અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
ઇતિહાસ અને પુરાણને ચિત્રાત્મક તેમજ લયબદ્ધ રીતે રજૂ કરનાર ગુજરાતી સાહિત્યના ઊંચા ગજાના સર્જકોમાં કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ પંક્તિની હરોળમાં લેવામાં આવે છે. કનૈયાલાલ મુનશી આર્ય સંસ્કૃતિના અનન્ય ચાહક અને ઉપાસક છે. આથી સહેજે તેમને પરશુરામનું ખેંચાણ છે એટલા માટે જ પ્રસ્તાવનામાં મુનશીએ નોંધ્યું છે કે, ‘આ કૃતિ મારી ઉલ્લાસમય તપશ્ચર્યાનો અંત છે. ‘

જ્યારે આર્ય ભૂમિનો પ્રાતઃકાળ હતો અને આ ભૂમિમાં જે સત્તા ભોગવતો હતો તે સહસ્ત્રાર્જુન પરશુરામ અને પછીથી તેની થનાર પત્ની લોમાને પકડીને દ્વારકા મૂકે છે અને ત્યારથી કથાનો પ્રારંભ થાય છે અને સહસ્ત્રાર્જુનના અંતથી આ કથા પૂરી થાય છે. આ બંને બિંદુઓની વચ્ચે કૃતિ સહૃદયને રસતરબોળ બનાવી દે છે.
પરશુરામ રામના પણ સમકાલીન છે અને કૃષ્ણના પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ શ્વસ્યા છે. આ ભાર્ગવ રામમાં વશિષ્ઠ રોપાયા છે, વિશ્વામિત્ર રોપાયા છે, દંડનાથ જેવો અઘોરી પણ રોપાયો છે. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેઓ રામમાંથી પરશુરામ બને છે અને પછીથી ભગવાન પરશુરામમાં રૂપાંતરિત થાય છે પૌરુષત્વ નો પર્યાય જાણે મુનશીએ પરશુરામ દ્વારા આપી દીધો છે. ભગવાન પરશુરામનું આલેખન એવું થયું છે કે બધા જ કથા પ્રસંગો વચ્ચે તેઓ તુંગ શિખરની જેમ ઊપસી આવે છે અને બીજાં બધાં જ પાત્રો તેમની સામે ઝાંખા પડી જાય છે – તેમના પિતા અને ગુરુઓ સુદ્ધાં.
ઇતિહાસ સાક્ષી રહ્યો છે તે પ્રમાણે સંક્રાંતિ કાળની કોઈપણ વ્યક્તિને હળાહળ તકલીફો જ સહન કરવી પડતી હોય છે. જ્યારે વેદકાળ પૂરો થતો હતો અને બ્રાહ્મણકાળની શરૂઆત થતી હતી એ વચ્ચેના સંક્રાંતિકાળનું પાત્ર છે આ પરશુરામ. બંને યુગની વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમના ફાળે આવ્યું છે. અને આખી કૃતિમાં જો એમનું મહત્વનું લક્ષણ હોય તો તે અભય અને સત્વસંશુદ્ધિ છે. પરશુરામ ઉત્તમ પતિ છે, સાચા સમાજસુધારક, જાગૃત નેતા, સંસ્થાપક તેમજ વિવેકી રાજનીતિજ્ઞ પણ છે. પરશુરામ ના પગમાં ચક્ર છે જે તેને વણથંભ ચલાવે છે. ધીમે ધીમે આખી નવલકથામાંથી પસાર થતાં મુનશી આપણે બતાવતા જાય છે કે પરશુરામ એ પાત્ર નથી પણ ચરિત્ર છે. તેનો વ્યાપ કૃષ્ણની જેમ વિરાટ રૂપ ધારણ કરે છે. આ મહાનાયક દ્વારા મુનશી એ પણ સ્થાપવા માગે છે કે અભય અને સત્વસંશુદ્ધિ એ આ મહાનાયક ના બે મૂળ પાયા છે.
આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : પહેલા ખંડમાં રામની દ્વારકા થી જૂનાગઢ સુધીની યાત્રા છે, બીજામાં એ નર્મદાકાંઠે દંડનાથ અઘોરી પાસે વિદ્યા શીખે છે તેની વાત છે અને અંત ભાગમા યાદવોને, શૌર્યતોને એકજૂથ કરે છે ત્યારે ઘોર સંગ્રામ થાય છે અને અંતે સહસ્ત્રાર્જુનનો વધ થાય છે તેની કથા છે.
