ફિર દેખો યારોં

બીરેન કોઠારી

માનવજીવનમાં કળાનું સ્થાન સંસ્કૃતિ વિકસી એ પહેલાંનું છે, જેની સાહેદી ગુફાચિત્રો પૂરે છે. કળાનું શાસ્ત્ર વિકસતું ચાલ્યું, તેનું બજાર ઊભું થયું એટલે એક યા બીજા કારણોસર તે ચર્ચામાં રહેવા લાગી. વચ્ચે એક આખા અરસા દરમિયાન ‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ના મુદ્દે અનેક વિવાદ થતા રહ્યા. હજી એક મોટો વર્ગ માને છે કે કળા એ ‘ભર્યા પેટના ચાળા’ છે, અને જીવનમાં કળાનું સ્થાન હોવું વૈભવ સમાન છે, જે મોટા ભાગના લોકોને પોષાતો નથી. ઊંચા દામે વેચાતી કળાકૃતિઓ અહોભાવ કરતાંય વધુ કુતૂહલનો વિષય મનાય છે. આમ હોવા માટે કળાકૃતિની વિશેષતા નહીં, તેની બોલાયેલી ઊંચી કિંમત કારણભૂત હોય છે.

થોડા સમય અગાઉ આ કટારમાં ફ્રાન્‍સના ખ્યાતનામ લુવ્ર મ્યુઝિઅમમાં રખાયેલી જગવિખ્યાત કૃતિ ‘મોનાલીસા’ પર બે મહિલાઓએ સૂપ ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હોવાની વાત આલેખાઈ હતી. હવે જર્મનીના મ્યુનિકમાં આવેલા ‘પીનાકોથેક ડેર મોડર્ને’ મ્યુઝિઅમમાં જરા જુદા પ્રકારની ઘટના બની છે, જેણે વિવિધ પ્રત્યાઘાત જન્માવ્યા છે. આ મ્યુઝિઅમના ‘મોડર્ન એન્ડ કન્‍ટેમ્પરરી’ વિભાગમાં એન્‍ડી વોરહોલ, પૉલ ક્લે સહિત અનેક મહાન કલાકારોનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ વિભાગના પ્રવેશ પાસે એક દિવસ સાવ નવું જ ચિત્ર મૂકાયેલું જણાયું. મુલાકાતીઓ એ ચિત્ર જોઈને નવાઈ પામતા, અને એ ચિત્રનું શિર્ષક કે તેના કલાકારનું નામ સૂચવતી નિશાની ન મૂકાયેલી હોઈને મૂંઝવણ અનુભવતા. આખરે મ્યુઝિઅમના સત્તાવાળાઓના ધ્યાને આ ચિત્ર આવ્યું. તપાસ ચાલી અને એમાં બહાર આવ્યું કે આ ચિત્ર કોઈ મહાન કલાકારની કૃતિ નથી, બલ્કે મ્યુઝિઅમના એક ટેક્નિશિયન કર્મચારીએ જ જાતે ચીતરીને એ ગોઠવી દીધું હતું. પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરવાનું આનાથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોઈ શકે એમ વિચારીને તેણે આ પગલું ભર્યું હતું. આ હકીકતની જાણ થતાં એ કૃતિને ઊતારી લેવામાં આવી અને કર્મચારીને પાણીચું પકડાવીને મ્યુઝિઅમની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અદાલતી દાવો માંડવામાં આવ્યો. મ્યુઝિઅમમાં તેના માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી.

સામાન્ય ગણાતી આ ઘટનાએ વિશ્વભરનાં કલાવર્તુળોમાં ચર્ચા જગાવી છે. સાથોસાથ કેટલીક વધુ વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાની જાણ થઈ એ સાથે મ્યુઝિઅમના સત્તાવાળાઓએ તેને ‘નાનકડી છેતરપિંડી, મામૂલી બાબત’ ગણાવી. એ પછી બહાર આવ્યું કે હકીકતમાં આ મ્યુઝિઅમમાં ‘ગ્લીચ:ધ આર્ટ ઑફ ઈન્‍ટરફીઅરન્‍સ’[1] નામે એક પ્રદર્શન ચાલી રહ્યું છે, જે તેના નામ મુજબ, કળામાં થતી ભૂલો અને રહી ગયેલા દોષને કેન્‍દ્રમાં રાખીને યોજાયું છે. તેના કેટલોગમાં જણાવ્યા અનુસાર પ્રદર્શનનો હેતુ ‘માપદંડના આદર્શો અને સામાજિક-રાજકીય અસમાનતાને ઉજાગર કરવાનો’ તેમજ ‘જે અદૃશ્ય છે તેને દૃશ્ય કરવાનો’ છે. આ આખા ઘટનાક્રમને અનુસરનાર એક વ્યક્તિએ જણાવ્યું: ‘પ્રદર્શનમાં ચિત્રને ઘૂસાડવાનો હેતુ એ જોવાનો હતો કે મ્યુઝિઅમના સત્તાવાળા પોતે જે કહે છે એના અમલ માટે સજ્જ છે કે કેમ. એ એક પ્રકારનો કળાકીય પડકાર હતો. ચિત્રને ટીંગાડનાર ટેક્નિશિયન કંઈ પ્રસિદ્ધિનો ભૂખ્યો નહોતો.’

