મંજૂષા
વીનેશ અંતાણી
પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે.
ક્યારેક નાનકડી ઘટના જિંદગીને જુદી રીતે જોવાની તક આપે છે. કોઈક ફિલ્મ, કોઈક સ્મૃતિ, એકાદ પુસ્તક, કોઈક નાનકડું વાક્ય, પ્રવાસની કોઈ ક્ષણ. ક્યારેક અન્ય વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાથી પણ આપણામાં નવી દૃષ્ટિ કે સમજણ ફૂટી નીકળે છે. એ બધું સૂચવે છે કે જીવનમાં કશુંય ફાઇનલ હોતું નથી. આપણાં વિચાર, અભિગમ, માન્યતાઓ, જીવનદૃષ્ટિ સદા પરિવર્તનશીલ હોય છે. શરત એટલી જ હોય કે તે માટે આપણે આપણાં હૃદય, બુદ્ધિ, આંખ-કાનને ખુલ્લાં રાખ્યાં હોય, આપણે કોચલામાં પુરાઈ ગયા ન હોઈએ.
માનવજીવનની ટ્રેજેડી મૃત્યુ નથી, આપણે આપણી ભીતરનું સત્ત્વ કેટલીય વાર મરવા દઈએ છીએ તે ભયાનક ટ્રેજેડી છે. માણસ એનામાં રહેલી ક્ષમતા અને એ જે બન્યો તે વચ્ચેના તફાવતનો હિસાબ લગાવે ત્યારે જ એણે પોતાની જિંદગીનું શું કરી નાખ્યું તેનો અંદાજ આવે છે. આવરદા પૂરી કરી નાખવી એક વાત છે અને ‘જીવવું’ બીજી વાત છે. આપણી આસપાસ કેટલાય લોકોને અફસોસ કરતા સાંભળીએ છીએ કે તેઓ જીવનમાં કરવા માગતા હતા તે કરી શક્યા નહીં. સંજોગો જુદી વસ્તુ છે અને ક્ષમતાનો અપૂરતો ઉપયોગ બીજી બાબત છે. એવા લોકોએ એમની ભીતર રહેલા ખજાનાને ખોઈ નાખ્યો હોય છે. સમય જતાં તે ખજાનાને કાટ લાગી જાય છે અને તેને ખોલવાની ચાવી ખોાવાઈ ગઈ હોય છે.
લોકો તેઓ શું કરવા માગતા હતા અને શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, તે વિશે સભાન થાય ત્યારે એમનામાં પોતે ક્યાંક ઘસડાઈ ગયા છે, પહોંચવું હતું ત્યાં પહોંચી શકાયું નથી, જીવન ધ્યેયહીન થઈ ગયું છે એવી લાગણી જન્મે છે. એમણે સામે પૂર તરવાને બદલે એમાં તણાઈ જવાનું પસંદ કર્યું હોય છે. મોટે ભાગે એવી પસંદગી એમની પોતાની જ હોય છે. પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકાવાની ક્ષમતા ધરાવે છે. ઘણી વાર ખોટી જગ્યાએ પહોંચ્યા પછી પાછા વળવાની શક્યતા ભૂંસાઈ ગઈ હોય તેવું પણ બને. નવેસરથી શરૂઆત કરવાની તક રહી ન હોય. એમણે બહુ પહેલાં એમના જીવનનો હેતુ ગુમાવી દીધો હોય છે. એમનામાં મોટિવેશન હોતું નથી. ‘હોવાપણા’નો અર્થ ગુમાવી દીધા પછી હતાશા અને પરાજયની કારમી લાગણી કોરી ખાય છે.
ઘણા લોકો કોઈ પડકારભર્યું કામ શરૂ કરતાં પહેલાં એમાં આવનારી અડચણો વિશે વિચાર કરે છે. તેઓ બચાવ કરવા માટે પોતે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વાસ્તવિકતાનો વિચાર કરે છે તેવું આકર્ષક બહાનું આગળ ધરે છે. પાછળથી પાછા વળું પડે તે કરતાં આગળ જવું જ નહીં એ અભિગમ વ્યવહારિક વલણ લાગે, પરંતુ તે પલાયન પણ હોય છે. તે નકારાત્મક અભિગમ છે. સકારાત્મક વલણ ધરાવતા લોકો કહેશે કે જીવનમાં આપણે ધારેલી દિશામાં આગળ વધવા માટે સંભવિત અવરોધોની આગોતરી કલ્પના કરવાને બદલે કામ શરૂ કર્યા પછી જે અવરોધ ઊભો થાય તેમાંથી રસ્તા કાઢવાના ઉપાય વિચારવા જોઈએ.
ઘણા પલાયનવાદી લોકો એમનામાં રહેલી ક્ષમતાનો ક્યાસ કાઢવાને બદલે પોતાના સંજોગોને આગળ ધરશે, માથું ધુણાવતા બોલશે: ના, અત્યારે મારા સંજોગ નથી. જો તે વાત માત્ર બહાનાબાજી જ હોય તો તેઓ આખી જિંદગી સંજોગોના ઢગલા નીચે જ દબાઈ રહેવાના છે, કારણ કે સંજોગ જાતે ખસતા નથી, તેને ધક્કા મારીને દૂર કરવા પડે છે. માણસ પોતે જ મલબો બની જાય તે પહેલાં એણે માર્ગમાં આવતા મલબાને ખસેડવો પડે. એક હિંમતવાન વ્યક્તિએ કહ્યું હતું: ‘પહેલાં તો હું મને ઘેરી વળેલી મુશ્કેલીને ચારે બાજુથી તપાસું છું. એની ઉપરથી કે નીચેથી કે બાજુમાંથી બહાર નીકળવવાનો રસ્તો મળે નહીં તો હું સામી છાતીએ મુશ્કેલ પરિસ્થિતિ પર પ્રહાર કરું છે. વધારેમાં વધારે શું થશે? હું તૂટી જઈશ અથવા મુશ્કેલી ભાંગીને ભૂકો થઈ જશે. પરંતુ મારો અનુભવ છે કે હું તૂટ્યો નથી, દરવખતે મુશ્કેલીનો જ ભૂકો થયો છે.’
કેટલાક લોકો એમની ઘરેડમાંથી બહાર નીકળી પરિવર્તન માટે તૈયાર હોતા નથી. એમને બંધાયેલી ઘરેડની સુરક્ષિત દીવાલ વચ્ચે બંધિયાર થઈને રહેવું ગમે છે. મોટાં મોટાં પરિવર્તન આપણે નાનાં નાનાં પરિવર્તનો માટે કેળવેલી આદતમાંથી શક્ય બને છે. ઘણા લોકો ઘરેડ બદલવાનો વિચાર કરે છે, પોતે જ્યાં હોય તેનાથી કશુંક જુદું કરવા માગતા હોય છે, પરંતુ તે ‘જુદું’ એટલે શું તેની એમને ખબર હોતી નથી. કઈ જગ્યાએ જવા માગીએ છીએ તે નક્કી કર્યા વિના પ્લેટફોર્મ પર ઊભેલી કોઈ પણ ટ્રેનમાં બેસી જવાનો અર્થ નથી. જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને પૂછીએ કે એ એમની જગ્યાએ કેવી રીતે પહોંચી શક્યા ત્યારે સંભવત: એમનો પહેલો જવાબ હશે – કારણ કે મેં મારી જગ્યા સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. વાત યોગ્ય ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
