સંવાદિતા

સંબંધોની વૈદિક વ્યાખ્યા અનુસાર પિતાને કારક અને માતાને ધારક તત્વરૂપે માનવામાં આવે છે

ભગવાન થાવરાણી

ભારતીય ભાષાઓના સાહિત્યમાં જેટલી કૃતિઓ મા અને માતૃવંદના વિષે લખાઈ છે એથી ઘણી ઓછી પિતા વિષે મળે છે. કદાચ માતા વિષેના સાહિત્યના બોજ હેઠળ જે થોડું ઘણું લખાયું એ પણ ઢંકાઈ ગયું છે.
પિતા વિષયક રચનાઓ શોધવા ગુજરાતી ભાષા ભણી નજર માંડીએ તો સૌ પ્રથમ કવિ ન્હાનાલાલે પિતા દલપતરામ વિષે રચેલું પિતૃ-ચરિત્ર સાંભરે. આ સિવાય મારી સ્મૃતિમાં જે આવે છે તે છે કવિ ચિનુ મોદી, ઉદયન ઠક્કર, મણિલાલ હ પટેલ, જયદેવ શુક્લ અને રમણીક અગ્રાવતની કેટલીક કૃતિઓ. હા, અહીં ચર્ચા કરી છે તે બીજા હિંદી સંપાદનમાં આપણા કવિઓ ગુલામ મોહમ્મદ શેખ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર પટેલ અને પિયુષ ઠક્કરની પિતા અંગેની કવિતાઓના હિંદી અનુવાદો પણ છે. આ સિવાય પણ હશે જ. મારી સ્મૃતિ અને જ્ઞાન ઊણા ઉતરે. એ વિષયને સંભારીએ ત્યારે ફ્રાંઝ કાફ્કાએ પોતાના પિતાને ‘ આદરપૂર્વક ‘ લખેલો પત્ર પણ યાદ આવ્યા વિના રહે નહીં જેમાં એમણે પિતાએ એમના ચરિત્ર – નિર્માણમાં જે નકારાત્મક ભાગ ભજવ્યો એનું કડવાશભર્યું ચિત્રણ છે.
હિંદી ભાષાનું પિતા વિષયક સાહિત્યનું ફલક એ રીતે ઘણું વિશાળ છે. હિંદી સાહિત્યના અભ્યાસુઓ કવિ સૂર્યકાંત ત્રિપાઠીનું ‘ સરોજ – સ્મૃતિ ‘ નહીં ભૂલ્યા હોય . આ સિવાય પણ અનેક કવિ લેખકોએ દરેક કાલખંડમાં પિતા વિષે વિપુલ ખાસ્સું લખ્યું છે. આ પ્રવાહ આજે પણ ચાલુ છે. તાજેતરમાં પિતાવિષયક કવિતાઓના બે હિંદી સંગ્રહોમાંથી પસાર થવાનું બન્યું. પહેલો છે કુમાર અનુપમ નામે હિંદી કવિ, ચિત્રકાર અને કલા સમીક્ષક દ્વારા સંપાદિત અને ૨૦૧૯માં પ્રકાશિત ‘ પ્રેમ પિતા કા દિખાઈ નહીં દેતા ‘. ચારસોક પાનાના આ વિલક્ષણ સંપાદનમાં હિંદીભાષી ૧૪૨ કવિઓ દ્વારા રચિત ૧૯૨ કવિતાઓ સમાવિષ્ટ છે. નિરાલા અને માખનલાલ ચતુર્વેદીથી માંડીને સૌરભ અનંત અને જ્યોતિ દેશમુખ જેવા અર્વાચીનોની કવિતાઓનો સમાવેશ કરતા આ સંગ્રહની બધી કવિતાઓમાં પિતા કેન્દ્રસ્થાને છે. અહીં ભાવનાઓનું ભાતીગળ વૈવિધ્ય તો ખરું જ, સાથે આશ્વસ્તિ, શ્રદ્ધા, રાગ, કરુણા, આસ્થા, ફરિયાદ, વેદના અને મૂંઝવણ – બધા જ રંગ છે. ભારતીય પારિવારિક માળખાનો આંતરિક વણાટ, એનો જાતિબોધ, પેઢીઓના અંતર સાથે જોડાયેલા સંદર્ભો – બધું જ અહીં અનુભવી શકાય છે. આ સંગ્રહમાંની એક કવિતાનો ગુજરાતી અનુવાદ જોઈએ :