પ્રદર્શનનાં નિયોજકે કહ્યું કે આ પ્રદર્શનના નિયોજને પોતાને અપૂર્ણતા અને અકસ્માતને સ્વીકારતાં શીખવ્યું છે. પૂર્ણ શું એ નક્કી કરે કોણ? દુર્ઘટનાઓ સાથે કામ પાર પાડતાં અમુક અંશે શાંતિનો ભાવ કેળવાતો જાય એ શક્ય છે. જો કે, મ્યુઝિઅમના સત્તાવાળાઓ માટે ‘શાંતિનો ભાવ’ કેળવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે બવેરિયન રાજ્યની તમામ ચિત્ર ગેલરીઓના સંગ્રહમાં આ કર્મચારીના કોઈ પણ ચિત્રને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. ‘નકલખોરીના ગતકડાને પ્રોત્સાહન ન આપવાના’ ભાગરૂપે સત્તાવાળાઓએ એ કર્મચારીનું નામ સુદ્ધાં જાહેર કર્યું નથી. તેમણે આ ચેષ્ટાને ‘કળાકીય હસ્તક્ષેપ’ નહીં, પણ ‘વિશ્વાસનો ભંગ’ ગણાવ્યો.

જર્મનીના બોન શહેરમાં ગયે વર્ષે યોજાયેલા એક ચિત્રપ્રદર્શનમાં પણ કંઈક આવી જ ઘટના બનેલી. ‘હુ વી આર- રિફ્લેક્ટિંગ અ કન્‍ટ્રી ઑફ ઈમિગ્રેશન’ નામના પ્રદર્શનના અંતે સત્તાવાળાઓના ધ્યાને એક વધારાનું ચિત્ર આવ્યું. તેમણે આ આખી ઘટનાને હળવાશથી લીધી અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર સંદેશો વહેતો મૂક્યો: ‘અમને આ રમૂજી લાગે છે અને આના કલાકારનું નામ જાણવું અમને ગમશે. એને કશી તકલીફ નહીં પડે, બલ્કે શાબ્દિક સન્માન પ્રાપ્ત થશે. આથી અમારો સંપર્ક કરો.’ આ જાહેરાતને પગલે ડેનાઈ એમાન્યુઆલીસ નામની કલાકાર આગળ આવી. તેણે જોયું કે પોતાનું ચિત્ર કોલોનમાં યોજાયેલી એક હરાજીમાં ૩,૬૯૬યુરોની બોલીમાં વેચાયું.

અગાઉ બેન્‍ક્સી નામના કલાકારે પણ પોતાના એક ચિત્રને હરાજીમાં મૂકીને, તે ઊંચી બોલીમાં વેચાયા પછી એ ચિત્રની અંદર મૂકેલા શ્રેડરની રચનાથી તેને નષ્ટ કરી દીધું હતું. એ રીતે તેમણે કળાજગતમાં વ્યાપેલા આર્થિક મૂલ્યાંકનના અપ્રમાણસર દૂષણ સમક્ષ લોકોનું ધ્યાન દોર્યું હતું.

આ તમામ ઘટનાઓના મૂળમાં કળાના ક્ષેત્રે પ્રવેશી ગયેલા, જામીને જડ થઈ ગયેલા નાણાંના દૂષણનો મુદ્દો સામાન્ય છે. આની સામે એક હકીકત એ પણ છે કે હરાજીમાં ગમે એવી ઊંચી બોલીએ વેચાયેલા ચિત્રની આવકમાંથી તેના કલાકારને ભાગે કશું આવતું નથી, કેમ કે, એ ચિત્ર તેના સંગ્રાહકની માલિકીનું હોય છે. સમગ્રપણે જોઈએ તો કળા હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર, બધે જ નાણાંની, જામી ગયેલી પરંપરાની સમસ્યા વ્યાપ્ત છે. તેના વિરોધ માટે આવો એકલદોકલ સૂર ક્યારેક ઉઠે છે ખરો, પણ પથ્થર મારવાથી તળાવના પાણીમાં થતાં વલયથી વધુ તેની અસર રહેતી નથી. એ પણ આપણા સમાજનું જ પ્રતિબિંબ કહી શકાય.


[1] સાંદર્ભિક વિડીયો ક્લિપ નેટ પરથી | સ્રોત: Chipmunk walkthrough of Glitch: The Art of Interference at the Pinakotheka der Moderne, Munchen, De

 


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨– ૦૫ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)