અવલોકન

 – સુરેશ જાની

તે દિવસે  મારા દીકરાની સાથે ડલાસના વ્હાઈટરોક તળાવના કાંઠે આવેલા આર્બોરેટમની (વનસ્પતિ સંગ્રહાલય?) મુલાકાતે ગયો હતો. મન પ્રસન્ન થઈ ગયું. વસંતના આગમનની સાથે જ વનસ્પતિ સંપદા મહોરી ઊઠી હતી. એક જ મહિના પહેલાં જે વૃક્ષો સાવ બોડાં અને શુષ્ક હતાં, તે નવપલ્લવિત બની ગયાં હતાં. સર્વત્ર લીલોતરીનું સુભગ અને મનને શાતા આપતું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. વાતાવરણમાં ન તો શિયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડી હતી કે, ન તો પસીને રેબ ઝેબ કરી દે તેવી ગરમી.

આ ખુશનુમા વાતાવરણમાં જાતજાતના અને ભાતભાતનાં ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં રંગોની સૃષ્ટિ ખડી થઈ ગઈ હતી. ભમરા ગુંજન કરતા ફુલોનો મિષ્ટ રસ પીવા ઊડી રહ્યા હતા. લીલા છમ્મ ઘાસની વચ્ચે ક્યાંક ક્યાંક દાણાદાર માટીના નાનકડા ઢગલા રતુમડી, કીડીઓની સેના ફરીથી કામગરી બની ગયાની સાક્ષી પૂરતા હતા.

આવા મધુર માહોલમાં રોમન બગીચાના એક બાંકડા પર પોરો ખાવા અમે બેઠા. બે હજાર વર્ષ પહેલાંની, રોમન સંસ્કૃતિની પ્રતિકૃતિ જેવો માહોલ હતો. બાજુના એક ક્યારામાં પીળાં અઝેરિયા મંદ સમીરમાં ઝૂમી રહ્યાં હતાં. એક મહિના પહેલાં તો એની ઉપર કેવળ સૂકી ડાળીઓ જ હતી. એક ભમરો ત્યાં આવી પહોંચ્યો અને ફૂલે ફૂલે ફરી રસ પીવા લાગ્યો. સાવ સાદા પાણીમાંથી અઝેરિયાએ એ રસ બનાવ્યો હતો. હવે ભમરો એમાંથી મધ બનાવશે. એવા જ કોઈ ભમરાએ બનાવેલું મધ હું વાપરીશ અને મુખમાં મીઠાશ વ્યાપી જશે.

અને એટલામાં જ આ શાંત માહોલમાં ખલેલ પાડતી, કોલાહલ કરતી, શાળાના બાળકોની એક વાનરસેના ત્યાં આવી પહોંચી. શોરબકોર મચી ગયો. શિક્ષિકાએ બાળકોને રોમ, રોમન સંસ્કૃતિ અને રોમન બગીચા વિશે જ્ઞાન આપતું નાનકડું પ્રવચન કર્યું; ફોટા પડ્યા અને એ લશ્કર વિદાય થઈ ગયું. ફરી પાછી શાંતિ સ્થપાઈ ગઈ.

અને મન વિચારે ચઢી ગયું.

એ રોમન સંસ્કૃતિ પણ ન રહી. આ આર્બોરેટમ પણ નહીં રહે. આ વસંત પણ નહીં રહે.  એ ભમરો પણ વિદાય થઈ જશે. એ અઝેરિયા પણ એક બે દિવસમાં કરમાઈને ધૂળ ભેગાં થઈ જશે. એ વાનરસેના બીજી કોઈ મસ્તીમાં પ્રવૃત્ત થશે. અમે પણ પાંચ મિનિટમાં ઊઠીને બાજુમાં આવેલા એક બીજા બગીચા તરફ પ્રયાણ કરીશું. બાંકડો ફરી સૂનો પડી જશે. સાંજ પડશે અને આ બધો નજારો રાતની કાળી ચાદર ઓઢીને પોઢી જશે. અમે પણ અમારા થાનકે પાછા પહોંચી જઈશું.

સતત પરિવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..

અને  ટેનીસનની મને બહુ ગમતી કવિતા ઊભરી આવી –

There rolls the deep, where grew the tree
O! earth what changes hast thou seen?
There where the long street rolls hath been
The Stillness of the central sea.

– Tennyson


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.