સંવાદિતા
બે મહાન અને વિચક્ષણ લેખકો વચ્ચેનો એકાલાપ સમો આ કાલ્પનિક સંવાદ એમના સમય અને જીવનની હકીકતો ખોલે છે
ભગવાન થાવરાણી
ઉર્દૂ – ફારસીના મહાન શાયર મિર્ઝા અસદુલ્લાહ ખાં ‘ ગાલિબ ‘ સન ૧૭૯૭ માં જનમ્યા અને ૧૮૬૯ માં ઝન્નતનશીન થયા તો ઉર્દૂના એવા જ વિદ્રોહી અને ક્રાંતિકારી કલમકાર સઆદત હસન મંટો ગાલિબના ઈંતેકાલ પછી આશરે પચાસ વર્ષે જન્મી ૪૩ વર્ષની યુવાન વયે ૧૯૫૫ માં પાકિસ્તાનના લાહૌરમાં અવસાન પામ્યા.
અલગ અલગ સમયગાળામાં જન્મેલા આ બન્ને કલાકારોની ફિતરતમાં કેટલીક આશ્ચર્યકારક સમાનતાઓ હતી. બન્ને વિલક્ષણ અને નખશીખ બળવાખોર આત્માઓ તો ખરા જ, પણ બન્નેની કલમ જાણે તેજાબમાં ઝબોળાઈને જિગરના લોહીથી લખતી. બન્નેની કદર એમની જીવનકાળમાં બિલકુલ ન થઈ, બન્ને સમાજ દ્વારા લગભગ હડધૂત થયા, બન્ને આજીવન નાસ્તિક અને શરાબી, બન્નેએ રોજીરોટી માટે નિરંતર સંઘર્ષ કર્યો, બન્નેએ પાછલી જિંદગીએ માણસની માણસ પ્રત્યે અમાનુષી ક્રૂરતા જોઈ, બન્ને સંજોગોની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પણ પોતાના વિચારોને મક્કમતાથી વળગી રહ્યા અને બન્નેના સ્વપ્નોના કાટમાળ અને સમયના હાથે મળેલી શિકસ્તનો રંગ એક જ હતો !

બંગાળી લેખક રવિશંકર બલની ૨૦૧૨ માં પ્રકાશિત નવલકથા ‘ દોઝખનામા ‘ એક અનોખી કૃતિ છે. એ ગાથા છે ગાલિબ અને મંટો વચ્ચે પોતપોતાની કબરોમાંથી થયેલા કાલ્પનિક સંવાદની. એ નવલકથામાં સમાયેલી અન્ય એક નવલકથાની વાત છે. પુસ્તકનો અનુવાદ હિંદી અને અંગ્રેજીમાં થયો છે. હિંદી અનુવાદ અમૃતા બેરાએ કર્યો છે તો અંગ્રેજી અરુણવ સિંહાએ.
હિંદી અનુવાદના કુલ ૪૫ પ્રકરણમાંના પ્રત્યેકનો આગાઝ મિર્ઝા ગાલિબ અથવા મીર તકી મીરના કોઈક સાંદર્ભિક શેરથી થાય છે. કથાની શરુઆત થાય છે કલકત્તામાં વસતા એક પત્રકારની લખનૌ શહેરની મુલાકાતથી, જ્યાં એ ત્યાંની તવાયફોના જીવનનો અભ્યાસ કરવા આવ્યો છે. એને અકસ્માતે ભેટે છે મરણના કિનારે ઊભેલો એક જૈફ શખ્સ જેણે એક અમૂલ્ય પુસ્તકની જીર્ણશીર્ણ હસ્તપ્રત સાચવી રાખી છે. એ હસ્તપ્રત છે સઆદત હસન મંટોએ પોતાના જીવનમાં લખેલી એકમાત્ર નવલકથાની. પત્રકાર એ હસ્તપ્રત લઈ કલકત્તા પાછો ફરે છે અને પોતે ઉર્દૂ ભાષા ન જાણતો હોઈ એ ભાષાની એક યુવાન પંડિતા તબસ્સુમ મિર્ઝાની મદદથી એ પુસ્તકનો બંગાળી તરજુમો કરવાની તજવીજ આરંભે છે. એ પુસ્તકમાં સમાવિષ્ટ છે ભારત – પાકિસ્તાનની કાંટાળી વાડના સામસામા કાંઠે દિલ્હી અને લાહૌરમાં પોતપોતાની કબરોમાં સૂતેલા બે મહાન સર્જકો ગાલિબ અને મંટો વચ્ચેનો સંવાદ !
