દર્શના ધોળકિયા
ગુજરાતી સાહિત્યમાં કેટલીક નવલકથાઓ વિશિષ્ટ સ્થાન પામી છે. તાજેતરમાં હરેશ ધોળકિયાની નવલકથા, ‘અંગદનો પગ’, ની ૨૦ મી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે.એ સંદર્ભમાં આજે વાત માંડવી છે ‘અંગદના પગ’ની.

આ કૃતિ શૈક્ષણિક નવલકથા તરીકે ખૂબ આવકાર પામી છે. લેખક નોંધે છે તેમ, આ રચનાના મૂળમાં લેખિકા આયન રેન્ડની ‘ફાઉન્ટનહેડ’ કૃતિનો મહદ્દઅંશે પ્રભાવ રહ્યો છે. અહીં લેખકે મૌલિક રીતે આયન રેન્ડના વિચારોનું અર્થઘટન કરીને શૈક્ષણિક જગતના સંદર્ભમાં એ વિચારોને પ્રગટ કર્યા છે. લેખક પોતે નોંધે છે તેમ, વિશ્વમાં બે પ્રકારના લોકો છે : પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો વિશ્વને પ્રગતિશીલ કરવામાં મદદ કરે છે પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. સામાન્યનું કામ હંમેશા પ્રતિભાશાળીને હેરાન કરવા, હટાવવા, પછાડવાનો પ્રયાસ કરવાનું રહ્યું છે. સામાન્ય લોકો પ્રતિભાશાળી લોકોને બાહ્ય રીતે પરેશાન કરી શકે છે પણ આંતરિક રીતે ક્યારેય પણ ખલેલ પહોંચાડી શકતા નથી. લેખકને મતે પ્રતિભાશાળીઓ રામાયણના મહાન પાત્ર ‘અંગદના પગ’ જેવા હોય છે -અચળ અને સ્થિર, જેને સામાન્ય લોકો કદી ખેસવી શકતા નથી. ‘અંગદનો પગ’ આવી પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા છે. એટલે જ એમાં એક સાથે સર્હ્દય એક બાજુથી કૃતિમાં રસતરબોળ બને છે તો બીજી બાજુ વેદનાની એક સૂક્ષ્મ કસક તેના ચિત્તતંત્રને હલબલાવી મૂકે છે.
આ કૃતિની નિરૂપણરીતિ વિશિષ્ટ છે. બે શિક્ષકોની આ કથા છે – શ્રી જ્યોતીન્દ્ર શાહ અને શ્રી કિરણ દવે. શાહ આમ તો શિક્ષક છે પણ એમનું ગજુ પ્રોફેસરનું છે. શહેરની ઉત્તમ શાળામાં એ વર્ષોથી કામ કરે છે. તેમને કારણે શાળા જીવંત, ધબકતી, કહો કે લગભગ મંદિરની કક્ષાએ પહોંચી છે. છતાં જોવાની વાત એ છે કે ચીનના મહાન સંત લાઓત્સેની પરિભાષામાં શાહ સાહેબ તદ્દન ખૂણામાં રહેવાનું પસંદ કરે છે. જેમ જેમ શાહ સાહેબ ખૂણામાં રહેવાનું પસંદ કરે છે તેમ તેમ તેમ તેમની પ્રતિભા, તેમનો પ્રભાવ શાળા પર, આચાર્ય પર અને સમાજ પર અને સૌથી વધારે તો વિદ્યાર્થીઓ પર સૂર્યના પ્રકાશની જેમ પથરાઈ જાય છે. આ શાળામાં પછીથી શિક્ષક તરીકે કિરણ દવે નામની વ્યક્તિ પ્રવેશ કરે છે.આ કિરણ દવેની કથા કિરણ પોતે જ કહે છે. જોવા જાવ તો આખીય કૃતિ એક કબૂલાતનામાની કથા બને છે.
