માયા ભદૌરિયા

સાદી ભાષામાં કહીએ તો મ્યુઝિયમ એટલે અસામાન્ય ગણાતી ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન, પણ કોઈ મ્યુઝિયમ નકામી વસ્તુઓ માટે લોકપ્રિય બને ત્યારે શું કહેશો? આવું કોઈ ન સંઘરે એવી વસ્તુઓનો સંગ્રહ કરતું દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ અમેરિકામાં છે, જેે ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’થી લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તમે જે પેઈન્ટિંગને દુનિયાની સૌથી ખરાબ ગણો છો તેને પણ અહીં સ્થાન-માન-મોભો મળે છે. હા, અહીં આવનારાંએ એટલું જાણી લેવાનું કે અહીં જે કલા પ્રદર્શનમાં મૂકાઈ છે તેમાં કૌશલ્યનો અને આવડતનો અભાવ છે. બસ, ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે સૌથી ખરાબ કલા પણ લોકો સુધી પહોંચે.
કચરાના ઢગલામાંથી થયો ‘બેડ આર્ટ’નો જન્મ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ ટૂંકમાં ‘MOBA’થી પણ પ્રચલિત છે. એ શરૂ થવા પાછળનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૯૪ની વાત છે. પ્રાચીન વસ્તુઓના વેપારી સ્કોટ વિલ્સનની નજર કચરાના ઢગલામાં રહેલા એક પેઈન્ટિંગ ઉપર પડી. તેણે તે પેઈન્ટિંગ તેના મિત્ર જોન રિલેને દેખાડ્યું. પેઈન્ટિંગ ખેતરમાં કામ કરતી એક વૃદ્ધ સ્ત્રીનું હતું. રિલેએ તેને ‘ફૂલો સાથે મેદાનમાં લૂસી’ એવું નામ આપ્યું. એ સાથે જ તેના મગજમાં એક વિચાર ઝબક્યો, જેને સાકાર કરવામાં વિલ્સને તેને મદદ કરી. ફૂટપાથ કે બજારમાં કોઈપણ ખરાબ વસ્તુ કે પેઈન્ટિંગ દેખાય તો તે રિલેને પહોંચાડતો. બસ, પછી તો બંને નકામી વસ્તુઓ શોધવા માંડ્યા. ધીરે-ધીરે તેમની પાસે આવી ખરાબ વસ્તુઓનો ઢગલો થઈ ગયો. આ ઉપરથી જ બંને મિત્રોએ નામ પણ ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ’ રાખ્યું.
મ્યુઝિયમનું સરનામું ‘MOBA’નું પહેલું કાયમી સરનામું એટલે મેસેચ્યુસેટ્સના ડેડહામમાં કોમ્યુનિટી થિયેટરનું ભોંયરું. રિલેએ આ ભોંયરામાં જ તમામ પ્રકારની ૬૦૦ કરતાં વધુ ખરાબ વસ્તુઓને ઠાલવી. એમાંથી ૪૦થી વધુ પેઈન્ટિંગ્સને તો ત્યારે જ પ્રદર્શિત કરાય એમ હતી. બસ, પછી તો શરૂ થઈ ગયું ‘બેડ આર્ટ’નું પ્રદર્શન. અહીં દરેક ખરાબ કલાને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે.
કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી સામાન્ય રીતે સંગ્રહાલયમાં સચવાયેલી અણમોલ કલાકૃતિઓ દરેક કલાપારખુઓને આકર્ષે છે, પણ આ MOBAની વાત કરીએ તો અહીં કલાપારખુઓ માટે કોઈ સ્થાન નથી. અહીં આવીને તમે એવું ન કહી શકો કે વાહ, કેટલું સુંદર પેઈન્ટિંગ છે, કારણ કે એ તો ખરાબ જ છે તો એને સુંદર કેવી રીતે કહી શકો! હા, દરેક વસ્તુ કે પેઈન્ટિંગ જોઈને તમે એની મજાક જરૂર ઉડાવી શકો છો.
બેડ આર્ટનાં પુસ્તક આજે તો આ ખરાબ કલાનો સંગ્રહ વેબસાઈટ અને ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે. મોટાભાગે આપણે કલાની કદર કરીને કલાના અને કલાકારના વખાણ કરીએ છીએ. અહીં રજૂ કરેલી કલા ભલે વિચિત્ર હોય, તેના રંગ ખરાબ હોય છતાં પણ દિલચસ્પ અને મનોરંજનથી ભરપૂર છે. ન્યૂયોર્ક ટાઈમ્સથી માંડીને હાર્વર્ડના વિદ્વાનોએ પણ તેની નોંધ લીધી છે. MOBAએ આ બેડ આર્ટનાં બે પુસ્તકો પણ રિલીઝ કર્યાં છે- મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: આર્ટ ટૂ બેડ ટૂ બી ઈગ્નોર’ અને ‘મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ: માસ્ટરવર્ક્સ.’
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખિકાની કોલમ ‘આઠમી અજાયબી’ માં પ્રકાશિત લેખ
