સંવાદિતા
સત્યજીત રાય અને મૃણાલ સેન કરતાં ઘણી ઓછી ફિલ્મો આપ્યા છતાં ઋત્વિક ઘટકનું નામ એમની હરોળમાં મૂકવામાં આવે છે.
ભગવાન થાવરાણી
ત્રણ મહાન બંગાળી ફિલ્મ સર્જકો સત્યજીત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકમાં રાયની ૨૯ અને સેનની ૨૬ ફિલ્મો સામે ઋત્વિક ઘટકે માત્ર આઠ જ ફિલ્મો આપ્યા છતાં ફિલ્મોની ગુણવત્તા, ક્લેવર અને અસરકારકતાના દૃષ્ટિબિંદુથી તેમને સંપૂર્ણ માનભેર એમની જ હરોળમાં મુકવા પડે. માત્ર ૫૧વર્ષની વયે અવસાન પામનાર ઋત્વિક ઘટકની સરખામણી મહાન રશિયન ફિલ્મકાર આંદ્રે તારકોવસ્કી સાથે એટલા પૂરતી કરી શકાય કે એ સર્વકાલીન મહાન ફિલ્મકારે પણ ૫૪ વર્ષની વયમાં માત્ર સાત જ ફિલ્મો આપી. ઋત્વિક ઘટકને એ વાતની પણ દાદ આપવી પડે કે સત્યજીત રાયે ૧૯૫૫ માં ‘પથેર પાંચાલી’ બનાવીને ભારતની પ્રથમ નૂતન પ્રવાહની ફિલ્મ બનાવવાનો યશ મેળવ્યો એ પહેલાં એમણે એ પ્રકારની સાવ નોખો વિષય ધરાવતી અને નવ-પ્રવાહની પ્રતિનિધિ કહેવાય એવી ફિલ્મ ‘નાગરિક’ છેક ૧૯૫૨ માં બનાવેલી જે અઢી દાયકા લગી ડબ્બામાં પડી રહી અને ૧૯૭૭ માં રિલીઝ થઈ.આજે સંક્ષેપમાં વાત કરીએ એકસરખા વિષય પર ઋત્વિક ઘટકે બનાવેલી ત્રણ ફિલ્મો ‘ મેઘે ઢાકા તારા ‘ ( ૧૯૬૦ ), ‘કોમલ ગાંધાર’ (૧૯૬૧) અને ‘સુવર્ણ રેખા’ (૧૯૬૨ ) વિષે. આ ફિલ્મોને વિભાજન – ત્રયી કહે છે કારણ કે ત્રણેયમાં ભારત- પાક વિભાજન વખતે પૂર્વ બંગાળ ( પછીથી પૂર્વ પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ ) થી બેહાલ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ હિજરત કરી આવેલા પરિવારોની આર્થિક અને માનસિક દુર્દશાની કથા છે. અલબત્ત ત્રણેની કથા અને પાત્રો અલગ પરિવેશના છે.

ત્રણેયમાંની શ્રેષ્ઠ એવી ‘ મેઘે ઢાકા તારા ‘ ( વાદળે ઢંકાયેલો તારો ) ની વાત. ફિલ્મના કેન્દ્રમાં છે નીતા.( અભિનેત્રી સુપ્રિયા ચૌધરી- આપણે એમને હિન્દી ફિલ્મો બેગાના, દૂર ગગન કી છાવ મેં અને આપકી પરછાઈયાં માં જોયા છે.) પૂર્વ બંગાળથી હિજરત કરી આવેલ નીતાનો માતા-પિતા, બે ભાઈ અને એક નાની બહેનનો બહોળો પરિવાર માત્ર એની કમાણી ઉપર નભે છે. પિતા અપંગ છે. મોટો ભાઈ બેફિકર અને પોતાની ‘ સંગીત-સાધના ‘માં મસ્ત છે તો નાની બહેન પોતાની ટાપટીપમાંથી ઊંચી નથી આવતી. નાનો ભાઈ માંડ કોઈ ફેક્ટરીમાં નોકરીએ લાગે છે ત્યાં તો કોઈ અકસ્માતમાં સપડાય છે અને નીતા ઉપર એની સારવારનો બોજો પણ આવી પડે છે. અધૂરામાં પૂરું, એક જમાનામાં નીતાને ‘વાદળે ઢાંક્યો ઝગમગ સિતારો ‘ કહી પ્રશંસનાર અને એની આર્થિક મદદ લીધા કરતો એનો પ્રેમી પણ એને છેહ દઈ એની જ નાની બહેનને પરણી જાય છે .
