કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

કોઇ સગા-સંબંધી કે સ્નેહી-સ્વજનના કુટુંબમાં મૃત્યુનો પ્રસંગ આવી પડ્યો હોય, ત્યારે આપણે ખરખરે [ખોંખારે] જતાં હોઇએ છીએ. એવું જ કોઇ ઓળખીતા પાળખીતા કે સ્નેહી સંબંધીમાં આવી પડેલ બીમારી કે અકસ્માતનો ભોગ બની પથારી સેવતા જણની ખબર પૂછવા પણ જતા હોઇએ છીએ. તમે યાદ કરજો ! ક્યારેક તેમના ઘરમાં નાની મોટી ચોરી થવા પામી હોય કે પછી અવળા સંજોગોનો ભોગ બની ધંધામાં લાંબી-ટૂંકી નુકશાની થવા પામી હોય, ત્યારેયે આપણે સમય કાઢીને ખાસ હુંફ-હોંકારો કે શક્ય તેટલો આર્થિક ટેકો પહોંચાડવાની ફરજ સમજતા હોઇએ છીએ. અરે ! આતો બહુરંગી જીંદગી છે ભાઇ ! કઠણાઇ માથા મારતી હોય, તો કોઇ શખ્સ-ઇસમ સાથે નજીવી બાબતમાં જીભાજોડી અને વાતવાતમાં વાત વધી જતાં કજિયો-કંકાસના ભોગ બની જવાયું હોય, ત્યારે એ કુટુંબને દિલાસો દેવાનું આપણે ચૂકતા નથી એવું બને છે ને ? ઊંડો વિચાર કરીએ તો સમજાયા વિના નહીં રહે કે મૃત્યુ પ્રસંગનો ખોંખારો, બીમારીમાં ખબર પૂછવી, ચોરી કે ધંધા-ફટકામાં આર્થિક ટેકો અને ઝઘડા-ટંટામાં અપાતો દિલાસો – આ બધાંમા પ્રસંગોપાત બોલાતા વેણ-વાક્યો ભલે અલગ અલગ વપરાયા હોય- ભાવાર્થ બધાનો એક જ છે કે “ સામાના દુ:ખમાં ભાગ પડાવવો.” અને એનું પરિણામ મળે છે હો મિત્રો ! આપણા તરફથી સાચા હદયથી એ પ્રસંગની પતાવટ માટે જરૂરી માર્ગદર્શન-ટેકો-સોઇ-હુંફ-મદદ જ્યારે મળે છે, ત્યારે  તે કુટુંબનું દુ:ખ જરૂર હળવું પડે છે.

એવું જ સુખની વહેંચણીનું =

જીંદગીમાં સુખના પ્રસંગો જ્યારે આવે – જેમ કે ઘેર દીકરી-દીકરાનો જન્મ થાય, તેની વર્ષગાંઠ ઉજવાતી હોય, યુવાન દીકરી-દીકરાનાં લગ્ન લેવાણાં હોય, નવા મકાનના વાસ્તુનો પ્રસંગ હોય, કે ક્યારેક યાત્રા-પ્રવાસ કે પરદેશગમનની વધાઇનો પ્રસંગ ભલેને હોય ! આવા બધા હરખના પ્રસંગે કુટુંબના બે-ત્રણ કે પાંચ-સાત સભ્યો જે હોય, માત્ર એના એ જ એ પ્રસંગની હોંશ માણી પ્રસંગને પૂરો નથી કરી દેતા ! પણ જેવી જેની પહોંચ અને મિત્રવર્તૂળ,સગા-સંબંધી, ઓળખિતા સમાજમાં જેવા જેના સંબંધો-બધાને ફોન, પત્ર,આમંત્રણ કે રુબરૂ તેડાં મોકલી,સૂર-સંગીત-જમણવાર અને પહેરામણી સાથેના પ્રસંગની ઉજવણીમાં સૌને ભાગીદાર બનાવીએ જ છીએને ! આ બધું શું છે કહો ! સુખની વહેંચણી કરી, સુખને વધુ મોટું કરવાના જ પ્રયત્નો થયા ગણાયને ?

