ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ફિલ્મનો નાયક નકારાત્મક ભૂમિકા કરે એ પ્રમાણ જૂજ હતું. એવું સાવ નહોતું એમ નહીં. એ સમયે મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શીત ‘અમર’માં દિલીપકુમારે કંઈક એ પ્રકારની કહી શકાય એવી ભૂમિકા ભજવેલી. અલબત્ત, એ સાવેસાવ નકારાત્મક એટલે કે ખલનાયક પ્રકારની નહોતી. ૧૯૫૪માં રજૂઆત પામેલી ‘મહેબૂબ પ્રોડક્શન્સ’ની અમર એટલે ગીતકાર શકીલ બદાયૂંની અને સંગીતકાર નૌશાદનાં ગીતોની રસલ્હાણ. મહેબૂબ ખાને ‘અમર’ અગાઉ ‘અંદાઝ’ અને ‘આન’માં દિલીપકુમારને દિગ્દર્શીત કર્યા હતા. આ બન્ને ફિલ્મો પણ મ્યુઝીકલ હીટ હતી.
મહેમદાવાદમાં અમારા ઘરની બિલકુલ સામે એક ડૉક્ટરનું મકાન હતું. આજે પણ એ છે. એ ડૉક્ટરને ત્યાં એ સમયે ડેક અને એમ્પ્લિફાયર સાથેનું ટેપરેકોર્ડર હતું, જેમાં તે લગભગ આખો દિવસ ગીતો વગાડતા રહેતા. અવાજ ઘણો મોટો રાખતા એટલે રસ્તે જતા સૌ કોઈને એમ અમને સૌને પણ એ સંભળાતાં. તેઓ ખાસ કરીને જૂની ફિલ્મનાં ગીતોનાં શોખીન એટલે અમુક ગીતો એમને ત્યાંથી અમારા કાને સતત પડતાં રહે. આથી ઘણાં ગીતોથી અમે એ રીતે પરિચીત થઈ ગયેલા, પણ એમાંના મોટા ભાગનાંની ફિલ્મનું નામ ખબર નહીં.

એ પછીના અરસામાં અમે રેકોર્ડપ્લેયર વસાવ્યું. ધીમે ધીમે, પૈસાની જોગવાઈ હોય એ મુજબ રેકોર્ડ ખરીદતા ગયા. એ ક્રમમાં એક વાર ઉર્વીશ મુંબઈથી ‘અમર’ની એલ.પી.રેકોર્ડ લઈ આવ્યો. એ રેકોર્ડ ચડાવી અને એક પછી એક ગીત શરૂ થયાં. પ્રત્યેક ગીત અમને સુખદ આંચકો આપતું ગયું. અમારા મોંમાંથી લગભગ એકસરખા ઉદ્ગાર નીકળતા: ‘અરે! આ પણ ‘અમર’નું છે!’ કારણ એ કે એ તમામ ગીતો અમારા કાને ડૉક્ટરના ટેપરેકોર્ડર દ્વારા પડી ચૂકેલા અને અમે એનાથી ઘણા પરિચીત થઈ ગયેલા, પણ એ તમામ ગીત એક જ ફિલ્મનાં છે એ તો રેકોર્ડ પર સાંભળ્યાં ત્યારે જ ખબર પડી.
દિલીપકુમાર, મધુબાલા, નિમ્મી, જયંત જેવા મુખ્ય કલાકારોને ચમકાવતી ‘અમર’નાં કુલ દસ ગીતો હતાં. નવાઈ લાગે એવી વાત એ છે કે એક સિવાયનાં તમામ ગીતો નાયિકાના મુખે ગવાયેલાં હતાં. જે એક ગીત પુરુષસ્વરમાં હતું એ પણ પાર્શ્વગાન તરીકે.