મંટો લિખિત આ નવલના પહેલા પ્રકરણની તારીખ છે ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ અર્થાત મંટોની મૃત્યુ તિથિ ! શરુઆતમાં જ મંટો ગાલિબને ઉદ્દેશીને કહે છે કે તમે એ રીતે નસીબદાર કે તમે ૧૯૪૭ ના ભાગલા અને એ અન્વયે થયેલો અમાનુષી રક્તપાત અને રાક્ષસી હરકતો ન જોઈ ! દરેક પ્રકરણમાં વારાફરતી બન્ને એકમેકને ( અને આજુબાજુની કબરોમાં સૂતેલા અન્ય સૌને ! ) સંબોધીને પોતપોતાની કેફિયત સંભળાવે છે. એ સંવાદના બહાને બન્ને વાત તો કરે છે પોતાના જમાના, સમાજ, મિત્રો – દુશ્મનો, સંબંધીઓ, કુટુંબીઓ, લગ્નજીવન, પ્રેમ અને પ્રેમિકાઓ અને ત્યારના સમગ્ર માહૌલની.
મંટો ગાલિબને કહે છે ‘ મારી વાર્તાઓમાં એ જ પાત્રો છે જે તમારા શેરોમાં હતા. ‘ નવલકથામાં ડગલે ને પગલે બન્નેએ સાંભળેલી દાસ્તાનો અને કિસ્સા આવતા રહે છે. ગાલિબ કહે છે ‘ મારી બધી કલમો મેં મારા પૂર્વજોના તૂટેલા તીરોમાંથી બનાવી છે ‘ ( એમના પૂર્વજો સૈન્યના સરદારો હતા ) અને ઉમેરે છે ‘ હજારો ગઝલો લખ્યા છતાં કોઈને કવિ ન કહી શકાય, જો એણે એકાદ શેર પણ એવો લખ્યો ન હોય જેમાં હૃદયના ઝબોળાયેલો કણસાટ હોય. મેં હમેશાં મારા ઝખ્મો વિષે જ લખ્યું છે.’
પુસ્તકમાં જેટલા ગાલિબના શેર ઉદ્ધૃત કરાયા છે એટલા જ મીર તકી ‘ મીર ‘ ના પણ. લેખક કહે છે ‘ વાતને પરદામાં રાખવાનો હુન્નર ગાલિબ પાસે હતો. ‘ મીર ‘ તો લોહીથી લથબથ પોતાનું હૃદય લાગલા જ ભાવકના હાથમાં પકડાવી દેતા ! ગાલિબ એ પડછાયા સાચવી દૂર સ્થિર ઊભેલા આયના જેવા હતા !
