ફિર દેખો યારોં
બીરેન કોઠારી
“ઉડ્ડયનનાં સો વર્ષ અમારા માટે એક મોટી જવાબદારી સમાં બની રહ્યાં છે. કેમ કે, તમે ઈચ્છો છો કે આપણાં સંતાનો પણ આ સુંદર વિશ્વને નિહાળે, ખરું ને? આથી અમે આગામી સો વર્ષ લગી ઉડ્ડયનની સુધારણા માટે દિવસરાત મથી રહ્યા છીએ. આપણે સાથે મળીને જ એને સંભવ બનાવી શકીએ. આથી અમે તમને કંઈક પૂછવા માગીએ છીએ. વધુ જવાબદારીભર્યા ઉડ્ડયન માટે, શું તમારે રૂબરૂ મળવું જરૂરી છે? વિમાનને બદલે તમે ટ્રેનમાં જઈ શકો? અંગારવાયુના ઉત્સર્જનને સરભર કરવામાં તમે કંઈક પ્રદાન આપી શકો? કે હળવા સામાન સાથે મુસાફરી કરી શકો? વર્તમાન વિશ્વમાં સૌ પ્રથમ વ્યાપારી એરલાઈન તરીકે હવાઈયાત્રાના આપ સૌ મુસાફરોને અમે સાગમટે પ્રયત્નો માટે, વિશ્વને જાગ્રત કરવાની આપણી સહિયારી જવાબદારીમાં અમારી સાથે જોડાવા માટે આમંત્રીએ છીએ. આપણે સૌએ અવારનવાર હવાઈ મુસાફરી કરવાની થાય છે. પણ હવે પછી જવાબદારીભર્યા ઉડ્ડયન બાબતે વિચારજો.”
આવો શાણપણયુક્ત સંદેશ નેધરલેન્ડ્સની એરલાઈન ‘કે.એલ.એમ.’ દ્વારા, ૨૦૧૯માં તેના સો વર્ષ સંપન્ન કરવા નિમિત્તે બનાવાયેલી એક જાહેરાતમાં કહેવાયો હતો. આ જાહેરખબરમાં સ્વાભાવિકપણે જ ઊડતાં વિમાન બતાવાયાં છે, અને છેલ્લે એવું દર્શાવાયું છે કે આ જાહેરાત સાચાં વિમાનો બતાવીને નહીં, પણ કમ્પ્યુટરના પડદે આભાસી દૃશ્યો સર્જીને દેખાડાયાં છે. જાહેરખબરના અંતે એ મતલબનું લખાણ મૂકાયું છે કે આ ફિલ્મમાં વાસ્તવિક વિમાનોનો ઉપયોગ કરાયો નથી.
આ જાહેરખબરીય ઝુંબેશનું શિર્ષક હતું ‘ફ્લાય રિસ્પોન્સીબલી.’ (જવાબદારી સમજીને ઊડ્ડયન કરો) તેને અનુરૂપ વહેતો મૂકાયેલો સંદેશો જાણીને આનંદ થાય એવું છે. જાહેરખબરમાં જણાવાયેલી બાબતોને યથાતથ સાચી માની લેવાનું ભોળપણ કરનારાનું પ્રમાણ જૂજ હોય છે, છતાં એ હકીકત છે કે જાહેરખબર પ્રભાવ અવશ્ય છોડે છે. નેધરલેન્ડ્સની આ કંપનીને એ જ દેશની અદાલતે તેની આ જાહેરખબર ગેરમાર્ગે દોરતી હોવાનો માર્ચ, ૨૦૨૪માં ચૂકાદો આપવો પડ્યો છે. તેને લઈને આ કંપની સમાચારમાં ચમકી છે.
આખો ઘટનાક્રમ જાણવા જેવો છે. ૧૯૧૯માં આરંભાયેલી આ એરલાઈને ૨૦૧૯માં સો વર્ષ સંપન્ન કર્યાં. એ નિમિત્તે તેના દ્વારા તૈયાર કરાયેલી જાહેરખબરમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુ કોઈ એટલે કે એરલાઈન હિસ્સેદારો, ગ્રાહકો તેમજ કર્મચારીઓને આ ઉદ્યોગના ‘સસ્ટેનેબલ’ ઊકેલ વિકસાવવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાનું આહ્વાન કર્યું. ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ’નો અર્થ આમ તો સાતત્યપૂર્ણ વિકાસ થાય, પણ પર્યાવરણ સંદર્ભે તેનો અર્થ થાય છે ભાવિ પેઢીની જરૂરિયાત જોખમાય નહીં એ રીતે વર્તમાનની જરૂરિયાત પૂરી કરવી. આ શબ્દપ્રયોગ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ ચલણી છે. વૈશ્વિક સ્તરે થતા અંગારવાયુના ઉત્સર્જનનો ૨ ટકા હિસ્સો ઉડ્ડયનક્ષેત્રનો છે.
