જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

પ્રકરણ ૫ : અંશ # ૧  થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થાનું ઘડતર – કેટલાક મહત્ત્વના પ્રશ્નો

આપણો હેતું શું છે?  આપણી પોતાની સુખની વ્યાખ્યા મુજબની જીવનશૈલી માટે મદદરૂપ નીવડે એવી આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવી .  એ હેતુ પાર પાડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તે વિશે આપણી વિચારપ્રક્રિયા સ્પષ્ટ બની રહેવી જરૂરી છે .

એ માટે અહીં કેટલાક સર્વસામાન્ય પ્રશ્નો રજુ કર્યા છે. આ અંગે ઊંડાણપૂર્વક, પૂરતો, વિચાર કરીને આ પ્રશ્નોના જે પ્રમાણિક જવાબો આપણને મળશે તે આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ઘડવા માટે જે નિર્ણયો લેવા પડે કે પસંદગીઓ કરવી પડે તેમાં મદદરૂપ નીવડી શકે છે.

પ્રશ્ન #૧

તમારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના કેદી રહેવું છે અને તેનો ઉપયોગ કરીને તમારી આગવી નાણાકેન્દ્રી શરતો મુજબની તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?

પ્રશ્ન #૨

કે પછી, તમારે વ્યક્તિગત અર્થવ્યવસ્થાની મદદ લઈને, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાની બહાર, તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડવી છે?

પ્રશ્ન #૩

નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાથી તમે પૂરેપુરો છુટકારો મેળવી શકો તેમ છો?

પ્રશ્ન #૪

તમારી પાસે મર્યાદિત માત્રામાં રહેલ સંસાધનોના ઉપયોગ વડે, તમને મહત્તમ ફાયદા મળતા રહી શકે એ રીતે વૈજ્ઞાનિક અર્થતંત્રનાં મોડેલનો તમે કેમ કરીને ઉપયોગ કરી શકો તેમ છો?

પ્રશ્ન #૫

કે પછી, આવક, ખર્ચ, બચત, રોકાણ, ઉપાડ અને વહેંચણીનાં છ સરળ પગલાંની પ્રક્રિયાની મદદથી તમારી પોતાની અર્થવ્યવસ્થા ઘડી કાઢવા માગો છો?

પ્રશ્ન #૬

કે હજુ પછી, તમે નાણાકેન્દ્રી વૈજ્ઞાનિક અર્થવ્યવસ્થા અને તમારી પોતાની આગવી અર્થવ્યવસ્થાનાં તમારી પોતાની ગણતરી અને પસંદનાં આગવાં સંમિશ્રણ મુજબની તમારી અંગત અર્થવ્યવસ્થા ઘડીને અમલ કરવાનું પસંદ કરશો?

અને હવે છ સરળ પગલાંની પ્રક્રિયા વિશે કેટલાક વિશિષ્ટ સવાલો બાબતે વિચારણા કરીએ.

આવક 

પ્રશ્ન # ૧

નાણા/ નાણા સમક્ક્ષ સાધનો કે બીનનાણાકીય પુરસ્કારો એ બેમાંથી શું રળવું છે ? નાણા ઉપરાંત, કે નાણા કરતાં, તમને શું રળવું વધારે પસંદ પડશે – માનસન્માન, આંતરીક કે બાહ્ય સ્વીકૃતી કે તમારી પોતાની પસંદ મુજબના કોઈ વિશિષ્ટ પુરસ્કારો?

પ્રશ્ન # ૨

તમારે શું, ક્યારથી, કમાવું છે ? કમાવાનું ક્યારથી બંધ કરવું છે? નાણાને બીનનાણાકીય પુરસ્કારોના સ્વરૂપમાં ક્યારથી અને કેટલા પ્રમાણમાં બદલવા માગો છો?

પ્રશ્ન #૩

કેટલું કમાવું છે ? ‘બસ, હવે પુરતું કમાયા’ એમ ક્યારે નક્કી કરવા માગો છો?

પ્રશ્ન #  ૪

નાણા. કે બીનનાણાકીય પુરસ્કારો, કમાવા માટેનો તમારો ઉદ્દેશ્ય શું છે ?

પ્રશ્ન # ૫

નાણા કમાવા માટે તમે કયો માર્ગ અપનાવવો પસંદ કરશો? બીજા માટે કામ કરવું કે પોતા માટે કામ કરવું? નાણા માટે કામ કરશો કે નાણા વિના? આખો સમય એ કામ કરશો કે અમુક સમય કામ અને અમુક સમય પોતાની પસંદગી મુજબની પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરશો?

પ્રશ્ન # ૬

તમારા માટે શું પૂરતું છે – તમારી વ્યાખ્યા મુજબની વર્તમાનમાં સુખસગવડ મળી રહે એટલી કમાણી, કે વધારામાં તમારી પોતાની ભવિષ્યની જરૂરિયાતો પણ પુરી થઈ શકે એ માટે જરૂરી રોકાણો પણ થઈ શકે એટલી કમાણી? કે પછી ભવિષ્યની તમારી જરૂરિયાતો પુરી થઈ શકે તે ઉપરાંત તમારાં સ્વજનો અને સંતાનોની હાલની કે/અને ભવિષ્યની જરૂરિયાતો પુરી થાય એટલી કમાણી ? કે એ બધાંથી પણ ઉપરાંત, બીજાંઓને પણ વર્તમાનમાં, કે/અને ભવિષ્યમાં પણ મદદરૂપ પણ થઈ શકાય એટલી કમાણી?

