ડૉમાર્ગી દોશી

વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે.
જે-જે દબાવી ચર્ચા, ઘોંઘાટ બહુ કરે છે.

ત્રણ શબ્દ બોલવામાં ઉંમર વીતાવી આખી,
આવા અબોલ કિસ્સા ઘોંઘાટ બહુ કરે છે.

ભૂખે મરે છે રાતો, વલખે છે ફૂટપાથો,
સન્નાટા સાંજ ઢળતાં ઘોંઘાટ બહુ કરે છે.

જડથી જો સાવ ઉખડે તો વારતા હો પૂરી,
અધકચરા બે’ક સપના ઘોંઘાટ બહુ કરે છે.

મારી’તી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં,
એ બાળપણની હિંસા ઘોંઘાટ બહુ કરે છે.

છલકાતી રહે જો આંખો, થઈ જાય શાંત પીડા,
આંસુ ખૂટ્યાની પીડા ઘોંઘાટ બહુ કરે છે.

ચહેરાની તર્ત પાછળ ચહેરો બીજો નિહાળી,
વર્ષો જૂના અરીસા ઘોંઘાટ બહુ કરે છે.

કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન,
મૃત્યુ પછી એ મડદાં ઘોંઘાટ બહુ કરે છે.

(૨)

’અમર’ પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.