પણ આ તો થઇ માત્ર સામાજિક વ્યવહારો અને સંબંધો જીવતા રાખવાના પ્રયત્નોની વાત. પણ આપણે તો કરવી છે તે ઉપરાંતની 65-67 ટકા લોકો જેનાપર નિર્ભર છે,તેવા ખેતીવ્યવસાયમાં પડેલાઓમાં પણ આવું કંઇ થઇ શકે કે નહીં એની વાત 1

જવાબ છે હા ! =

જરૂર થઇ શકે. બીજા ધંધાઓમાં થોડી મોનોપોલી ભળાઇ રહી છે તે વાત સાચી, પણ ખેતીનો ધંધો એટલો વિશાળ અને સર્વત્ર વિસ્તરેલો છે, કે એમાં ‘મોનોપોલી’ જેવું કંઇ હોતું નથી. વળી આખો વ્યવસાય કુદરતી પરિબળો ને હોય છે પૂરેપૂરો આધિન ! એટલે બધી બાબતોમાં ખેડુતનું જ ધાર્યું થઇ રહે એવુંએ ખેતીમાં બનતું નથી. ખેતી એતો ખુલ્લો, બાપેય કરે અને બેટોયે કરે–એવો જાહેર ધંધો હોઇ, એકબીજાથી છૂપાવવાપણું કે ખાનગી રાખવાનું કોઇ કારણ પણ નથી.

ઉલટાનું કોઇ નવા સફળ બીજ, કોઇ નવી પધ્ધતિ કે નવો પ્રોજેક્ટ દાખલ કરવાનું મન થાય, ત્યારે એકલા એકલા એનો અમલ કરવાને બદલે બે-ત્રણ કે પાંચ જણને એની જાણ કરી, એને પણ સાથે જોડ્યા હોય તો-વાડી એમની, મહેનત એમની, ખર્ચ પણ એમણે કરવાનો અને લાભ થાય તો ‘જશ’ આપણને આપે ! એટલે અન્યને લાભ અપાવવામાં નિમિત્ત આપણે બન્યા ! “ न हिंग लगे न फिटकरी, और रंग गाढा आये !” માત્ર આંગળી ચિંધ્યાનું જ પૂણ્ય ! કહો, આવો પ્રયત્ન શુંકામ ન કરવો ? હા, પણ આ તો જ શક્ય બને, જો  આપણા મનમાં બીજાને લાભ થઇ જાય, તે બાબતની ઇર્ષા ન હોય તો ! બીજાને કેમ વધુમાં વધુ ઉપયોગી થવાય, તેવી ભાવના હોય તો જોડાઇ રહેવાનાં પરિણામ તો સારાં જ મળતાં હોય છે મિત્રો !

છેલ્લા ૪૭ વરસથી આદરેલા ખેતીના વ્યવસાયમાં જ્યાં કયાંયથી નવી વાત, નવી પધ્ધતિ, બિયારણ કે નાનો એવો નુસ્ખો પણ હાથ લાગ્યો છે, ત્યારે પોતાની વાડીમાં, જાત દેખરેખ નીચે તેની ચકાસણી કરીને પરિણામો લીધા છે. જે જે લાભદાયી જણાયાં, તેને કાયમી આવકાર્યાં છે અને એને એકલાને એકલા ઉપયોગમાં લેવાને બદલે જેટલા વધુ ખેડુતો એને અપનાવે તેટલાને એમાં શામેલ કરવાના પ્રયત્નો કર્યા છે. કારણ કે “સુખ વહેંચવાથી વધે છે” એ સંસ્કાર વાત્સલ્યધામ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠાના શિક્ષણે બાળપણથી જ દ્રઢ કર્યા છે.

