તવારીખની તેજછાયા

રામાયણના પ્રસંગો જ્યાં બન્યા એવાં અનેક સ્થળો વાયનાડ પાસે છે. આદિયા રામાયણ રામાયણનાં દરેક પાત્રને વનવાસી રૂપે જુએ છે

પ્રકાશ ન. શાહ

રામ લલ્લાના ભાલે સૂર્યતિલકની વિધિથી અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં એક નવી શરૂઆત થઈ. ગુજરાતને ગાંધીનગર પડખે કોબાના જૈન તીર્થને પ્રતાપે આવા દેખંત કરિશ્માતી સૂર્યતિલકની નવાઈ નથી. પણ આજકાલ ઈનથિંગ સ્વાભાવિક જ અયોધ્યાનું રામ મંદિર છે. આ ક્ષણે જોકે અયોધ્યામાં નહીં અટવાતે હું સૂર્યતિલકના ઉજાસમાં દક્ષિણ દેશના ટેકરિયાળ ને વળી વનોએ આચ્છાદિત વાયનાડ પંથકની મુલાકાતના મિજાજમાં છું. પણ આ ક્ષણે મારું જે વાયનાડ તે તો રામાયણનાં પાત્રોની લીલાભૂમિ છે.

આપણા એટલે કે દેશના પરંપરાગત સામાજિક અગ્રવર્ગના એક નોંધપાત્ર હિસ્સાને સારુ રામાયણ કહેતાં સામે આવતા ગ્રંથ સ્વાભાવિક જ વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસ છે. જે બધાં સંશોધન થયાં છે એમાં સામે આવેલી એક વિગત એ પણ છે કે વાલ્મીકિ થકી જે એક શ્લોકબંધ ને સુશ્લિષ્ટ સ્વરૂપમાં આપણો રામાયણ સાથે મોંમેળો થયો તે પૂર્વે એકાધિક રામકથાઓ મૌખિક પરંપરામાં રમતી થઈ ચૂકેલી હતી- અને તે કંઈ તંતોતંત વાલ્મીકિય રામકથા મુજબ નયે હોય. પણ રહો, તમે યાદ આપો એ પહેલાં મારે વાયનાડ પુગી જવું જોઈએ!

આદિવાસી વસ્તીએ ઉભરાતા વાયનાડ પાસે આદિ-પરંપરામાં એકાધિક રામકથા છે, અને રામાયણના પ્રસંગો જ્યાં બન્યા કહેવાય છે એવાં એકાધિક સ્થળો પણ આ પંથક કને છે. ત્યાં વાલ્મીકિનું સ્થાનક પણ છે, અને ત્યાં સીતાએ આશ્રય લીધાની સાહેદી પણ મૌખિક પરંપરાએ મજબૂત છે. વાયનાડમાં એ નદી પણ છે જેની નજીક લંકા હતી. આદિ-પરંપરા માંહેલા ચેટ્ટી રામાયણ મુજબ વાયનાડ એ જ પંચવટીનો વિસ્તાર છે, નહીં કે નાશિક પાસે.

હમણાં લંકા સંદર્ભે નદીનો ઉલ્લેખ કર્યો એ આપણી ચાલુ સમજ પ્રમાણેના દરિયાનો અવેજ તો ક્યાંથી હોય? પણ સુપ્રતિષ્ઠ પુરાતત્ત્વવિદ્ હસમુખ સાંકળિયાના અધીન મતે લંકા મધ્ય પ્રદેશમાં હતી, જ્યાં દરિયો નથી. ભાઈકાકાને પણ ઈતિહાસ-સંશોધનમાં ઊંડો રસ હતો અને એમણે પણ પોતાના અભ્યાસ મુજબ લંકાને મધ્ય પ્રદેશમાં દર્શાવેલ છે. સંસ્કૃત ભાષાની રીતે જોકે આની એક સાદી સમજૂત એ હોઈ શકે કે સમુદ્રના અર્થોમાં સરોવર ને નદીનો પણ સમાવેશ થાય છે. (આ લખતાં સાંભર્યું કે ફારસીમાંથી ઉર્દૂમાં આવેલ ‘દર્યા’નો અર્થ નદી પણ થાય છે, અને દરિયો પણ.)