ખર્ચા

પ્રશ્ન # ૧

તમે શું ખર્ચ કરવાનું પસંદ કરશો – તમારા નાણા કે તમારી સેવાઓ અને ક્ષમતાઓ? કે પછી બન્ને ખર્ચ કરવાનું પસંદ કરશો?

પ્રશ્ન # ૨

તમે કેટલાં નાણા ખર્ચવાનું પસંદ કરશો? તમારા ખર્ચાની મર્યાદા શી રીતે નક્કી કરશો?

પ્રશ્ન # ૩

તમારી નાણાકીય ખર્ચની જરૂરિયાતો ઘટાડી શકાય તેમ છે? તમારો વપરાશ ઘટાડી શકાય તેમ છે?

પ્રશ્ન # ૪

તમારાં અંગત સંસાધનોમાંથી તમે કેટલું કેટલું ખર્ચ કરવા માગો છો તે શી રીતે નક્કી કરશો? તમારાં અંગત સંસાધનો કયાં કયાં છે?

બચત 

પ્રશ્ન # ૧

તમારી આવકમાંથી નાણાકીય બચત કરવાની જગ્યા રહે છે ?

પ્રશ્ન # ૨

જો બચત શક્ય ન હોય, તો તમે શું કરવાનું પસંદ કરશો? તમારૂં કામ બદલશો ? કે પછી બીજી કોઈ સહાય લેશો?

પ્રશ્ન # ૩

જો તમારી આવકમાંથી બચત કરવી શક્ય હોય તો, કેટલી બચત પુરતી થઈ રહેશે? તમારા માટે કેટલી બચત પુરતી છે એ તમે શી રીતે નક્કી કરશો?

પ્રશ્ન # ૪

તમારાં અંગત સંસાધનો અને ક્ષમતાઓની તમે બચત કરી શકો એમ છો?

રોકાણ

પ્રશ્ન # ૧

તમારી બચતનું તમે રોકાણ કર્યું છે ?

પ્રશ્ન # ૨

તમે રોકાણ માટે કોઈ વ્યાવસાયિક મદદ લીધી છે?

પ્રશ્ન # ૩

જ્યારે તમારે બચતનો ઉપાડ કરવો પડે તેમ હોય ત્યારે તમે કરેલી બચત તમને કામ આવી શકશે એવો તમને વિશ્વાસ છે ? ઉપાડ કરવાનો સમય આવે ત્યાં સુધી તમારી બચત પર્યાપ્ત વળતર આપતી રહે છે ખરી?

પ્રશ્ન # ૪

તમને કોઠે ધરપત રહે એ માટે કેટલું રોકાણ પૂરતું ગણશો?

પ્રશ્ન # ૫

તમારી પાસે ફાજલ રોકાણ હોય, તો, તેનો ઉપાડ કરીને તમારા માટે ખર્ચ કરવાનું પસંદ કરશો કે બીજાંઓ માટે ખર્ચ કરવાનું પસંદ કરશો?

પ્રશ્ન# ૬

તમારાં અંગત સંસાધનોનું તમે શી રીતે રોકાણ કરો છો? તમારા પોતાના સમય, પ્રયત્નો અને મહેનત  કે તમારી સેવાઓનું જે રોકાણ કરો તેના પર તમે વળતરની અપેક્ષા રાખો છો? કે પછી તમારી ફાજલ સંપત્તિ તમે એમ ને એમ આપી દેવાનું પસંદ કરશો?

રોકાણોનો ઉપાડ 

પ્રશ્ન # ૧

તમે કરેલું રોકાણ ઉપાડી લેવાની જરૂર છે? ઉપાડ કરવો અત્યાવશક છે?

પ્રશ્ન # ૨

કયા હેતુઓ માટે નાણાનો ઉપાડ કરવાની ફરજ પડે છે?

તમારી પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે ખર્ચ કરવાનું છે? કે તમારાં સ્વજનો, કે સંતાનો કે બન્નેને, મદદ કરવા માટે ઉપાડ કરવો પડે છે?

કે પછી, એ બન્ને કારણોસર નહીં, પણ બીજાંઓની મદદ કરવા ઉપાડ કરવો પડે છે?

પ્રશ્ન # ૩

કોઈ પણ જાતનાં વળતરની અપેક્ષા રાખ્યા વિના બીજાં લોકોને મદદ કરવા ઉપાડ કરી રહ્યાં છો?

પ્રશ્ન # ૪

તમે ક્યારે ક્યારે ઉપાડ કરો છો? નિયમિતપણે, કે પછી જ્યારે તાકીદની જરૂરિયાત ઊભી થાય ત્યારે,  કે તમે જીવનના એ તબક્કે પહૉચ્યાં છો જ્યારે તમારે બીજાંઓ સાથે વહેંચણી કરવાની જરૂર / પૂર્વઆયોજિત સમય આવી પહોંચ્યો છે ત્યારે?

પ્રશ્ન # ૫

નાણા ઉપાડતી વખતે તમને ડર લાગે છે? તમારી ભવિષ્યની જરૂરિયાતો બાબતે અચોક્કસતા છે ?

કે પછી રોકાણનો હાલ ઉપાડ કરવાને બદલે, તમારાં નાણા અને સંપત્તિનો ઉપયોગ કરીને  તમારાં રોકાણને જાળવી રાખવા માગો છો?


હવે પછીના મણકામાં આપણે આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.