પ્રવાસી યુ. ધોળકિયા
આ લેખમાળામાં આ અગાઉ આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ પર અતિ સંક્ષિપ્ત વિવેચન કર્યું. હવે ક્રમ પ્રમાણે પૌરાણિક હિંદુ પરંપરા પર વિવેચન કરવું જોઇએ.
વિશ્વમાં એક અબજની વસ્તી ધરાવતા હિંદુ ધર્માવલંબીઓ પોતાને સનાતન પરંપરાના પ્રથમ વારસો માને છે. જો ઊંડાણથી આ પરંપરાનો અભ્યાસ કરવામાં આવે તો એક બાબત સ્પષ્ટ થાય છે કે વૈદિક અને શ્રમણ પરંપરાઓ સાથે સનાતન પરંપરા ઓછેવત્તે અંશે, ચોક્કસપણે જોડાયેલી છે. સાથે સાથે, હિંદુ પરંપરા પછી આવેલ આગમિક – તાંત્રિક પરંપરા અને ભક્તિ – સંત પરંપરા સાથે પણ તે એટલી જ જોડાયેલી છે. એટલે, સાચા અર્થમાં, પૌરાણિક હિંદુ ધર્મ પરંપરા એક બૃહદ છત્ર જેવી છે અને બીજી સનાતન પરંપરાઓ સાથે તે સંકળાએલી છે.
વર્તમાન સમયમાં, લોકોમાં, અને ખાસ કરીને શિક્ષિત વર્ગમાં, આપણી, મહાન પરંપરાઓ પ્રત્યે ઉદાનસીતા વધતી જતી જણાય છે. પરંતુ, ભક્તિ માર્ગમાં લોકોને હજુ પણ ઘણી શ્રધ્ધા છે એવું સ્પષ્ટપણે કળાય છે, એથી, સરળતા ખાતર, છેલ્લા ક્રમે આવેલી ભક્તિ – સંત – ગુરુ પરંપરાનો અભ્યાસ પહેલાં કરીશું.
ભક્તિ – સંત – ગુરુ પરંપરા
ભક્તિ માર્ગની વાત કરીએ તો આપણા મનોચક્ષુ સમક્ષ
૧) ભગવદ ગીતામાં પ્રબોધેલો ભગવાન શ્રીકૃષ્ણનો ભગવદ્યોગ
૨) મહર્ષિ વેદવ્યાસ પ્રણિત પુરાણોનો ભક્તવાદ
૩) માર્કંડેયપુરાણમાં દેવી મહાત્મ્યમાં માતાજીની અદ્વિતિય સ્તુતિઓ છે
૪) ઋષિ નારદ, અને
૫) ઋષિ શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો
૬) દક્ષિણ ભારતના ભક્તો અને આચાર્યોએ દર્શાવેલો ભક્તિ માર્ગ
૭) ઉત્તર ભારતના સંતોનું સાહિત્ય
૮) બ્રિટિશકાળમાં જેમનું પ્રાગટ્ય થયું એવા શ્રીરામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, અરવિંદ ઘોષના બોધ અને સાહિત્ય, તેમજ
૯) વીસમી સદીના શ્રી રજનીશ તથા સદગુરુ વાસુદેવ જેવા આચાર્યોનાં પ્રવચનો અને ચિંતન સાહિત્ય
તરી રહે છે.
શ્રી કૃષ્ણનો ભક્તિયોગ
ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ગીતામાં ભક્તિયોગને પ્રતિપાદિત કરતાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનાં સમગ્ર અસ્તિત્વનો અણમોલ પ્રેમ ભગવાનનાં શ્રીચરણોમાં અર્પણ કરી દેવો જોઈએ. આવી ભક્તિમાં અંગત સ્વાર્થને કોઈ સ્થાન નથી. સાથે સાથે વ્યક્તિએ સંયમ, સ્થિતપ્રજ્ઞતા, અહિંસા, પ્રમાણિકતા, ચિત્તની નિર્મળતા તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાના ગુણો પણ વિકસાવી ઈશ્વરમાં અનન્ય શ્રધ્ધા રાખવી આવશ્યક છે.