પરશુરામનો જન્મ જ આર્યત્વની સ્થાપના માટે થયો છે. એ જન્મથી જ ગુરુ છે. વારંવાર આ વાતને તેઓ ઘૂંટે છે કે હું ગુરુ છું અને ગુરુ જ રહીશ. જોવાની ખૂબી એ છે કે પરશુરામ માં એટલી સત્વસંશુદ્ધિ છે કે આ કહેતાં પણ તેમનાં પાત્ર દ્વારા અભિમાનની અનુભૂતિ નથી થતી. ભીષ્મ અને કર્ણ જેવા તેના શિષ્યો છે, જેને નિયતિનો ભોગ બનવું પડ્યું છે પણ તેમને હરાવવા અશક્ય છે, કારણકે તેઓ મહાગુરુ પરશુરામના શિષ્યો છે.
પરશુરામના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેમના સિદ્ધાંતો કેન્દ્રમાં રહ્યા છે. ફરતા ફરતા તેઓ પિતા પાસે પહોંચે છે ત્યારે તેમના પિતા પરશુરામની માતા રેણુકા ભ્રષ્ટ થયેલી છે એવી વાત કરે છે ત્યારે પરશુરામનું લોહી ઉકળી જાય છે અને પિતાના આદેશ મુજબ માતાનું ડોકું કાપી નાખવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. માતાને શોધતા એ ગાંધર્વ ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે સામેનું ચિત્ર જોતાં અવાક્ થઇ જાય છે. ઋષિ ગાંધર્વ અને નગરવાસીઓને જે રોગનો ભોગ બન્યા છે તેની સેવાચાકરીમાં માતા રેણુકા મગ્ન હોય છે. આ જોતાં પરશુરામ પિતાની ગેરસમજને દૂર કરવા માતાને પિતા પાસે લઈ આવે છે અને પિતાની ગેરસમજણનું આકરા શબ્દોમાં સમાધાન લાવી આપે છે. મુનશીએ પરશુરામના ચરિત્રના આલેખન દ્વારા એ પણ સૂચવ્યું છે કે જ્યાં સિદ્ધાંત આવે ત્યાં સગા પિતાને પણ છોડી દેવા પડે. આ પૌરુષત્વની નિશાની છે. આવું પૌરુષત્વ એક ગુણ છે, એક તત્ત્વ છે. વ્યક્તિના સિદ્ધાંતો જ તેની મૂડી હોય છે. આખું જીવન પરશુરામ લડયા છે – પોતાના પિતાની સાથે પણ. અનંતરાય રાવળે નોંધ્યું છે કે, ‘એ જ પરશુરામની પૃથ્વીને નક્ષત્રિય કરવાની વાત છે. ‘ વિચારોનાં, રૂઢિનાં, ગેરસમજણોનાં જાળાં પરશુરામ એક પછી એક દૂર કરતા ગયા છે.
મુનશીની આ નવલકથાનાં સ્ત્રી પાત્રો પણ હંમેશા જાજરમાન અને સંકુલ રહ્યાં છે. પરશુરામના જીવનની આસપાસ પણ અનેક સ્ત્રી પાત્રો છે, જેના કારણે સતત પરશુરામની પરીક્ષા થતી રહી છે. કલ્વિણી કુક્ષી ઋષિની પત્ની છે. તે પ્રથમવાર રામને જોતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેના પૌરુષત્વ પર મોહી પડે છે. એક વખત કલ્વિણી પરશુરામને પોતાને ઘેર નિમંત્રે છે. અને યુવાન રામ કલ્વિણીનો નિર્વસ્ત્ર દેહ જુએ છે. પરંતુ રામ સામાન્ય પુરુષ નથી કે કામતત્ત્વમાં તણાઈ જાય. એ પરશુરામ છે, જિતેન્દ્રિય પુરુષ છે. એ ક્ષણે તેઓ કલ્વિણીને સોટો વિંઝી દે છે. જે ક્ષણ ચારિત્ર્ય સરકી જવાની ક્ષણ હતી તે ક્ષણને પરશુરામ સાચવી શક્યા છે અને માટે જ તેઓ આર્યત્વનું સ્થાપન કરવામાં સફળ રહ્યા છે.