કરુણતા એ કે નીતાના માતા પિતા સહિત કોઈ નથી ઈચ્છતા કે નીતા એના પ્રેમી સાથે ઠરીઠામ થઈને પોતાનો સંસાર વસાવે કારણ કે એવું થાય તો એ બધાનું પેટ કોણ ભરે ? દરેક પોતપોતાના સ્વાર્થ ખાતર નીતાનો ઉપયોગ કરે છે અને નીતા એને પોતાની ફરજ સમજી સંતોષ માને છે.
અંતે સંજોગો હેઠળ ભાંગી પડી નીતા ક્ષય રોગનો ભોગ બને છે. જાણે કોઈ વસ્તુ હોય તેમ એના માટે દૂર પહાડોમાં સેનેટોરિયમમાં રહેવાની વ્યવસ્થા કરી એકલી છોડી આવવામાં આવે છે. ફિલ્મના અંતિમ હૃદયવિદારક દ્રશ્યમાં મોટો ભાઈ ત્યાં એની ખબર કાઢવા જાય છે અને બહેનને ખબર આપે છે કે નાની બહેનને રૂપકડો બાબો જન્મ્યો છે, બધા મજામાં છે અને એમણે બે માળનું સુંદર મકાન બનાવ્યું છે ત્યારે એકલી અટૂલી બેઠેલી નીતા પોતાના ભૂતપૂર્વ પ્રેમી અને હવે નાની બહેનના પતિનો પ્રેમપત્ર ઉદાસીનતાથી ફાડી રહી હોય છે. મોટાભાઈ ને જોઈ એ ચિત્કારે છે ‘ ભાઈ, મારે જીવવું છે. મને જીવવામાં રસ છે.’ અને એટલું બોલીને એ ત્યાં જ ઢળી પડે છે.
ઋત્વિક ઘટકની આ એકમાત્ર વ્યાપારિક સફળ ફિલ્મ હતી.
ફિલ્મની નાયિકા નીતાની સરખામણી ફ્રાંઝ કાફકાની ૧૯૧૫ ની ચર્ચિત લઘુનવલ ‘ મેટામોરફોસીસ ‘ ના નાયક ગ્રેગોર સાથે કરવાનું મન થઈ આવે. નીતાની જેમ એ કથાનો નાયક પણ ચાર સભ્યોના કુટુંબનો બોજો ફરજ સમજી વહન કરતો હતો. એક દિવસ એ અચાનક માણસ મટી વંદામાં પરિવર્તિત થઈ જાય છે અને એની ઉપયોગિતા બંધ થતાં એના પર આજીવન નભેલું એનું જ કુટુંબ એને અવગણી પોતપોતાના રસ્તે વળી જાય છે અને ગ્રેગોર ભૂખે મરી મૃત્યુ પામે છે.
કથા- ત્રયીની બીજી ફિલ્મ ‘ કોમલ ગાંધાર’ પણ વતન છોડી કલકત્તામાં સંઘર્ષ કરતા લોકોની કથા છે .આ લોકો અવેતન રંગભૂમિમાં કામ કરી પોતાનો શોખ પૂરો કરી માંડ પેટિયું રળે છે . અહીં પણ બે જૂથ છે જેમની વચ્ચે ખટરાગ છે . એની સાથે અનસુયા ( ફરી સુપ્રિયા ચૌધરી ) અને ભૃગુની પ્રેમકથા વણી લેવાઇ છે .બંને પાત્રો પદ્મા નદીના આ કાંઠે ઊભા રહી સામે પૂર્વ પાકિસ્તાનમાં આવેલા પોતપોતાના વતનમાં શું શું છોડી આવ્યા એની સ્મૃતિઓ વાગોળતા રહે છે. ત્રણમાની આ એકમાત્ર સુખાંત કહી શકાય એવી ફિલ્મ.