બાકીનાં નવ ગીતો પૈકી બે ગીત આશા ભોસલે દ્વારા ગવાયાં હતાં અને સાત ગીત લતા મંગેશકર દ્વારા. આશા ભોસલે દ્વારા ગવાયેલાં બે ગીત હતાં ‘ઈક બાત કહૂં મેરે પિયા સુન લે અગર તૂ’ અને ‘રાધા કે પ્યારે કૃષ્ણકન્હાઈ’. લતા દ્વારા ગવાયેલાં ગીતોમાં ‘ઉદી ઉદી છાઈ ઘટા’, ‘ઉમંગોં કો સખી પી કી નગરિયા’, ‘તેરે સદકે બલમ ન કર કોઈ ગમ’, ‘ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે’, ‘ન શિકવા હૈ કોઈ, ન કોઈ ગિલા હૈ’, ‘જાનેવાલે સે મુલાકાત ના હોને પાઈ’ અને ‘ખામોશ હૈ ખેવનહાર મેરા’. એક સાંભળીએ ને એક ભૂલીએ એવાં ગીતો!
પુરુષગાયકના સ્વરમાં ગવાયેલું એક માત્ર ગીત એટલે ‘ઈન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ’. આ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે મૂકવામાં આવ્યું હતું, જે ફિલ્મની વાર્તાના મધ્યવર્તી વિચારને રજૂ કરે છે. ફિલ્મનો આરંભ જેમ આ ગીતથી થાય છે એમ તેનો અંત પણ આ જ ગીતથી આવે છે. મહંમદ રફીએ ગાયેલા આ ગીતમાં તેમના સ્વરની બુલંદી ગજબની નીખરી છે. એકદમ તીવ્ર સપ્તકમાં તેઓ પોતાનો સ્વર લઈ જાય છે, છતાં તેમનું માધુર્ય જળવાઈ રહે છે. ગીત ફિલ્મમાં ચાર તબક્કે આવે છે. અને ચારે વાર તેમાં વાર્તાની પરિસ્થિતિ અનુસારના શબ્દો છે. ટાઈટલ દરમિયાન એક હિસ્સો, બે ભાગ વચ્ચે અને અંત ભાગે ચોથો હિસ્સો.
આ ગીતમાં તંતુવાદ્યસમૂહ તેમજ શરણાઈનો અસરકારક ઊપયોગ છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા ઘંટના રણકાર જુદી જ અસર ઊભી કરે છે.
અહીં એ ગીત આખું મૂક્યું છે. શકીલ બદાયૂંનીએ લખેલા અને નૌશાદે સ્વરબદ્ધ કરેલા આ ગીતના શબ્દો નીચે મુજબ છે:
इन्साफ का मंदिर है ये…
भगवान का घर है…
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूर
આ પંક્તિ પર ટાઈટલ્સનું સમાપન થાય છે અને ફિલ્મની કથા આરંભાય છે.
ફિલ્મની વચ્ચેના ભાગમાં ફરી એક વાર મુખડું વાગે છે અને ગીતની ધૂન પણ.
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूर
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…
दुःख दे के जो दुखिया से ना इन्साफ करेगा
भगवान भी उसको ना कभी माफ़ करेगा
ये सोच ले…
ये सोच ले…
ये सोच ले हर बात की दाता को खबर है
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…
આ ચોથો હિસ્સો ફિલ્મના અંત ભાગે છે.
है पास तेरे जिसकी अमानत उसे दे दे
निर्धन भी है इंसान, मोहब्बत उसे दे दे
जिस दर पे सभी एक हैं बन्दे, ये वो दर है
इन्साफ का मंदिर है…
मायूस ना हो, हार के तक़दीर की बाज़ी
प्यारा है वो गम, जिसमें हो भगवान भी राज़ी
दुःख दर्द मिले जिसमें, वही प्यार अमर है
ये सोच ले हर बात की दाता को खबर है
इन्साफ का मंदिर है…
ફિલ્મમાં ટુકડેટુકડે આવતા આ ગીતના તમામ હિસ્સા આ ક્લીપમાં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Wonderful video. Thank you for presenting.
LikeLike