મહર્ષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસનો બોધ ઉપરોક્ત ભક્તિ યોગની પોતાની અનન્ય ભક્તિને કૃષ્ણમય બનાવી પોતાનાં જીવનને ભક્તિની મહેકથી મઘમઘતી બનાવી દેવાનું સૂચવે છે.
ઋષિ નારદ અને ઋષિ શાંડિલ્ય
કાળખંડની દૃષ્ટિએ આ બન્ને ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણ અને વેદવ્યાસ પહેલાં આવે. પરંતુ ભાષાની દૃષ્ટિએ બન્નેએ રચેલાં સૂત્રોનું નવસંસ્કરણ પછીથી થયું.
નારદે પોતાનાં ૮૪ ભક્તિસૂત્રોમાં વિષ્ણુના નામસ્મરણને જ ભક્તિનું મૂળ તત્ત્વ ગણાવ્યું છે. તેઓ ભક્તને ભગવાન વિષ્ણુમાં સમર્પિત થઈ જવાનું આહવાન કરે છે. આ સૂત્રોમાં જ્ઞાનમાર્ગ અને યોગને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે.
શાંડિલ્યનાં આજે ૧૦૦ સૂત્રો જ મળે છે. તેમાં તેઓએ બાહ્ય ભક્તિ કરતાં આંતરિક ભક્તિને વધારે પ્રાધાન્ય આપ્યું છે.
વિવેચકો માને છે કે આમ તો ભક્તિમાર્ગનું પ્રચલન ભારતમાં અતિ પ્રાચીન છે. પરંતુ આજથી ૩,૮૦૦ વર્ષ પહેલાં શ્રમણ પરંપરાના મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ એવા બે મહાન વ્યાખ્યાતાઓએ પોતાના સરળ ઉપદેશ વડે ભારતીય લોકમાનસને એટલું પ્રભાવિત કર્યું કે વૈદિક પરંપરાના પાયા ડગમગી ગયા. ભક્તિ પરંપરા પણ લગભગ વિસરાઈ ગઈ. આ પરિસ્થિતિની સામે હિંદુ પરંપરાઓનાં સંરક્ષણ કરવા માટે કરીને, પુરાણોનું નવસંસ્કરણ થયું. ૧૮ મહાપુરાણો રચાયાં, જેમાં ભગવાન વિષ્ણુ, શિવ, દેવી (માતાજી), સૂર્ય તથા ગણપતિની પુજા-અર્ચના સરળ કરવામાં આવી. જેને પરિણામે, જનમાનસમાં ભક્તિ માર્ગ પુનઃ ફેલાવા લાગ્યો.
દક્ષિણ ભારતના સંતો અને આચાર્યો
શ્રમણ પરંપરાને સમગ્ર ભારત વર્ષમાં ફેલાતી જોઈને દક્ષિણ ભારતના સંતો અને આચાર્યોને લાગ્યું કે શ્રમણ પરંપરા ભારતીય સંસ્કૃતિનાં હાર્દને હાનિ પહોંચાડી રહી છે. ક્ષત્રિયો અને શ્રેષ્ઠીઓ પોતાનાં મૂળ કાર્યક્ષેત્રો છોડીને માત્ર શ્રાવક બની ગયા છે. પરિણામે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશાઓમાંથી આવી રહેલી અનેક લડાયક જાતિઓ સામે ભારત અને ભારતની સંસ્કૃતિનું રક્ષણ નથી થઈ રહ્યું. ભૌતિક અને માનસિક રીતે દેશ ગુલામ બનતો જાય છે.
