આ મહિનેથી દર ત્રીજા મંગળવારે સુશ્રી નીલમબેન દોશીનાં પુસ્તક ‘ઈશ્વરને ઇ મેઇલ’ને ક્રમશઃ પ્રકાશિત કરવાનું આયોજન કરેલ છે.
વેબ ગુર્જરી પર આ લેખમાળા પ્રકાશિત કરવાની સહમત આપવા બદલ સુશ્રી નીલમબેન દોશીનો આપણે આભાર માનીએ છીએ અને તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
એક ડગલું આગળ…
પત્ર સાહિત્ય હમેશા મને આકર્ષતું રહ્યું છે. કારણ કદાચ એટલું જ કે એમાં આખ્ખેઆખ્ખું મન મન અનાયાસે ઠલવાતું હોય છે, ભીતરની સંવેદના કોઇ પ્રયાસ સિવાય ઉલેચાતી હોય છે.જેમાં દિલની સચ્ચાઇ અને સંવેદનાનું અજબ સામંજસ્ય રચાઇ જતું હોય છે. મેઘધનૂષની જેમ એક પછી એક અનેક રંગો ઉઘડતા રહે છે અને આખરે જાણે બધું શ્વેત રંગમાં એકાકાર બની રહે છે.
દીકરી, દીકરો, સાસુ, વહુ, મિત્ર..અનેક સંબંધોને ઉદ્દેશીને પત્રો લખાયા. એ લખતી વખતે એ દરેક સંબંધો ફરી એકવાર જિવાયા. એમની સાથેના સ્મરણો, એ મીઠાશ ફરી એકવાર માણી..અસંખ્ય ભાવકોના હૂંફાળા પ્રતિસાદથી છલકાણી. અનેક નવા, તાજગીભર્યા સુંદર સંબંધો આ પત્રોએ આપ્યા.
થોડા સમય પહેલા અરૂણોદય પ્રકાશનના શ્રી ચંદ્રમૌલિભાઇએ પ્રાર્થના જેવું કશુંક લખી આપો ને. એવો પ્રસ્તાવ મૂકયો. મને ગમ્યો. અલબત્ત શું લખવું એ માટે કોઇ ચોક્કસ ફોર્મેટ મનમાં સ્પષ્ટ નહોતું. પ્રાર્થનાના અનેક સુંદર પુસ્તકો અગાઉ વાંચ્યા હતા. એના કરતા કશુંક અલગ કરવું હતું. અલબત્ત પ્રાર્થના એટલે વાત તો ભીતરમાં બિરાજમાન ઇશ્વરની જ આવવાની. એટલે સહજ રીતે એ જ બધી વાતો આવવાની જે અગાઉ બધા કહી ચૂકયા હોય. એમાં હું નવું શું કરી શકવાની ? એવી અવઢવ, એક મથામણ મનને મૂંઝવતી રહી. ચન્દ્રમૌલિભાઇના એ જ વિષયના આગ્રહને લઇને લખવા તો બેઠી. બે પાંચ લેખો લખ્યા. ચન્દ્રમૌલિભાઇને મોકલ્યા. તેમને ગમ્યા. ગ્રીન સીગ્નલ આપ્યું પણ પૂરી નિખાલસતાથી કહું તો મારી ભીતર હજુ કોઇ પિંડ નહોતો બંધાયો. લખવાની મજા નહોતી આવતી. અને મને પોતાને મજા ન આવે ત્યારે હું કદી લખતી નથી. જે લખતા મને જ મજા ન આવે કે સંતોષ ન થાય તો મારા વાચકોને કયાંથી સ્પર્શે ? એટલે એ કામ થોડા સમય પૂરતું અટકાવી દીધું. મનમાં વિષય તો પ્રાર્થનાનો જ ઘૂંટાતો રહ્યો હતો. એથી ઇશ્વરની, અવકાશની, અખિલાઇની સર્જનહારની વાતો મનમાં ચાલતી રહી.
