ગોંડોલાનું ગીત ‘ ગણગણતા ભાળ્યો પણ હતો !
૧૯૧૫માં જાપાનીઝ કવિ ઈસામુ યોશી દ્વારા લખાયેલ એ ઊર્મિગીતના શબ્દો જુઓ :
જીવન તો ભંગુર છે ગોરી
પ્રેમ કરી લે
જીવનમાંથી લાલચટક ખિલખિલાટ આથમે
એ પહેલા
માંહ્યલા થનગનાટનું પુર ઓસરે એ અગાઉ
કારણ કે છેવટ તો
કાળ જેવું કશું છે જ નહીં
જીવન તો પરપોટો છે ગોરી
નેહ રળી લે
એની હોડી એ એના જ હાથોથી
છીનવી લે એ પહેલાં
ગાલોની લાલી ઓઝપાઈ જાય એ પહેલા
કારણ આ દિશામાં તો રડ્યુંખડ્યું જ કોઈ આવે છે.
જીવન તો સપનું રે ગોરી
દલડું દઈ દે
હોડી મોજાં પર સવાર થઈ
સરી જાય એ પહેલાં
તારા ખભે ટેકવાયેલો હાથ
શિથિલ થઈ સરી પડે એ પહેલા
કારણ અહીં લગી કોઈ નજર પહોંચે છે જ ક્યાં
જીવન તો ટૂંકું ને ટચ
પ્રેમ પદાર્થ પામ રે ગોરી
કાળી ભમ્મર ઝુલ્ફનો ચળકાટ ઝંખવાય એ પહેલા
તારા જિગરની જ્વાળા ટમટમીને હોલવાઈ જાય તે પહેલાં
કેમ કે
આજની ઘડી ગઈ તો પાછી ક્યાંથી ફરવાની..
ફિલ્મમાં નાયકની અદભુત ભૂમિકા અભિનેતા તાકાશી શિમુરાએ ભજવી છે. એ કુરોસાવાની કુલ ત્રીસમાંથી એકવીસ ફિલ્મોમાં હતા. વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મોના ચયનમાં આ ફિલ્મ હંમેશા અગ્રસ્થાને હોય છે.
ફિલ્મ લીઓ ટોલ્સટોયની લઘુ નવલ ‘ ડેથ ઓફ ઇવાન ઇલીચ ‘ ઉપરથી પ્રેરિત હતી. હિન્દી ફિલ્મ ‘આનંદ ‘માં પણ આ ફિલ્મની છાંટ હતી. ૨૦૨૨માં બ્રિટિશ ફિલ્મ ‘ લિવિંગ ‘ પણ એના પરથી બની છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

આપે બહુ સરસ વીશ્લેષણ સાથે અનુરૂપ રસાસ્વાદ કરાવવા બદલ આભાર. અકીરો કુરુસાવા ની ફિલ્મ પહેલા સીન થી જ શરુ થઇ જાય. “અકીરૂ” નો પહેલો સીન એક એક્ષરે મશીન માંથી દેખાતાં કોઈ દર્દીનાં આંતરડાનો નો છે. થોડો સમય તો પેક્ષકોને એમ લાગે કે આપણે આ શું જોઈરહ્યા છીએ? પછી દાકતર અને દર્દી વચ્ચે વાતચીત શરુ થાય. શ્વેત શ્યામ ફિલ્મ અને તે પણ ટોક્યો શહેરનાં ગીચ વસ્તી વાળા વિસ્તારમાં શૂટ કરી છે. વિશ્વયુદ્ધની કળ માંથી બહાર આવવા સંઘર્ષ કરતો જાપાનનો મઘ્યમ વર્ગ., લાંચ રુશ્વત થી ખદબદતા તંત્ર સામેની લડત ની વાત છે.
