ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
વેદો અને પુરાણોમાં અનેક દેવીઓ અને દેવોના નામ/સ્વરૂપનો ઉલ્લેખ થયો છે. ઘણાં દેવી-દેવતાઓની વર્તમાનમાં પણ ઉપાસના થાય છે, અનેકના સ્વરૂપમાં પરિવર્તન આવી ગયું છે, જ્યારે અનેક કાળક્રમે ભૂલાઈ ગયા છે. સમાજમાં એકતા જળવાઈ રહે એ હેતુથી શ્રી આદિ શંકરાચાર્યે પંચાયતન પૂજા ઉપાસન સૂચવી જેનો સંદર્ભ ઘણાં પુરાણોમાં પણ છે. પંચાયતન પૂજામાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્યમાંથી કોઈ એક સ્વરૂપને મુખ્ય માની અન્ય સ્વરૂપો સહિતની પૂજા હોય છે.
વર્તમાનમાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ, હનુમાન, કાર્તિકેય ઉપાસના સહુથી વધુ પ્રચલિત છે. પરંતુ, સનાતની વૈદિક પરંપરામાં તેત્રીસ કોટિ દેવોની ઉપાસના સ્વીકારાઈ છે. જો કે, ૩૩ કોટીનું અર્થઘટન ૩૩ કરોડ કરીને સનાતન ધર્મને હિન દેખાડવાનો પ્રયત્ન પણ થતો હોય છે. આપણે ૩૩ કોટિ દેવોને બૃહદારણ્યક ઉપનિષદ્ અને અન્ય ગ્રંથોના સંદર્ભ અન્વયે જાણવા પ્રયત્ન કરીએ.
બૃહદારણ્યક
અધ્યાય ૧ બ્રાહ્મણ ૫ મંત્ર ૧૪: એ સંવત્સર જ પ્રજાપતિ છે જેની સોળ કલાઓ છે. પંદર રાત્રીઓ અને એક નિત્ય.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૨: ૩૦,૩૩,૦૦૩ અથવા ૩૩૦૬ (સંસ્કૃત આંકડાનું અર્થઘટન ચોક્કસ નથી) દેવતાઓની વિભૂતિઓ છે. દેવગણ માત્ર તેત્રીસ છે – અષ્ટ વસુ, એકાદશ રુદ્ર, દ્વાદશ આદિત્ય, ઇન્દ્ર, પ્રજાપતિ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૩: અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, દ્યુલોક (વાતાવરણ), ચંદ્ર, નક્ષત્ર – જેમાં સર્વે સમાયેલું છે એ આઠ વસુઓ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૪: પુરુષમાં રહેલાં દશ પ્રાણ (ઇન્દ્રિયો) અને આત્મા – જે મૃત્યુ સમયે શરીરમાંથી નીકળે છે અને પ્રિયજનોને રડાવે છે એ અગિયાર રુદ્ર.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૫: વર્ષના બાર મહિના આદિત્ય છે જે સર્વેને સાથે લઈને ચાલતા રહે છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૬: ગર્જનશીલ મેઘ કે વિદ્યુત ઇન્દ્ર છે. યજ્ઞ એટલે કે પશુ એ પ્રજાપતિ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૭: પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, દ્યૌ (વાતાવરણ), આદિત્ય – એ છ દેવગણ છે, એ જ સર્વ કાંઈ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૮-૯: સમસ્ત દેવગણ જ્યાં નિવાસ કરે છે એ ત્રણ લોક જ ત્રણ દેવતા છે. અન્ન અને પ્રાણ બે દેવતા છે. જે વહે છે એ વાયુ દોઢ દેવતા છે. પ્રાણ જ એક દેવતા છે, એ જ બ્રહ્મ છે અને એને જ તત્ કહે છે.
શતપથ બ્રાહ્મણમાં આઠ વસુઓ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, સ્વર્ગ (દ્યૌ), પૃથ્વી અને પ્રજાપતિ એમ ચોત્રીસ દેવતા છે.
