પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ
ગિલ્બર્ટ હિલ તરીકે આજે પણ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાંની ધરતીનો ટેકરો સંઘરી બેઠેલું મુંબઇ,
આજથી માંડ સાડા ત્રણસો વર્ષ પહેલાં મુંબઇ સાત ટાપુઓમાં વહેંચાયેલું અને કોળી માછીમારોની વસતી ધરાવતું હતું. જળમાર્ગે વ્યાપાર વધ્યો એમ વિદેશની ધરતી સાથે સીધું જોડાણ ધરાવતા મુંબઇનું મહત્વ વધ્યું. ત્યાર બાદ દેશભરમાંથી ખાસ કરીને વ્યાપારી પ્રજા મુંબઇમાં આવ્યા બાદ અન્ય લોકો પણ મુંબઇમાં સ્થાયી થતા ગયા.સમય જતાં તે ભારતના આર્થિક પાટનગર તરીકે ઓળખાયું. આજે પણ ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાને રહેલા મુંબઇનો ભૂતકાળ ઘણો રોચક છે.આ પુસ્તકના લેખકની તે માતૃભૂમિ હોવાથી ખાસ લગાવને કારણે તેના ભૂતકાળ વિશે ખણખોદ કરતાં તેમને ઘણી રોચક બાબતો નજર સામે આવી. આ માહિતીના આધારે તેમણે ગુજરાતી દૈનિક ʻમિડ-ડેʼમાં અઠવાડીક કૉલમ શરૂ કરી. કવિ નીરંજન ભગતના કાવ્ય ʻચલ મન મુંબઇ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!ʼ પરથી કટારનું નામ આપ્યું-ʻચલ મન મુંબઇનગરી.ʼપુરાતન મુંબઇની સેર કરાવતી આ લેખમાળા ઘણો લાંબો વખત ચાલી. મુંબઇનો બૃહદ ઇતિહાસ આવરતા લેખોમાંથી કુલ 74 લેખો ચૂંટીને એ કટારના નામે જ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું.
પુસ્તકમાં મુંબઇના મુખ્ય રસ્તાથી માંડી ગલીકૂંચીઓ, રસ્તામાં આવતી મહત્વની ઇમારતો અને અને જે-તે વિસ્તારોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કોઇ ખાસ કથા કે પ્રસંગ, સ્થળનું નામકરણ અને આજની સ્થિતિ વગેરે જેવી વિવિધ બાબતોને આવરી લેતી માહિતી છે. એક સમયે ત્યાં રહી ચૂક્યા હોવાથી પુરાણા મુંબઇની ચાલી, પોળ કે બંગલાનાં વર્ણનો, ઘણી જગ્યાએ વ્યક્તિના નામજોગા ઉલ્લેખ સાથે ઘર તથા ઘરના રાચરચીલાનાં વર્ણનો દ્વારા લેખકે એ રીતે માહિતી પીરસી છે કે વાચકને એવું જ લાગે કે લેખક ગાઇડ બનીને મુંબઇની સેર કરાવે છે.
કોઇ પણ ગામ કે શહેરનો વિકાસ એટલે રોજગારીની તકો, સામાજિક માળખું, ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિ, પરિવહન વગેરે. મુંબઇના કિસ્સામાં લેખકે કિલ્લો, કોર્ટ, પોલિસથાણું, ટંકશાળ, કોટન મિલ વગેરે બંધાયા તથા પરિવહન ક્ષેત્રે મોટર, ટ્રામ અને રેલ્વે આવી; છાપકામની સાથે પાઠ્યપુસ્તકો અને છાપાં આવ્યા;તેની સાથે શિક્ષણ અને શિક્ષણપદ્ધતિ બદલાઇ આ દરેક બાબતોની તલસ્પર્શી માહિતી આવરી લીધી છે. આ બાબતોમાં એટલું ઝીણું કંતાયું છે કે સરકારી ચોપડે દર્જ પહેલી ફાંસી અને પહેલા હુલ્લડની જાણકારી પણ વાંચવા મળે છે.
આજે માન્યામાં ન આવે એવો એક કિસ્સો પુસ્તકમાં નોંધાયો છે કે મુંબઇની પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના સમયે માત્ર ʻHeʼનો ઉલ્લેખ હોવાથી એક પોસ્ટમાસ્તરની દિકરીને મેટ્રીકની પરીક્ષાની પરવાનગી નહોતી અપાઇ અને ખાસ્સાં 8 વર્ષે એ કાયદામાં સુધારો થયો હતો!આ કિસ્સા સાથે ફક્ત સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવેલાં પહેલાં માસિક ʻસ્ત્રીબોધʼ અને તેને લોકપ્રિય તથા લોકભોગ્ય બનાવવાના પ્રયાસો વગેરે વિશે ઘણી સરસ જાણકારી સાંપડે છે.