કથાનો પ્રારંભે રીતે શાહ સાહેબ અને દવે સાહેબનો એક સમાન લાડકો એવો વિદ્યાર્થી કિશોર પ્રવેશ કરે છે. કિશોર ડોક્ટર બની ગયો છે અને એ દવેના પ્રભાવમાં રંગાયેલો છે. અલબત્ત, શાહને પણ એ ખૂબ ચાહે છે. એક રાત્રે કિશોરને દવેનો ફોન આવે છે અને એને એ તાત્કાલિક મળી જવા જણાવે છે. કિશોરને ખબર છે કે તેના પ્રિય દવે સાહેબ અત્યારે ટી.બી.ના રોગમાં સપડાયેલા છે. એને એમ લાગે છે કે આને લગતું કાંઈ કામ હશે એટલે તરત જ એ નીકળી પડે છે, દવે સાહેબને ઘરે પહોંચે છે. પોતાના પુત્રને અને ઘરનાં બધાંને દૂર કરીને દવે એકલા કિશોરને પોતાની પાસે બેસાડે છે અને એના સાથે વાત આરંભતાં કહે છે કે, ‘તું મને વર્ષોથી ઓળખે છે આપણે એકબીજાના સતત સંપર્કમાં રહ્યા છીઅ, તું એમ માને છે કે આજે તું જે છે એ મારે કારણે છે, તેં મને ખૂબ ચાહ્યો છે. સાથે સાથે શાહને પણ ખુબ ચાહ્યો છે. પણ આજે મારે તને કશું કહેવું અને જે કહેવું છે એ આ મારી ડાયરીમાં છે. હવે કદાચ મારી પાસે બહુ સમય નથી એટલે આ ડાયરી તું વાંચજે, એના વિશે વિચારજે. આનાથી સવિશેષ અત્યારે મને તારું કોઈ જ કામ નથી.’ કિશોર નવાઈ પામે છે કે દવે સાહેબ અને ડાયરી! કારણ કે એમને તો ગણિત-વિજ્ઞાન સિવાય કોઇ વિષયમાં રસ નથી. તેમાં પણ લેખન – વાચનનું તો એ વિચારી પણ ન શકે અને આજે ડાયરી લખતા થઈ ગયા! એ અવાક બને છે, સાહેબની મનોદશાને એ જોઈ શકે છે. તેને લાગે છે કે અત્યારે એ થોડા મૂંઝવણમાં છે, થોડા ડરી ગયેલા છે. કોઈ પ્રકારનો ભય તેમને સતાવી રહ્યો છે એટલે વધારે કશું ન કહેતાં એ ડાયરી લઈને પોતાના ઘેર પાછો આવે છે. આમ તો એને એમ છે કે આ ડાયરી હું નિરાંતે વાંચીશ પણ તેનું કુતૂહલ તેને જંપવા દેતું નથી. એ સુવા જતો હોય છે પણ ઊભો થઈને ટેબલ પાસે આવી ટેબલ લેમ્પ સળગાવીને મધરાતે ડાયરી વાંચવાનું શરૂ કરે છે અને કથા આરંભાય છે.
આખી કથા દવેના મુખેથી અહીંયા ડાયરી લેખનમાં અભિવ્યક્ત થઇ છે. કિશોર એ વાંચતો જાય છે અને એના ભૂતકાળમાં તણાતો, ખોવાતો જાય છે. દવે ખરેખર આ ડાયરીમાં એક પ્રામાણિક વ્યક્તિ તરીકે પ્રગટ થયો છે શરૂઆત એ આમ કરે છે કે, પોતે નાનપણથી જ સાવ સામાન્ય હતો. એના પિતા મોટા વકીલ હતા. એને ખૂબ આગળ વધેલો જોવા માગતા હતા. એને આગળ વધારવાના ખૂબ પ્રયત્ન કરતા હતા તેમજ જરૂર લાગે ત્યાં પોતાની લાગવગ પણ વાપરતા હતા. પણ દવે પોતાના પિતાની ઈચ્છાને પૂરી ન જ કરી શક્યો. પિતા તેનાથી ખૂબ નારાજ રહેતા. દવે ઘણું મથ્યો છે છતાં એ અસામાન્ય થવા તરફ એક ડગલું પણ માંડી શક્યો નથી. દવે ખૂબ માર્મિક રીતે નોંધે છે કે તેની આ અસામાન્યતાને સૌપ્રથમ જો કોઈ સમજી શક્યું હોય, પરખી શક્યું હોય તો તેની મા. દેખાવડી એવી નહીં પણ છતાં કશું ગમી જાય એવી વેધક નજરવાળી, તીવ્ર આંખવાળી (અંદરની આંખોવાળી). ધીમેથી એને પિતાને અનેક વાર કહ્યું કે,’તમે કિરણને નહીં બદલી શકો.’ અને એકવાર જરા આક્રમક થઈને પણ કહ્યું કે, ‘ કિરણ તદ્દન સામાન્ય છોકરો છે, એ ક્યારેય પણ તમારી આકાંક્ષા, અપેક્ષાને નહીં સંતોષી શકે એને એની રીતે જીવવા દો.’ ત્યારે પોતે સ્તબ્ધ થઈ ગયેલો કે માએ આ પોતાને બરોબર પકડ્યો હતો ! તેમ છતાં પિતાએ ઘણો પ્રયત્ન કર્યો. ઘણી બધી રીતે દવેને આગળ વધારવા એણે જહેમત ઊઠાવી પણ પિતાની એક પણ બાબત ફાવી ન શકી અને માંડ માંડ દવેને શહેરની એક મહત્ત્વની શાળામાં ગણિત- વિજ્ઞાનના શિક્ષક તરીકેની નોકરી મળી જે તેને બિલકુલ પસંદ નહોતી. શિક્ષક તો એને ક્યારેય નહોતું થવું પણ એને થવું પડ્યું અને એ દાખલ થયો. વાર્તાનું આરંભ બિંદુ ધીમે ધીમે ભાવક ને મુખ્ય પ્રવાહ તરફ ખેંચતું રહે છે.
