ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુમાલામાં આવેલા બાલાજી મંદિરમાં દર્શન માટે ભક્તો કલાકો, અને ક્યારેક તો દિવસો સુધી લાઈન લગાડે છે. લાઈનમાં કલાકો સુધી ઊભા રહીને આકરા પ્રયત્નો પછી તેઓ માંડ અમુક સેકન્‍ડો સુધી મૂર્તિની સન્મુખ રહીને તેના દર્શન કરી શકતા હશે, કેમ કે, પાછળથી સતત ધક્કા વાગતા રહે છે. પરાંત ગર્ભગૃહમાં પૂરતો ઊજાસ પણ નથી હોતો. આમ છતાં, ભાગ્યે જ કોઈ કહેતું હશે, ‘મૂર્તિના દર્શન બરાબર ન થયા!’

આનાથી સહેજ જુદી, પણ અમુક અંશે કંઈક આવી જ પરિસ્થિતિ ફ્રાન્‍સના વિશ્વવિખ્યાત લુવ્ર મ્યુઝિઅમમાં થાય છે. લીઆનાર્દ દ વીન્‍ચી દ્વારા સોળમી સદીના પૂર્વાર્ધના સમયગાળામાં ચીતરાયેલી

જગવિખ્યાત કૃતિ મોનાલીસાના દર્શનાર્થે વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ઠલવાય છે. ૨૦૨૩ના વર્ષ દરમિયાન ૦.૮૯ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. પ્રવાસની મોસમમાં ઘણી વાર આ આંકડો રોજના વીસેક હજાર મુલાકાતીઓ સુધી પહોંચે છે. મ્યુઝિઅમના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આવનારા મોટા ભાગના લોકોનો મુખ્ય હેતુ મોનાલીસાના દર્શનનો હોય છે. મોનાલીસાના ચિત્રને બુલેટપ્રૂફ કાચની આડશ આપવામાં આવી છે, જેથી કોઈ તેને નુકસાન પહોંચાડી ન શકે, કેમ કે, આ ચિત્રની વર્તમાન કિંમત ૮૩ કરોડ ડોલર અંકાય છે. મુલાકાતીઓ કલાકો સુધી તેના દર્શન માટે ઊભા રહે અને તેમનો વારો આવે ત્યારે તેમણે એની ઝલક લઈને ઝડપભેર આગળ વધી જવું પડે એમ મોટા ભાગે બનતું હોય છે. બહુ બહુ તો ‘સેલ્ફી’ લઈ શકાય એટલી ક્ષણો તેમને મળે. ચિત્રનું દર્શન જ માંડ કરવા મળતું હોય ત્યાં એનું રસદર્શન દૂરની વાત છે. તાજેતરના કેટલાક ઑનલાઈન અભિપ્રાયમાં જાણવા મળ્યું કે આ અસંતોષને કારણે પ્રવાસીઓ મોનાલીસાના ચિત્રને ‘વિશ્વના સૌથી વધુ નિરાશ કરતા માસ્ટરપીસ’ તરીકે ઓળખવા લાગ્યા છે. એટલે કે આ ચિત્ર વિશે સાંભળ્યું છે એટલું બધું મહાન એ નથી, એમ તેમને લાગે છે.

A visitor takes a selfie in front of Leonardo da Vinci’s masterpiece “Mona Lisa” (Photo by FRANCOIS GUILLOT/AFP via Getty Images)
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

ઉલ્લેખનીય છે કે આ જ ખંડમાં યુરોપના મહાન ગણાતા અન્ય કલાકારોની કૃતિઓ પણ પ્રદર્શિત કરાયેલી છે. જેમ કે,  ઈટાલીઅન ચિત્રકાર પાઓલો વેરોનીઝનું ચિત્ર ‘ધ વેડિંગ એટ કેના’, જે લુવ્ર મ્યુઝીઅમનું સૌથી મોટું, છ મીટર ઊંચું અને દસ મીટર પહોળું ચિત્ર છે. આ જ ચિત્રકારનું ‘પોર્ટ્રેટ ઑફ અ વેનેશિયન વુમન’, તેમજ ટીશ્યનનાં ‘પાસ્ટરલ કોન્‍સર્ટ’ અને ‘મેન વીથ અ ગ્લવ’, તથા ટીન્‍ટોરેટ્ટોનું ‘ધ કોરોનેશન ઑફ વર્જિન’ (અથવા ‘ધ પેરેડાઈઝ’). મોનાલીસાની ઝલક નિહાળવાની લ્હાયમાં એ જ ખંડમાં પ્રદર્શિત આ પાંચે જાણીતાં ચિત્રો તરફ કોઈનું ભાગ્યે જ ધ્યાન જાય છે. લોકોનું ધ્યાન દોરાય એ માટે એ ખંડમાં આ મતલબનું લખાણ મૂકવામાં આવ્યું છે: ‘મોનાલીસાની ફરતે અન્ય મહાન કૃતિઓ પણ છે- ખંડમાં જરા નજર કરજો.’ પણ વ્યર્થ!