ઐતરેય બ્રાહ્મણ:
વ્યક્તિરૂપ દેવ: ઇન્દ્ર (શક્ર), વરુણ, મિત્ર, અર્યમાન, ભગ, અંશ, વિધાતા (યમ), ત્વષ્ટા, પૂષન્, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ (ધાતૃ), વિષ્ણુ
આંતરિક દેવ: આનંદ, વિજ્ઞાન, મનસ્, પ્રાણ, વાક્, આત્મા, પાંચ રુદ્ર – ઇશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત
પ્રાકૃતિક દેવ: પૃથ્વી, અગ્નિ, અંતરિક્ષ, જળ, વાયુ, દ્યૌ, સૂર્ય, નક્ષત્ર, સોમ
સર્જક દેવ: વષટ્કાર, પ્રજાપતિ
રામાયણ અને મહાભારત કે વિવિધ પુરાણો પ્રમાણે અદિતી અને કશ્યપના સંતાનો એવા આ તેત્રીસ દેવો છે. એ આઠ વસુઓ ધરા(પૃથ્વી), આપ (જળ), અગ્નિ, અનિલ (વાયુ), પ્રત્યુષ (સૂર્ય), પ્રભાસ (આકાશ), સોમ (ચંદ્ર), ધ્રુવ (ઉત્તરનો સ્થિર તારો) છે. બૃહદારણ્યકથી ભિન્ન મત પ્રમાણે, આ ગ્રંથોમાં બે અશ્વિનીકુમારો ઇન્દ્ર અને પ્રજાપતિને બદલે હોય છે. અમુક સંદર્ભમાં ૧૨ આદિત્યોના નામ – ઇન્દ્ર, અર્યમાન, ત્વષ્ટ્ર, વરુણ, ભગ, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ, અંશ, મિત્ર, પૂષન્, દક્ષ, વિષ્ણુ; એ પ્રમાણે હોય છે. ૧૧ રુદ્રના નામ – અજ, એકપદ, અહિર્બુધ્ન્ય, ત્વષ્ટા, રુદ્ર, હર, શંભુ, ત્ર્યંબક, અપરાજિત, ઇશાન, ત્રિભુવન હોય છે. અશ્વિનીકુમારો સૂર્ય અને સંજ્ઞાના પુત્રો છે.
વિવિધ સંદર્ભો જોતાં એવું લાગે છે કે, દેવતાઓ માત્ર ૩૩ કે ૩૪ જ છે પરંતુ તેમના નામ અને ચોક્કસ નિરૂપણ અંગે મતભેદ છે. એવું માની શકાય કે મૂળભૂત વૈદિક દેવો એ જે-તે પ્રાકૃતિક શક્તિ કે બળનું નિરૂપણ હતાં અને કાળક્રમે મૂળ સંદર્ભ ભુલાઈ ગયો. પુરાણોમાં વિવિધ વાર્તાઓ રૂપે એ દેવોને સાચવી લેવામાં આવ્યાં જેથી જનસામાન્ય તેમને ભૂલી ના જાય. મૂળ સનાતન ધર્મ પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય સાધી વૈશ્વિક ચેતના સાથે એકરૂપ થવાની વિવિધ પદ્ધતિઓ ધરાવતો હતો જેનો નિર્દેશ વેદોમાં છે.
દૃષ્ટિ હવે આકાશ પ્રત્યે માંડીએ અને ૨૭/૨૮ નક્ષત્રોને ભિન્ન પરિપ્રેક્ષ્યમા જોવા પ્રયત્ન કરીએ. સર્વે નક્ષત્ર દક્ષ પ્રજાપતિની પુત્રીઓ અને ચંદ્રની પત્ની છે.