બન્ને દિલ્હી અને લાહૌરની તવાયફો સાથેના પોતાના વ્યક્તિગત સંબંધોનો ઉલ્લેખ પણ સંપૂર્ણ બેબાકીથી કરે છે. મંટોના મુખે લાહૌરની હીરામંડીના કોઠાઓની દાસ્તાનો અવાક્ કરી દે છે. એ કહે છે ‘ હીરામંડીના રંગીન દુનિયામાં અનેક સુરીલા દિલ ધબકતા હતા. કોઈ સાક્ષાત માલકૌંસ, કોઈ બિહાગ, કોઈ ભૈરવી તો કોઈ પૂરવી. એ રાગોમાં જ સમાયેલા હતા અશ્રુ, લોહી અને ચીસો. ‘ તો ગાલિબ પોતાના પુરોગામી શાયર મીર તકી મીરની પ્રેમકથા અને એ કારણે એ પાગલ થઈ ગયા એ કિસ્સો કહી આપણને સ્તબ્ધ કરી મૂકે છે. ગાલિબ પોતાની પ્રેમિકાઓ મુનીરાબાઈ અને બેગમ ફલક આરાની વાત વિગતે કરે છે તો મંટો પણ લેખિકા ઈસ્મત ચુગતાઈ અને બેગૂ નામની સ્ત્રી સાથેના પોતાના સંબંધોની કથની કહે છે. મંટો કહે છે ‘ જિંદગીની કિંમત વ્યાજ અને મુદ્દલ સાથે અહીં જ ચૂકવી જવાની હોય છે.’ પોતે કવિ ન હોવા છતાં કવિતા વિષે એ કહે છે ‘ અલંકારોથી લદાયેલી સ્ત્રીનું સૌંદર્ય એની હેઠળ દબાઈ જાય છે. એવું જ કવિતાનું છે. ‘
પોતાના પેન્શન માટે કલકત્તા અંગ્રેજ દરબાર આગળ રજુઆત કરવા ગાલિબ દિલ્હીથી મહિનાઓનો પ્રવાસ ખેડીને ગયેલા. રસ્તામાં આવતા કાશીમાં એ ખાસ્સા દિવસો રોકાયેલા. એ નગરી, ત્યાંના લોકો અને ત્યાંના મણિકર્ણિકા ઘાટની એ ભૂરિ – ભૂરિ પ્રશંસા કરે છે. ત્યાંના આધ્યાત્મિક અનુભવ વિષે એ વાત કરતાં થાકતા નથી. ગંગા ઘાટે કબીર સાહેબને મળ્યાનો એમનો કાલ્પનિક અનુભવ પણ રસપ્રદ છે.
મંટોએ મુંબઈની ફિલ્મી દુનિયાની હસ્તીઓ સિતારા, કે આસિફ, નસીમ બાનો અને શ્યામના જીવન અને એમના દિલફરેબ વ્યક્તિત્વ વિષે એવી વાતો કરી છે કે બરબસ એ બધા પ્રત્યે ભાવ ઉપજી આવે. ગાલિબ દિલ્હી ( ત્યારે એ શાહજહાનાબાદ કહેવાતું ) ના આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ ‘ ઝફર ‘ વિષે કહે છે કે એ કવિ હતા જ નહીં ! એમની ઐયાશી વિષે પણ ઉલ્લેખ છે. ૧૮૫૭ ના નિષ્ફળ બળવા વિષે એ કહે છે ‘ સૈનિકો માત્ર લડી શકે, શહેરો ઉજાડી શકે, એ લોકો ક્યારેય આઝાદી ન અપાવી શકે. એ કામ પ્રજાનું છે. ‘
ખરેખર તો આ સંવાદ નહીં, આપવીતી છે પણ બન્ને દ્વારા એ નિમિત્તે જે કઈ કહેવાયું છે એ વિચલિત કરી મૂકે છે અને ‘ દોઝખનામા ‘ ને એક વિશિષ્ટ નવલકથા તરીકે પ્રસ્થાપિત કરે છે.
ગાલિબ ૧૮૫૭ ની હિંસા જોયા બાદ મૃત્યુ પર્યંત લગભગ મૌન જ રહ્યા. એમના સમગ્ર કાવ્યોના દીવાન અને એમણે મિત્રો ઈત્યાદિને લખેલા પત્રોના સંગ્રહની વિવિધ આવૃત્તિઓ થઈ છે. મંટોએ મુખ્યત્વે વાર્તાઓ, રેડિયો નાટકો અને ફિલ્મોની કહાણીઓ લખી. ૧૯૫૪ ની સોહરાબ મોદીની ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ ની વાર્તા એમણે લખેલી. પોતાની કબર ઉપર મૂકવા એમણે પોતે જ જે મૃત્યુ લેખ લખી રાખેલો ( જે એમની કબર પર ક્યારેય મુકાયો નહીં ) એના શબ્દો છે ‘ અહીં ટનબંધ માટી નીચે સૂતો છે મંટો અને એની સાથે વાર્તા લેખનના બધા રહસ્યો પણ. એ હમેશાં એવું વિચારતો કે કોણ વાર્તા લેખક મોટો ? ખુદા કે મંટો ? ‘
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