મોનાલીસા અંગે ઊભી થઈ રહેલી આવી નકારાત્મક છબિને કારણે લુવ્રનાં નિદેશક લુહાન્‍સ દ કારે તેને એ જ મ્યુઝીઅમમાં અન્યત્ર ખસેડવાનું વિચાર્યું છે, અને એ બાબતે ફ્રાન્‍સના સાંસ્કૃતિક મંત્રાલય સાથે વાટાઘાટો ચલાવી છે. આ ચિત્રને અન્ય ચિત્રોથી અલાયદું પ્રદર્શિત કરવાથી લોકો તેને શાંતિથી નિહાળી શકે તેમજ એ સિવાયની અન્ય કૃતિઓ પણ માણી શકે એવી આ પગલા પાછળ ગણતરી છે.

મોનાલીસાના ચિત્રને ખસેડવાની આ ઘટના બાબતે વિચાર કરવા જેવો છે. આધુનિક યુગની દેન એવી ‘સેલ્ફી’ તેમજ ‘બકેટ લીસ્ટ’ સંસ્કૃતિએ પ્રવાસના આનંદનો દાટ વાળી દીધો છે. ‘બકેટ લીસ્ટ’ એટલે જીવતેજીવ પૂરાં કરવાનાં કામની યાદી. આ સંસ્કૃતિને લઈને મોટા ભાગના લોકોને હવે જે તે સ્થળે જઈને બસ, ‘સેલ્ફી’ ખેંચવી છે અને ‘બકેટ લીસ્ટ’માં એક કામ પત્યાની નિશાની કરવી છે. ‘સેલ્ફી’માં ‘સેલ્ફ’ એટલે કે પોતાની જાત કેન્‍દ્રસ્થાને હોય છે. જે તે સ્થળ વિશે જાણકારી મેળવવાની, ત્યાં હોવાના રોમાંચની અનુભૂતિ કરવાની વૃત્તિને બદલે પોતે અમુકતમુક સ્થળે ‘પહોંચ્યા’ છે એ દેખાડવાની વૃત્તિ વધુ વકરી રહી છે. મોનાલીસાના ચિત્ર બાબતે પેદા થયેલી લાગણી બીજી અનેક જાણીતી કૃતિઓ કે સ્થળો માટે થઈ શકે છે, કેમ કે, કાં દેખાદેખી કે પછી દેખાડો હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં સામાન્ય લક્ષણ બની રહ્યાં છે. તેને કારણે પ્રવાસ માટે આવશ્યક એવી ધીરજ અને જિજ્ઞાસુવૃત્તિ સતત ઘટતાં રહ્યાં છે. કોઈ પણ જાણીતા સ્થળે પહોંચીને ત્યાં ‘સેલ્ફી’ લઈને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર મૂકતાંવેંત પ્રવાસનો હેતુ સિદ્ધ થઈ ગયેલો ગણાય છે. એના વિશેની વધુ જાણકારી ‘પછી’ અથવા ‘ગૂગલ’ પરથી મેળવી લેવાશે લેવાશે એમ વિચારીને ‘હવે પછી’ના લક્ષ્ય તરફ પ્રયાણ કરવામાં આવે છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ ‘પછી’ મોટા ભાગના કિસ્સામાં આવતું નથી.

આમ સામાન્ય અને વ્યક્તિગત લાગતા આ લક્ષણનું દબાણ એટલું બધું હોય છે કે ભાગ્યે જ તેમાંથી કોઈ બાકાત રહી શકે. આ વલણને કારણે આવાં સ્થળે ધસારો વધે છે, તેને પગલે અન્ય દૂષણો પ્રવેશે છે, નાણાં ખર્ચાય છે અને છતાં પ્રવાસીઓને ‘ધારેલી’ મજા ન આવવાનો વસવસો રહી જાય છે. આ વલણને બદલવું લગભગ અશક્ય કહી શકાય એવું છે. આથી તેનાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે, જે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. મોનાલીસાના ચિત્રને અલાયદા ખંડમાં ખસેડવાથી મુલાકાતીઓ ખરેખર તેને માણી શકશે કે કેમ એ ચોક્કસપણે કહી શકાય એમ નથી, કેમ કે, એ કેવળ લક્ષણનો ઈલાજ છે, રોગનો નહીં.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૫ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)