વેપારઉદ્યોગના વિકાસ સાથે મુંબઇમાં પહેલવહેલા નાટકની ભજવણી, ઉપરાંત ગાયન, વાદન વગેરેને સાંકળતી કથાઓ પણ વાંચવા મળે છે.તેમાં હિંદી ફિલ્મોના રસપ્રદ ઇતિહાસ, મેટ્રો સિનેમા, ભારતીય સિનેમાનાં પહેલાં બોલપટ આલમઆરાથી શરૂઆત કરનાર મેજેસ્ટીક સિનેમા તથા ફિલ્મ સંગીત સાથે સંકળાયેલી HMV, કોલંબિયા, યંગ ઇન્ડિયા કે ગ્રામોફોન કંપનીઓનો રોચક ઇતિહાસ પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે.
આવી રોચક કથાઓમાં એક કથા મુંબઇના પહેલવહેલા જહાજવાડાના નિર્માણની, જહાજ બનાવનાર કારીગર લવજી નસરવાનજી વાડિયાની અને ઐતિહાસિક જહાજોની છે. આ જહાજવાડામાં તૈયાર થયેલું HMS ત્રિન્કોમાલી આજે પણ બ્રિટનના દરિયામાં તરે છે. એ ઉપરાંત HMS કોર્નવોલિસ બ્રિટન તરફથી ચીન વિરુદ્ધ યુદ્ધમાં ઉતર્યું હતું; તો અંગ્રેજો- અમેરિકનો વચ્ચેના યુદ્ધમાં ભાગ લેનાર HMS મિન્ડેન પર તો અમેરિકાના રાષ્ટ્રગીતનું નિર્માણ થયું હતું! હોંગકોંગનો એક રસ્તો આજે પણ આ જહાજના નામથી ઓળખાય છે! આવી અનેક ટૂંકી છતાં અજાણી અને ઐતિહાસિક કથાઓ વિશે વાંચતાં એક જાતનો કેફ વર્તાય એ સ્વાભાવિક છે.
કેટલાંક વ્યક્તિવિશેષોની ઉમદા માહિતીને કારણે પુસ્તક મૂલ્યવાન બને છે. એવી વ્યક્તિઓમાં ગાંધીજી જેમને ‘લંગોટી વિનાના સાધુ’ કહેતા હતા એ ગોરધનબાપા;પ્રજાકીય કાર્યોમાં ઉમદા સહકાર આપનાર સર કાવસજી જહાંગીર રેડીમની;ચીન સાથે મોટો વેપાર ધરાવતા દાદીશેઠ વગેરે ઉલ્લેખનીય છે. તેમાંય, દાદીશેઠે ઇસ. 1790માં દુકાળ પડ્યો ત્યારે ગૂજરાતથી હિજરત કરી આવેલા પારસીઓ ઉપરાંત 2000 બિનપારસી લોકોનો આશરે આઠ મહિના સુધી નિભાવ કર્યો હતો! આ તથા આવાં ઘણાં વ્યક્તિચિત્રો તે વખતની પ્રજા અને મુંબઇના ખમીરનો પુરાવો આપે છે.
આમ, પુસ્તક ʻચલ મન મુંબઇ નગરીʼમાં માત્ર મુંબઇના વિસ્તારો કે ઇમારતોનાં માત્ર વર્ણનો નથી, પરંતું ચિત્રો અને છબીઓ સાથે તેના ઇતિહાસનું સળંગ આલેખન છે; દિલચશ્પ અને માહિતીસભર લેખનસામગ્રી છે;મુખ્ય કથા અને તેની પાછળની રસપ્રદ કથાઓ છે. એથી વિશેષ, ટૂંકા પણ અનોખાં અને પ્રેરક એવાં વ્યક્તિચિત્રો છે.નર્મદ અને દલપતરામની કવિતાથી માંડી ફિલ્મી ગીતોની રજૂઆત સાથે આગળ વધતી મુંબઇની ઐતિહાસિક સફર દરમ્યાન વાચકને આનંદ અને આશ્ચર્યના હળવા આંચકા સાથે અહોભાવની ઝણઝણાટી પણ અનુભવાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
પુસ્તકનું નામ: ચલ મન મુંબઇ નગરી
લેખકનું નામઃ દીપક મહેતા
પૃષ્ઠસંખ્યા : 376 | કિંમત : ₹ 500
આવૃત્તિ :પ્રથમ આવૃત્તિ; મે 2022
મુદ્રક અને પ્રકાશક:વિવેક જિતેન્દ્ર દેસાઇ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-380 009
સંપર્કઃ sales@navjijvantrust.org
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