એની થોડીક વાત કરું, તો સફળ પ્રયોગ જ્યારે વાડીપર પૂરબહારમાં હોય ત્યારે અસંખ્ય વાર નાનાં-મોટાં મિલનો ગોઠવી, બહોળી સંખ્યામાં ખેડુતોને સ્થળ પર બોલાવી, બપોરના રોટલા ખવરાવી, નિદર્શનો અને ઉત્પાદનો બધું નજરોનજર દેખાડી, સફળ વાત કેમ જાજા ખેડુતો અપનાવતા થાય તેવી મહેનત લીધી છે. જરૂર પડ્યે તેમની વાડીઓમાં જઇ, સલાહ-સૂચનો કે માર્ગદર્શન દીધાં છે, ખેડુતોની મિટીંગો કે સભા-સંમેલનોમાં મોકો મળ્યેથી એ વાત બહોળા ખેડુતવર્ગને કાને નાખવાની ચીવટ લીધી છે. તક મળતાં રાજકોટ રેડિયો પર “ગામનો ચોરો” વિભાગમાં અને ટી.વી.ના માધ્યમથી ઇટીવી ના “અન્નદાતા” અને દૂરદર્શનના “કૃષિદર્શન” કાર્યક્રમમાં સફળ વાતોના સંદેશા ફરી ફરીને ઘુંટાવ્યા છે. ઘણાં છાપાં-સામયિકોએ મારી ખેતીના અનુભવોની વાત ખેડુતજગત માટે ઉપયોગી માનીને છાપ્યા કરી છે. ઉપરાંત બત્રીસેક પુસ્તકો ખેતીકાર્યમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની ઇચ્છા ધરાવતા ખેડુતવર્ગ માટે પ્રેરક બન્યા છે. મારી આવી જાણકારીની વહેંચણી, ટેકનીકની વહેંચણી- સંતોષની વહેંચણી બની છે. આનંદની વહેંચણી બની છે.

સારા કામને કંઇ સીમા થોડી હોય ? =

મન તો ઘોડા ઘડ્યા જ કરતું હતું કે આવી સફળ વાતો બહોળા ખેડુત સમાજમાં હજુ સારી રીતે વિસ્તારવાનો કોઇ ઉપાય ખરો ? શોધ ચાલુ જ હતી. એમાં એક પ્રસંગ ઊભો થયો- દોડવું હોય એને ઢાળ મળી જાય એવો ! માધુભાઇ નાંદરિયાની ભાગીરથી વિદ્યાલય-ટાટમમાં આસપાસના ૪૦ – ૫૦ ખેડુતોની એક મીટીંગ બોલાવાઇ હતી. ડૉ. બેનરજી બી.ટી. કપાસની ટેક્નોલોજી સમજાવવા મહેમાન બની આવેલા.મીટીંગ પૂરી થયે જમી-પરવારી, હું, માધુભાઇ નાંદરિયા, કાંતિભાઇ પડસાળા, ઠાકરશીભાઇ બોરડા, ઠાકરશીભાઇ ધનાણી, પોપટભાઇ વાઘાણી, મહેંદ્રભાઇ ગોટી, વલ્લભભાઇ પાંચાણી, રાજનભાઇ સરવૈયા વગેરે બેઠા બેઠા વાતો કરતા હતા કે “ મીટીંગમાં આવી મજા હો ! ક્યારેક ક્યારેક આ રીતે મળતા રહેતા હોઇએ તો નવું નવું જાણ્યા કરવાની બેટરી ચાર્જ થતી રહે ખરું ને ? ”  વિચાર બધાને ગમી ગયો. સૌએ વધાવી લીધો. પછી તો ધર્મના કામમાં ઢીલ થોડી પોસાય ? “ લખો નામ,  આપણે આટલા છીએ એટલાનાં. અને કરીએ નક્કી કે મહિનામાં એકવાર અચૂક મળવું.” પછી તો આસપાસ આંટા મારતા મિત્રોનેય બોલાવી લીધા.વાત વ્યવસ્થિત ગોઠવી.

વિચાર બન્યો વ્યવહાર =

મંડળનું નામ રાખવું-“કૃષિ વિકાસ મંડળ ગઢડા.” પણ તેનું કોઇ રજીસ્ટ્રેશન નહીં. કોઇ મૂડી ભેગી કરવાની નહીં.સભ્ય ફી પણ નહીં. માનો કે પ્રસંગોપાત કોઇ ખર્ચ કરવાનું અનિવાર્ય બન્યું, તો સ્થળ પર જ ૧૦૦ – ૨૦૦ – ૫૦૦ યથાશક્તિ સૌ આપી હિસાબ પૂરો કરી દેવાનો. મિલનમાં બપોરના રોટલા ખવરાવે, જે આમંત્રણ આપી મીટીંગના યજમાન બને તે. મંડળનું કોઇ પ્રમૂખ નહીં, કોઇ ખજાનચી નહીં. સૌનો દરજ્જો  એક સમાન !

