અવલોકન
– સુરેશ જાની
નવાઈ પામી ગયા ને, આ શિર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચિમના વિશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વવાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તિ કે, અણધાર્યા પરિવર્તનનું રુપક મનાય છે.

સ્પેન્સર જહોન્સન નામના ચિંતક અને લેખકની, ૧૯૯૮ની સાલમાં પ્રકાશિત થયેલ, આ નામની ચોપડીએ એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે. સાવ વાહિયાત લાગે તેવી આ વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસૂની સિદ્ધિ ન જ કહેવાય. ૪૭ ભાષાઓમાં એ અનુવાદિત થયેલી છે. એમણે લખેલી અગિયાર ચોપડીઓ ગણીએ તો તો એ આંક ૪૬ કરોડ પર પહોંચે છે. મૂળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલિનાની મેડિકલ કોલેજમાંથી એમ.ડી. થયેલો. જગવિખ્યાત બની ગયેલ અને હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચૂકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નિષ્ણાત તરીકે બહુ જાણીતા છે. એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનિક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધિકારીઓને – બદલાતા વૈશ્વિક પરિબળો સાથે તાલ મેળવવા, અને અભિગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.
તો શું છે આ વિશિષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વિલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચૂકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચૂક્યો છે.
ઉંદરો પ્રાણીસહજ સીમિત બુદ્ધિ ધરાવે છે. એક ખણખોતિયો ઉંદર સારી ઘ્રાણશક્તિવાળો છે; અને ચીઝ માટે સતત સૂંઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તિસ્થાનની શોધમાં લાગી જાય છે. ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી પણ જાય છે.
પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વિશિષ્ઠ બુદ્ધિ ધરાવે છે; દલીલો કરે છે; વિચાર-વિમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તિજનક પરિવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરિવર્તનને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભિક હતાશાને અતિક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે. ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સિધ્ધાંતોનું નિરુપણ છે.
જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરિવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આપણે સ્વાભાવિક રીતે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવિક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વિધવિધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે સામ્ય ધરાવે છે.
આ ચોથા જણે પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતો સરળ ભાષામાં –
- પરિવર્તન તો થવાનું જ.
- આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
- પરિવર્તનને ઓળખતાં શીખો .
- ચીઝ તો જતી રહેવાની જ છે. તે માટે તૈયાર રહો.
- પરિવર્તન પર સતત ધ્યાન રાખો.
- ચીઝ જૂની થઈ ગઈ છે કે કેમ તે, સૂંઘતા રહો.
- પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
- જેટલી ઝડપથી જૂની ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તિમાન બનશો.
- બદલાઓ.
- ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
- પરિવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
- નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
- વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
- ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.
મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરિવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુઃખોનું મૂળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવિકતા એમ નથી જ હોતી. સતત પરિવર્તન એ વિશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવિક અને ભોંય સોંસરો ( Down to earth) અભિગમ કેળવવા આ વાર્તા આપણને સહજ રીતે પ્રેરણા આપે છે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