| નક્ષત્ર | દેવ | ગ્રહ | આકાર | રાશિ | તારો |
| અશ્વિની/અશ્વયુજ | અશ્વિનીકુમારો | કેતુ | અશ્વ | મેષ | Seratan/Beta, Gamma Arietis |
| ભરણી (ધારક) | યમ/ધર્મ | શુક્ર | યોનિ | મેષ | 35, 39, 41 Arietis |
| કૃત્તિકા/કાર્તિકા (છેદન કરનાર) | અગ્નિ | સૂર્ય | છરી/ભાલો | મેષ, વૃષભ | Pleiades |
| રોહિણી (રક્તિમ) | પ્રજાપતિ/બ્રહ્મા | ચંદ્ર | રથ/મંદિર/વડ | વૃષભ | Aldebaran |
| મૃગશિર્ષ | સોમ | મંગળ | હરણનું માથું | વૃષભ, મિથુન | Meissa/Lambada, Phi Orionis |
| આર્દ્રા (ભીંજાયેલું) | રુદ્ર | રાહુ | આંસુ/હીરો/મનુષ્ય મસ્તક | મિથુન | Betelguese |
| પુનર્વસુ (ધર્મના પુનઃસ્થાપક) | અદિતી | ગુરુ | ધનુષ, બાણ | મિથુન, કર્ક | Castor, Pollux |
| પુષ્ય (તિષ્ય, પોષક) | બૃહસ્પતિ | શનિ | ગાયનું આંચળ/કમળ/બાણ/વર્તુળ | કર્ક | Gamma, Delta, Theta Cancri |
| આશ્લેષા (વીંટળાયેલું) | સર્પ/નાગ/રાહુ | બુધ | સર્પ | કર્ક | Delta, Epsilon, Eta, Rho, Sigma Hydrae |
| મઘા (ઐશ્વર્યવાન) | પિતૃ | કેતુ | રાજવી સિંહાસન | સિંહ | Regulus |
| પૂર્વ ફાલ્ગુની (પ્રથમ રક્તિમ) | અર્યમાન | શુક્ર | અંજીર વૃક્ષ/પારણું/પલંગના પાયા | સિંહ | Delta, Theta Leonis |
| ઉત્તર ફાલ્ગુની (અન્ય રક્તિમ) | ભગ | સૂર્ય | પારણું/પલંગના પાયા | સિંહ, કન્યા | Denebola |
| હસ્ત (હાથ) | સવિત્રુ | ચંદ્ર | મુઠ્ઠી | કન્યા | Alpha, Beta, Gamma, Delta Corvi |
| ચિત્રા (તેજસ્વી) | ત્વષ્ટા/વિશ્વકર્મા | મંગળ | પ્રકાશિત રત્નો/મોતિ | કન્યા, તુલા | Spica |
| સ્વાતિ (અતિ શુભ) | વાયુ | રાહુ | પરવાળું/છોડની ડાળ | તુલા | Arcturus |
| વિશાખા (શાખાઓ વાળું) | ઇન્દ્ર, અગ્નિ | ગુરુ | કુંભારનો ચાકડો/કીર્તિ તોરણ | વૃશ્ચિક | Alpha, Beta, Gamma, Iota Librae |
| અનુરાધા (ઇન્દ્રને અનુસરનાર) | મિત્ર | શનિ | કીર્તિ તોરણ/કમળ/વાંસ | વૃશ્ચિક | Beta, Delta, Pi Scorpionis |
| જ્યેષ્ઠા (અગ્રજ શ્રેષ્ઠ, વડીલ) | ઇન્દ્ર | બુધ | છત્ર/કુંડળ | વૃશ્ચિક | Alpha, Sigma, Tau Scorpionis |
| મૂલ | નિરુતિ/વરુણ | કેતુ | મૂળની ઝૂડી/હાથી માટે અંકુશ | ધનુ | Epsilon, Zeta, Eta, Theta, Kappa, Lambada, Mu, Nu Scorpionis |
| પૂર્વ આષાઢા (પ્રથમ અપરાજિત) | આપ: (જળ) | શુક્ર | હાથીદાંત/પંખો/શકોરું | ધનુ | Delta, Epsilon Sagittarii |
| ઉત્તર આષાઢા (અન્ય અપરાજિત) | વિશ્વેદેવ/બ્રહ્મા | સૂર્ય | હાથીદાંત/નાની શૈયા | મકર | Zeta, Sigma Sagittarii |
| અભિજીત (વિજેતા) [1] | બ્રહ્મા | ગુરુ | વીણા/કમંડળ | મકર | Lyrae |
| શ્રવણ | વિષ્ણુ | ચંદ્ર | કાન/ત્રણ પગલાં | મકર | Alpha, Beta, Gamma Aquilae |