વાર્તાનો બીજો ખંડ શરુ થાય છે અને દવેના જીવનમાં પ્રવેશ કરે છે શાહ સાહેબ. જ્યોતીન્દ્ર શાહ! એકદમ અનોખું વ્યક્તિત્વ છે તેનું. આખી શાળા એમના પર ઓળઘોળ છે, પ્રિન્સિપાલ ઓઝા સુધ્ધાં. દવે આ બધું જોઈ રહે છે. જોવા જાવ તો શાહ સાહેબમાં કશું જ નથી – સાદાં કપડાં, ગાંધીવાદી વિચારધારા, કશુંક ન સમજાય એવું એ કહ્યા કરે, દવે જેવા માણસને તો ખ્યાલ જ ન આવે કે શાહ કયા પ્રકારનો માણસ છે; અને છતાં આખી શાળા પર શાહ સાહેબનો જે પ્રભાવ હતો એ જોઈને દવે છક્ક થઈ જાય છે! એક બાજુ અતિ મહત્વાકાંક્ષી એવો દવે છે, અને બીજી તરફ મહત્વાકાંક્ષાની પેલે પાર રહેલી આંતરિક ચેતનામાં ડૂબેલા રહીને પ્રસન્નતામાં મહાલતા શાહ સાહેબ છે.
અનાયાસે ધીમે ધીમે દવે જોઈ શક્યો છે કે પોતે ગમે એટલું કરશે તો પણ એ શાહની નજીક નહીં પહોંચી શકે એની એને ખાતરી થઈ જાય છે. એક બાજુ પ્રામાણિકપણે એ સત્ય સમજી શક્યો છે પણ બીજી બાજુ એનામાં રહેલો ઈર્ષાનો ભાવ એને છંછેડે છે, ઝંઝેડે છે અને શાહને કેવી રીતે મહાત કરવો એના પ્રયોગો એ શરૂ કરી દે છે. એ શરૂઆત ધીરેથી પેસવાની કરે છે. પ્રિન્સિપાલ ઓઝાને પોતાના તરફ વાળવાનો એ પ્રયત્ન કરે છે. સ્ટાફ મેમ્બરોને પણ પોતાની તરફ ખેંચવા મથે છે. વિદ્યાર્થીઓને સતત શીખવે છે કે ગણિત – વિજ્ઞાન જ મહત્વનાં છે, વાચનનું કોઈ મહત્વ જ નથી. ગણિત-વિજ્ઞાન આવડશે તો જ તમે લોકો આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ એના આવા કેટલાક પ્રયાસોથી આકર્ષાય જરૂર છે પણ દવે જોઈ શકે છે કે પ્રભાવ તો શાહનો જ છવાયેલો છે. એ દરમિયાન કિશોર એના જીવનમાં પ્રવેશ કરે છે. કિશોર સ્વસ્થ છોકરો છે. શાહનો ભક્ત છે પણ દવેની મહત્વાકાંક્ષાવાળી વાત એને સ્પર્શી જાય છે અને દવે ધીમે ધીમે તેનો ઉપયોગ કરવા લાગે છે… પોતાની ડાયરીમાં એ નોંધે છે કે મારે કોને આ માટે શિકાર બનાવવો એનો વિચાર કરતાં મને કિશોર યોગ્ય લાગ્યો અને કિશોરને મેં ઉપયોગમાં લેવા હાથમાં લીધો. વાંચતાં-વાંચતાં કિશોર આ ક્ષણે થંભી જાય છે અને અવાક બની જાય છે! આ શું થઈ ગયું? જે દવે સાહેબને એ અપાર ચાહતો હતો તેમાં આ ક્ષણે પ્રથમવાર ગાબડું પડે છે.
વાત આગળ વધે છે, ધીમે-ધીમે દવે શાળામાં પગ ફેલાવતો જાય છે, પગ પેસારો કરતો જાય છે. આચાર્ય અને શાહના સાયુજ્યથી શાળા સુંદર રીતે ચાલતી હોય છે તેમાં આ દવે પોતાના વિચિત્ર વિચારો લઈ આવે છે. એનો પહેલો વિચાર છે શાળામાં યુનિયન સ્થાપવાનો. અત્યાર સુધી આ વિચાર કોઈને નથી આવ્યો કારણ કે કોઈને એવી જરૂર નથી પડી. ટ્રસ્ટી મંડળ સમજુ છે, આચાર્ય સૌને પોતાના લાગ્યા છે, શાળાનું સમાજમાં સ્થાન છે, શિક્ષકો સંતોષથી જીવે છે. એમાં દવે આ વિચાર સાથે પ્રવેશે છે. આચાર્યને મનાવવામાં એને ખૂબ શ્રમ પડે છે કારણ કે આચાર્ય પ્રભાવશાળી અને સિદ્ધાંતવાદી વ્યક્તિત્વ ધરાવે છે. એ દવેને સમજાવે છે કે આપણને આ યુનિયનની કશી જરૂર નથી. પણ દવે તેની આવડતથી આચાર્યને સમજાવી શકે છે કે આપણે નહીં, પણ અન્ય કોઈ શાળાઓને નુકસાન પહોંચે, કાલે ઊઠીને આપણું ટ્રસ્ટી મંડળ બદલી જાય, સમય બદલે, વિદ્યાર્થીઓ બદલે, પગાર વધારાનો પ્રશ્ન કોઈને મૂંઝવે તો આપણા પાસે એક બળ હોવું જોઈએ. દવેની વાત આચાર્યને વિચારવા જેવી લાગે છે. ટ્રસ્ટી મંડળની મીટીંગ થાય છે ટ્રસ્ટી મંડળને પણ આ વિચાર અવાક બનાવે છે પણ દવે પોતાની કુશળતાથી બધાને સમજાવી શકે છે અને ધીમેથી શાળામાં યુનિયન પ્રવેશ કરે છે.