તેથી, દક્ષિણના આલવાર સંતોએ ભગવાન વિષ્ણુનાં, અને ૬૩ નયનાર સંતોએ ભગવાન શિવનાં, ભક્તિકાવ્યો દ્વારા ભગવાન ઈશુનાં પ્રાગટ્યનાં ૬૦૦ વર્ષોમાં જ ભક્તિવાદમાં નવા પ્રાણ ફુંક્યા. આ સંતોમાં અનેક સ્ત્રીઓ તેમજ દલિત વર્ગના સંતો પણ હતાં. આ સમયમાં જ દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરો રચાવાની શરૂઆત પણ થઈ.
તે પછી દક્ષિણ ભારતમાં આચાર્યોનો યુગ શરૂ થયો. તેઓએ બીજાં ૭૦૦ વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રકારનાં ભક્તિ સાહિત્યની સાથે સાથે વિશ્વપ્રસિધ્ધ વેદાંત આધારિત તત્ત્વજ્ઞાનના ગ્રંથોની પણ રચના કરી. આ રીતે દક્ષિણના મહાન આચાર્યોએ સામાન્ય પ્રજાને ભક્તિમાર્ગે વાળી, તેમજ પ્રકાંડ તત્ત્વજ્ઞાન દ્વારા મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધે આપેલાં તત્વજ્ઞાનને નામશેષ કરી નાખ્યું.
ભારતીય ભક્તિવાદ વિચારશ્રેણી અને તેનાં તત્ત્વજ્ઞાનની લાંબી શૃંખલામાં આ આચાર્યોનાં યોગદાન વિશે હવે આપણે ટુંકમાં જોઈશું.
શ્રી શંકરાચાર્ય
આ મહાજ્ઞાનીએ અદ્વૈતવાદ દ્વારા એવું પ્રતિપાદિત કર્યું કે બ્રહ્મ જ સત્ય છે, આ માયાવી જગત મિથ્યા છે. આ વિચાર પર તેમણે ત્રણ પ્રસિધ્ધ ગ્રંથો લખ્યા જેને પ્રસ્થાનત્રયી કહેવાય છે, જેમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય, ઉપનિષદો અને ભગવદ્ગીતાની ટીકાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે ઉપદેશ સહસ્ત્રી તત્ત્વબોધ, વિવેક્ચુડામણિ અને વિવરણ લખ્યાં છે. આપસ્તંભ ધર્મસૂત્ર પર તેઓએ ટીકા લખી. ભક્તિવાદ ક્ષેત્રે તેઓએ દક્ષિણામૂર્તિ સ્તોત્ર, ભજગોવિંદમ, શિવાનંદ લહેરી, ચર્પટ પંજરિકા, આનંદ લહેરી અને વિષ્ણુસહસ્રનામ તથા લલિતા ત્રિશથિ સ્તોત્રમ્ નામના ગ્રંથો પણ રચીને ભારતવર્ષને ભક્તિ રંગમાં રંગી દીધું. તે ઉપરાંત શકરાચાર્યે ચાર મઠો સ્થાપીને હિંદુ ધર્મને વ્યવસ્થિત કર્યો.
માધવાચાર્ય
માધવાચાર્યએ કહ્યું કે શંકરનો અદ્વૈતવાદ અપૂર્ણ છે. સાચા અર્થમાં વિશ્વમાં પરબ્રહ્મ ઉપરાંત પ્રકૃતિની સત્તા પણ ચાલે છે. તેઓએ આ રીતે વેદાંત પર લખ્યું તેની રચનાઓમાં ૧) દ્વૈતવાદ પર ભાષ્ય, ૨) ભગવદ્ગીતા પર ભાષ્ય, ૩) અનુભાષ્ય, ૪) ન્યાય વિવેક અને ૫) ઋગભાવ મુખ્ય છે. તેમના અન્ય ગ્રંથોમાં ભગવાન વિષ્ણુની ભક્તિના સમર્થનમાં મહાભારતના રહસ્યો પરની ટીકા મુખ્ય છે.