ત્રયીની છેલ્લી ફિલ્મ ‘ સુવર્ણ રેખા ‘ એના નાયક ઈશ્વર ( અભિ ભટ્ટાચાર્ય) ની કથા કહે છે. સમયગાળો છે ૧૯૪૮ નો .પોતાની નાની બહેન સીતા ( માધવી મુખર્જી )ને લઈ એ કલકત્તાની નિરાશ્રિત છાવણીમાં આવી વસ્યો છે. યોગાનુયોગ સવર્ણોના જુલમનો ભોગ બનેલી એક નિરાશ્રિત મહિલાના સીતા જેવડા જ બાળક અભિરામને પણ એ પોતાની પાસે આશ્રય આપે છે. એનો એક પાક્કો વેપારી મિત્ર એને રોજગારનું પ્રલોભન આપી દૂર સુવર્ણરેખા નદીના કિનારે આવેલી પોતાની ફેક્ટરીમાં મામુલી પગારે રાખી લે છે .સીતા અને અભિરામ સાથે મોટા થાય છે. બંને વચ્ચે પ્રણય પાંગરે છે. મોટી થયેલી સીતા ભાઈને કાળજીથી સાચવે છે. ફિલ્મના એક હૃદયસ્પર્શી દ્રશ્યમાં ઈશ્વર બહેનને કહે છે તું આપણી મા જેવી લાગે છે. જવાબમાં નાની બહેન ભાઈના કાનમાં હળવી મીઠાશથી કહે છે ‘ હું તમારી મા જ છું ! ‘
ઈશ્વર પણ નોકરીમાં આગળ વધી ફેક્ટરીનું મેનેજર પદ હાંસલ કરે છે પણ એને ભાઈ બહેન તરીકે ઉછરેલા બાળકોનો પ્રેમ મંજૂર નથી. વળી અભિરામ નિમ્ન જાતિનો છે એ હકીકત પણ નજર અંદાજ ન કરી શકાય. એ બહેનના ખાનદાન કુળમાં લગ્નની તજવીજ કરે છે પણ સીતા અને અભિરામ ઘર છોડી, લગ્ન કરી સ્વમાનભેર કલકત્તાની પછાત વસ્તીમાં જઈ વસે છે. બંનેને પુત્ર પ્રાપ્તિ થાય છે . અભિરામ એક દુર્ઘટનામાં માર્યો જાય છે. મજબૂર સીતા વેશ્યાવૃતિના માર્ગે વળે છે. કલકત્તા મોજશોખ માટે મિત્ર સાથે આવેલો ઈશ્વર યોગાનુયોગ બે ઘડીની મોજ માટે કોઠે જઈ ચડે છે. એ જેના ગ્રાહક તરીકે ગયો છે એ એની પોતાની જ બહેન સીતા નીકળે છે. સીતા ભાઈને જોઈ હતપ્રભ થઈ જાય છે અને આઘાત ન જીરવાતાં ત્યાં જ આત્મહત્યા કરી લે છે.
હતાશ ઈશ્વર નોકરી અને ઈજ્જત બંને ગુમાવે છે. છેવટે એ દીકરીના પુત્રને લઈને નવા જીવનની આશામાં નીકળી પડે છે.
ત્રણેય ફિલ્મોમાં ધ્યાનાકર્ષક વાત છે ફિલ્મોની સુગ્રથિતતા અને સંવેદનશીલ માવજત ! ઘટકની વિશિષ્ટતા અનુસાર ત્રણેય ફિલ્મમાં નેપથ્યે નિરંતર કશુક ગવાતું કે બજતું રહે છે. ચાહે એ સમૂહ ગીત હોય, દર્દીલા સાંગીતિક આલાપ હોય, નદીગીત કે લગ્નગીત હોય અથવા હોય કોઈ લોકગીત.
ઋત્વિક ઘટકને નદી અતિપ્રિય છે. ત્રણમાની અંતિમ બે ફિલ્મોમાં નિરંતર સમયાંતરે પદ્મા અને સુવર્ણ રેખા નદી ઝલકતી રહે છે . ( એમની એક ફિલ્મનું નામ જ છે ‘ તીતાશ નામની નદી ‘ )
જીવનને એની પૂરેપૂરી તીવ્રતાથી પામવા ઋત્વિક ઘટકની ફિલ્મો જોવી જ ઘટે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

ફિલ્મોનો રસપ્રદ પરિચય અને કથાવસ્તુની સરસ રજૂઆત વાચકને ફિલ્મ જોવા પ્રેરશે.
LikeLike
આભાર નરેશભાઈ !
LikeLike