અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

જીવનની ઘટમાળમાં વહેતો મનુષ્ય કોઈક ને કોઈક રીતે પોતાનું જીવનધ્યેય શોધવા મથતો રહેતો હોય છે. જીવનધ્યેયની આ શોધને જયારે આધ્યાત્મિક સંદર્ભ સાંપડે છે ત્યારે મનુષ્ય કાં તો ભક્ત બને છે, અથવા જ્ઞાની. ઈશ્વરને પામવાનું સૌથી સુલભ સાધન ભક્તિ છે. ઈશ્વરને પ્રપત્તિભાવે ભજતો મનુષ્ય નિઃશેષ બનવાની સાથે નિશ્ચિંતતાને પણ પામતો હોય છે.

ભારતીય સંસ્કૃતિમાં ભક્તિવિચારનાં મૂળ ઊંડા છે. વેદ, ઉપનિષદ બને ગીતાએ ભક્તિનું ભરપૂર માહાત્મ્ય ગાયું છે, પણ સમગ્ર ભારતમાં મધ્યકાળમાં ભક્તિવિચારનો જે રીતે પ્રસાર થયો એ જુદો વિચાર માગી લે તેવી ઘટના છે. ઉમાશંકર જોશીએ મધ્યકાળના જુદા તરી આવતા ભક્તિવિચારની સમીક્ષા કરતાં નોંધ્યું છે : ‘જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે; વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે; ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી; ભક્તિનાં મત્ત આવેશની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવામાં થઈ છે; બાલકૃષ્ણની લીલા પણ હરિવંશ અને પુરાણ, સાહિત્ય વગેરેમાં વર્ણવાઈ છે.. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંય મધ્યકાલમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો એકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્ય સર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દ્રશ્ય જોવા મળતું નથી.’

સમગ્ર મધ્યકાળમાં ફરી વળેલાં ભક્તિનાં આ મોજાંએ(ઉમાશંકર જેને બૌદ્ધ ધર્મથી પણ વધારે પ્રભાવિત ગણે છે) ગુજરાતી સાહિત્યને પણ પ્રભાવિત કર્યું છે, સ્થૂળ રીતે જોવા જતાં આ ભક્તિ આંદોલનના પ્રમુખ ઉદગાતા નરસિંહ મહેતા રહ્યા છે. સ્વાભાવિક રીતે જ, નરસિંહે એક સર્જકની હેસિયતથી કવિતા રચવાનો ઉપક્રમ માંડ્યો નથી. નરસિંહ એક સંત છે, ભક્ત છે. મધ્યકાળના અન્ય સંતોની જેમ કવિતા રચવી એ એમને મન ગૌણ ઘટના છે, કવિતા એમનું સાધ્ય નથી, સાધન છે. સાધ્ય તો છે પરમતત્ત્વની આરાધના ને અનુભૂતિ. એ અનુભૂતિની ફલશ્રુતિ રૂપે સહજ રીતે નીપજતો આનંદ, બલકે રસ. નરસિંહની અનુભૂતિ જ એટલી તો બળકટ છે કે એનું ગાન કરતાં કરતાં કવિતા તો સહજમાં, નરસિંહનો જ શબ્દ વાપરીને કહેવું હોય તો ‘લટકા’માં થઈ ગઈ છે. નરસિંહની અનુભૂતિની ચરમ ક્ષણે વાલ્મીકિનો શોક જેમ શ્લોકત્વ પામેલો તેમ આનંદનાભૂતિની ચરમ ક્ષણે નરસિંહ ગાઈ ઉઠ્યા છે. પણ એ કબૂલ કરવું રહ્યું કે અનાયાસે પ્રગટેલા નરસિંહના આનંદગીતમાં કવિતા અવતરી છે એના પૂર્ણ રૂપમાં, ખીલેલા – નિખરેલા સ્વરૂપે. ઉલ્લાસના લલકારરૂપે પ્રગટેલી નરસિંહની કવિતામાં ભવ્યતાને લાલિત્ય, લયહિલ્લોળ, શબ્દપસંદગી, ચિત્રાત્મકતા, રણકતો પ્રાસ, કલ્પનાવૈચિત્ર્ય, શૈલીની છટાઓ જેવાં તત્ત્વોનું એટલું તો પ્રાબલ્ય છે કે નરસિંહમાં આનુષંગિક રહેલું – ગણાવાયેલું કવિત્વ ઉપર ઉઠે છે ને ભક્ત નરસિંહની બરોબરી કરે છે.

