ગિરિમા ઘારેખાન

રચનાએ ફરી એક વાર ઘડિયાળમાં જોયું. સેકંડ કાંટો તો એની ગતિથી જ ફરી રહ્યો હતો. તો પછી સમય કેમ આગળ વધતો ન હતો? દીપાનું પ્લેન તો ક્યારનું લેન્ડ થઇ ગયું હશે. એરપોર્ટથી ઘેર આવતા એકાદ કલાક થાય. તો પછી હજી પહોંચી કેમ નહીં? ઘરમાં આટલું કામ ના હોત તો એ પોતે જ એને લેવા એરપોર્ટ પહોંચી ગઈ હોત. મન દીકરીને જોવા બેબાકળું થઇ ગયું હતું. એનું અમેરિકા જવાનું કેવું ઓચિંતુ નક્કી થઇ ગયું હતું! સુધીરે બહુ નાની ઉંમરમાં એને વિદેશ ભણવા મોકલી દીધી હતી. હજી તો જાણે નાળથી બંધાયેલી હોય એવું જ લાગતું હતું અને હવામાં ઉડતા પતંગની દોરી અચાનક હાથમાંથી  છૂટી જાય એવી રીતે દૂર દૂર ઉડી ગઈ હતી. એના દાદીને તો એ જરા પણ ગમ્યું ન હતું, ‘હજી હમણાં તો એને અઢાર પૂરાં થયા છે. કોલેજના ત્રણ વર્ષ ભલે અહીં પૂરાં કરી લેતી. પછી મોકલી દેજે.’

પણ સુધીરે એ લોકોની વાત કાન તળે કાઢી નાખી હતી. એની પાસે એને માટેના કારણો પણ તૈયાર હતાં, ‘તમે લોકો જોતાં નથી અહીંનું વાતાવરણ? એ અગિયારમામાં આવી અને ભયંકર ધરતીકંપ થયો. લગભગ છ મહિના સ્કૂલ બંધ રહી. બારમામાં બોર્ડ એકઝામના મહિના પહેલા કોમી રમખાણો. પરીક્ષા ચાર મહિના લંબાઈ ગઈ અને પરિણામમાં પછી લોચા. અહીં ભણાવીને મારે મારી આટલી હોશિયાર છોકરીની કેરિયર ખરાબ નથી કરવી.’

‘પણ એ હજી તો કેટલી નાની છે? ત્યાના સાવ અજાણ્યા વાતાવરણમાં —’ રચનાએ પણ દલીલ કરી જોઈ હતી.

‘કયા જમાનામાં જીવે છે તું? કેટલાય મા બાપ પોતાના છોકરાંઓને મેડીકલનું ભણાવવા માટે રશિયા અને ચાઈના મોકલતા હોય છે. ત્યાં તો ભાષાની પણ મુશ્કેલી. આપણી દીપુને અમેરિકામાં તો જરા ય વાંધો નહીં આવે.’

જો કે શરૂઆતના થોડા વિરોધ પછી તો ધ્રૂજી ગયેલા અને પછી ભડકે બળેલા ગુજરાતની હાલત જોઈ ચૂકેલી રચના પણ સુધીરના સૂરમાં સુર પૂરાવતી થઇ ગઈ હતી. દીપાને ફટાફટ સ્ટુડંટ વિઝા મળી ગયા હતા અને ઓગણીસમા વર્ષે તો એ પાંખો પહેરીને ઊડી ગઈ હતી. બે વર્ષ થયાં એ વાતને. થોડી બૂમો પાડીપાડીને ફોન પર એની સાથે વાત તો થઇ જતી, પણ રચનાની આંખો હવે એને જોવા માટે ચાતક બની ગઈ હતી અને મન એના વધુ યુવાન થયેલા સ્વરૂપની કલ્પના કરવા માંડ્યું હતું.- કેવી લાગતી હશે મારી દીકરી? સુંદર તો એ નાનપણથી હતી જ. એના નિતંબ સુધી પહોંચતા ભરાવદાર વાળને ઓળતાં કેટલો બધો સમય લાગતો હતો! તીણું નાક અને ચમકતી આંખો એની નમણાશને વધુ નાજુક બનાવતા હતા. અમેરિકા રહીને તો એની ગોરા ગાલ વધારે ગુલાબી થઇ ગયા હશે. પ્લેનમાં બેઠી ત્યારે તો લાલ પંજાબી ડ્રેસમાં આંખે ઊડીને વળગે એવી લાગતી હતી! અત્યારે ભાઈના લગ્નમાં આવે છે એટલે ઘણાની નજરમાં આવી જવાની મારી દીકરી.