બીજું સ્ત્રીપાત્ર મૃગાનું છે. એ ખૂબ નાની હતી ત્યારથી જ એ માતા પિતા વિહોણી છે અને સહસ્ત્રાર્જુને જેને પોતા પાસે આશ્રય આપ્યો છે તેવી એ જે સહસ્ત્રાર્જુનની ઉપપત્ની અને ગણિકા સ્ત્રી છે. મૃગા ખુબ જ સુંદર અને કામુક છે. સહસ્ત્રાર્જુન જેવો આસુરી પુરુષ પણ તેના વિના રહી શકતો નથી. ગણિકા હોવા છતાં તેણે સહસ્ત્રાર્જુન સિવાય કોઈ બીજા પુરૂષનો વિચાર સુધ્ધાં કર્યો નથી. વાતવાતમાં એ પરશુરામને પૂછી બેસે છે કે, તમે મારું શું કરો? કલ્વિણીને તો તમે સાઠકાથી મારી હતી. એ ક્ષણે ત્યારે અત્યંત માર્મિક વિધાન પરશુરામના મુખમાં મૂકીને મુનશી સ્ત્રીહૃદયને જીતી શક્યા છે. પરશુરામ જવાબ આપે છે કે, ‘ તમારે માટે હું એવું નહીં કરી શકું કારણકે તમે સહસ્ત્રાર્જુનને પરણ્યાં ન હોવા છતાં, ઉત્તમ ચારિત્ર્ય ન ધરાવતાં હોવા છતાં આખું જીવન એક જ વ્યક્તિને તમે પ્રેમ કર્યો છે. એટલે મારા મતે તમે ચારિત્ર્યવાન પ્રમાણિત થયાં છો. માટે હું તમને મારી મોટી બહેન માનું છું. ‘ આમ કહીને પરશુરામે મૃગા જેવી સ્ત્રીને ભાર્ગવીનું પદ આપી દીધું છે. માર્મિકતાની આ અંતિમ સીમા મુનશીને ઉત્કૃષ્ટ નવલકથાકાર ઠેરવે છે.
ત્રીજું, પરંતુ સૌથી મહત્ત્વનું એવું પાત્ર લોમાનું છે. નાનપણથી જ લોમા પરશુરામની સાથે છે. સ્ત્રી-પુરુષનો ભેદ ન કરી શકાય એવો મૈત્રીસંબંધ લોમા અને પરશુરામની વચ્ચે છે. મુનશી રંગદર્શિતાના લેખક છે. વચ્ચે વચ્ચે રંગદર્શિતા દર્શાવતા અનેક પ્રસંગો આવે છે પરંતુ બંને આ લાગણી પ્રત્યે અજાણ છે. કલ્વિણીને નિર્વસ્ત્ર જોઈ પરત ફરેલા પરશુરામ જ્યારે લોમા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે તેમને પ્રથમવાર અનુભવાય છે કે આ પ્રેમ કરી શકવા જેવી સ્ત્રી છે અને તેથી તેઓ લોમા પાસે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. ક્યાં ઝુકી જવું અને ક્યાં તટસ્થ રહેવું એની કલામાં પરશુરામનો જોટો નથી.
એક તરફ આર્ય સંસ્કૃતિનું સ્થાપન કરતા પરશુરામ છે અને બીજી તરફ પોતાના માનસિક સંચલોને જોઈ શકતા અને બદલતા જતાં પરશુરામ છે. આ બંને પરશુરામનાં પરિવર્તન પામતાં જતાં રૂપ આ નવલકથામાં સમાંતરે ચાલ્યાં છે. પરશુરામના હિંસા અને અહિંસા પ્રત્યેના ખ્યાલો પણ તદ્દન જુદા છે. પરશુરામ માને છે કે દ્વેષ જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. એ આર્યત્વનું પ્રમાણ છે. પણ કોઈ વ્યક્તિ અંત સમય સુધી ન જ માને તો તેને હિંસા પૂર્વક મારી નાખવી એ દ્વેષ નથી પરંતુ દુર્જનોને દૂર કરતી એક પ્રકારની અહિંસા છે.