આચાર્ય રામાનુજમ
આચાર્ય રામાનુજમે વિશિષ્ટાદ્વૈત દ્વારા વેદોમાં વર્ણિત દેવો વિશે આધ્યાત્મિક ચર્ચા કરી તેને લોકભોગ્ય બનાવ્યું. તેઓના ગ્રંથોમાં વેદાર્થસાર, શ્રી ભાષ્ય, વેદાંત દીપ અને ભગવદ્ગીતા ભાષ્ય મુખ્ય છે. શ્રી રામાનુજમે પણ ભગવાન વિષ્ણુના સગુણ અને નિર્ગુણ રૂપની ભક્તિનું પ્રતિપાદન કર્યું. તેમાં તેઓએ શરણાગતિ સૂત્ર, વૈકુંઠગદ્ય અને નિત્યપુજા ગ્રંથો લખ્યા. તેમની પ્રેરણાથી વસુધૈવ કુટુંબકમ્ નો મંત્ર ખુબ જ લોકપ્રિય થયો.
નિમ્બકાચાર્ય
તેઓશ્રીએ વેદાંતમાં દ્વૈતાદ્વૈતનું તત્ત્વજ્ઞાન વિશ્વને આપ્યું. એ તત્ત્વજ્ઞાનને સમજાવતા ગંથોમાં વેદાંત પારિજાત, બ્રહ્મસૂત્ર ભાષ્ય, પ્રપંચસૂત્ર ભાષ્ય અને તત્ત્વ વિવેકનો સમાવેશ થાય છે. તેઓની ભક્તિવાદની કૃતિઓમાં રાધાકૃષ્ણની પુજા અને શિવ – વિષ્ણુના ઐક્ય વિશે અનેક કૃતિઓ જોવા મળે છે.
દક્ષિણ ભારતનો ભવ્ય ભક્તિવાદ પછીથી ઉત્તર ભારતમાં ફેલાયો. રામાનંદની પ્રેરણાથી ઉત્તર ભારતમાં કબીર અને રહીમે નિર્ગુણવાદને સ્વીકાર કર્યો. કબીરપંથ આજે પણ હજારો ભક્તો માટે પ્રેરણાસ્રોત છે. રહીમના દોહાઓમાં સુરદાસનાં ભજનોમાં ભક્તિવાદ સાથે જીવનનું ઊંડું તત્ત્વજ્ઞાન સમાયેલું છે.
આ સમયે ભારતમાં રાજકીય રીતે ઇસ્લામિક સંસ્કૃતિ સ્થાપિત થઈ હતી. તેના સુફીવાદ પર પણ હિંદુ ભક્તિવાદનો પ્રભાવ પડ્યો. આની સંયુક્ત પ્રેરણા અને નિર્ગુણવાદનો આધાર લઈ પંજાબમાં ગુરુ નાનકે ૧૫મી સદીમાં નાનક પંથની સ્થાપના કરી. આ પંથ પર તે સમયના મુસ્લિમ શાસકોએ અતિશય જુલ્મ ગુજાર્યો. તેને પરિણામે, ગુરુ ગોવિંદસિંહે શીખ પંથને ખાલસા પંથમાં પરિવર્તિત કરી એક નવી લડાયક ધાર્મિક પરંપરા ઊભી કરી. આગળ જતાં નાનક પંથ વિશ્વનો સૌથી છેલ્લો, એટલે કે ૧૧મો, વિશ્વધર્મ બન્યો.
આ ભક્તિ સંતોની પ્રેરણાથી જ સમગ્ર ભારતમાં હિંદુઓનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન અટક્યું.
વલ્લભાચાર્ય
૧૭મી સદીમા તેલંગણાના એક બ્રાહ્મણે વલ્લભાચાર્ય નામ ધારણ કરીને વૈષ્ણવ પરંપરાનો શાખારૂપ પુષ્ટિમાર્ગ સ્થાપ્યો. તેના ૮૪ સ્થાનકો થકી વૈષ્ણવ ભક્તિને નવું બળ મળ્યું. આજે ગુજરાત મોટા ભાગે શાકાહારી છે તેના મુળમાં પુષ્ટિમાર્ગ અને જૈન ધર્મ છે.