બહારથી ગાડીના હોર્નનો અવાજ આવ્યો અને રચના ગેસ બંધ કરીને બહાર દોડી. ડ્રાઈવર ગાડીમાંથી ઉતરીને ડીકીમાંથી સામાન કાઢી રહ્યો હતો. રચના ગાડી તરફ આગળ વધતી હતી ત્યાં તો પાછળનો દરવાજો ખુલ્યો અને એમાંથી હાઈ હિલ્સ બુટ્સ પહેરેલો એક ગોરો પગ બહાર આવ્યો, પછી બીજો અને રચના મટકું મારવાનું ભૂલી ગઈ-આનંદથી નહીં, આઘાતથી. સાથળ સુધી પહોંચતું ફ્રોક પહેરીને દીપા સામે ઊભી હતી. ખભા ઉપર બાંયની જગ્યાએ માત્ર બે પાતળી પટ્ટીઓ હતી. ખુલ્લા વાળ માંડ ખભા સુધી પહોંચતા હતા. એક ક્ષણ તો રચનાને લાગ્યું કે એ બેભાન થઇ જશે. એને સાસુના શબ્દો યાદ આવી ગયાં, ‘અત્યારે બહુ કૂદે છે પણ પછી તું જ પસ્તાઇશ. ભણાવાની લાહ્યમાં છોકરીને ગુમાવાનો વારો ના આવી જાય.’

દીપા નજીક આવીને રચનાને વળગી પડી. એના અવાજમાં ઝાકળ જેવી ભીનાશ હતી. ‘ઓ મમ્મા! તને જોઇને કેટલું સારું લાગે છે! I feel so good!’ પછી એના બંને ગાલ ઉપર ચુંબન કરતાં બોલી, ‘I miss you the most. મમ્મા.’

રચના પણ બે વર્ષ પછી મળેલી દીકરીને જકડી રાખવા માગતી હતી. પણ એની ડોક ઉપર કોતરાયેલું પતંગિયાનું ટેટુ આંખમાં આવીને ભોંકાતું હતું. માથે ફરતો હાથ વાળના છેડા સુધી આવીને અટકી જતો હતો, પહેલાંની જેમ પીઠ સુધી લંબાઈ શકતો ન હતો. નજર રહી રહીને પવનથી ઉડીને પગને વધારે ઉઘાડા કરતા ફ્રોક તરફ અને બીજું કોઈ એ જોઈ તો નથી રહ્યું ને એ જોવા આજુબાજુ ફરતી રહેતી હતી.

‘મમ્મા, ભાઈને રસ્તામાં કંઇક કામ હતું એટલે એ થોડા મોડા ઘેર આવશે. ડેડી ક્યાં? દાદી ક્યાં છે?’

‘ડેડી તારે માટે તારા ભાવતાં ગરમાગરમ સમોસા લેવા ગયા છે અને મા પૂજા રૂમમાં હશે. પણ તું પહેલાં તારા —’

‘અરે આજ ભલે દાદીની સેવા અધૂરી રહેતી. હું તો જવાની.’

દીપા પૂજા રૂમ તરફ આગળ વધી અને રચના એના સાસુ એને આવી રીતે જોઇને શું પ્રતિભાવ આપશે એ વિચારી રહી. એ કપડાં બદલીને એમની પાસે ગઈ હોત તો!

એણે પૂજા રૂમ તરફ કાન માંડ્યા.

‘આવી ગઈ બેટા? અલી છોડ, છોડ મને. જો મારા લાલજીનું દૂધ ધોળી નાખ્યું તેં. અને આ શું વેશ કાઢ્યા છે? આવા સારા વાળ મુંડાવી નાખ્યા! મેં કહ્યું’તું તારી મમ્માને —.’

‘અરે મા, સવારે વહેલું કોલેજ માટે નીકળવું પડે. એટલા લાંબા વાળ ઓળવાનો સમય જ કોની પાસે હોય? અહીં પાછી આવીશ એટલે વાળ તો વધી જશે.’

‘અને આ કેવું ફ્રોક પહેર્યું છે? આટલું ઊંચું?’

‘મા, તમે જ કહો છો ને કે દેશ એવો વેશ કરવો પડે? હું ત્યાંની કોલેજમાં મારો પંજાબી ડ્રેસ પહેરીને , દુપટ્ટો નાખીને તો ના જ જાઉં ને? ફ્લાઈટનો ટાઈમ થઇ જતો હતો એટલે કોલેજ પહેરીને ગઈ હતી એ જ કપડાં પહેરીને આવી ગઈ.’