આચાર્ય આ અંગે જનરલ મીટીંગ કરે છે ત્યારે શાહ સૌથી જુદો પડી જાય છે અને કહે છે મને આવી કોઈ જ બાબતમાં રસ નથી. હું યુનિયનમાં માનતો પણ નથી અને મને એની કોઈ જરૂરિયાત પણ લાગતી નથી. તમે લોકો સ્વતંત્ર છો પણ મને આમાં ઘસડશો નહીં અને હું ઘસડાઈશ પણ નહીં. આ સાંભળી બધા સ્તબ્ધ બની જાય છે. બધાને ખ્યાલ છે કે શાહને કશાની જરૂર નથી. નથી પૈસાની કે નથી બાહ્ય પ્રભાવની… શાહ અળગો જ રહે છે. એનું આ અળગાપણું, જલકમલવત રહેવાની એની કલા અને તેમ તેમ એનાથી છેડાતો જતો દવે વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. આચાર્યને પણ ખ્યાલ આવી જાય છે કે દવેમાં કશુંક એવું છે કે જે અણગમો ઉત્પન્ન કરે છે પણ દવેમાં એવી કેટલીક આવડત છે કે આચાર્યને પણ ક્યાંક ક્યાંક એનું માનવું પડે છે. સ્ટાફ પણ ધીમે ધીમે દવેને વશ થતો જાય છે કારણ કે અંદરખાનેથી તો બધા જ શાહના વિરોધીઓ છે પણ અત્યાર સુધી એને ટેકો મળે એવું કોઈ પાત્ર શાળામાં આવ્યું નહોતું અને વાત ધીમે ધીમે આગળ વધતી જાય છે. પછી તો દવે ધીમે ધીમે શાળામાં ટ્યુશન પ્રથા પણ દાખલ કરાવે છે. ત્યારે પણ શાહની દલીલ છે કે તમે લોકો પૈસા વિના ભણાવી શકશો? મફત ભણાવવું તમને ફાવશે? તમે લોકો કલ્યાણમાં માનો છો? અંતરાત્મા તમને આવું કાંઇ કહે છે? – આવી બધી દલીલથી એ બધાને સ્તબ્ધ કરી દે છે પણ છેવટે દવેનો વિજય થાય છે. એની આવડતભરી દલીલોથી મલિન પ્રકારના વિચાર અને વ્યવહારવાળા લોકોની એને મદદ મળે છે. જેમાં મુખ્ય છે શાળાનો નવો વરાયેલો નવો ટ્રસ્ટી રાકેશ, જે જૂના ટ્રસ્ટીનો પુત્ર છે. રાકેશ બીજા એક શિક્ષકને મદદ કરવા ટ્યુશન ક્લાસ ખોલાવી દે છે, એમાં દવેને ભણાવવા માટે બોલાવે છે. આમ, ધીમે ધીમે આ શાળામાં યુનિયન પછી ટ્યુશનનો પ્રવેશ થાય છે.
આવું કેટલું બધું બનતું હોવા છતાં શાહ આ બધી બાબતથી અસ્પૃશ્ય જ રહે છે. નથી કોઈ એને હરાવી શકતું, નથી હટાવી શકતું ! એનો પ્રભાવ તો વિદ્યાર્થીઓ પર કાયમ જ રહે છે. કિશોર પણે આમાંનો એક છે. એ દવે સાહેબની વાતોથી પ્રભાવિત થાય છે પણ અંદરખાનેથી એ વણાયેલો તો શાહ સાહેબ સાથે જ રહે છે.
શાહને કેવી રીતે પાછો પાડવો એની એક વધારે ચાલ દવે રમે છે અને ધાર્મિકતાથી જોડાયેલા બધા ટ્રસ્ટીઓ પાસે એવી હવા પહોંચાડે છે કે શાહ ધર્મ વિરુદ્ધ બોલે છે આપણા ધર્મને ઠેકડી ઉડાડે છે. ઉશ્કેરાયેલા ટ્રસ્ટીઓ શાહને બંધ બારણે બોલાવે છે અને પૂછે છે કે આપના ઉપર આવો આરોપ આવ્યો છે. તમને ખબર છે, એની સજા તમારે ભોગવવી પડશે… ત્યારે હસીને શાહ કહે છે, ‘’ હું આ બોલ્યો છું અને આ સાચું છે. પણ એ મેં નથી કહ્યું આતો ઇતિહાસમાં લખેલું છે પાના નંબર – ૨૫ પર. હું ભણાવતો હતો કે બૌદ્ધ ધર્મનાં પતનના કારણો કયાં અને ત્યારે ધાર્મિક વડાઓએ શું કર્યું હતું? એની ચર્ચા ક્લાસમાં ચાલતી હતી નહીં કે તમારા બધાના સંદર્ભે. છતાં તમારે એ સ્વીકારવી હોય તો વાત જુદી છે પણ વાત ખરેખર બૌદ્ધ ધર્મની હતી.’’ અને બધા પાછા પડે છે, શાહનું અપમાન થતું અટકે છે પણ આચાર્યને ખૂબ લાગી આવે છે કે શાહ જેવા શાહને આવી રીતે આવવું પડે? બધા સામે રદિયો આપવો પડે? એના જેવી ગંભીર ઘટના બીજી કઈ હોઈ શકે? એટલે એ ફરીથી શિક્ષકોની મીટીંગ કરે છે, બધાને પોતાની વ્યથા કહે છે અન આ ક્ષણે દવેને આડકતરી પછડાવાનું આવે છે.