અચાનક એક દિવસ ઉંઘમાં, સપનામાં જ જાણે ભગવાન મને કોઇ ફરિયાદ કરતા હોય એવું અનુભવાયું. અલબત્ત ઘણાં દિવસોથી મનમાં આવા વિચારો ચાલતા હતા એ જ વાતનું પ્રતિબિંબ સપનામાં પડયું હતું. બાકી ખરેખર ભગવાનનો સાદ સાંભળી શકું એવી કોઇ કક્ષા, એવી કોઇ પાત્રતા મારી નથી એનાથી હું અજાણ નથી. પણ સપના તો અચૂક આવતા રહ્યા. બે ચાર દિવસ લાગલગાટ જાણે ભગવાન મને કશુંક કહેતા રહ્યા.
અને બસ..એ કશુંક અનાયાસે કાગળમાં..લેપટોપમાં ઉતરતું રહ્યું. ભગવાનને પણ આજે આપણી સામે કેટકેટલી ફરિયાદો હશે જ ને ? એમને પણ કંઇક કહેવાનું મન થતું હશે ને ?
એવા કોઇ વિચાર સાથે ભગવાનની ફરિયાદ, વ્યથા, પીડા જાણે મારા મનમાં ઉભરતી રહી. શબ્દોરૂપે ઠલવાતી રહી. પૂરી પ્રામાણિકતાથી કહું તો બે ટકા પ્રયત્નો અને અને અઠાણું ટકા સાવ અનાયાસે શબ્દો આવતા ગયા. વાતોનો, શબ્દોનો જાણે ધોધ ફૂટી નીકળ્યો. શું લખવું, કેમ લખવું, કયા ફોર્મેટમાં લખવું એવા કોઇ પ્રશ્ન જ ન આવ્યા.. બધું આપમેળે જ ચાલતું રહ્યું. ઇશ્વર સાથે વાત કરતી વખતે પણ સાવ સહજતાથી પત્રનું જ સ્વરૂપ આવી ગયું હતું એ તો બે ચાર પત્રો લખાઇ ગયા બાદ જ મને ભાન થયું. સામાન્ય રીતે કંઇ પણ લખ્યા પછી એને મઠારવાનું અચૂક બનતું હોય છે. પરંતુ આ લખાયા પછી એને એક પણ વાર મઠારવાની તો શું બીજી વાર વાંચવાની સુધ્ધાં તકલીફ નથી લીધી..એવું મન જ ન થયું. જાણે બીજી વાર વાંચીશ તો કશુંક વધારવા, ઘટાડવાનું મન થાય અને એની સહજતા, એનો લય ખોરવાઇ જાય તો ? એવો કોઇ ભય મનમાં હતો કે શું ?
જે પણ હોય તે.પરંતુ બીજી વાર વાંચ્યા સિવાય જ ચંદ્રમૌલિભાઇને મોકલી દીધા. કે પ્રાર્થનાને બદલે મારા મનમાં આવું કશુંક સૂઝયું છે અને એ જ ઠલવાયું છે. મને લખવામાં ખૂબ મજા પડી છે અને એમાં હવે મારે કોઇ ફેરફાર કરવો નથી.
ઇશ્વર સાથેની આ અનાયાસ યાત્રા દરમ્યાન મારું બોલવાનું લગભગ શૂન્ય બની ગયું હતું. જોકે ઘરમાં બોલવાવાળું કોઇ હતું પણ નહીં. પણ આ સમય દરમ્યાન ફોન, ફેસ બુક, વોટસ અપ, ઇ મેઇલ વગેરે પણ અટકી ગયા હતા. મારી એકલતામાં મદદગાર એ બધા સાધનો યાદ જ નહોતા આવ્યા એમ કહી શકું. રાત્રે એક વખત પતિદેવ સાથે ફોનમાં વાત કર્યા સિવાય બીજા કોઇ જ સાથે હું સંપર્કમાં નહોતી રહી. આ ગાળા દરમ્યાન હું લગભગ અલિપ્ત જેવી બની રહી. ફકત ઇશ્વર સાથે અનુસંધાન રચાતું રહ્યું એમ જાતને છેતર્યા સિવાય પૂરી પ્રામાણિકતાપૂર્વક કહી શકું. મારી શારીરિક તકલીફો અવગણાતી રહી. નિજાનંદનો જે અહેસાસ આ પત્રોએ મને કરાવ્યો છે એ કદાચ મારા જીવનનો એક અદભૂત અનુભવ બની રહ્યો. શબ્દો મને સાત સાગર પાર લઇ ગયા છે, પણ આજે શબ્દો જાણે મને ઇશ્વર સુધી લઇ ગયા છે એ અનુભૂતિની એક પરમ પ્રસન્નતા આ લેખનયાત્રા દરમ્યાન સતત સાથે રહી.