દીપાના શબ્દોમાંથી લાડનું મધ ટપકતું હતું.

‘સારું સારું. જરા ય બદલાઈ નથી. બધી વસ્તુના જવાબ તારી પાસે તૈયાર જ હોય. પણ અલી દીપુ, તું તો ગોરી બહુ થઇ ગઈ છે હોં! અસલ મડમ જેવી લાગે છે.’ દાદીના શબ્દો પણ વ્હાલની ચાસણીમાં ડૂબાડૂબ હતાં.

‘એમ ને મા! બસ ત્યારે. હવે સાંજે પૂજા સમયે બધા આવે ત્યારે કેવી તૈયાર થવું છું જોજો.’

રચનાને લાગ્યું કે હાશ! એક પહાડ તો પાર થઇ ગયો! જો કે હિમાલય તો હવે ચડવાનો છે. દીકરાના લગ્ન નિમિત્તે સાંજે ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી છે. બધાં જ સગાં વહાલાં આવવાના છે. એ બધાની સામે દીપા આવા કપડાં પહેરીને આવશે તો કેવું લાગશે! હું એને કહી જોઇશ પણ બે વર્ષ પરદેશની હવા ખાઈ આવ્યા પછી એ મારું માનશે?

ત્યાં તો બહારથી સુધીરનો અવાજ સંભળાયો, ‘ક્યાં ગઈ મારી દીકરી? દીપુ! આવી ગઈ ને બેટા? જો તારે માટે તારા ભાવતાં સમોસા લાવ્યો છું.’

દીપા અંદરની રૂમમાંથી આવીને એના પપ્પાને વળગી પડી. સુધીરનો પ્રતિભાવ જોવા રચના એની સામે જોઈ રહી. પણ એને તો જાણે દીકરીમાં થયેલો ફેરફાર નજર જ ન હતો આવતો. એ તો એની સાથે  એની કોલેજની, ભણવાની, આગળના કોર્સની જ વાતો કરવા માંડ્યો.

નાસ્તો પતાવીને દીપા તો તરત એની રૂમમાં સૂવા જતી રહી પણ રચનાના મગજમાં ચિંતાનું ધુમ્મસ ધીરે ધીરે ગાઢું બનતું રહ્યું. ‘આ છોકરી! સાવ આવી બદલાઈ જશે એવું ક્યાં વિચાર્યું જ હતું? ભગવાન જાણે બીજું શું શું બદલાયું હશે? માંસ મટન ખાતી તો નહીં થઇ ગઈ હોય ને? કોને ખબર? પછી કહી દે કે “બધાની સાથે સાથે ખાવું પડે.” બે ત્રણ ઘેરથી સારા છોકરાઓ માટે વાત પણ આવેલી છે. પણ આવી છોકરીને કોણ પસંદ કરે? લોકો તો મારી જ મજાક ઉરાડશે ને? એને યાદ આવ્યું – એણે એક વાર એનો એક સોનાનો દાગીનો ઘાટ બદલવા માટે સોનીને આપ્યો હતો અને નવા ઘાટ સાથે એ એની પાસે પાછો આવ્યો ત્યારે એ પહેલા કરતાં તો સાવ જુદો અને ખરાબ થઇ ગયો હતો. એને લાગતું હતું કે એમાંથી સોનું જાણે ઓછું થઈને તાંબુ ઉમેરાઈ ગયું હતું.

ચાર વાગ્યા પછી ઘર ભરાવા માંડ્યું. જેને ખબર હતી એ બધાં દીપાને મળવા આતુર હતાં પણ રચના ઈચ્છતી હતી કે એ ભલે સૂતી જ રહેતી. એના એ ફ્રોકમાં બહાર દોડી આવશે તો એમના થોડા સંકુચિત સમાજમાં લોકોને તો વાતો કરવાની તક મળી જશે –મોટા ઉપાડે દીકરીને અમેરિકા મોકલી હતી, હવે ભોગવો પરિણામ!