વાત વધતી વધતી ત્યાં સુધી પહોંચે છે કે આચાર્ય નિવૃત્તિ ભણી છે નવા આચાર્યની વરણી થવાની છે. સ્વાભાવિક રીતે શાહ સૌથી સિનિયર છે અને તેથી એજ આચાર્ય બનશે. બધા દવે આ જ્ગ્યાએ અરજી કરવા કહે છે. દવેને પણ એમ થાય છે કે આ એક તક છે જે હું મેળવી લઉં તો શાહની ઉપરવટ જઇને કામ કરવાનો મોકો મળે. માટે એ અરજી કરે છે. ત્રણેય વાર ટ્રસ્ટીઓની અને બધાની એવી રમત છે કે બંનેના સરખા જ માર્કસ થાય છે. શિક્ષણાધિકારીને આ બાબતની ગંધ આવી જાય છે અને એ બધા શિક્ષકોને બોલાવીને ઝાટકે છે અને જણાવી દે છે કે ચોથી વખતના ઇન્ટરવ્યૂમાં હું હાજર નહીં રહું. ટ્રસ્ટી મંડળની મદદથી દવે આગળ આવી જાય છે અને એ લોકોના મતે એ શાહને પાછળ રાખી દે છે.
આ ક્ષણે સર્જકે એક ચિત્ર દોર્યું છે : ‘’ઓઝા સાહેબની ખુરશી ફરી અને સ્થિર થઇ ત્યારે એ ઓઝાની નહોતી રહી. એમાં હવે દવે બેઠો હતો.’’ દવે ખૂબ ખુશ હતો કે એણે આ રીતે શાહને મહાત કર્યો હતો. પણ એનો અંતરાત્મા જાણતો હતો કે તે ગમે ત્યાં જાય શાહ તો એની ઉપર જ રહેવાનો છે. એનું સામાન્યપણું નીચું જ રહેવાનું છે. અને શાહનું અસામાન્યપણું તેને અતિક્રમીને તેની ઉપર જ રહેવાનું છે. આ વાત તેને જંપવા દેતી નથી. આ બધું જ બન્યા પછી એક વખત શાહ આવીને પોતાનું રાજીનામું ધરી દે છે. ત્યારે દવે એવો ડોળ કરે છે કે ‘’તમારા વિના શાળા કેમ ચાલશે? તમે હતા તો હું ચલાવી શકતો હતો.’’ પણ શાહ મક્કમ છે. તે કહે છે કે મેં ૫૦ વર્ષની ઉંમર સુધી જ નોકરી કરવાનું નક્કી કર્યું હતું. હું મારી મરજીથી છૂટો થાઉં છું, આપણી શાળાની પરંપરા એવી છે કે તને કોઈ તકલીફ નહીં પડે. મારી તને શુભેચ્છા છે કે તું સારો આચાર્ય પ્રમાણિત થાય. અને શાહ તેના જીવનમાંથી દેખીતી રીતે નીકળી જાય છે.
આટલું લખતાં લખતાં દવે અટકે છે અને નોંધે છે : “મેં કેટલા બધાને છેતર્યા? આજે હું ઘણો બધો સુખી છું કારણ કે મેં ટ્યુશન કર્યા અને ખોટી રીતે સમૃદ્ધિ ભેગી કરી. મારી મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે હું ઝઝૂમ્યો ને એને પૂરી કરી પણ શક્યો. મારાં બાળકો આજે સારું કમાય છે. એને મારા વિશે બહુ ખબર નથી પડી. પણ હા, મારી દીકરી મારી મા ઉપર પડી છે એ મને સમજી ગઈ છે. મારી સામાન્યતા કાં તો મારી માએ પકડી, કાં શાહ સાહેબે પકડી, અને મારી દીકરીએ પકડી. મારા પિતા તો આજે મૃત્યુ પામ્યા છે. મારી આવી સરસ કારકિર્દી જોવા એ હાજર નથી. મારી મા હવે જીવનને કિનારે છે, ઓછું સાંભળે છે, ઘણી વૃદ્ધ થઈ ગઈ છે પણ તેને શાહ સાથે ખૂબ જ બને છે. એ લોકો ઘણીવાર લાઇબ્રેરીમાં ભેગાં થઈ જાય છે અને મારી મા શાહનાં બહુ વખાણ કરે છે કે, ‘’તારો આ સિનિયર ગજબનો માણસ છે, મને ખૂબ ગમે છે. જ્યારે મને મળે છે ત્યારે તારાં ભરપેટ વખાણ કરે છે.’’ પણ મારી માની આંખમાં પેલો તિખારો ત્યારે પણ પ્રગટી જાય છે કે તું શાહ જેવો તો નથી જ નથી અને નથી ! પણ મારી માની આંખને હું ટાળવા પ્રયત્ન કરું છું, દીકરીની આંખને પણ ટાળવા પ્રયત્ન કરુ છું. આજે મને એ દુઃખ છે કે આ બધું કરવા માટે મેં કિશોરનો ઉપયોગ કર્યો છે. કિશોરને મેં શાહ વિરુદ્ધ ચડાવ્યો છે. અલબત્ત, મને એ પણ ખબર છે કે કિશોર આજે પણ શાહને એટલો જ ચાહે છે. પણ કિશોરને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને શાહને પછાડવામાં મેં કાંઈ જ બાકી રાખ્યું નથી… આજે હું મૃત્યુ ભણી છું, મને રોગ લાગુ પડ્યો છે મને એમ લાગે છે કે આ બધું જ કરવા છતાં હું શાહ સામે હારી ગયો છું. બધાની નજરમાંથી ઊતરી ગયો છું – ખાસ કરીને મારી જાત સામેની નજરમાંથી. એટલે મને એમ લાગે છે કે હવે હું આ જીરવી નહીં શકું. શાહ કાયમ વિદ્યાર્થીઓને ડાયરી લખવાનું કહેતો. મેં આ વાતની ઘણી મજાક કરી છે પણ આ વાત હવે મને સાચી લાગી એટલે મેં ડાયરી લખીને મારો અપરાધ ભાવ આજે કિશોર સમક્ષ પ્રગટ કર્યો છે. ખબર નથી, કિશોર વાંચશે કે નહીં. કદાચ કિશોર મને જે ચાહે છે એમાં ચોક્કસ ગાબડાં પડશે. પણ એ ગાબડાં પડ્યા હશે ત્યારે હું હાજર નહીં હોઉં. મેં નક્કી કર્યું છે કે હું મારી જાતને ગોળીઓ ખાઈને સમેટી લઈશ.
દવેની આખી વાત પૂરી થયા પછી કિશોર સ્તબ્ધ થઈ જાય છે અને એ પોતાની કાર સાહેબના ઘર તરફ દોડાવે છે. ત્યાં પહોંચીને, એના દીકરાને ધકેલીને અંદરના રૂમમાં જાય છે. દવે સાહેબ શાંતિથી સૂતા છે, મોઢા પર ફીણ આવી ગયું છે. બાજુમાં ગોળીની ડબ્બી પડી છે અને લગભગ ડબ્બી ખાલી થઈ ગયેલી છે. બે ત્રણ ગોળી બહાર ઢોળાઈ ગઈ છે. ઓહ ! તો દવે સાહેબ હવે નથી રહ્યા! કિશોર ઝડપથી તેનાં મોઢાનાં ફીણ લૂછી નાખે છે, એના પુત્ર પ્રકાશને અંદર બોલાવે છે અને કોઈને કળાવવા નથી દેતો કે સાહેબે આત્મહત્યા કરી છે. માત્ર એના પુત્ર પ્રકાશને કહે છે કે સાહેબે આત્મહત્યા કરી છે પણ આ વાત કોઈને કહેવાની નથી. ડાયરીની વાત પણ એ કોઇને કહેતો નથી.
દવેની સ્મશાનયાત્રા નીકળે છે. શાહ પણ ત્યાં હાજર છે. પ્રકાશ શાહ સાહેબને જોઈને તેને વળગી પડે છે, ત્યારે શાહના શબ્દો છે કે : ‘તારા પિતા ઘણા જ હોશિયાર વ્યક્તિ હતા. આપણે બધાએ એક સરસ વ્યક્તિ ગુમાવી છે. તું એને પગલે ચાલીને સરસ માણસ બનજે. એના જેવો જ હોશિયાર થજે.’ અને કિશોરને એક બાજુ બોલાવીને પૂછે છે, ‘સાચું કહેજે કિશોર, શું થયું છે? એણે ડાયરી લખી હતી?’ કિશોર સ્તબ્ધ થઈને પૂછે છે કે, ‘તમે અંતર્યામી છો સાહેબ?’ ત્યારે શાહ સાહેબ કહે છે કે, ‘ હું એના વ્યક્તિત્વને ઓળખું છું.’ એ કોઈ પાસે કબૂલે એવો નથી. પોતાનું સામાન્યપણું એ મનમાં જ લઈને જાય એવી એની પ્રકૃતિ હતી. મને ખાતરી છે કે એણે તને કશુંક લખાણ આપેલું હશે.’ કિશોર કબુલે છે કે, ‘ હા, એમણે મને ડાયરી આપી હતી અને મેં એ આખી રાત વાંચી.’ ‘ હા, તારી આંખમાં ઉજાગરો વંચાય છે. મને લાગે છે કે એણે આત્મહત્યા કરી હશે.’ શાહે કહ્યું. ‘મને ખબર છે કે એણે ઊંઘની ગોળી લીધી હશે. તકલીફ ભોગવે એવો માણસ એ નહોતો. ઝેરનો તો તરફડાટ અનુભવવો પડે. કદાચ ચીસ પણ પડાઈ જાય. પણ દવે કુમળો હતો. એણે ઊંઘની ગોળીઓ લીધી હશે. તુલનાત્મક રીતે એ સરળ માર્ગ જ અપનાવે.’ કિશોર આ પ્રાજ્ઞ પુરુષને જોઈ રહ્યો એ માનવ મનને કેટલી આરપાર જોઈ શકતા હતા !