નરસિંહની કવિતામાં વિષય વૈવિધ્યનો તો સવાલ જ ઉઠતો નથી. એનો વર્ણ્યવિષય એક જ છે : ‘નંદ તણો સુત કહાન’. કૃષ્ણના સંદર્ભમાં જ નરસિંહની કવિતા રચાઈ છે. માતા યશોદા સાથેની બાલકૃષ્ણની ચેષ્ટાઓ, ગોપીઓનાં લાડ ને વાત્સલ્યની સાથોસાથ વ્યક્ત થતો કૃષ્ણ પ્રત્યેનો તેમનો કૃતક ગુસ્સો ને અંતે ઓગળતી કૃતકતા ; ગોપીઓએ કૃષ્ણ સાથે માણેલી રંગરેલીનું દ્વૈત ને એમાંથી સધાતું અદ્વૈત – આટલા નરસિંહના વર્ણ્યવિષયો છે.

કવિ નરસિંહ પહેલી જ નજરે સહૃદયને આકર્ષે છે તેમના લયથી :

‘હળવે હળવે હળવે હરજી માટે મંદિર આવ્યા રે’ – માં એક જ શબ્દનું ત્રણ વાર થતું આવર્તન દબ્યે પગે આવતા કૃષ્ણને લયની મદદથી કેવા તો મૂર્ત કરી દે છે ! હરિ આવ્યા તો છાનામાના પણ તેને જોઇને ભક્તહૃદય પોતાનો આનંદ મુખર રીતે વ્યક્ત કર્યા વિના રહી ન શક્યું :

‘મોટે મોટે મોટે મે તો મોતીડે વધાવ્યા રે.’

આજ રીતે કૃષ્ણને જોવા દોડતી ગોપીઓનાં આ ચિત્રના લયમાં ગતિ છે :

‘ચાલો હરજીને જોવા બેલ બેલ
પટકૂળ ભીનાં સહુ તેલ તેલ.’

વસંતઋતુને વધાવતા કવિ મસ્તીમાં આવી જઈને પોતાના આનંદને વ્યક્ત કરવા લયનો આશ્રય લે છે :

ચાલને સહી, મેલ મથવું મહી,
વસંત આવ્યો, વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલા લાવે કદંબ,
કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

વસંતના વધામણાં પડ્યાં હોય ત્યારે મહી મથવાનું હોય ? આથી ‘મેલને’ એવા વિનંતીના ભાવમાં આજ્ઞાનો ગર્ભિત ભાવ છે. ને હા, ‘ને’ પ્રત્યેમાં વ્યક્ત થતો મૈત્રીનો, પોતાપણાંનો ભાવ તો વળી લટકામાં !

નિરંજન ભગત કહે છે તેમ કવિતા કાનથી વાંચવાની મજા લેવા જેવી છે. નરસિંહની કવિતામાં આ અનુભવ સહૃદય વારંવાર કરે છે. ગોપીઓનાં ઝાંઝરના ઝણકારને નરસિંહના કાન ક્યાંયથી પકડી પાડે છે :

‘મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;

તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે.’

ક્યાંક આ કૃષ્ણનાં ઝાંઝરનો ઝણકાર, ‘ઝીણો’ છે. તેને નરસિંહના કાન જ સંવેદી શકે :

‘ઝીણલાં ઝાંઝર વાજે વૃંદાવને, ગોપીઓને આનંદ ન માય.’

મરમીના કાનનું જ એ ભોજન. ક્યાંક આ ઝાંઝર વેરી થઈને મિત્ર બન્યાં છે :

ગોરી તારાં નેપૂર રમઝમ વાજણાં રે,
વાજ્યાં કાંઈ માઝમ રાત;
સૂનું નગર બાધું જગાડિયું,
તે તો તારાં ઝાંઝરનો ઝમકાર.

નરસિંહની કવિતામાં આલેખાતાં ચિત્રોમાં એક બાજુ દ્ર્શ્યાત્મકતા છે તો બીજી બાજુ એટલી જ ગત્યાત્મકતા. ચિત્રોનો તો જાણે એક લોક ખડો થયો છે. એ ચિત્રો પાછાં ગત્યાત્મક છે:

રસિક મુખ ચુંબીએ, વળગીએ ઝુંબીએ, આજતો લાજની દુહાઈ છૂટી.

પ્રાતઃકાળે પથારીમાંથી ઊભી થતી ગોપીનું આ ચિત્ર ગતિ ને સૌદર્યનું સાથે લાગું દર્શન કરાવે છે :

સેજેથી ઉઠી રે શ્યામા, શીશ અંબોડો વાળે રે
વદન સુધાકર બાલીને ઉદિયો, દિનકરને અજવાળે રે.

