આ મહિનેથી દર ચોથા ગુરુવારે આપણે સુશ્રી જિગીષા પટેલની લેખશ્રેણી ‘સંસ્પર્શ’  શરૂ કરી રહ્યાં છીએ.
એ પ્રસંગે સુશ્રી જિગીષા પટેલનો  હાર્દિક આભાર માનવાની સાથે વેબ ગુર્જરી મંચ પર તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી


‘સંસ્પર્શ’ લેખશ્રેણીની પ્રસ્તાવના/ જિગીષા દિલીપ

 

મિત્રો,

લ્યો, હું તો આવી ગઈ, તમારી સાથે વાતો કરવા, મારા વહાલા અને સૌને ગમતા ધ્રુવદાદા એટલે કે સન્માનીય શ્રી ધ્રુવ ભટ્ટ લઈને. ધ્રુવદાદા એટલે એક એવું સરળ, સહજ અને પરાણે વહાલું લાગે તેવું વ્યક્તિત્વ. ન કોઈ દેખાડો, ન કોઈ ઔપચારિકતા કે મોટાઈ. પોતાની જાતને, આખી દુનિયાને અને સમગ્ર પ્રકૃતિને મબલક પ્રેમ કરતું વ્યક્તિત્વ. તમે એમનું કોઈ પણ પુસ્તક કે ગીત વાંચો એટલે અંદરથી ને બહારથી ભર્યાભર્યા થઈ જાઓ. ભીતર છલકાઈ જાય. એ  સંસ્પર્શથી જાણે પુલકિત થઈ જવાય, સમગ્ર દૃષ્ટિ અને સૃષ્ટિ બદલાઈ જાય.

એક મુલાકાત અંગે ધ્રુવદાદા સાથે વાતચીત કરવાનું બન્યું. તેમના એકદમ સાદા અને સહજ જીવન અંગે, તેમના પુસ્તક વિશે તેમજ તેમનાં ધ્રુવગીતો વિશે અવનવી વાતો જાણવા મળી. એમણે જે  પુસ્તક કે  કે ગીત લખ્યાં તે લખવાની  પ્રેરણા તેમને કેવી રીતે મળી, તે પુસ્તક લખવા તેમણે કેટલો અને કેવો પ્રવાસ કર્યો,

એ બધી વાતો સાવ અલગ અને ખૂબ જ રસપ્રદ હતી. એ સમયગાળા દરમ્યાન જ તેમનાં પુસ્તક પરથી બનેલ ‘રેવા’ એવોર્ડ વિનીંગ ફિલ્મ જોવાનું બન્યું. ગીતા અને ઉપનિષદને ખાલી વાંચવાનાં નહીં પણ તે વિચારોને જીવનમાં ઉતારી તે મુજબ જીવવા પ્રયત્નશીલ બનવાનાં તેમના વિચારો , તેમજ નારી શક્તિને ઉજાગર કરવા, પોતાના રોજબરોજનાં જીવનમાં તેમજ તેમનાં પુસ્તકમાં સ્ત્રી પાત્રોને અદકેરું સ્થાન આપી પોતાના વિચારોની સુંદર રજૂઆત કરનાર ધ્રુવદાદાનાં પુસ્તકો મારાં મનને સ્પર્શી ગયાં, તેમની સાવ અભણ અને સાવ નાનામાં નાના માણસની વાતમાંથી મળતા મોટા ઉપદેશ શોધી તેની મહત્તા સમજી, સમજાવવાની વાત ખૂબ ઊંડી જીવનદૃષ્ટિ માંગી લે છે.

તેમની સાથે વાત કરતાં મને માણસની ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’નો અર્થ સમજાયો એટલે તેનો સંસ્પર્શ વાચકો સુધી પહોંચાડવાનું મને મન થયું. એમના પુસ્તકોને એક નવલકથાની જેમ વાંચી ન જવાય. તેનાં એકએક શબ્દને આલિંગન આપવું પડે, એકએક પાનાંને વાંચીને વાગોળવું પડે, કારણ તે વિચારો માત્ર સમકાલીન નહીં, દીર્ઘકાલીન, સમયાતીતકાલીન છે. તે વિચારોને તમારી ભીતર રોપવા પડે અને રોપશો તો તમે પણ નિજાનંદનો અનુભવ કરશો. કંઈક નવું જ પામશો. ધ્રુવદાદા તેમનાં લખેલ ગીતો માટે જરા પણ પઝેસિવ નથી એટલે ગીતો લખીને તે ગીતને લોકો સુધી પહોંચાડ્યાં પછી તેને” ગાય તેના ગીત “ તેવું નામ આપી સૌને તે ગીતો ગાઈને પોતાના બનાવવાનું આહ્વાહન આપે છે. તેમનાં પુસ્તકોમાં અને ગીતોમાં સંદેશ વગર આધ્યાત્મિકતાનું મૌન સૂચન છે.

તેમના પુસ્તકો વાંચી માણસ માત્ર તો શું,  પશુ, પંખી, આકાશ, ધરતી, સાગર, અગ્નિ, વાયુ, સમગ્ર કાયનાત સાથે તમે વાતો કરતાં, પ્રેમ કરતાં થઈ જાઓ. તમે તમારામાં મસ્ત બની ગાવા લાગો. ઝૂવા લાગો. દુન્યવી કષાયોને ભૂલી નિજાનંદમાં ખોવાઈ જાવ.

જરા, આ બે કડી સાંભળીએ…

 “એમ તમે બોલ્યા કે આવ્યા તે ‘આ’ ભૈ ને હું જ મને ઓળખતો નૈં
ચાલો આ એનાં ખાધા સોગંદ કહો જાત અમે ક્યાં ખોળી ભૈ.”

તો ચાલો મિત્રો, આવતાં અંકથી શરૂ કરીશું આપણી ‘સંસ્પર્શ યાત્રા’ જાણીતા અને સૌનાં માનીતા કવિ અને લેખક શ્રી ધ્રુવ  ભટ્ટનાં જુદાંજુદાં પુસ્તકોની અને ધ્રુવગીતોની વાતો થકી.

 જિગીષા દિલીપ


જિગીષા પટેલ

પરિચયઃ

જન્મઃ અમદાવાદ, હાલ નિવાસ કેલિફોર્નિયા.

દિવ્યભાસ્કર ન્યુઝપેપરની કેલિફોર્નિયાની બ્યુરોચીફ  અને કોમ્યુનિટી એમ્બેસેડર તરીકે પત્રકારત્વ સંભાળ્યું છે. સાથેસાથે કેટલાંય મુદ્રિત અને ડિજિટલ માધ્યમો પર ૫૧ વાર્તા, કવિતા, બાળકો માટે જુદીજુદી હોબી જેવા વિષયો પર આર્ટિકલ લખ્યા છે.

”કબીરો” મારો અલગારી ફકીર પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. ન્યુજર્સીનાં રેડિયો ’રેડિયો દિલ‘ પરથી તે પુસ્તકનાં ૫૧ પ્રકરણનું પ્રસારણ થયું છે. ‘તુલસી ખુસરો ગૃપ’, ‘સાહિત્ય ફોરમ ગૃપ’ અને ‘કબીર ભક્ત સમાજ’ SRBS ગૃપમાં ઓનલાઈન કબીર પર વક્તવ્ય આપ્યાં છે.