સંવાદિતા
બહુ ઓછા લોકો જાય એ કેડી મેં પસંદ કરી. આ બધો ફરક એના કારણે છે
– રોબર્ટ ફ્રોસ્ટ
ભગવાન થાવરાણી
બલવંત સિંહ આમ તો ઉર્દૂના લેખક પણ પછીથી એમણે હિંદીમાં લખવાનું પણ શરૂ કરેલું. જન્મ ૧૯૨૧માં હાલના પાકિસ્તાની પંજાબના ગુજરાંવાલામાં અને દેહાંત અહીંના અલ્લાહાબાદમાં ૧૯૮૬માં. નવલકથા અને વાર્તા સાહિત્યમાં એમનો દરજ્જો તો ઉર્દૂના દિગ્ગજો કૃષ્ણ ચંદર, મંટો, રાજીંદરસિંગ બેદી અને ઈસ્મત ચુગતાઈ સમકક્ષ ગણાય પણ એમના અંતર્મુખી અને અતડા સ્વભાવના કારણે બાવીસ નવલકથાઓ અને બસો જેટલી વાર્તાઓ લખવા છતાં આજીવન અપેક્ષાકૃત ગુમનામીમાં રહ્યા. એક વિવેચકે લખ્યા પ્રમાણે ‘ એ પોતાની ચામડીની ભીતર જ રહેવાનું પસંદ કરતા ‘ ! ‘ કાલે કોસ ‘ અને ‘ રાવી પાર ‘ એમની સૌથી ચર્ચિત નવલકથાઓ.

એમની એક વાર્તા ‘ ગુમરાહ ‘ ની વાત કરીએ. વાર્તા મૂળ ઉર્દૂમાં લખાયેલી. ગુમરાહ એટલે રસ્તો ભૂલેલ વ્યક્તિ.
એક પિતા ચિંતિત છે. એમના માંડ કિશોરાવસ્થામાં પ્રવેશેલ દીકરા વિષે એના માસ્તરે એકાધિક વાર ફરિયાદ કરી છે કે એ અવારનવાર સ્કૂલે આવતો નથી. ઘરેથી તો એ દરરોજ નિયમિત સ્કૂલે જવા નીકળી જતો. મધ્યમવર્ગીય કારકૂન પિતાને તો દીકરો ભણીગણીને આગળ વધશે અને ‘ કુટુંબનું નામ રોશન કરશે ‘ એવા અરમાન હતા અને હવે માસ્તર સાહેબની આ ફરિયાદ !
એક દિવસ પિતા સ્કૂલે જવા નીકળેલા દીકરાને ખબર ન પડે એ રીતે એનો પીછો કરે છે. દીકરો ખરેખર સ્કૂલના રસ્તાને બદલે ઊંધો રસ્તો પકડે છે. એ સીધો નગરની ભાગોળે ડેરો નાખી પડેલા નટ બજાણિયાની બસ્તીમાં જાય છે. પહેલાં તો પિતાને થયું કે અત્યારે જ એ બદમાશનો કાન પકડીને ‘ સીધો દોર ‘ કરું પણ પછી વિચાર્યું, જોઈએ તો ખરા એના હવે પછીના પરાક્રમ ! બજાણિયાના ખેલ રસપૂર્વક જોઈ સીટી વગાડતો દીકરો તો નિજાનંદે મસ્ત હતો. એ ચોમેર ફેલાયેલી વનરાજીમાં વિહરતો આગળ આવેલી મદારીઓની વસાહતમાં પહોંચ્યો. ઓત્તારી ! પણ પિતાને યાદ આવ્યું, એ પોતે નાના હતા ત્યારે પણ ક્યારેક ઘૂમતા અહીં આવી ચડતા. વસાહતમાંથી થોડાક ખતરનાક કૂતરા જોર જોરથી ભસતા દોડી આવ્યા પણ છોકરાને જોઈને શાંત થઈ ગયા ! એ એને ઓળખતા હતા. ત્યાં તો મદારીઓના છોકરાં પણ તંબૂઓમાંથી બહાર નીકળી આવ્યા અને દીકરાના ગોઠિયા હોય તેમ એને વીંટળાઈ વળ્યા. એમાંના એકે તો દીકરાના ગળામાં ચાર – પાંચ જીવતા સાપ પહેરાવી દીધા ! પિતા આતંકિત ! એમનો ગુસ્સો હવે દીકરા માટેની ચિંતામાં ફેરવાયો. દીકરો જરાય વિચલિત નહોતો . એ હસતો હતો. સાપ તો સહજતાથી એના શરીર પરથી સરકી નીચે ઘાસમાં ખોવાઈ ગયા !
બાપનો ગુસ્સો હવે ધીમે ધીમે લાગણીમાં પલટાતો હતો. દીકરો જે કંઈ કરે છે એ ગુનાઈત તો નથી જ.
પ્રકૃતિના તત્ત્વો જોડે રમતો, ખેલતો, કૂદતો દીકરો હવે નગરની નદીના કિનારે કરચલા પકડતા માણસોને જોવામાં તલ્લીન બન્યો. પિતાને થયું, એક હું , વર્ષોથી આ બધા નિર્દોષ આનંદથી વેગળો, સંઘર્ષોમાં ગૂંચવાયેલો કલમ ઘસ્યે જાઉં છું અને બીજી તરફ મારો દીકરો જેણે પરિઆવરણ જોડે મૈત્રી કેળવી લીધી છે !
