નિરંજન મહેતા

વહાલી સુલુ,

આપણે રૂબરૂમાં જે વિષય પર ચર્ચા કરી હતી ત્યારબાદ લાગ્યું કે તારા મનમાં બંધાયેલી ગ્રંથિઓને કારણે તને મારી વાત યોગ્ય નથી લાગી. કદાચ તે વિષે વિચાર કરવાની પણ તારી ઈચ્છા ન હોય તે પણ શક્ય છે એટલે આજે આ પત્ર દ્વારા મારા વિચારો સ્પષ્ટ કરૂ છું, સ્વસ્થ મને તે પર તું વિચાર કરશે જ તેની મને ખાત્રી છે.

ચિ. સ્વાતિનો ઉછેર આપણે સારી રીતે કર્યો છે અને તે માટે મારા કરતાં તે તેનો વધુ ખ્યાલ રાખ્યો હતો તે મારી જાણ બહાર નથી. સંતાનને સારા સંસ્કારો અને સારૂં ભણતર આપવું જે આપણી ફરજ હતી તે આપણે અને ખાસ કરીને તે સારી રીતે બજાવી છે તેમાં બે મત નથી. આજે જે રીતે સ્વાતિ સમજદાર ગણાય છે તે આપણા અહોભાગ્ય.

હવે મૂળ મુદ્દા પર આવું. સ્વાતિએ કપિલ સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા જે માટે તારી નામરજી હતી. તે ન કેવળ મારી આગળ પણ સ્વાતિ આગળ પણ તારી આ નારાજગી વ્યક્ત કરી હતી. પણ પોતાના ભવિષ્યનો વિચાર કરતા સ્વાતિને પોતાનું પગલું યોગ્ય લાગ્યું અને જ્યારે તારો સાથ ન મળ્યો ત્યારે સિવિલ લગ્ન કરી લીધા અને પોતાનો અલગ ઘરસંસાર માંડ્યો. આં પણ તને પસંદ ન હતું.

કપિલ આપણી નાતનો નથી અને આપણી નાતમાં છોકરાઓની ખોટ પણ નથી. વળી કપિલની આર્થિક સ્થિતિ પણ સામન્ય છે એટલે સ્વાતિને ગૃહસ્થીમાં તકલીફ રહેવાની આવા વિચારો તે તારા મનમાં ધરબી રાખ્યા છે જેને કારણે ન તો તે આજ સુધી સ્વાતિને તેના નવા અવતારમાં અપનાવી છે ન તો તેની સાથે બોલવાનો સંબંધ પણ રાખ્યો છે.

ડિયર, આજે એકવીસમી સદી ચાલે છે. એટલે લોકોના માનસમાં ઘણા ફેરફાર થયા છે, તેમાંય ખાસ કરીને મુંબઈ જેવા અદ્યતન શહેરમાં વસતા લોકોની વાત જ ન્યારી છે. તારા જેવી ગ્રેજ્યુએટ મહિલાના વિચારો તો આગળ વધવા માટેના હોય. તેવી મહિલા જરૂર લાગે ત્યાં બાંધછોડ કરવા તૈયાર જ હોય. તેમ છતાં લાગે છે કે તારા સ્વાતિ પ્રત્યેના વિચારો અને વલણમાં કોઈ ફેરબદલાવ જણાતો નથી એટલે વાતચીત દ્વારા તેનો હલ ન દેખાતા આ પત્ર દ્વારા તારા વિચારોમાં કોઈ ફરક થાય તેમ માની લખું છું.

તું તો જાણે છે કે કપિલ ભણેલો-ગણેલો છે. તેના માતાપિતા પણ ગ્રેજ્યુએટ હોઈ તેમણે કપિલને એન્જીનિઅર બનાવવા સાથે સાથે સારા સંસ્કાર પણ આપ્યા છે. આ બધું તારી જાણ બહાર નથી તેની મને ખાત્રી છે. પણ તે છતાં તું હજી તારા વલણમાં મક્કમ ઊભી છે.

