સંવાદિતા
પોતાના સ્વાર્થ ખાતર આપણે સૌએ ભેગા મળી નદીઓની જે ઘોર ખોદી છે એ આપણી જ કબર છે.
ભગવાન થાવરાણી
સમગ્ર માનવજાતે અવિચારીપણે પર્યાવરણની જે દુર્દશા કરી છે એ વિષે વાત કરવી પણ હવે તો નર્યું અરણ્યરુદન લાગે છે. જ્યાં નજર નાખો ત્યાં પૃથ્વીભરના જંગલો, વનસ્પતિ, પર્વતો નદીઓ જાણે આયોજનપૂર્વક અદ્રષ્ય કરાઈ રહ્યા છે અને એમની જગ્યા લઈ રહ્યા છે કોંક્રીટ વસાહતો, બહુમાળી ઈમારતો, વિરાટ કારખાના, તોતિંગ બંધ અને નવા શહેરો. આપણે એને વિકાસનું નામ આપી રાજી થઈએ છીએ.
વડોદરા પાસેના પાવાગઢ ડુંગરમાંથી નીકળી મુખ્યત: વડોદરા શહેર મધ્યેથી પસાર થઈ ખંભાતના અખાતમાં વિલીન થઈ જતી નાનકડી એવી વિશ્વામિત્રી નદીની કરુણ હાલત વિષે, વડોદરા શહેરના જ નિવાસી એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સિતાંશુ યશશ્ચંદ્રજીએ એક કાવ્ય રચ્યું છે ‘ વળાંક પાછળ વિશ્વામિત્રી ‘ નામે. એ અદ્ભુત રચનાનું આચમન કરીએ :

અહીં કથક સ્વયં કવિ છે જ્યારે કથ્ય વિશ્વામિત્રી નદી. કવિતાના પ્રારંભે જ કવિ વિશ્વામિત્રીના પિતા એવા ઋષિ વિશ્વામિત્રની આપણે સૌએ કરેલી અવહેલનાનો હવાલો આપી, આપણી આદત મૂજબ એવું જ વર્તન એમની પુત્રી સાથે કર્યાની વાત કરે છે. વિશ્વની જાણીતી નદીઓની સરખામણીએ આ ‘ નિમાણી ‘ નદીનું કદ અને વ્યાપ કોઈ વિસાતમાં નથી. અરે ! બહુધા તો એમાં પાણી પણ નહીં, અને હોય તો કોણ જાણે કયું ગંધાતું પ્રવાહી ! વડોદરાના પ્રતિષ્ઠાવાન મહારાજના નામ પરથી નામાભિધાન કરાયેલા સયાજી બાગમાં પૂરાયેલા પ્રાણીઓ અને ત્યાં મોજમજા કરવા આવેલા સહેલાણીઓની ઉપેક્ષા સહન કરતી આ નદી, કોઈ ભારોભાર શરમિંદગી અનુભવતી ચીંથરેહાલ ગરીબડીની જેમ, જાણે પોતાની લાજ બચાવતી દોડીને સંતાઈ જાય છે ‘ વળાંક પાછળ ‘ ! અહીં વળાંક એક પ્રતીક છે આડશનું જેની પાછળ સંતાઈ કોઈ અકિંચના પોતાની રહી – સહી લાજ છુપાવે છે.નદીના ભૂતકાળની ભવ્યતાને સ્મરી કવિ એને વહાલપૂર્વક ‘ મારી વિશ્વામિત્રી ‘ કહી સંબોધે ત્યારે આપણને સૌને ‘ આપણી ‘ પોતપોતાની ભાદર કે ભોગાવો કે ઓઝત કે શેત્રુંજી યાદ આવ્યા વગર રહે નહીં. એમની અવદશા વિશ્વામિત્રીથી ખાસ જૂદી નથી. કવિ જાણે છે કે એમની આ વ્યથા કેવળ આત્મ – પ્રલાપ છે જે એ માત્ર ‘ પોતાની ‘ વિશ્વામિત્રીને સંભળાવે છે પણ એમને ઊંડો ઊંડો વિશ્વાસ પણ હશે કે એ એમની નદી ઉપરાંત નદી જેવું હૃદય ધરાવતા થોડાક ભાવકો લગી પણ પહોંચશે જ.
અને કવિની ઉપમાઓ પણ કેવી અનોખી ! જૂના રગતપીતવાળી બાઈ જેવી નદી, તરતા કચરાનો એનો પાલવ, આંધળી છોકરીની આંખો જેવો એનો ઊભરો !
કવિતાનો અંત તો વળી કેવો ! થોડા થોડા વર્ષે આ નદી અણધારી ઊભરાય છે પણ ખરી. આવું થાય ત્યારનું ચિત્ર જૂઓ. ત્યારે આ ( માત્ર કવિની નહીં ,આપણી પણ ! ) વિશ્વામિત્રી ચોકની વચ્ચોવચ કાળા ઘોડે બેઠેલા, હવે પથ્થર થઈ ચૂકેલા રાજાના પગ પખાળી, પછી તુરંત વાસ્તવિકતાનું ભાન થતાં, જેને ખૂંદીને આવી હતી એ જ કાદવ વચાળે થઈ, એના જૂના પરિચિત અને પોતીકા વળાંક પાછળ લપાઈ જાય છે.
સાક્ષાત ચિત્કાર જેવી સિતાંશુ યશશ્ચંદ્રની આ ધારદાર કવિતા સંવેદનશીલોના અંત:સ્તલને હચમચાવે છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

બહુ વિચાર પ્રેરક પોસ્ટિંગ. વિશ્વામિત્રી ની અવદશાનું વર્ણન શ્રી સિતાંશુભાઈ એ હૃદય સ્પર્શી રીતે તેમની કવિતા લખ્યું છે. આપે તેની સમીક્ષા પણ સચોટ કરી છે. ભારત ની ઘણી નદીઓ ની આવીજ અવદશા છે. પણ હવે પછી શું? વડોદરા સ્થિત ડો. મ. હ. મહેતા અને તેમના સાઇન્સ ઇન્સ્ટિટ્યૂટે એક સુંદર અભિયાન ચલાવે છે – અહો વિશ્વામિત્રી. આ અભિયાનમાં નદીના કાંઠે આવેલાં ગામડાઓ અને ત્યાંની શાળાઓના વિદ્યાર્થીઓ સાથ આપેછે. નદીમાંથી કચરો અને અન્ય પદૂષણ હટાવવા, પટ પહોળો કરી કાંઠે ઝાડવાં વાવવાં વગેરે કાર્યો તે ગ્રુપ છેલ્લા પાંચેક વર્ષ થી કરી રહ્યું છે. ગુજરાત સરકારે અમદાવાદ જેવી રિવર ફ્રન્ટનો પ્રસ્તાવ કીધેલો. જેની તેમણે બિલકુલ ના કહેલી. આ બાબતમાં વધુ માહિતી જોઈતી હે તો ડો. મહેતા ને સંપર્ક કરો. તેઓ બહુ નિખાલસ અને મળતાવડા છે. -નીતિન વ્યાસ
LikeLike