પણ આપે મજા તો એ પડી કે ઇકુરુ ની સરખામણી ક્રષ્ણ ચંદર બી વાર્તા “જામુન કા પેડ” ની વાર્તા સાથે કરી. આ વાર્તામાં સરકારી તંત્ર ઉપર ગજબનો કટાક્ષ છે. આ વાર્તાનું નાટ્ય રૂપાંતર હિન્દીમાં શ્રી કદર ખાને કરેલું. તે નાટક ને મુંબઈની કોલેજની નત્ય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલું. તે સમયે કોલેજ માં કદરખાન સાથે ભણતા તેમના એક મિત્ર હાલ હ્યુસ્ટનમાં સ્થિર થયા છે, તેમની રાહબરી નીચે આ નાટક ત્રણેક વખત અહીં અમે ભજવ્યું. એક લાંચીયા સરકારી ઓફિસરની ભુમિકા મેં કરી હતી,
આ પણ એક મજા છે.
-નીતિન વ્યાસ
LikeLike
very good story. Thank you.
Saryu
LikeLike
આભાર સર્યુબહેન !
LikeLike
આપે બહુ સરસ વીશ્લેષણ સાથે અનુરૂપ રસાસ્વાદ કરાવવા બદલ આભાર. અકીરો કુરુસાવા ની ફિલ્મ પહેલા સીન થી જ શરુ થઇ જાય. “અકીરૂ” નો પહેલો સીન એક એક્ષરે મશીન માંથી દેખાતાં કોઈ દર્દીનાં આંતરડાનો નો છે. થોડો સમય તો પેક્ષકોને એમ લાગે કે આપણે આ શું જોઈરહ્યા છીએ? પછી દાકતર અને દર્દી વચ્ચે વાતચીત શરુ થાય. શ્વેત શ્યામ ફિલ્મ અને તે પણ ટોક્યો શહેરનાં ગીચ વસ્તી વાળા વિસ્તારમાં શૂટ કરી છે. વિશ્વયુદ્ધની કળ માંથી બહાર આવવા સંઘર્ષ કરતો જાપાનનો મઘ્યમ વર્ગ., લાંચ રુશ્વત થી ખદબદતા તંત્ર સામેની લડત ની વાત છે.
ઇકુરુ ની સરખામણી ક્રષ્ણ ચંદર બી વાર્તા “જામુન કા પેડ” ની વાર્તા સાથે કરી. આ વાર્તામાં સરકારી તંત્ર ઉપર ગજબનો કટાક્ષ છે. આ વાર્તાનું નાટ્ય રૂપાંતર હિન્દીમાં શ્રી કાદર ખાને કરેલું. તે નાટક ને મુંબઈની કોલેજની નત્ય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલું. તે સમયે કોલેજ માં કાદરખાન સાથે ભણતા તેમના એક મિત્ર હાલ હ્યુસ્ટનમાં સ્થિર થયા છે, તેમની રાહબરી નીચે આ નાટક ત્રણેક વખત અહીં અમે ભજવ્યું. એક લાંચીયા સરકારી ઓફિસરની ભુમિકા કરવાની તક મને મળેલી. ,
આ પણ એક મજા છે.
-નીતિન વ્યાસ
LikeLike
આભાર નીતિનભાઈ !
‘ ઇકીરુ ‘ એ કુરોસવાની મારી મનગમતી ફિલ્મ .
કૃષ્ણ ચંદરની વાર્તા યોગાનુયોગ યાદ આવી. એક જમાનામાં એ મારા પ્રિય લેખક હતા.એમનું લખેલું બધું જ વાંચતો. એમની સાથે પત્ર વ્યવહાર પણ કરેલો. તમે એ વાર્તા પરથી બનેલા નાટકમાં ભૂમિકા ભજવેલી એ આનંદની વાત !
‘ ઇકિરુ ‘ માં નાયક જે ‘ ગોન્ડોલાની કવિતા ‘ ગણગણે છે એના વિષે પણ એક લેખ કરેલો.
આપ આ બધું ઝીણવટપૂર્વક વાંચો છો એનો આનંદ !
LikeLike