કૃષ્ણની રાહ જોતી ગોપીના ચિત્રમાં અધીરતા છે:

‘ક્ષણુ આંગણે ક્ષણુ મંદિર માંહે, ક્ષણુ ક્ષણુ આવું દ્વાર રે.’

તો દધિમંથનના ચિત્રમાં ઉન્મત્ત ગતિ છે :

ગાજે ગાજે ગોરસ ગોળી,
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી,

બાલકૃષ્ણની માતા યશોદા ને ગોપીઓ સાથેની વિવિધ ચેષ્ટાઓમાં વાત્સલ્ય, ભક્તિ ને ચિત્રાત્મકતાનો સુભગ સમન્વય છે:

જશોદાજી જમવાને તેડે, નાચંતા હરિ આવે રે,
બોલે મીઠા બોલડિયા ને અંગોઅંગ નચાવે રે.

મુખની શોભા શી કહું ? જાણે પૂનમચંદ બિરાજે રે;
નેત્રકમલના ચાળા જોઈને મન્મથ મનમાં લાજે રે.

ગોપીઓની કૃષ્ણ વિશેની ફરિયાદમાં વ્યક્ત થતી શબ્દ પસંદગીમાં નરસિંહની સૂઝ દાદ માગી લે  છે  :

‘ખાંખાખોળાં કરતો હીંડે બીએ નહીં લગાર રે.’

તો ગોપી પાસે કૃષ્ણે કરેલાં લાડ ભારે નજાકતથી કવિ આલેખે છે :

કો વેળા વહાલો માથું ઓળાવે, લાંબી વેણી ગૂંથાવે રે.
સેંથા માંહે સિંદૂર ભરાવે, નિલવટ ટીલડી સોહાવે રે.

ક્યાંક વિરોધ દ્વારા નરસિંહે કામ લીધું છે :

જેને મોટા મુનિવરે નવ જાણ્યો,
તેને કામિનીએ કર ગ્રહી તાણ્યો.

પરિબ્રહ્મ ગોવાળ –શું રમે,
જેને જોવા જોગેશ્વર દેહ દમે.

*

નરસિંહ કવિની સાથે જ્ઞાની પણ છે તેથી શબ્દ સાથે એ સાવધાનીથી કામ લે છે. જીવન પ્રત્યે અભિમુખ એવા નરસિંહ સંસારની નિંદા તો ન જ કરે. એટલે સંસારના સુખ વિશે પોતાનો અભિપ્રાય આપતા એ આમ કહે છે :

‘સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું.’

‘કાચું’ શબ્દ નરસિંહનો જીવન પ્રત્યેનો નરવો અભિગમ વ્યક્ત કરે છે.

નરસિંહના પ્રિયતમ કૃષ્ણ ભક્તો માટે કેવા છે ? :

‘નરસૈયાચો સ્વામી ઢળકણો’

નરસિંહનું ‘વૈષ્ણવજન’ પદ એની ભાષાની પ્રાસાદિકતાથી અને એમાં રહેલા મર્મની વ્યંજનાથી સમજવા જેવું છે.

પહેલી જ પંકિતમાં રહેલા ‘તો’ નો કાકુ જોયો ? ગમે તેને નહીં, પણ પોતે જે માને છે એ જ છે સાચો વૈષ્ણવ એવો ભાવ અહીં છે. નરસિંહે અહીં વૈષ્ણવત્વનો આલેખ આપી દીધો. જેને આ લક્ષણો બંધ બેસે એ આપોઆપ વૈષ્ણવ પ્રમાણિત થાય. ન બેસે એ અવૈષ્ણવ છે એવું ભક્ત નરસિંહ ન કહે. એ તો અવૈષ્ણવે સમજી લેવાનું. આ અર્થમાં આ આખાય કાવ્યનો વિધેયાત્મક અભિગમ સહૃદયને ધન્ય કરે એ રીતે પ્રગટ થયો છે.

નરસિંહની કવિતામાં માનવગુરુને છાજતી મૈત્રીની ભાવના છે, ઋષિનું કારુણ્ય છે. ભક્તની મુદિતા છે અને જ્ઞાનીનું દર્શન છે. આ સઘળું પ્રગટ્યું છે તેમની અનન્ય અનુભૂતિમાંથી એટલે જ એમની કવિતા શાશ્વત બની છે.


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.