પરશુરામ ચરિત્ર પુરાણમાંથી લેવામાં આવેલું છે એટલે તેમાં અદભૂત રસ પણ છે. નર્મદાતટનો અઘોરી દંડનાથ પાણી પર ચાલી શકે છે, પાલતુ પશુઓ ની જેમ તેણે હિંસક મગરમચ્છને પાળ્યા છે. એ ઘડીકમાં પશુનું રૂપ લઇ શકે છે તો ઘડીકમાં મૃદુ સ્ત્રીનું રૂપ લઇ શકે છે. પ્રથમ નજરે જોતાં દંડનાથ જુગુપ્સાયુક્ત, ક્રૂર લાગે. પરંતુ બહુ જ સંયમપૂર્વક પરશુરામ આ બધી જ વિદ્યાઓ તેમની પાસેથી ગ્રહણ કરે છે. અને બદલામાં અઘોરીઓના આખા સમાજ જીવનને સુધારવાનું અદભૂત કાર્ય કરે છે. મહાદંતી જેવી અઘોરી સ્ત્રીનું સત્ત્વ પણ પરશુરામે પોતાનામાં સમાવ્યું છે અને પરિણામે પરશુરામનું તેજ દ્વિગુણિત બનતું ગયું છે. પરશુરામ ગર્વથી કહી શક્યા છે કે, અઘોરીએ મને દીકરો બનાવ્યો છે. વ્યંજનાઓનો એવો ભરપૂર ધોધ મુનશીએ આ કથામાં વહેડાવ્યો છે કે સમસંવેદનયુક્ત વાચક બે ઘડી માટે મુનશીની માયાજાળમાં ઓગળી જાય.
પરશુરામમાં જાણે નવું જ મિશ્રણ જોવા મળે છે – જેમાં વશિષ્ઠ ની સૌમ્યતા છે, વિશ્વામિત્રની પ્રખરતા છે, દંડનાથની આવડત છે, મહાદંતીના ચમત્કારો છે, માતાની કોમળતા છે અને પિતા જમદગ્નિનું આર્યત્વ છે.
પરશુરામને કારણે સહસ્ત્રાર્જુન રાત્રે ઊંઘી નથી શકતો એવી પરિસ્થિતિ છે. ભય અને અભયનો, સદ અને અસદનો ભેદ આ કથામાં કેન્દ્રમાં છે. પરશુરામનું હોવું જ અસદ તત્ત્વોને પીડે છે. રામથી આરંભાતી આ કથા સહસ્ત્રાર્જુનનો અંત આણતા અને ભગવાન પ્રમાણિત થતા પરશુરામ દ્વારા પૂર્ણ થાય છે. આમ, એક પછી એક પગથિયાં મુનશી સહૃદયને ચડાવતા ગયા છે. તેમને સ્થાપિત એ કરવું છે કે સહસ્ત્રાર્જુન જેવો આર્ય કર્મોને લીધે અઘોરી થઈ ગયો અને દંડનાથ જેવો અઘોરી આર્ય થઈ ગયો. સદ-અસદનો આ ભેદ નવલકથામાં સતત અનુભવાતો રહે છે.
મુનશીએ વિષય પસંદ કર્યો છે પૌરાણિક વસ્તુનો પરંતુ એમનો અભિગમ તદ્દન આધુનિક છે. મૃગા જેવી ગણિકા સ્ત્રીને મુનશી ‘પતિવ્રતા’ કહી શક્યા છે. અને પુરુષ સર્જક હોવા છતાં સ્ત્રીનાં નાજુક સંવેદનોને સમજી શક્યા છે એ ઘટના નોંધપાત્ર બને છે. માતાનું મસ્તક ઉડાડી નાખવાની ઘટનાને નવો વળાંક આપી પિતાને પણ સચોટ જવાબ પરખાવી દેતા પરશુરામ અહીં તદ્દન આધુનિક માનવ સાબિત થયા છે.
આ કથા લખતાં મુનશીને ૨૩ વર્ષ લાગ્યાં છે. પુરાણ અને આધુનિકતાનાં મિલનની તપશ્ચર્યા સભર આ કૃતિને અંતિમ અંજલિ આપતા અનંતરાય રાવળ નોંધ્યું છે કે, ‘ભગવાન પરશુરામ મુનશીના વાઙમય યજ્ઞનું શ્રીફળ છે. ‘
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