આમાં રાજકારણ કે ધર્મકારણ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ આવે નહીં. ખેતી કરતા હોય તે ખેડુત. અને જેને આવા કાર્યક્રમો માં રસ હોય તે ભળી શકે.-આવી શકે.દર મહિનાના છેલ્લા બુધવારે [ખરખરાના કામો બંધ હોય ને ! ] અગાઉથી નક્કી થયેલ યજમાનની વાડીએ સૌએ આપમેળે ભેળા થઇ જવું. જરૂર જણાય તો એકબીજાએ ફોનથી વાતચીત કરી લેવી. કોઇ કારણસર ક્યારેક ન અવાય તો માફ ! પણ મંડળ આપણે ઊભું કરી રહ્યા છીએ-એટલે શક્ય તેટલાં બીજા રોકાણો રદ કરી અહીં પહોંચવાની ગણતરી રાખવી. “બોલો બરાબર ને ?” –“ હા, બરાબર !” ફાઉંડેશન બરાબરનું ધરબાઇ ગયું..

અને થઇ શરૂઆત=

અમલીકરણ શરૂ થયાને આ જ ૨૦૨૪માં અઢાર વરસ પુરાં થઈને ઓગણીસમું  શરૂ થયું. દર મહિને, છેલ્લા બુધવારે અગાઉથી જાહેરાત થયા મુજબ યજમાન ખેડુતની વાડીએ નવ-સાડાનવ વાગતાં સૌ ભેળા થઇ જાય છે.ગઢડા,શિહોર  ઉમરાળા અને બોટાદ ચાર તાલુકાના પચાસેક જણા તો કાયમી છે.અને એમની સાથે ટવર્યા ટવર્યા નવા ચહેરા ભળતા રહી દર મિટીંગે ૮૦ – ૯૦ – ૧૦૦ જેવી સંખ્યા થઇ જાય છે.

યજમાનની વાડીની મુલાકાત અને વિતેલા માસની વાત=

સૌ પ્રથમ બધા આવતા જાય, તેમ તેમ યજમાનની વાડીમાં ઊભેલ મોલાત,પાકની તંદુરસ્તી, પિયતની સોઇ, પધ્ધતિ, પશુઓની સ્થિતિ, વૃક્ષોનો વસવાટ વગેરે બધી બાબતોનું નિરીક્ષણ કરે.પછીના અર્ધોએક કલાકમાં વિતેલા માસ દરમ્યાન કોઇને કોઇ નવી વાત મળી હોય, નવી પધ્ધતિ નજરે ચડી હોય, કોઇ સારું બિયારણ સાંપડ્યું હોય કે કોઇ રોગ-જીવાત કે રોઝડા-ભુંદડાંની મુશ્કેલી ઊભી થઇ હોય તેની વાત કરે. મુંઝવણના ઉપાય અંદરો અંદરની ચર્ચામાંથી મળી રહેતો ભલે, નહીં તો કોઇ જાણકારને મળી નિવેડો લાવવાની નોંધ થાય.કોઇ નવો કાર્યક્રમ કરવાનું સુજ્યું હોય તો દરખાસ્ત થાય, તેનાપર ચર્ચા થાય. અમલવારીનો નિર્ણય લેવાય.   

તજજ્ઞતા બને મહેમાન =

દર વખતે કોઇ એક અગર બે એવી વ્યક્તિઓને મહેમાન તરીકે બોલાવાય, કે જે ખેતીના વિવિધ પાસાંઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સમસ્યાઓ વિષે ઉંડા અભ્યાસી,જ્ઞાની હોય.તે વ્યક્તિ પછી કૃષિ યુની.ના વિજ્ઞાનિકો હોય, કે સામાજિક સંસ્થાઓના સંચાલકો હોય, ડૉક્ટરી વિદ્યાના જાણકાર હોય કે હોય પછી-પોલીસ,રેવન્યુ,વીજળી બોર્ડ, પાસપોર્ટ, આરટીઓ વગેરે કચેરીઓના હોય અધિકારી. તેમની પાસેથી જાણવા જેવી, ઉપયોગી વાતો એક-દોઢ કલાક સાંભળ્યા પછી પ્રશ્નોતરી થાય. છેલ્લે મહેમાનોનું આભારદર્શન અને આવતી મીટીંગ કોની વાડીએ-કોણ યજમાન છે, તેની જાહેરાત થાય. સૌ બપોરા કરવા ઊભા થાય.

