દીપક ધોળકિયા

પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની ફોજ સાથે અસંખ્ય ભારતીયો પણ લડ્યા હતા અને વિશ્વયુદ્ધમાં બ્રિટન અને એના સાથીઓને મળેલા વિજયમાં ભારતીયોનો મોટો ફાળો રહ્યો. આથી એવી આશા હતી કે હવે સામ્રાજ્યવાદી સરકાર હિન્દુસ્તાનનો આભાર માનવા તરીકે અમુક રાજકીય સ્વતંત્રતાઓ આપશે. બ્રિટન  સરકારે આના માટે કૅબિનેટના ભારત માટેના મંત્રી મોંટેગ્યૂ અને ભારતના વાઈસરૉય ચેમ્સફૉર્ડને મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. એમણે જે યોજના તૈયાર કરી તે મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા (અથવા મોંટફર્ડ સુધારા) તરીકે ઓળખાય છે. ૧૯૧૯માં એ લાગુ કરવામાં આવી. આ યોજનાએ બળતામાં ઘી હોમ્યું. કારણ કે બ્રિટને જે આપ્યું તે એટલું ઓછું હતું કે લોકોનો અસંતોષ વધ્યો.

મોટફર્ડ સુધારા હેઠળ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી. એટલે કે કેન્દ્રમાં અને પ્રાંતોમાં બે ધારાગૃહો બનાવાયાં – એકમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બીજામાં ગવર્નરે નીમેલા નાગરિકો અને સરકારી અધિકારીઓ. એ એક્ઝીક્યુટિવ કાઉંસિલ હતી અને એ સીધી રીતે ગવર્નરને જવાબદાર હતી. આમ લોક-પ્રતિનિધિઓના હાથમાં કંઈ આવ્યું નહીં. આમ છતાં, જનતા સમક્ષ તો એમને જવું પડતું. આની સામે લોકોએ ભારે વિરોધ કર્યો. રોલેટ ઍક્ટ આ વિરોધને દબાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો અને જલિયાંવાલા કાંડ પણ રૉલેટ ઍક્ટના વિરોધનું જ પરિણામ હતો.

૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક થઈને સ્વરાજ માટે લડવાની સમજૂતી કરી.

સાઇમન કમિશન

મોંટફર્ડ સુધારા લાગુ કરતી વખતે બ્રિટન સરકારે દસ વર્ષ પછી એની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું.

આ દસવર્ષીય સમીક્ષા માટે સાઇમન કમિશન ૧૯૨૮માં ભારત આવ્યું. બ્રિટનને એમ હતું કે થોડા વધારે સુધારા કરવા અને લોકોના અસંતોષને ઠંડો પાડવો. પરંતુ બ્રિટન સરકારની ભૂલ એ હતી કે ૧૯૧૯ અને ૧૯૨૯નાં દસ વર્ષ દરમિયાન ચિત્ર બદલાઈ ગયું હતું. લોકોમાં ૧૯૧૯ના સુધારા પછી વિરોધ શમવાને બદલે વધારે ઊગ્ર બન્યો હતો.

સાઇમન કમિશન કંઈ ધરખમ ફેરફાર કરે એવી આશા નહોતી. હિન્દુસ્તાનીઓ નિર્ણયનો અધિકાર માગતા હતા. સાઇમન કમિશનમાં એક પણ ભારતીય નહોતો એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એનો બહિષ્કાર કર્યો હતો. આમ, દેશની ચેતનામાં નવું જોશ રેડાયું.  આથી આખા દેશમાં સાઇમન કમિશન સામે વિરોધ ફાટી નીકળ્યો.

૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક તો, ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું. ગરમ કે નરમ, બન્ને જૂથોના નેતાઓ, લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા. ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં. પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા. તેમાંથી HRA અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત, સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા. જો કે, હજી સશસ્ત્ર આંદોલનોમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી, અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી. ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી. એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા. હજી એમની સમજ પૂરી વિકસી નહોતી. આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું.

સાઇમન કમિશન અને લાલા લાજપત રાયનું મૃત્યુ

૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી. તેમ છતાં, એના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું. પંજાબ કેસરી લાલા લાજપત રાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા. જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું.

લાલા લાજપત રાય કોંગ્રેસના એક સર્વમાન્ય નેતા હતા. અહિંસક સરઘસ પર પોલીસના પાશવી અત્યાચારનો ભોગ બનનારા તેઓ એકમાત્ર અને પહેલા નેતા હતા, જે શહીદ થયા. દેખીતી રીતે જ, લાહોર ક્રોધથી કાંપતું હતું.

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. એમનો ઇરાદો તો  લાઠીચાર્જનો હુકમ આપનારા લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો. લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો. (આ કથા ભગતસિંહ વિશેના પ્રકરણમાં આગળ ચાલશે).

બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – “સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી.

સંદર્ભઃ

1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

  1. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm


 દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી