સંવાદિતા
વિશ્વની દરેક ભાષાના કવિઓએ વસંતને પોતાના માહૌલ, સંસ્કૃતિ અને અને સંસ્કાર અનુસાર વિવિધ પ્રકારે બહેલાવી છે
ભગવાન થાવરાણી
વસંત પંચમીના વિષયે લખાયેલી કેટલીક કાવ્યકૃતિઓ ઉપર નજર ફેરવીએ.

કવિ કુલગુરુ કાલીદાસે વસંત સહિતની છ ઋતુઓ વિષે ‘ ઋતુસંહાર ‘ મહાકાવ્ય સંસ્કૃતમાં રચેલું. ગુજરાતીની વાત કરીએ તો સૌ પ્રથમ સાંભરે કવિ કાંતનું છેક ૧૯૨૩ માં લખાયેલું ખંડકાવ્ય ‘ વસંત વિજય ‘ . જો કે કાવ્ય મૂળભૂત રીતે મહાભારતના આદિ પર્વની એક ઘટના વર્ણવે છે પણ એમાં વસંતના નશીલા પ્રભાવ હેઠળ આત્મનિયંત્રણ ગુમાવતા રાજા પાંડુની વાત છે. એ પહેલાં નરસિંહ મેહતા પણ પોતાના પ્રભાતિયામાં ગાઈ ગયેલા :
આ ઋતુ રૂડી રે મારાં વહાલાં રૂડો વસંત
રૂડા તે વનમાં કેસૂડાં ફૂલ્યાં, રૂડો રાધાજીનો કંથ

કવિ ન્હાનાલાલે વસંતને ઋતુરાજ કહેલો. એમની ‘ વસંતોત્સવ ‘ કવિતા મશહૂર છે. કવિ સુંદરમે લખેલું ‘ મને ફાગણનું ફૂલ એક આપો ‘ તો એમની જ પેઢીના પ્રજારામ રાવળે કહ્યું ‘ શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી ‘ . કવિ ઉમાશંકર જોષીના એક કાવ્યસંગ્રહનું તો નામ જ ‘ વસંત વર્ષા ‘ છે. આદિલ મંસૂરી પોતાની વિખ્યાત ગઝલના એક શેરમાં લખે છે :
ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં
તારા જ રંગરૂપ વિષે વાત થઈ હશે ..
ઋષિકવિ રાજેન્દ્ર શુકલ એમના એક શેરમાં કહે છે :
અહો શ્વાસ મઘ્યે વસંતો મહોરી
ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી
તો મનોજ ખંડેરિયાની પંક્તિઓ ‘ ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના ‘ કોણે નથી વાંચી ? ર. પા. ના આ શેર વિષે પણ શું કહેવું !
શોધે છે શબ્દકોષમાં જે અર્થ વૃક્ષનો
તેઓ વસંત જેવા સભર હોય તો યે શું !
કાકાસાહેબ કાલેલકરે લખેલું ‘ જેની રહેણીકરણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતના રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. ‘
આશ્ચર્યજનક રીતે ઉર્દૂ કવિઓએ પણ વસંત વિષે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. કેટલાક શેર :
આયા બસંત ફૂલ ભી શોલોં મેં ઢલ ગએ
મૈં ચૂમને લગા તો મેરે હોંટ જલ ગએ
– કુમાર પાશી
પત્તે નહીં ચમન મેં ખડકતે તેરે બગૈર
કરતી હૈ ઈસ લિબાસ મેં હરદમ ફુગાં બસંત
(ફુગાં = ફરિયાદ, આર્તનાદ )
– ઈંશા અલ્લાહ ખાન ‘ ઈંશા ‘
કરતા હૈ બાગે દહર મેં નૈરંગિયાં બસંત
આયા હૈ લાખ રંગ મેં ઐ બાગબાં બસંત
( બાગે દહર = સૃષ્ટિરૂપી ઉપવન, નૈરંગિયાં = જાદૂ )
– મુનીર શિકોહાબાદી
શાયર અમીક હનફીની વસંત – વિષયક એક નઝ્મનો તરજુમો જોઈએ :
શહેરની દ્રષ્ટિનું ફલક વિસ્તરે
તો દિલમાં ઉતરે પલાશ ફૂલોની ઝાળ
શહેરની ઘ્રાણેંદ્રિય ખૂલે તો દખણાદી હવાની લહેરખીઓ
આંબા પર મોર આવ્યાની ખબર ફેલાવે
શહેરના કાનમાંથી ઘોંઘાટના દટ્ટા નીકળે
તો નસોને સ્પર્શે કોયલનો કેકારવ
શહેરની ચેતનામાંથી ધુમાડાના ગોટા વિખેરાય
તો પંચેન્દ્રિયના પરિસરમાં પણ પધારે વસંત..
સ્વીડીશ કવિ ગુન્નાર એકિલોફ વસંત વિષે વિષાદમય વાત કરે છે :
શરદ હો કે વસંત
શું ફરક પડે છે ?
યુવાની હો કે વૃદ્ધાવસ્થા
એનો શું અર્થ ?
ગમે તે હોય
થવાનું તો છે વિલુપ્ત
વિરાટની છાયામાં
આપણે લુપ્ત થઈએ
અત્યારે કે ઘડીક પહેલાં
કે હજાર વર્ષ અગાઉ
પરંતુ આપણું લુપ્ત થવું જ
રહે છે શેષ ..
અંકે પુન: ઉલ્લાસની દુનિયામાં પ્રવેશી કવિ અઝહર હાશમીની એક હિંદી વસંત – ગઝલ સાથે વિરમીએ :
રિશ્તોં મેં હો મિઠાસ તો સમજો વસંત હૈ
મન મેં ન હો ખટાસ તો સમજો વસંત હૈ
આંતોં મેં કિસી કે ભી ન હો ભૂખ સે એંઠન
રોટી હો સબ કે પાસ તો સમજો વસંત હૈ
દહશત સે રહી મૌન જો કિલકારિયાં ઉનકે
હોઠોં પે હો સુહાસ તો સમજો વસંત હૈ
ખુશહાલી ન સીમિત રહે કુછ ખાસ ઘરોં તક
જન – જન કા હો વિકાસ તો સમજો વસંત હૈ
સબ પેડ પૌધે અસ્લ મેં વન કા લિબાસ હૈં
છીનો ન યે લિબાસ તો સમજો વસંત હૈ ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

કવિ કાન્તનાં દીકરી નું નામ “વસંત” હતું,,
LikeLike