બપોરા =

બપોરા બાબતે તો એવું નક્કી થયેલું કે યજમાન રોટલા બાબતે સાદું ભોજન-રોટલા,શાક,અથાણું અને છાશ-બસ પૂરતું. અને કપાણ્ય હોય તો ખાલી નાસ્તાથી પણ ચલાવાય. અરે ! સાથે ટીફીન લઇને આવવું પડે તોય ભલે ! કે સવારના બદલે બપોર પછી મિલનનો સમય રાખી, માત્ર ચા-પાણીથી રોડવવાનું ગોઠવીએ. પણ આતો પ્રદેશ છે કાઠિયાવાડનો ! અને મિલન હોય છે ખેડુતોનું. અને એય પાછું ખેડુતને ત્યાં જ ! એમાં રોટલા બાબતે સંકુંચન થોડું હોય ? “જેનાં અન્ન ભેળાં એનાં મન ભેળાં” અને અતિથિને રોટલો ખવરાવ્યા જેવું બીજું મોટું પૂણ્ય ક્યું ? ”કોઇ યજમાન વિના મિષ્ટાને બપોરા કરાવતા નથી

મુંઝવણો =

માત્ર છોડવા, ઝાડવા કે પશુ માંદા પડે, એની શું સેવા-ચાકરી કરવી એવા જ પ્રશ્નો આવે એવું કાયમ બનતું નથી. ક્યારેક એકબીજા વચ્ચેના શેઢાની તકરાર, વીજળીબોર્ડ સાથે લાઇટ કનેક્શનોને લગતા સવાલ, રેવન્યુ અને પોલીસને લગતી મુંઝવણો પણ સભ્યો તરફથી રજૂ થતી હોય છે. આવા ટાણે સભ્યોમાંથી જેની જે તે વિષયની વિશેષ જાણકારી હોય તેને તે પ્રશ્ન સોંપાય છે, અને પતાવટના પ્રયત્નો લેવાય છે.

નવા પ્રયાણ = મૂળ ગણતરી સજીવખેતી બાજુ વળવાની છે. પણ તે શક્ય ના બને ત્યાં સુધી વચલા માર્ગ તરીકે-ખેતીમાં બિયારણ અને પાકસંરક્ષણ બાબતે જે માપથી વધુ ભાવો દઇ શોષાવું પડે છે, તેના છૂટકારા માટે સભ્યોએ હજાર હજાર રૂપિયા કાઢી એક “ अपना किसान मोल ” દુકાન શરૂ કરી છે. નહીંનફો-નહીં નુકશાનના ધોરણે ચીજ વસ્તુ મેળવી, પોતાને પડતો આર્થિક ઘસારો ઘટાડ્યો છે.

ખેતી તો મુખ્ય વ્યવસાય છે ભાઇ ! એમાં મંડળમાં જોડાયા પછી ચાઇના પધ્ધતિથી મગફળીની ખેતી, કપાસ,તરબૂચ અને પપૈયામાં મલ્ચીંગ, જમીન-પાણીના નમૂનાની તપાસ, કપાસ સાથે સોયાબીન,તૂવેર અને દિવેલાનું મિશ્રપાકી વાવેતર, પશુપાલનમાં વિશેષ લેવી જોઇતી કાળજી, રોઝડા-ભુંદડાંના ત્રાસમાં થોડીકેય રાહત, ટપક પધ્ધતિનો અમલ,હરતા ફરતાગોબર ગેસપ્લાંટ વગેરે જેવા ઘણા પ્રયોગો અને સુધારા તથા સાંપ્રત પ્રવાહો સાથે ખેતીમાં કેમ ટકી રહેવાય તેવા પ્રયત્નો-એટલેકે પાયામાં ભલે ખેતી,ગોપાલન,બાગાયત,પર્યાવરણ જેવા વિષયો હોય, પણ સાથોસાથ સમાજમાં રહેનાર નાગરિક તરીકે શૈક્ષણિક અને સામાજિક રીતે પણ સંસ્કારિતાનું ઘડતર થાય,સ્વાસ્થ્ય સારું રખાય અને ઘસાઇને ઉજળા થવાની આદત ઊભી થાય તેવા થઇ રહેલા અમારા પ્રયત્નો શું “સુખ વહેંચણી” ના વ્યાજબી પ્રયત્નો ન ગણાય ?


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com