                     : પિતાનો ફોટો :
પિતાના નાના મોટા ઘણા ફોટા ઘરમાં વિખરાયેલા પડ્યા છે
એમની આંખોમાં કોઈક પારદર્શક ચીજ સ્પષ્ટ ચમકે છે
એ સારપ છે અથવા સાહસ
ફોટામાં પિતા ખાંસતા નથી
વ્યાકુળ નથી થતા
એમના હાથપગ દુખતા નથી
એ નમતા નથી, સમાધાનો કરતા નથી
એક દિવસ પિતા એમના એમના ફોટાની પડખે ઊભા રહી
જાણે મને સમજાવવા લાગે છે
જેમ શિક્ષક વિદ્યાર્થીઓને નકશો સમજાવે
પિતા કહે છે
હું મારા ફોટામાં દેખાઉં છું એવો રહ્યો નથી
પરંતુ મેં જે નવા ઓરડા ઉમેર્યા છે
આ જૂના મકાનમાં
એ તું રાખી લેજે
મારી સારપ રાખી લે
એ બુરાઈઓ સામે ઝઝૂમવા
જે તને રસ્તામાં મળશે
મારી ઊંઘ નહીં, સપના લઈ લે
હું ચિંતાતુર, વ્યાકુળ થઈ જાઉં છું
ઝુકી જાઉં છું, સમાધાનો કરું છું
હાથપગની પીડાથી કણસું છું
પિતાની જેમ ખાંસું છું
પિતાને ફોટામાં તાકતો રહું છું ..
– મંગલેશ ડબરાલ
બીજું સંપાદન ૨૦૨૨માં આવ્યું છે, સતીષ નૂતન દ્વારા સંપાદિત, નામે ‘ અંધેરે મેં પિતા કી આવાઝ ‘. અહીં પણ કવિતાઓ તો પિતા વિષયક પરંતુ હિંદી સહિત વીસ ભારતીય ભાષાઓની અને હિંદીમાં અનુદિત. કુલ ૧૨૫ કવિઓ અને લગભગ એટલી જ રચનાઓ.
અહીં પણ પિતૃ-તર્પણ, પિતૃવંદના તો ખરી જ, કેટલીક કવિતાઓમાં પિતા પ્રત્યેનો ઘોર આક્રોશ અને ક્યાંક તો તિરસ્કાર પણ વ્યક્ત થાય છે. સંપાદન ત્રણસોક પાનાનું. આ સંગ્રહની એક કવિતા :
                 :  પિતા માટે :
 
ક્યાં આપી શક્યો એટલો પ્રેમ
પોતાના બાળકોને
જેટલો પામ્યો હું
પોતાના પિતા પાસેથી
ક્યાં આપી શક્યો
એટલી સવાર
એટલી સાંજ
એટલો સમય
જેટલો મળ્યો મને
પિતા તરફથી
ક્યાં આપી શક્યો
એટલી ભાષા
એટલું મૌન
એટલી હિંમત
પોતાના સંતાનોને
જેટલી મળી મને
પોતાના પિતા પાસેથી
દુખ અને અભાવના દિવસોમાં
જોતો જ રહેતો
પિતાનો અભિનય
ક્યાં શીખી શક્યો
એમની પાસેથી આ કળા
પોતાના બાળકો માટે
અને હા, 
એટલો ભરોસો પણ ક્યાં મૂકી શક્યો
પોતાના બાળકો પર
જે ભરોસો
પિતાએ મૂક્યો
મારા પર..
– મણિ મોહન

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.