ફરી પાછા વાયનાડ જઈએ તો આ આદિવાસી વિસ્તારમાં (જેમ કર્ણાટકના ‘કોડાગુ’માં) રામાયણના કથાનકમાં સીતા વનવાસી છે, અને બીજાં પણ કેટલાંક પાત્ર: આ બધાં હાંસિયાજીવી, કહો કે છેવાડાનાં લોકોનાં સુખ-દુ:ખ ને રીતરિવાજને વાચા આપે છે. એક તબક્કે તો સગર્ભા સીતા પરત્વે જવાબદારી નક્કી કરવા સારુ સ્થાનિકો રામ-લક્ષ્મણને વૃક્ષે બાંધી સવાલજવાબ ને તપાસનો દોર ચલાવે છે.

વાયનાડમાં લોકપરંપરા પ્રમાણે એ પાપનાશિની નદી પણ છે જ્યાં દશરથના અંતિમ સંસ્કાર થયા હતા. આપણે ત્યાં ગુજરાતમાં એમ તો ભીલી રામાયણ છે જ ને. આ ક્ષેત્રે સંશોધન એ ભગવાનદાસનું જીવનકાર્ય રહ્યું છે. એ વિગતવિશદ ફોડ પાડે તો, બને કે, વાલ્મીકિ ને તુલસીદાસ કરતાં કંઈક જુદું જ ઊપસી આવે- કમસે કમ, ડ્રામાનંદ ઉર્ફે રામાનંદ સાગરના તો ફુરચેફુરચા ઊડી જાય!

ગમે તેમ પણ ફાધર બુલ્કેના અભ્યાસ પ્રમાણે ખરું જોતાં ઘણાં વધારે છતાં કમસે કમ ત્રણસો રામાયણ તો છે જ. બેલ્જિયમથી ભારત આવી સ્થાયી થયેલા જેસુઈટ પાદરી કામિલ બુલ્કેનો અંગ્રેજી-હિંદી કોશ આખા હિંદીભાષી વિસ્તારમાં સર્વાધિક સ્વીકૃત ને પ્રચિલત છે, પણ એથીયે નમૂનેદાર તો એમનું તુલસી રામાયણ પરનું કામ છે. દૂર દેશથી મિશનવશ અહીં આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમણે સંસ્કૃતમાં એમ.એ. કર્યું અને અલાહાબાદથી હિંદીમાં ડોક્ટરેટ મેળવી. વિષય હતો ‘રામકથા કા વિકાસ.’ એમના પટ્ટશિષ્યવત્ રાજ સાહે સુદૂર શિકાગો યુનિવર્સિટીમાં હિંદીનો ઈલાકો સાહ્યો અને ગુરુ બુલ્કે વિશે માનસ ભાષામાં કહ્યું: घोर बिदेस से मुनि एक आवा, सीया-राम का तत्त्व पढावा। तुलसी देह से, तुलसी आंगन, बैठ़े वहाँ प्रभु पान करावा।।

કેટલાંબધાં રામાયણ છે, એની આપણે વાત કરતા હતા. મધ્ય પ્રદેશના કથિત અસ્પૃશ્ય સમુદાયનુંયે એક આગવું રામાયણ છે. કેરળના મુસ્લિમ સમુદાયનું વળી કાપિલા રામાયણ છે. ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરેનાં પોતપોતાનાં રામાયણ છે. આપણે ત્યાં બૌદ્ધ પરંપરામાં જે દશરથ જાતક છે, પાલીમાં, તે મુજબ રાજધાની અયોધ્યા નહીં પણ વારાણસી છે. એ. કે. રામાનુજનના અભ્યાસનિબંધમાં આ બધી વિગતો આવી. સ્નાતક કક્ષાએ એક વ્યાપક અભિગમપૂર્વક સમજની કેળવણીની એ ઉત્તમ તક હતી. પણ ચોક્કસ પરિબળના ઉદય સાથે ‘અમારી આસ્થા’ના નામે દિલ્હી યુનિવર્સિટીને એ અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાની ફરજ પડી.

ખરું જોતાં જો રામ મંદિરના નિર્માણ પછી નવી શરૂઆતની વાત હોય તો એમાં હર મુદ્દે સ્ટીમ રોલરી બુલડોઝરી વલણથી પરહેજ કરવી રહે છે. વિવિધ રામકથામાં થયેલ નિરૂપણા, સમાજના વિવિધ સ્તરે અને ઈતિહાસના અલગ અલગ તબક્કે એમાં થતું રહેલ શોધન-વર્ધન આપણા વિકાસનું સંબલ છે… કાશ, સૂર્યકિરણના ઉજાસમાં આ બધું દેખાતું રહે!


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૭ – ૦૪ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.