તને કદાચ કપિલની આર્થિક સ્થિતિની માહિતી ન પણ હોય એટલે તેની પણ જાણ કરી દઉં. આજકાલ સારી કંપનીમાં નોકરી મેળવવી કેટલી મુશ્કેલ હોય છે તે તને કહેવાની જરૂર છે? તેમ છતાં પોતાની લાયકાત ઉપર તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારા હોદ્દા પર સ્થિત છે. શું આ તેની લાયકાત પુરવાર કરવા માટે બસ નથી?  અરે, આ જ લાયકાતને કારણે તે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને મારા હિસાબે તો નજીકના ભવિષ્યા તે ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચી જશે. હું તો ત્યાં સુધી માનું છું કે આજે જ્યારે નવોદિતોને તેમનાં સામર્થ્યને વિકસાવવા તક મળે છે તો કપિલ પોતાનો ખુદનો કારોબાર ચાલુ કરે તો તેની નવાઈ નહીં લાગે.

આટલું બધું હું કપિલ વિષે ક્યાંથી જાણું જ્યારે તે મને સ્વાતિ સાથે સંબંધ ન રાખવા કહ્યું હતું? પણ મને મારી દીકરીની ચિંતા ન હોય? તેથી હું મારી રીતે તપાસ કરતો હતો ત્યારે મને જાણ થઇ કે મારા કોલેજકાળનો એક મિત્ર કપિલની જ કંપનીમાં કામ કરે છે. મને તેની મૈત્રી કામ આવી અને મને જોઈતી માહિતી મળતી રહી. તેની કાબેલિયત જોઇને તેણે જ મને કહ્યું હતું કે કપિલનું ભવિષ્ય ન કેવળ તે કંપનીમાં પણ અન્ય ક્ષેત્રમાં પણ ઉજ્જવળ છે.

આજસુધી આ બાબતમાં મેં કેમ તને અંધારામાં રાખી એમ કદાચ તારા મનમાં પ્રશ્ન ઉઠે. પણ જે રીતે તારી ગ્રંથિઓએ તારા વિચારોને સ્થગિત કરી દીધા હોય ત્યારે તને કપિલ વિષે કોઈ વાત કરવાનો અર્થ ખરો? હતું કે જે દિવસે તું તેના તરફનો તારો અણગમો દૂર કરશે ત્યારે આ બધું જણાવીશ પણ તેવો કોઈ મોકો જ ન મળ્યો.

સ્વાતિને તેના સાસરે જે માનપાન મળે છે કદાચ તેની તને જાણ નહીં જ હોય. કારણ તે જાણવાનો તે પ્રયત્ન જ નથી કર્યો. અહી પણ તારી સ્વાતિ માટેની માનસિક સંકુચિતતા આડે આવતી હશે એમ માનું છું. જ્યારે આપણે ધારીએ તેમ ન થાય ત્યારે આપણને તેનો સંતાપ થાય જ પણ એક સમજદાર વ્યક્તિ તરીકે તેનું નિરાકરણ કરીને માર્ગ કાઢીએ તો તે આપણને માનસિક પરિતાપમાંથી ઉગારી શકે છે. એક મા તરીકે મોટું મન રાખી શકાય તેવી અપેક્ષા તારી દીકરી રાખે તેમાં કોઈ નવાઈ છે? તારે પણ તારી સંકુચિતતાના કોશેટામાંથી બહાર આવી પરિસ્થિતિને સંભાળી લેવી જોઈએ તે હવે નથી લાગતું? મારા હિસાબે તો આટલા સમય બાદ તારૂં મન કુણું પડવું જોઈએ. પણ તું તારા વિચારોને હજી પણ પ્રગટ કરતી નથી પણ મને ખાત્રી છે કે તારા મનમાં તો એક મા તરીકે સ્વાતિ માટેના વિચારો જરૂર આવતા હશે. જો તેમ હોય તો હવે તે પ્રગટ કરીશ?