ત્યાં અચાનક દીકરાની નજર પિતા પર પડી અને એ એક સાથે ખસિયાણો અને ભયભીત ! પણ પિતાનો પ્રતિભાવ સાવ અનપેક્ષિત હતો ! એ તો એને વઢવાને બદલે આશ્વસ્ત કરે છે ! થોડીક વારમાં બન્ને વચ્ચેનું અંતર અદ્રષ્ય થઈ ગયું. બન્ને બાપ દીકરો મિત્રોની જેમ નદી પાર કરી સામે કાંઠે જાય છે. બાપ દીકરાને પીઠ ઉપર બેસાડી નદી વટાવે છે. દીકરો હવે હોંશે હોંશે પિતાને સામે પાર રહેતા લકડહારા, મંદિરના સ્વામીજી અને ગુરુદ્વારાની વાતો કરે છે. સામે કાંઠે મળતા સ્વામીજી તો દીકરાના પેટ ભરી વખાણ કરે છે ! એ પછી આવતા ચાના બગીચામાં ચાની પાંદડીઓ વીણતી સ્ત્રીઓ પણ આ બાળકને ઓળખતી હતી. એક ઝૂંપડાંમાંથી નીકળીને એક સ્ત્રીએ તો છોકરાને વર્ષોથી ઓળખતી હોય એમ પૂછ્યું પણ ખરું ‘ બહુ દિવસો પછી આવ્યો તું દીકરા ! ‘
દીકરો ઉત્સાહપૂર્વક પિતાને એની આ દુનિયાની વાત કરે છે. પિતાએ સિગરેટ સળગાવતાં એ એમને લાડપુર્વક ટોકે છે ‘ સારા માણસો ધૂમ્રપાન ન કરે ‘ . પિતાને ફરી દીકરા પર વહાલ ઉભરાઈ આવે છે. એ ઘડીક વિચારે છે, દીકરાને સ્કૂલ ન જવા બદલ ઠપકો આપવો કે નહીં પણ થોડાક મનોમંથન પછી માંડી વાળે છે. જે જગતથી એ પોતે અલિપ્ત હતા એ દીકરાનું ચિરપરિચિત જગત હતું !
બન્ને સાંજે ઘરે પરત ફરે છે. પિતાની સાથે નોકરી કરતા કોઈક ખણખોદિયાએ એમની પત્નીના કાનમાં ફૂંક મારી દીધેલી કે એ આજે ઓફિસ આવ્યા નહોતા. પત્ની ધુંઆંફુઆં ! એ કરડાકીથી તાડૂકે છે. પિતા બધો વાંક પોતાનો છે કહી દીકરાનો બચાવ કરે છે. પોતાના કારણે પિતાએ સાંભળવું પડ્યું એનો અપરાધ ભાવ અનુભવતો દીકરો રાતે પિતાની સોડમાં લપાય છે પણ એવી રીતે જાણે એ પિતાને પોતાની સોડમાં લેતો હોય ! હવે એ પિતા છે અને પિતા પુત્ર ! એ પિતાને સધિયારો આપે છે ‘ હવેથી હું ભણવામાં ધ્યાન આપીશ. બીજે ક્યાંય નહીં જાઉં. ‘
એ ઘટનાના મહિનાઓ પછીની એક રાત. દીકરો હવે સ્કૂલ અને હોમવર્કમાં રચ્યો – પચ્યો રહે છે. એની મા અને શિક્ષકો હવે એનાથી ખુશ છે કારણ કે હવે એ ‘ ગુમરાહ ‘ નહીં પણ ‘ સીધા રસ્તે ‘ છે. પણ પિતા ?
એ મનોમન ઈચ્છે છે કે દીકરો ફરી એક વાર સ્કૂલેથી ( અને પોતે ઓફિસેથી ! ) ભાગી રખડપટ્ટી કરવા નીકળી જાય. એમને લાગે છે કે પહેલાં દીકરો ગુમરાહ હતો, હવે એ પોતે છે. દીકરો તો ધોળે દિવસે રસ્તો ભૂલેલો એટલે પાછો ફર્યો, જે રાત્રિના અંધકારમાં પથચ્યુત થાય એનું શું !
‘ ગુમરાહ ‘ વાર્તા કેટલાક પ્રશ્નાર્થો છોડી જાય છે. સાંપ્રત સમયમાં પણ એ એટલા જ પ્રસ્તૂત છે જેટલા આ વાર્તા લખાઈ ત્યારે હતા.
– શું શાળાનું ભણતર જ એકમાત્ર ભણતર છે ?
– પ્રકૃતિના ખોળે વિહરતાં, એના સાન્નિધ્યે ઉછરતા લોકોને હળીમળીને જે પ્રાપ્તિ થાય છે એ સમાજ માન્ય ભણતર કરતાં કમ છે ?
– બાળકના કુદરતી આવેગોને ખાળી એને આપણે કંડારેલા માર્ગે જ ઘસડી જઈએ એ બરાબર છે ?
– બધા જ ‘ અલગ રસ્તા ‘ શું ‘ ખોટા રસ્તા ‘ જ હોય ?
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