સંત તુલસીદાસે રામચરિત માનસ લખીને રામભક્તિથી ઉત્તર ભારતને નવપલ્લવિત કર્યું. સંત રવીદાસ અને દાદુ દયાળે ભક્તિમાર્ગના ફેલાવામાં સિંહ ફાળો આપ્યો. ભારતની, કહેવાતી, કચડાયેલી પ્રજામાં માતંગદેવ મામૈદેવે મહેશ્વરી પંથ, બાબા રામદેવજી અને દેવાયત પંડિતે નિજારપંથ સ્થાપી લાખો વંચિત હિંદુઓને મુસ્લિમ થતા અટકાવ્યા.
ઇસુની ૧૩થી ૧૭મી સદી સુધીમાં કેટકેટલા સંતો થઈ ગયા. એ બધા પર લખવા બેસીએ તો એક ગ્રંથ પણ પુરો ન પડે. તેથી તેમનામાંથી કેટલાંક નામ ગણાવીને સંતોષ માની લઈએ.
પશ્ચિમ ભારતમાં મીરાબાઈ અને નરસિંહ મહેતાએ અને મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ અને તુકારામે વૈષ્ણવ ભક્તિની પરંપરા ચાલુ રાખી.
પૂર્વ ભારતમાં આ પરંપરાને ચૈતન્ય મહાપ્રભુ, ચંડીદાસ, જયદેવ, શંકરદેવ અને ઓરિસ્સામાં અચ્યુતાનંદદાસ (પંચ સખા) વગેરે ચાલુ રાખી.
વાચકોને જાણવમાં રસ પડશે કે ગુગલ સર્ચ કરવામાં આવે તો ભારતની ભક્તિ પરંપરા પર સૌથી શ્રેષ્ઠ વિવેચન ગુજરાતી વિશ્વકોશમાં જોવા મળે છે.
ભક્તિમાર્ગમાં નવધા ભક્તિ[1]નો ઘણો મહિમા છે. નવધા ભક્તિનો ઉલ્લેખ બે યુગોમાં કરવામાં આવ્યો છે, સત્યયુગ અને ત્રેતાયુગ. સત્યયુગમાં, ભક્ત પ્રહલાદે તેમના પિતા હિરણ્યકશિપુને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો અને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. પ્રહલાદજી દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ ભાગવત પુરાણના સાતમા ગ્રંથના પાંચમા અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે નવ પ્રકારે ભગવાનની ઉપાસના કરવાથી મોક્ષ કેવી રીતે મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈપણ એકને પોતાના જીવનમાં કાયમ માટે અપનાવી લે, તો પણ તે ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે.
નવધા ભક્તિના પ્રકાર
૧) શ્રમણ (પરીક્ષિત)
૨) કીર્તન (શુકદેવ)
૩) સ્મરણ (પ્રહલાદ)
૪) પાદ સેવન (લક્ષ્મીજી)
૫) અર્ચન (પૃથુરાય)
૬) વંદન (અક્રુર)
૭) દાસ્ય (હનુમાનજી)
૮) આત્મ વિલોપન (બ્રહ્માજી)
આ માર્ગમાં ભક્તોએ પોતાનાં ઈષ્ટદેવી-દેવતાઓને જમાડવાનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. પછી તેને પ્રસાદરૂપે ગ્રહણ કરવાનું હોય છે. તે ઉપરાંત મંદિરોમાં દેવીદેવતાઓની પ્રતિદિન સોળ પ્રકારની અર્ચન વિધિ સંપન્ન કરવાની હોય છે. શક્ય હોય તો આમાની કેટલીક વિધિઓ ભક્તોએ ઘરમાં કરવી તેવો આગ્રહ પણ શાસ્ત્રો રાખે છે.
