મંજૂષા
વીનેશ અંતાણી
જિંદગીને સાચી રીતે ઓળખીને જીવનની નાનામાં નાની ગતિવિધિમાં સક્રિય રસ ન લઈ શકીએ તો તે આપણી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.

સિંગાપુરનિવાસી અદમ ખૂ છવ્વીસ વર્ષની નાની વયે સ્વપ્રયાસોથી આગળ વધીને કરોડાધિપતિ બનનાર એક સફળ ઉદ્યોગપતિ, લેખક, ટ્રેઇનર અને સ્ટોક માર્કેટના નિષ્ણાત છે. તેઓ એશિયાની એક મોટી પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇનસ્ટિટ્યૂશન ‘અદમ ખૂ ટેકનોલોજી ગ્રુપ’ના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે. તેઓ એડવર્ટાઇઝિન્ગ, કોર્પોરેટ ટ્રેનિન્ગ જેવા વ્યવસાયમાં અગ્રિમ ભૂમિકા નિભાવી રહ્યા છે. ૧૯૭૪માં જન્મેલા આ મહાનુભાવ ૨૦૦૮ના વર્ષમાં સિંગાપુરના ચાલીસ વર્ષથી નાના ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા.
આ બધી ભૌતિક લાગે તેવી ઓળખાણ એટલા માટે જરૂરી છે કે તેઓ એ જ વ્યક્તિ છે, જેમણે એમની બાલ્યાવસ્થામાં પ્રાથમિક શાળામાં ભણવામાં કશું ઉકાળ્યું નહોતું. આઠ વર્ષની ઉંમરે એમને, તેઓ ભણવામાં ઢ હોવાથી, શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એમની વર્તણૂંકના પણ પ્રશ્ર્નો હતા. તેઓ છ જેટલી સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશપાત્ર ઠર્યા નહોતા. એમને ભણવામાં રસ જ નહોતો. આળસુ સ્વભાવ અને આખો દિવસ ટેલિવિઝન જોવામાં જ રસ એમની સૌથી મોટી મર્યાદાઓ હતી. એમનામાં કોઈ પણ જાતનું મોટિવેશન નહોતું.
એ જ વ્યક્તિ છવ્વીસ વર્ષની ઉંમરે કરોડાધિપતિ બની જાય અને દુનિયાભરના જુદા જુદા દેશોમાં પ્રવાસ કરીને લોકોને સફળતાની દિશા સૂચવતી તાલીમ આપે, તે વિષય પર ખૂબ જ વેચાતાં પુસ્તકો લખે તે વાત આમ તો ચમત્કાર જેવી લાગે, પરંતુ એવું ન હતું. તેઓ એમનામાં રહેલી શક્તિઓ વિશે સભાન બન્યા અને તેને ખીલવવાની દિશા શોધી શક્યા ત્યાર પછી એમની સફળતાને આડે કોઈ પણ અવરોધ રહ્યો નહીં. જે અવરોધ આવ્યા તેને એમણે સકારાત્મક અભિગમથી દૂર કર્યા. એમણે જિંદગી પ્રત્યેનો અભિગમ જ બદલી નાખ્યો. એમણે કહ્યું છે: ‘જિંદગીને સાચી રીતે ઓળખીને જીવનની નાનામાં નાની ગતિવિધિમાં સક્રિય રસ ન લઈ શકીએ તો તે આપણી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.’ હવે તેઓ દરેક દિવસને કોઈ પણ પ્રકારની પૂર્ણતાનો માપદંડ માને છે. સફળ થવા માગતી વ્યક્તિ એક પણ દિવસ ગુમાવી શકે નહીં. રાત પડે ત્યારે વીતેલા દિવસ દરમિયાન આપણે શું સિદ્ધ કર્યું તેનો હિસાબ રાખવાથી જ એક એક પગથિયું ઉપર ચઢી શકાય. એમણે બીજી પણ એક વાત કહી છે કે બહારની દુનિયામાં બનતા બનાવો કે બાહ્ય સંજોગો પર આપણે કાબૂ ધરાવી શકતા નથી, પરંતુ આપણી અંદરની દુનિયામાં જન્મતા વિચારો, લાગણીઓ અને નિર્ણયો પર કાબૂ ધરાવીને ઇચ્છિત પરિણામ મેળવી જ શકીએ.