| ધનિષ્ઠા (પ્રખ્યાત)/શ્રવિષ્ઠા (અતિ ઝડપી) | અષ્ટ વસુ | મંગળ | વાંસળી/ડમરું | મકર, કુંભ | Alpha, Beta, Gamma, Delta Delphini |
| શતભિષા (સો ઔષધિઓ યુક્ત) | વરુણ | રાહુ | વર્તુળનો પરિઘ/પુષ્પ ગુચ્છ | કુંભ | Gamma Aquarii |
| પૂર્વ ભાદ્રપદા (પ્રથમ શુભ પગલું) | એકપદ શિવ/નાગ | ગુરુ | બે તલવાર/દ્વિમુખી પુરુષ/ ઠાઠડીના આગળના બે પાયા | કુંભ, મીન | Alpha, Beta Pegasi |
| ઉત્તર ભાદ્રપદા (અન્ય શુભ પગલું) | અહિર્બુધ્ન્ય/વાસુકિ | શનિ | જોડકાં/જળ સર્પ/ઠાઠડીના પાછલા બે પાયા | મીન | Gamma Pegasi, Alpha Andromedae |
| રેવતિ (ઐશ્વર્યવાન) | પૂષન્ | બુધ | મીન જોડકું/ડમરું | મીન | Zeta Piscium |
પ્રત્યેક નક્ષત્રના નામકરણ માટે ચોક્કસ તર્ક છે. જેમ કે, આકાશગંગાનું કેન્દ્ર મૂળ નક્ષત્રમાં છે. જ્યેષ્ઠા નક્ષત્રનો તારો Antares દ્રશ્ય આકાશનો સહુથી મોટા તારાઓમાંનો એક છે, જાણે કે સર્વેનો વડીલ. સ્વાતિ નક્ષત્રનો તારો Arcturus રક્તિમ-વિરાટ Red Giant છે, એટલે જાણે છીપમાં રહેલું મોતિ હોય એવો છે. પ્રત્યેક નક્ષત્રનો આકાર કોઈ દેવી કે દેવતાનું આયુધ હોય એવો જણાય છે. એ વિષેની ચર્ચા અન્ય લેખમાં કરીશું.
હાલ તો નક્ષત્રોનો ઉલ્લેખ કરવા પાછળ મારો એક જ હેતુ છે. સર્વે અવકાશી આકારો પણ દેવ-દેવીનું નિરૂપણ છે. વેદોની ઘણી કથાઓમાં ખગોળીય સંદર્ભ છે જે પરથી આપણને વૈદિક દેવો અંગે અછડતો નિર્દેશ સાંપડે છે. વસિષ્ઠ અને અગસ્ત્ય મિત્રાવરુણ અને ઊર્વશીના સંતાનો છે જેમનો જન્મ કુંભમાં થયો હતો, એવી કથા ઋગ્વેદમાં છે. શતભિષાના દેવતા વરુણ અને રાશિ કુંભ છે. પૂર્વ આષાઢાના દેવતા આપ: (જળ) છે અને અપ્સરા જળમાંથી જન્મેલી કહેવાય છે. અનુરાધાના દેવ મિત્ર છે. વસિષ્ઠ ઉત્તર ધ્રુવ પાસેના સપ્તર્ષિ મંડળમાં રહેલો તારો Mizar છે. અગસ્ત્ય દક્ષિણમાં આવેલા ગ્રીક નક્ષત્ર Carinaમાં આવેલો તારો Canopus છે. અગસ્ત્ય તારો આશરે ૫૨૦૦BCE થી વિંધ્યાચળથી ઉત્તરના વિસ્તાર સુધી દેખાતો થયો છે. ૨૫-૨૭,૦૦૦ વર્ષનું ચક્ર લેતાં લગભગ ૧૯,૮૦૦-૨૧,૮૦૦ વર્ષ પહેલાં એ તારો વિંધ્યાચળથી ઉત્તર દિશામાં દેખાવો બંધ થયો હતો, જે અગસ્ત્ય ઋષિના વિંધ્યથી દક્ષિણ ગમનની વાર્તા સાથે સુસંગત છે.
દેવી કવચમાં માતૃકાઓનું તેમના વાહન સાથે વર્ણન આવે છે. બ્રહ્મચારિણી હંસ પર આરુઢ હોય છે. Cygnus ગ્રીક નક્ષત્રનો આકાર હંસ જેવો છે જે ધનુ રાશિ જોડે છે. એની બાજુમાં Lyrae એટલે કે વીણા/કમંડલ નક્ષત્ર છે. ધનુ રાશિના નક્ષત્ર ઉત્તર આષાઢાના દેવ બ્રહ્મા છે. આપણે અહિ બ્રહ્મા અને સરસ્વતીનું યુગ્મ પણ જોઈ શકીએ છીએ.
સંપૂર્ણ છણાવટ કરવા માટે એક પુસ્તક જેટલી ચર્ચા કરવી પડે. એટલે આ લેખ પૂરતું અહિ અટકીએ.
|| ૐ તત્ સત્ ||
[1] *** આધુનિક જ્યોતિષમાં અભિજીત સ્વતંત્ર નક્ષત્ર તરીકે ગણાતું નથી.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