આ લખતા લખતા હું પોતે ભીતરના અજવાસની દિશામાં વધારે નહીં તો યે એકાદ ડગલું જરૂર આગળ વધી છું એવી અનુભૂતિ પામી શકી છું. મારી અંદરના બાવા જાળાની સંપૂર્ણપણે નહીં તો યે થોડે અંશે સફાઇ થઇ શકી છે. ઉજાસની એકાદ લકીર, એકાદું કિરણ મારી ભીતર પ્રવેશી શકયું હોય એવો અગાઉ કદી ન અનુભવેલો આનંદ પામી રહી છું. અને મને પૂરી શ્રધ્ધા છે કે આ જ કિરણનો ઉજાસ આ પુસ્તકના વાચકો, ભાવકોના હ્રદયમાં જરૂર ઉઘડશે અને છીએ એના કરતા થોડા..ભલે ને સાવ જ થોડા પણ વધારે સારા બનવાની દિશામાં મારી જેમ જ એકાદ ડગલું આગળ તો જરૂર મંડાશે જ.
અહીં ઇશ્વર આપણો દોસ્ત, સખા બનીને આપણી સાથે વાત કરે છે. અને સાચા મિત્રની વાત અવગણવી કંઇ સહેલી તો નથી જ ને ? આ પ્રકારે ઇશ્વરે લખેલા પત્રોનું કોઇ પુસ્તક અગાઉ લખાયું છે કે કેમ એની મને જાણ નથી. પણ મેં વાંચ્યું નથી એટલી જાણ છે. હા, ઊઘડતા દ્વાર અંતરના , સુશ્રી ઇશા કુંદનિકાનું પ્રિય માનવને ઉદ્દેશીને લખાયેલું ખૂબ મજાનું પુસ્તક ચોક્કસ વાંચ્યું છે. ખૂબ ગમ્યું છે. એ વાંચતી વખતે મારાથી ઇશ્વર સાથે મૈત્રીભાવ નહીં પણ આદરભાવ અનુભવાયો છે. ઉપરાંત આદરણીય કુંદનિકાબહેનનું પરમ સમીપે તો અનેક વાર વાંચ્યું છે , અનુભવ્યું છે, માણ્યું છે. ભીતરમાં સંગ્રહાયેલા એ બંને પુસ્તકની છાયા વત્તે ઓછે અંશે અહીં કયારેક અનુભવાય તો આશ્વર્ય નહીં થાય. એ બંને પુસ્તક અને એમના સર્જકની દિલથી રૂણી છું.
આ લખતી વખતે તો કોઇ જ મિત્રો, સ્વજનો, મનમાં પ્રવેશ્યા નહોતા. ફકત અને ફકત પરમ તત્વ સાથે જ અનુસંધાન રહ્યું છે.
હું એટલે નીલમ હરીશ દોશી..
જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…
” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…
વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, અભિયાન, મુંબઇ સમાચાર, અહા ઝિન્દગી, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી,જલારામ દીપ, છાલક વગરેમાં પ્રકાશિત થતી રહે છે.
ગુજરાતી બ્લોગ : પરમ સમીપે – https://paramujas.wordpress.com
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com

જે પત્રો લખતા લખતા લેખિકા પોતે ભીતરના અજવાસની દિશામાં એ કહે છે એમ એકાદ ડગલું આગળ વધ્યાં હશે, જે ઉજાસની એકાદ લકીર, એકાદું કિરણ એમની ભીતર પ્રવેશ્યું હશે એ પત્રો વાંચીને વાચક પણ ઈશ્વરની નજીક સર્યાનો ભાવ જરૂર અનુવશે.
LikeLike