શાહ સાહેબ દવેનું અંતિમ મૂલ્યાંકન કરતાં કહે છે, ‘કિશોર, દવે બુદ્ધિશાળી હતો. હોશિયાર હતો પણ પ્રમાદી હતો. બધું સરળતાથી મળે તેમ ઈચ્છતો હતો. એનું બાળપણ, અભ્યાસ સામાન્ય હશે એટલે તેનાં માતા- પિતા એનાથી નારાજ રહેતાં હતાં’ કિશોર પૂછે છે, ‘સાહેબ તમને કેવી રીતે ખબર?’ ત્યારે શાહે કહ્યું. ‘ એમના મા મને મળી જતાં ત્યારે એક બે વાર એણે મને આવી વાત કરેલી.’
‘ સર, તમને એણે બહુ હેરાન કરેલા નહીં?’
‘મને લાગે છે ડાયરીમા એણે મારી માફી માગી હશે.’
વિષાદ વચ્ચે પણ કિશોરથી હસી પડાયું. સર, ‘તમે ખરેખર જિનિયસ છો!’
‘જિનિયસપણાની વાત નથી પણ મને ખબર છે કે, એ જો મને રૂબરૂ મળ્યો હોત તો માફી ન માગી શક્યો હોત. એની એ પ્રકૃતિ જ નહોતી. પણ ડાયરીમાં એણે બધી બાબત લખી હશે.’
‘હા, સર.’
‘તો તો ખરા અર્થમાં એ પ્રામાણિક નીકળ્યો; શાહે કહ્યું. ‘
‘હું જાણું છું કે એ લઘુતાગ્રંથિથી પીડાતો હતો. હોશિયાર હોવા છતાં દેખાડી દેવાની વૃતિ એનામાં પડેલી હતી, આ વૃત્તિ માણસ પાસે કશું જ કરાવી નથી શકતી બલકે એને ઝેરીલો અને ઝનૂની બનાવે છે.’
‘સર, તમે કહો તો ખરા એણે તમને હેરાન કર્યા?’
‘બેટા, એને વહેમ હતો કે હું મને તેનાથી ચડિયાતો બતાવવા પ્રયત્ન કરતો હતો. મારી શાળામાં મારો પ્રભાવ હતો અને આ પ્રભાવે જ એને ગભરાવ્યો હતો. હકીકતમાં એ મારી હાજરીમાં પોતાની નબળાઈ અનુભવતો હતો.’
‘સર, એણે તમને આચાર્ય થવા પણ ન દીધા ને?’
‘ હા, મને વહેમ તો હતો જ. શાળાને ખોટ ન ગઈ. કારણ કે સ્ટાફ પણ મને ઇચ્છતો ન હતો કારણકે એ પણ આ જ પ્રકારની નબળાઈથી પીડાતો હતો.’
કૃતિને અંતે કિશોર શાહ સાહેબ પાસે દવેનું અંતિમ મૂલ્યાંક્ન ઇચ્છે છે ત્યારે શાહનો ઉત્તર છે તેમ: “ જગતમાં બે પ્રકારના લોકો હોય છે, એક સામાન્ય અને બીજા બુદ્ધિશાળી. સામાન્ય લોકો હંમેશાં સેકન્ડ રેટર હોય છે. તેમનામાં હોંશ ઘણી હોય છે પણ લાયકાત ન્યૂનતમ હોય છે પરિણામે એ હંમેશાં અકળાતા રહે છે. તેં તો આયન રેન્ડ વાંચી છે. એને મતે સેકન્ડ રેટર કદી પણ પ્રતિભાનાં જોરે આગળ આવી ન શકે. એણે આગળ આવવા માટે પ્રથમ કક્ષાના લોકોને નુકસાન પહોંચાડવું જ પડે.’
‘કિશોરથી પુછાઈ જવાય છે, જેમ તમને પહોંચાડ્યું નહીં?’
‘ના, પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ કક્ષાના લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. હા, બાહ્ય રીતે તમને કદાચ લાગે પણ બૌદ્ધિક સ્તરે કદી ન પહોંચી શકે. પ્રથમ કક્ષાના લોકો હંમેશાં આત્મ પ્રતિભા પર મુસ્તાક હોય છે. તેમની પ્રતિભાની મસ્તી જ એટલી જબરદસ્ત હોય છે કે બાહ્ય સિદ્ધિઓનું કોઈ મૂલ્ય એમને હોતું નથી અને બાહ્ય સિધ્ધિ સહજ રીતે મળે છે જેમ સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. અને કદાચ એ ન મળે તો પણ આ લોકોની આંતરિક રચનામાં કોઈ ફરક પડતો નથી. આ લોકો પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં જીવતા હોય છે.’