સામાન્ય રીતે વિવિધ સુવિધાઓ અને આકર્ષક ભાડાં દ્વારા ગ્રાહકોને આકર્ષતી એરલાઈનની જાહેરખબરની સામે કોઈ એરલાઈન પોતાના ગ્રાહકને જરૂર હોય તો જ વિમાની સેવાનો ઉપયોગ કરવાનું જણાવે ત્યારે સૌ પહેલાં તો તેનો જાહેરખબરનો અંદાજ અન્યોથી અલગ પડે છે, જે જાહેરખબરના ક્ષેત્રની મૂળભૂત જરૂરિયાત છે.

આમ તો, સાવ ‘નવિન’ દૃષ્ટિકોણથી પોતાની વાત મૂકવા બદલ જાહેરખબરની પ્રશંસા થાય, અને એ લોકોનું ધ્યાન આકર્ષે એટલે વાત પૂરી થઈ ગઈ ગણાય. પણ ૨૦૨૨માં આ જ દેશના ‘ફોસિલ ફ્રી’ નામના પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતા એક સંગઠને કે.એલ.એમ. સામે દાવો માંડ્યો અને જણાવ્યું કે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે. કોઈ કંપનીની જાહેરખબરમાં કહેણી અને વાસ્તવિક કરણી અલગ હોય એના માટે અંગ્રેજીમાં ‘ગ્રીનવૉશિંગ’ શબ્દ છે. પર્યાવરણની સુરક્ષા અને જાળવણી બાબતે મોટેમોટા દાવા કરાતા હોય, પણ વાસ્તવમાં કામ સાવ નહીંવત્ થઈ રહ્યું હોય એના માટે આ શબ્દપ્રયોગ ઉપયુક્ત છે. ‘ફોસિલ ફ્રી’ સંગઠને કે.એલ.એમ. આવું ‘ગ્રીનવૉશિંગ’કરી રહી હોવાનું દાવામાં જણાવ્યું હતું. બે વર્ષની અદાલતી કાર્યવાહી પછી આખરે અદાલતે કંપનીના દાવાને ‘ગેરમાર્ગે દોરનારો અને તેથી ગેરકાયદે’ હોવાનો ચૂકાદો આપ્યો. અદાલતે જણાવ્યું કે કંપનીએ આ દાવા દ્વારા વધુ પડતું ગુલાબી ચિત્ર ઉપસાવ્યું હતું.વાસ્તવમાં આવાં પગલાંથી પર્યાવરણ પર થતી વિપરીત અસરમાં મામૂલી ઘટાડો થાય છે, અને લોકોમાં એવી છાપ ઉપસે છે કે આ કંપનીના વિમાનમાં ઉડ્ડયન કરવું એટલે ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ’ની દિશામાં પગલું ભરવું.
સાદી ભાષામાં કહીએ તો આખરે તો આ ગ્રાહકોને આકર્ષવાના ગતકડાથી વિશેષ કંઈ નથી. સ્વાભાવિકપણે જ ‘ફોસિલ ફ્રી’ સંગઠનને આ ચુકાદાથી આનંદ થયો હોય અને તે એને મોટા પ્રદૂષક દ્વારા કરાતા ‘ગ્રીનવૉશિંગ’ પરનો વિજય ગણાવે. પણ ચુકાદાની સાથે સંકળાયેલી મહત્ત્વની બાબત એ છે કે અદાલતે આ સંગઠનને થયેલો તમામ ખર્ચ ભરપાઈ કરવાની સૂચના કંપનીને આપી હોવા છતાં કંપનીને બીજી કશી શિક્ષા કરી નથી.
કે.એલ.એમ.ને તો શૂળીનો ઘા સોયથી સર્યા જેવી સ્થિતિ છે. ચુકાદા પછીના નિવેદનમાં તેણે એવી જ શાણી વાતો કરી છે, જેવી અગાઉની જાહેરખબરમાં કરી હતી.
ઘરઆંગણે આપણા દેશમાં આવું જ કંઈક બન્યું છે, જેમાં કંપની અલગ છે, પણ અદાલતી કાર્યવાહી સમાન. બાબા રામદેવની કંપની ‘પતંજલિ’ દ્વારા કરાયેલો વિવિધ રોગ મટાડવાનો દાવો ‘જૂઠો અને ભ્રામક’ હોવાનું જણાવીને આપણી સર્વોચ્ચ અદાલતે કંપનીની ઝાટકણી કાઢી, પણ તેને કશી સજા ન કરી.
બેય કિસ્સે સરવાળે છેતરાવાનું ગ્રાહકોના ભાગે આવ્યું, જેમણે જે તે કંપનીના દાવામાં ભરોસો રાખીને તેની પાછળ નાણાં ખર્ચ્યા. આની સામે દલીલ એવી થઈ શકે કે ગ્રાહક પોતાનાં નાણાં આ નહીં તો બીજી કોઈ કંપની પાછળ ખર્ચત.
બેય મામલે આશ્વાસન એટલું કે અદાલતે આ કંપનીઓનો કાન આમળ્યો અને તેમના દાવાઓ જૂઠા હોવાનું ઉઘાડેછોગ જણાવ્યું. કોર્પોરેટ દૈત્યનો કોઈ કાન આમળી શકે છે એટલું આશ્વાસન ઓછું છે? ભલે ને તેનાથી કશો ફરક ન પડે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫– ૦૪ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