મારા એક સમયના સહાધ્યાયી અને મિત્ર કૃષ્ણકાન્ત વ્યાસે અદમ ખૂએ બ્લોગ પર મૂકેલી એક બહુ જ મહત્ત્વની પોસ્ટ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું. તે બ્લોગમાં અદમ ખૂએ લખ્યું હતું તેનો સારાંશ આ મુજબ છે: ‘મારે મારાં કામ માટે વારંવાર જુદા જુદા દેશોમાં જવાનું થાય છે. હું દર અઠવાડિયે એરપોર્ટ પર હોઉં છું. ત્યાં મારા સેમિનારમાં ભાગ લઈ ચૂકેલા લોકો કે મારા વાંચકોને મળવાનું બને છે. તાજેતરમાં હું કુઆલાલમ્પુર જતો હતો ત્યારે વિમાનમાં એક પરિચિત મળ્યા. એમણે આશ્ર્ચર્યથી પૂછ્યું: ‘તમારા જેવી ધનાઢ્ય વ્યક્તિ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરે છે?’ મારો જવાબ હતો: ‘તે જ કારણે તો હું કરોડાધિપતિ છું.’ એમનો પ્રશ્ર્ન સાબિત કરે છે કે આપણે ધન વિશે કેવી ખોટી માન્યતા ધરાવીએ છીએ. ઘણા લોકોનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે કે ધનાઢ્ય લોકોએ મોંઘામાં મોંઘાં કપડાં, ઘડિયાળ અને અન્ય ચીજો જ વાપરવાં જોઈએ અને ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરવી જોઈએ. એ જ કારણે તેઓ પૈસાદાર બની શકતા નથી. તેઓ વધારે પૈસા કમાવા લાગે તે સાથે જ વિચારે છે કે એમણે સ્વાભાવિક રીતે વધારે પૈસા ખરચવા જોઈએ. આ પ્રકારની માન્યતાને લીધે તેઓ આર્થિક રીતે જ્યાં હતા ત્યાં જ ફરી પહોંચી જાય છે. વાસ્તવિકતા એ છે કે આપકમાઈથી ધનાઢ્ય થયેલા લોકો કરકસરિયા હોય છે અને આવશ્યકતા પ્રમાણે જ ખર્ચ કરે છે. એવા લોકો પૈસા કમાઈને મૂડીમાં વધારો કરી શકે છે. હું બિનજરૂરી રીતે પૈસા ખરચતો નથી, પરંતુ આવશ્યકતા હોય ત્યારે પૈસા ખરચતાં અચકાતો પણ નથી. હું વિમાનમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતો નથી અને ત્રણસો ડોલરનો મોંઘો બ્રાન્ડેડ શર્ટ ખરીદતો નથી. જ્યારે મારી દીકરીને વક્તૃત્વ કે ડાન્સના ક્લાસમાં મોકલવા માટે તેરસો ડોલર રાજીખુશીથી ખરચું છું.
‘કેટલાક લોકો મને પૂછે છે કે જો હું ધનથી મળતો આનંદ મેળવી શકું નહીં તો પૈસા કમાવાનો અર્થ જ શું છે? એ ળોકો ઐક વાત ભૂલી જાય છે કે ભૌતિક સુખ લાંબું ટકતું નથી. અંતે તો એ જિંદગીમાં અભાવ જ જન્માવે છે. એની સામે મને મારાં સંતાનોને હસતાં, રમતાં, ઝડપથી નવું શીખતાં જોવામાં સાચો આનંદ મળે છે. મારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના સુખ-સંતોષથી મને વધારે આનંદ મળે છે. મારાં પુસ્તકો વાંચીને વાંચકોએ આપેલા અભિપ્રાયો મને વધારે ખુશી આપે છે. આ આનંદ મને રોલૅક્સ જેવાં મોંઘાદાટ ઘડિયાળથી મળતા આનંદથી વધારે સમય ટકે છે. આપણાં વિવિધ કામોમાંથી મળતો આનંદ જ બહુમૂલ્ય છે, પૈસા તો માત્ર બાય-પ્રોડક્ટ છે.’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
