ભારતમાં લોકસભાની ચૂંટણી ૧૯૫૧થી કરાવાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં લોકસભાની ૧૭ ચૂંટણી યોજાઈ ચૂકી છે. ભારતનું ચૂંટણીપંચ આનું આયોજન કરાવે છે.
દેશની પ્રથમ ચૂંટણી માત્ર ચૂંટણી નહોતી. કસોટીની મુશ્કેલ ઘડી હતી. વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું હતું. એવો દેશ કે જ્યાંની ૮૫% વસતીએ સ્કૂલ જોઇ પણ નહોતી. જ્યાં મહિલાઓની ઓળખ તેમના નહીં પણ પતિના નામથી થતી હતી. આવા દેશે તેની પ્રથમ સરકાર ચૂંટવાની હતી. આ મુશ્કેલ કામની જવાબદારી સુકુમાર સેનને મળી. દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઊભું કર્યું.

કુલ મતદારો ૧૭.૬ કરોડ હતા. આ એ લોકો હતા કે જેઓ ૨૧ વર્ષથી વધુ વયના હતા. પહેલી વાર આખા દેશમાં ઉંમર, જાતિના આધારે મતદારોનો ડેટાબેઝ તૈયાર થયો. દેશભરમાં અંદાજે ૧૬,૫૦૦ ક્લાર્કને ૬ મહિના માટે કોન્ટ્રાક્ટ પર રખાયા.
જે લોકોએ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું નહોતું તેમને મત આપવાનું સમજાવવું મુશ્કેલ કામ હતું. દેશનાં ૩ હજારથી વધુ થિયેટરોમાં ફિલ્મ દરમિયાન ડોક્યુમેન્ટ્રી બતાવાતી, જેમાં મત કેવી રીતે આપવો તે સમજાવાતું હતું.
બીજો મોટો સવાલ હતો કે મતદાર તેની પસંદનો ઉમેદવાર કેવી રીતે ચૂંટશે? તેનો ઉકેલ એવો નીકળ્યો કે દરેક ઉમેદવારની મતદાન પેટી અલગ હશે. મતદાર પેટી પર પક્ષનું પ્રતીક જોઇને પોતાનો મતપત્ર તેમાં નાખશે.
મહિલાઓ પડદામાં રહેતી. તેમની કોઇ ઓળખ નહોતી. એવામાં મતદારયાદીમાં નામ ઉમેરાયાં ત્યારે મહિલાઓનાં નામ કંઇક આ રીતે લખાયાં… રામુની મા, ઇમરાનની જોરુ… આવા ૨૮ લાખ નામ હટાવ્યા.
અભણ મતદારોને કેવી રીતે ખબર પડશે કે તેમનો ઉમેદવાર કોણ છે એ પણ એક મોટો પડકાર હતો. તેથી પક્ષોને ચૂંટણી પ્રતીક આપવાનો વિચાર આવ્યો. તમામ ૧૪ રાષ્ટ્રીય પક્ષોને પ્રતીક અપાયાં.
પ્રથમ ચૂંટણી ૪૫૦૦ બેઠક પર થઇ હતી. ૪૮૯ લોકસભાની, બાકીની રાજ્યોની સરકારોની.

પ્રથમ લોકસભા ચૂંટણી માટે ગોદરેજ કંપનીએ મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. આ કામ માટે કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. કુલ ૧૬ લાખ બેલેટ બોક્સ તૈયાર કર્યા હતા. એક બોક્સની કિંમત ૫ રૂ. હતી. રોજ ૧૫ હજાર બોક્સ બનતા.

બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં.
એક વ્યક્તિ એકથી વધુ વોટ ન આપી શકે તે માટે અવિલોપ્ય શાહી તૈયાર કરાઇ. પ્રથમ ચૂંટણીમાં આ શાહીની ૩,૮૯,૮૧૬ શીશી વપરાઇ હતી.
કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.
તે સમયની રાજ્યવ્યવસ્થામાં કિન્નોર સહિતના હિમાલીયન વિસ્તારોમાં ઠંડી અને હિમવર્ષાને ધ્યાનમાં રાખીને અગાઉથી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ત્યાં ૨૫ ઓક્ટોબર, ૧૯૫૧ ના રોજ મતદાન થયું હતું. તે સમયે પ્રથમ મતદાન કરવા કરીને, હિમાચલ પ્રદેશના કિન્નોરના રહેવાસી શ્યામ સરન નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. તેમણે તેમના જીવનકાળમાં ૩૩ વખત મતદાન કર્યું હતું. જેમાં તેમણે બેલેટ પેપરથી ઇવીએમનું જે પરિવર્તન આવ્યું તે પણ જોયુ હતુ.
વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત

ખૂબ રસપ્રદ અને ગૌરવપ્રદ અહેવાલ. સ્ત્રીઓને પણ સરખો હક્ક મળતો જોઈ આંખમાં આંસુ આવી ગયાં. સરયૂ પરીખ.
LikeLike