આધુનિક યુગ – ગુરુવાદ
૧૮મી સદીથી આપણા દેશમાં મુસલમાની રાજ્યસત્તાનો અંત આવ્યો. તેનું સ્થાન પશ્ચિમી સંસ્કૃતિના વાહક બ્રિટિશરોએ પચાવી પાડ્યું. તેઓ ભારતમાં વિજ્ઞાન અને ખ્રિસ્તી ધર્મ લાવ્યા. તેની અસર ભારતના સુધારાવાદી માનસ પર નિશ્ચિત સ્વરૂપે પડી.
પરિણામે ભારતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક નવજાગૃતિનો યુગ શરૂ થયો. સૌ પ્રથમ, બંગાળમાં રાજા રામમોહનરાય અને કેશવચંદ્ર સેનના પ્રયાસોથી બ્રહ્મો સમાજ અને પાર્થના સમાજ સ્થપાયા. સ્ત્રીઓની સમાજમાં દયનીય સ્થિતિનાં સ્વરૂપ સમી સતીપ્રથા જેવી અનેક પ્રથાઓ સામે અવાજ ઊઠ્યો., જેમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ પણ આદરપૂર્વક મુકી શકાય.
આ સમયે બંગાળમાં શ્રી રામકૃષ્ણ પરમહંસે વિશ્વના બધા ધર્મોની પરમ ચેતનાનો સાક્ષાત્કાર કર્યો અને લગભગ ભગવાનનો દરજ્જો પામ્યા. તેઓએ કાલીપૂજા અને હિંદુ ધર્મની પરંપરાની સ્થાપના કરી. તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે આખા દેશમાં અને અમેરિકા, બ્રિટન, શ્રી લંકા જેવા અનેક દેશોમાં પરિભ્રમણ કરીને આપણી મહાન ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓથી વિશ્વને પરિચિત કરાવ્યું. તેઓએ અનેક સ્થળોએ રામકૃષ્ણ મિશનોની પણ સ્થાપના કરી.
બિહારના શ્રી સહજાનંદ સ્વામીએ વૈષ્ણવ ધર્મની પરંપરામાં સ્વામીનારાયણ સંપ્રદાય સ્થાપીને ગુજરાતમાં ગુરુ પરંપરાને ભારે બળ પુરું પાડ્યું. આજે સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિશ્વભરમાં અક્ષરધામ મંદિરોએ ધર્મ વિશેની સમજની નવી પરિપાટી શરૂ કરી છે.
દયાનંદ સરસ્વતી ગુજરાતી હોવા છતાં આર્યસમાજ સંપ્રદાયની સ્થાપના પંજાબમાં કરી.
‘શ્રી લાહિરી મહાશય’ અને ‘ઓટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ પુસ્તકોના કર્તા શ્રી યોગાનંદે મહાવતાર બાબા અને તેઓ દ્વારા પ્રબોધાયેલા ક્રિયાયોગનો વિશ્વભરમાં પ્રચાર કર્યો.
બંગાળમાં જ શ્રી અરવિંદોએ યોગના જુદા જુદા માર્ગોનો સમન્વય કરીને Integral Yoga પુસ્તકમાં તેની વિશદ સમજણ આપી.
નીમ કરોલી બાબા (મૂળ નામઃ લક્ષ્મીનારાયણ શર્મા)ને ન માત્ર ભારત પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રુપમાં ઓળખવામાં આવે છે. તેઓ ૨૦મી સદીના મહાન સંતોમાંના એક માનવામાં આવે છે. ભક્તો અને તેમના અનુયાયીઓ બાબા નીમ કરોલીને હનુમાનજીનો અવતાર માનતા હતા. પરંતુ નીમ કરોલી બાબા પોતે પણ હનુમાનજીની પૂજા કરતા હતા. નીમ કરોલી બાબા આજે હયાત નથી. પરંતુ તેમના ભક્તો તેમને ભક્તિભાવથી માને છે.
વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક એવાં મા આનંદમયીના (જ. ૩૦ એપ્રિલ ૧૮૯૬, ખેવડા, ત્રિપુરા; અ. ૨૭ ઑગસ્ટ ૧૯૮૨) બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં હતાં. માનો કોઈ સંપ્રદાય નથી. તેમનો બોધ સ્પષ્ટ છે : एकम् सत् विप्रा बहुधा वदन्ति । આપણે ફાળે જે કામ આવે તે ઈશ્વરનું ગણવું. આશ્રમધર્મ ઈશ્વરપ્રણીત છે. પતિ, પિતા, માતા અને ગુરુની આજ્ઞા માનો. સ્વધર્મને જ અનુસરો. સત્સંગકીર્તન કરો. જે મળે તેને ઈશ્વરની ભેટ માનો. ઈશ્વરને માનો.
વીસમી સદીમાં, અને અત્યારે પણ, ભારતમાં થયેલા ગુરુઓ વિશે લખવા બેસીએ તો એક આખો વિશ્વકોશ તૈયાર થાય. તેથી થોડા રહસ્યવાદી ગુરુઓ વિશે ટુંકમાં લખીને આજના મણકાનું સમાપન કરીશું.
જે. કૃષ્ણમૂર્તિએ પસંદગી વિનાની જાગૃતિ કેળવવાનો નવો માર્ગ સૂચવ્યો. પરંતુ ઓશો રજનીશે તો ભારતના ધર્મ, રહસ્યવાદ અને આધ્યાત્મિક પરંપરાઓ પર વીસમી સદીના સાતમા, આઠમા અને નવમા દાયકાઓમાં પોતાનાં પ્રવચનો દ્વારા અતિઆધુનિક અને નવી જ વ્યાખ્યાઓ આપીને ગુરુવાદને ટોચ પર પહોંચાડ્યો. તેઓએ આ માટે ભારતના અતિપ્રાચીન રહસ્યવાદ અને તંત્રવાદનો સહારો લીધો. અગાહી કરતાં એટલું જરૂર કહી શકાય કે ઓશો રજનીશમાં આપણને શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, પતંજલિ અને ગોરખનાથનું સંમિશ્રણ મળે છે અને તેથી આવનારી અનેક સદીઓ સુધી તેમનો પ્રભાવ વધતો જ જશે.
શ્રી શ્રી રવિશંકરે પણ ક્રિયા યોગને માધ્યમ બનાવી વિશ્વભરમાં આધુનિક ગુરુવાદનો પ્રચાર કર્યો.
આ રહસ્યવાદી ગુરુઓની છેલ્લી કડીમાં સદ્ગુરુ વાસુદેવ આવે છે. તેઓએ વિજ્ઞાન ભૈરવ તંત્રની ૧૧૨ પદ્ધતિઓનો આધાર લઈને આદીયોગી શિવને કેન્દ્રમાં મુક્યા છે. આજે તેમના ઈશા ફાઉન્ડેશને યોગમાર્ગને વિશ્વસ્તરનો બનાવી દીધો છે.
પ્રજ્ઞાચક્ષુ અને બહુશ્રુત વિદ્વાન એવા શ્રી રામભદ્રાચાર્ય આપણા પૂજનીય ગુરુ બન્યા છે.
આ બધામાં આપણે એક મહાન સંત અને ગુરૂ શ્રી સાંઈબાબાને ભૂલી જઈએ તે કેમ ચાલે? તેઓ તો પાંચ દેવને પૂજતા હિંદુઓના છઠ્ઠા દેવ બની તેમના ગૃહમંદિર અને મનમંદિરમાં સ્થાન પામે છે.
હવે પછીના મણકામાં આપણે હિંદુ પરંપરાના ત્ર્ણ મુખ્ય સ્તંભો, પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્ર વિષે ચર્ચા કરીશું.
[1] નવધા ભક્તિ – પ્રકાશકઃ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, મુંબઈ
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