ભગવાને રચનાની પ્રાર્થના સાંભળી હોય એમ આખી પૂજા, પાંચે ય અધ્યાયની કથા સંપન્ન થઇ ત્યાં સુધી દીપા ઊંઘતી જ રહી. આરતીની ઘંટડીનો અવાજ આવ્યો ત્યારે એના રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો અને રચનાના મગજમાં ઘંટડીનો અવાજ મોટા ઘંટની જેમ અથડાવા  માંડ્યો -ટન ટન ટન ટન. એ અને સુધીર આરતી ઊતારતા હતાં ત્યારે બંગડીઓ પહેરેલા બે હાથ એમની આરતીની થાળી સુધી લંબાયા અને આરતીના દીપકમાંથી નીકળતું તેજોવર્તુળ થોડું વધારે વિસ્તૃત થવા માંડ્યું. . રચનાએ બાજુમાં જોયું. પંજાબી ડ્રેસ પહેરીને, કપાળમાં નાની બિંદી કરીને, માથે દુપટ્ટો ઓઢીને દીપા બાજુમાં ઊભી હતી. એના ખભા સુધીના વાળને એણે સરસ પોનીમાં બાંધી દીધા હતા. મહારાજની સાથે એના સૂરે પણ સાથ પૂરાવ્યો, ‘મંગલમ્ ભગવાન વિષ્ણુ, મંગલમ્ ગરુડધ્વજ—.’

રચનાની આંખોમાં આંસુ આવી ગયાં.એણે સુધીર સામે જોયું. સુધીરની આંખોમાં દીકરી માટેનો ગર્વ છલકતો હતો. રચનાથી સાસુ સામે નજર નંખાઈ ગઈ. એમણે રચના સામે જોઇને ડોકી હલાવી અને પછી દીપા સામે જોઇને માથે મુઠ્ઠીઓ અરાડીને ટચાકા ફોડ્યા. આરતી પછી દરેક જણને પંચામૃત આપતી વખતે દીપા દરેક વડીલને નીચી નમીને પગે પણ લાગતી હતી. છેલ્લે એ રચના પાસે આવી અને આંખો ઊલાળીને એની સામે હસી અને ધીમેથી બોલી, ‘મમ્મા, તારી જ દીકરી છું.’ રચનાથી એના માથામાં ટપલી મરાઈ ગઈ. એણે ભગવાનને ચડાવાયેલા ફૂલ તરફ નજર નાખી. ગુલાબથી છૂટા પડ્યા પછી પણ ગુલાબની દરેક પાંદડીની સુગંધ તો યથાવત જ હતી.

એ પછીનું નાસ્તો વગેરે આપવાનું બધું કામકાજ દીપાએ જ સંભાળી લીધું. એણે રચનાને કહી દીધું, ‘તેં આખો દિવસ બહુ કામ કર્યું છે મમ્મા. હવે બધું જ હું કરીશ. તું બેસીને વાતો કર.’

બાજુમાં જ બેઠેલા રચનાના સાસુએ એને ધીરેથી કહ્યું, ‘છોકરીના વાળ અને કપડાં જોઇને તું નક્કામી ફિકર કરતી હતી ને? હું તને કહેતી જ હતી કે આપણા સંસ્કાર ક્યાંય ના જાય. એ તો લોહીમાં વણાઈ ગયા હોય.’

રચના એના સાસુએ ક્યારે આવું કહ્યું હતું એ યાદ કરવા પ્રયત્ન કરતી રહી.

નાસ્તા પછી ભજનો ગવાયાં ત્યારે દીપાએ એના સૂરીલા કાંઠે મીરાબાઈનું ભજન સંભળાવ્યું,

‘કોઈ દિન હાથ ન કોઈ દિન ઘોડા

કોઈ દિન પૈદલ ચલના જી.

કર લી ફકીરી ફિર ક્યા દિલગીરી,

મીરા મગનમેં રહના જી.’

રાત્રે સૂતાં પહેલાં સુધીરે ખુશખુશાલ દેખાતી રચનાને કહ્યું, ‘મને ખબર છે કે આખો દિવસ તું શેનું ટેન્શન લઈને ફરી છે. પણ આપણી દીકરીએ રંગ રાખ્યો ને? મને તો એના પર પૂરો ભરોસો હતો.

‘હા સુધીર, હું મા છું ને એટલે અનેક વિચારો આવતાં હતાં. પણ હું ભૂલી ગઈ હતી કે માળામાંથી બહાર નીકળેલું પંખી આખો દિવસ આકાશમાં ગમે તેટલી કરતબો બતાવે, પણ માળામાં પાછું આવે ત્યારે તો પાંખો સંકેલીને જ અંદર આવે છે.’

‘બસ તો હવે એને બીજી વાર ઉડવા માટે આનંદથી મોકલી દઈશ ને?’

રચનાએ સુધીરના લંબાયેલા હાથમાં હાથ મૂકી દીધો.


ગિરિમા ઘારેખાન:
૧૦, ઇશાન બંગલો, સુરધારા- સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