‘કોઈ અજ્ઞાત ઋષિથી માંડીને આચાર્ય વિનોબા હોય કે વિક્રમ સારાભાઈ, આવા લોકોએ જ જગતને ચલાવ્યું છે. આવા લોકો પ્રજ્ઞાવાન હોય છે અને સેકન્ડ રેટરોને આ ખૂંચે છે. એટલે એ લોકો બે કામ કરે છે – ડરપોક હોય તો નિંદા કરે છે અને આવડતવાળા હોય તો આડા આવવાનો પ્રયત્ન કરે છે. હિંમતવાન હોય તો બીજાની મદદથી આવા લોકો સામે લડે છે. આપણે ત્યાં દુર્યોધન જેવા લોકો આ પ્રકારના છે. યુધિષ્ઠિર કે ગાંધી થઈ ન શકાય પણ એમને ઉતારી પાડવા બહુ સહેલા છે. તેમની નિંદા કે વિરોધ કરી શકાય. દવે બુદ્ધિશાળી હતો. તે જાણતો હતો કે તે મારી કાંકરી પણ ખેરવી શકે તેમ નથી. એ ઈચ્છત તો કદાચ ઘણું બધું શીખી શકત પણ એ શીખી ન શક્યો એ એનું કમનસીબ હતું. દવે જેવા લોકોની હાલત કર્ણ જેવી છે – જ્ઞાન છે પણ એ પોતાની જાતને બદલાવી શકતા નથી. પોતાની પ્રતિભાનો એ દુરુપયોગ કરે છે.’
કિશોરને આ રીતે સમજાવ્યા પછી શાહ સાહેબ કિશોરની મનોદશા કિશોરને સમજાવતાં જણાવે છે ; ‘’ડાયરી વાચ્યા પછી તું આદર અને ધિક્કાર વચ્ચે ઝૂલતો હોઈશ. પણ તારા વિકાસમાં એનો ઘણો ફાળો છે. આજે તું જે છે તે એજ કારણે છે. એટલે જ આજે આ ડાયરી એ તને હચમચાવી નાખ્યો છે. શક્ય છે કે તને મારા પ્રત્યે આદર છે એટલે જ દવે પ્રત્યે તને ધિકકાર પ્રગટ્યો હશે. પણ ‘દોસ્ત બે વાત યાદ રાખ. વિવેકાનંદે કહ્યું છે કે બધું જ તેની જગ્યાએ બરાબર છે. એટલે તારે વિનોબાજીની વાત પણ યાદ રાખવાની કે ‘સાર લ્યો અને અસાર છોડો’. તને તો સરસ ફાયદો થઈ ગયો. એક બાજુ તેં એની મહત્વાકાંક્ષા સ્વીકારી અને બીજી બાજુ મારી વિચારશક્તિ. તારે શરમાવાની જરૂર નથી. તું આને કારણે ફર્સ્ટ રેટર બની શક્યો છે. તું દવે અને મારો સંગમ છો. માટે તું સંતુલિત છો. આળસને તે નકાર્યું છે. એટલે જ તારા દર્દીઓ સદભાગી છે. હવે આ ડાયરી ચૂપચાપ રાખી દેજે. પ્રકાશને ના આપજે. પુત્ર આગળ પિતાની પ્રતિમાને ખંડિત ન કરજે.
કિશોર પોતાને ઘેર જઇને બારીમાંથી જુએ છે તો આગલા દિવસે ચડેલી ફિલ્મ ‘શોલે’નું બોર્ડ ઉતરી ગયું હતું અને એની જગ્યાએ ડુબતી સ્ટીમરવાળું અંગ્રેજી પોસ્ટર ધરાવતું ‘ટાઇટેનિક’નું બોર્ડ લાગી ગયું હતું.
`સમગ્ર કૃતિ અંધકારથી પ્રકાશ ભણી ગતિ કરતી કૃતિ છે. પાત્રોને સર્જકે ખૂબ માવજતથી આકાર્યા છે. દવેની નકારાત્મકતાને પણ વાચકને ક્યાંય દુઃખ ન લાગે એ રીતે સ્વસ્થ કલમથી આલેખી છે. જેમ મહાકવિઓ પોતાના ખલનાયકને આકારે છે તેમ પૂરાં સમસંવેદન અને પૂરાં નિસબતથી.
કૃતિનું શીર્ષક ‘અંગદનો પગ’ અનેક આયામથી જોવા જેવું છે. પ્રતિભાશાળી લોકો હંમેશાં સ્થિર હોય છે. એને કોઈ ખસેડી શકતું નથી. કરુણતા એ વાતની છે કે જે ચરણોમાં માથું મૂકવાનું છે એને ખસેડવાનો સમાજ પ્રયત્ન કરે છે.
ડો. મોતીભાઇ પટેલ આ કૃતિને મૂલવતા નોંધે છે : ‘’ કિરણ દવે જેવા હજારો માટીપગા શિક્ષકો આ કૃતિ વાંચશે તો પોતાની જાતને તપાસવાની એને તક મળશે અને જ્યોતીન્દ્રો વાંચશે તો એને બળ મળશે. હા સંચાલકો તો આ વાંચવાની ધ્રુષ્ટતા જ નહીં કરે.’’
સાચા અર્થમાં આ કૃતિ અંગદનો પગ બનીને ગુજરાતી સાહિત્યમાં એનું સમર્થ સ્થાન પ્રસ્થાપિત કરી શકી છે. એની આવનારી ૨૦ મી આવૃત્તિ તેની સાક્ષી પૂરે છે. રાજ્ય સરકાર દ્વારા, જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા, અનેક વિદ્વાન સર્જકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, અધ્યાપકો દ્વારા આ કૃતિની થયેલી કદર એને અંગદનો પગ પ્રમાણિત કરે છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

સ્વભાવ વિશ્લેષણ કરતી રસપ્રદ વાર્તા.
સરયૂ પરીખ
LikeLike