યાદ છે જ્યારે સ્વાતિએ પોતાના મનની વાત આપણને કરી અને કપિલ સાથે લગ્ન કરવાની મંજૂરી માંગી ત્યારે ભલે તે ઘસીને ના પાડી હતી પણ તને ખાત્રી હતી કે તે તેનું ધાર્યું કર્યા વગર નહીં રહે કારણ તેનામાં પણ તારા જેવી ખુદ્દારી છે. ભલે તે તેની સાથે તે વખતે તારા સંબંધ તોડી નાખ્યા હતાં પણ સ્વાતિએ જ મને કહ્યું હતું કે મારે તારી ઉપર આ સંબંધ સાંધવા કોઈ દબાણ ન કરવું, કારણ તે જાણતી હતી કે સમય સમયનું કામ કરશે અને એક દિવસ તું તેને ફરી અપનાવી લેશે.

દરેક દીકરી ભલે સાસરે સુખી જણાતી હોય તો પણ એવી કેટલીક વાતો હોય છે જે એક દીકરી મા આગળ જ ખુલ્લા મને કરી શકે છે. આજ સુધી તારા વર્તનને કારણે તે આ બાબતથી વંચિત છે તેની તને સમજ હશે જ. જો તે પોતાની વ્યથામાં તેની માને ભાગીદાર ન કરી શકે તો બીજું કોણ છે જેની આગળ તે વ્યક્ત કરે? મારી આગળ તો નહીં જ તે તું પણ સમજી શકે છે.

આટલું જાણ્યા બાદ પણ હજી તારી માનસિક તૈયારી ન હોય તો હવે પછીની વાત જાણી મને ખાતરી છે કે તું ગઈ ગુજરી ભૂલી જશે. મારા અન્ય સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે તું નાની બનવાની છે. આવે સમયે જો મા દીકરીની પડખે ન હોય તો દીકરીની માનસિક સ્થિતિ કેવી થઇ જશે તે તું સારી રીતે સમજી શકે છે. આમેય તે બાળકો તને પ્રિય છે તો આવનાર વ્યાજને તું કેમ અળગું રાખી શકીશ?

એક વાત યાદ કરાવું? હમણાં થોડા સમય પહેલા તારા ભાઈને ત્યાં પણ આવી જ સમસ્યા ઉત્પન્ન થઇ હતી. તેમની દીકરી સંગીતાના સંદર્ભમાં. ભાઈ તો તૈયાર હતાં જ પણ તારા ભાભીએ સમય પારખી તેના નિર્ણયને દિલથી આવકાર્યો હતો ને? આ પછી મને લાગ્યું કે હવે તારૂં મન પણ થોડું નરમ પડ્યું હશે માની રૂબરૂમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારી માન્યતા ખોટી નીવડી. હવે કોઈ ચર્ચાનો અવકાશ નથી એટલે આ પત્ર દ્વારા બધું જણાવ્યું છે. વિગતો વાંચીને શાંતિથી વિચાર કરજે. ભલે અત્યારે તું તારી સ્વાતિ પ્રત્યેની લાગણીને બહાર લાવી નથી શકતી પણ જાગ્યા ત્યારથી સવાર માની તું જ જો પહેલ કરી સ્વાતિને ફોન કરશે તો ન કેવળ સ્વાતિને પણ મને પણ તેનો આનંદ થવાનો તેમાં બે મત નથી. હા, હજી કપિલને મળવા માટે તું કદાચ અચકાય તે પણ સમજાય એવું છે. ભલે, તેને માટે થોડો સમય રાહ જોઈશું પણ અંતે તેને પણ તું માફ કરીને મળશે એમ હું માનું છું.

તો હવે નવી દિશામાં ડગ માંડજે, સ્વાતિને ફોન કરીને.

તારો જીવનસંગી


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com