તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

આપ સૌને જાણીને નવાઈ લાગશે કે દવાઓ કેવી હોય છે અને કેવા-કેવા પ્રકારે શરીરમાં જરૂરિયાત પ્રમાણે લઈ શકીએ/આપી શકાય છે. ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે.

નીચે પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં લઈને ડૉક્ટર દવા આપતા હોય છે.

(૧) રોગનો પ્રકાર

(૨) ડૉક્ટરે આ બધા મુદ્દાની પણ નોંધ લેવી પડે છે: દર્દીની ઉંમર, બાળક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, શરીરનું વજન, બેભાન છે કે કેમ, ખાઈ શકે છે કે ઊલટી કે ઝાડા થયા છે, બીજા રોગો હોવા, દવાની આડઅસર અને એલર્જિ કે ઘાતક એનાફાઈલેક્ષિસ (Anaphylaxis), વગેરેની પહેલાં કોઈ અસર થઈ છે કે કેમ. જો કે ડૉક્ટરનો અનુભવ વધે તેમ આ બધાની નોંધ સરળતાથી લેવાઈ જાય છે.

(૩) તાત્કાલિક કે સામાન્ય રીતે સારવાર કરવી.

(૪) તાત્કાલિક કઈ દવા સુલભ છે? (Availability).

(૫) દવા ક્યાં અસર કરશે (Targeted organ). આથી દવાના પણ બે વિભાગો પડે છે: જે મોઢા દ્વારા પાચનતંત્ર વાટે લેવાય તે (Enteral) અને એ સિવાય લેવી પડે તે (Parenteral).

આપણા શરીરના કોઈ પણ ભાગ દ્વારા દવા આપી/લઈ શકાય છે. ચામડી, ચામડી નીચે રક્ત વાહિનીઓમાં, માંસ-સ્નાયુમાં, હાડકાના પોલાણમાં, કરોડરજ્જુ અને મગજના આસપાસના પડમાં, આપણા શરીરના મુખ્ય ચાલકતંત્રોમાં દા.ત. પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચેતાતંત્ર, વગેરે, અને શરીરના જુદા-જુદા ભાગો પ્રમાણે, આંખ, નાસિકા, કાન, જનનેન્દ્રિયો અને પેશાબની જગ્યા, ગુદાદ્વાર, વગેરે.

તો આ વિષે આ લેખમાં થોડી ચર્ચા કરું, જેથી સામાન્ય (Non-medical) વાચકોને કંઈક જાણવાનું મળે.

ચામડી શરીરનો ઘણો મોટો ભાગ છે.

(૧) ચામડી ઉપર (Topical or Local Effect) પાવડર, મલમ, પ્રવાહી રૂપે (Lotion), દવાનો પેચ-પટ્ટી (Medicated Patch, like Nicotine Patch), વગેરે.

(૨) ચામડીના પડમાં (Intradermal) – રિઍક્શન (Sensivity Test) ટેસ્ટ કરવા, ટી.બી.નો ટેસ્ટ (M.T.) અને (B.C.G.) રસી આપવા.

(૩) ચામડીની નીચે (Subdermal) – દા.ત. ડાયાબીટીસ માટેનું ઇન્સ્યુલિન ઇંજેક્શન.

(૪) માંસપેશી-સ્નાયુમાં (Intramuscular) – આ પણ ખૂબ જ સામાન્ય રીતે વપરાતી દવા આપવાની પધ્ધતિ છે. ઘણાં ઇંજેક્શનો આ પ્રકારનાં હોય છે. દુખાવાની દવાઓ (Pain Killars), એન્ટિબાયોટિક્સ (Antibiotics & Chemotherapeutic Agents), રોગ પ્રતિકારક રસીઓ (Vaccines) ધનુર, હડકવાની હાલની રસીઓ પણ અપાય છે.

લોહીની નળીઓનો ઉપયોગ (Use of blood vessels).

(૫) શિરામાં (Intra-Venous) – મોટાભાગના ઈંજેકશનો આ રીતે પણ અપાય છે. ખાસ કરીને તાત્કાલિક અસર માટે, જાન બચાવવાના ઇંજેક્શનો, એન્ટિબાયોટિકસ, બેભાન કરવાની દવાઓ, તાત્કાલિક સારવારમાં વપરાતી દવાઓ વગેરે.

ઘણાં ઇંજેક્શન અને બાટલા દ્વારા દવાઓ અને પ્રવાહી આ શિરા વડે અપાય છે તે આપ જાણો જ છો. સ્પેશિયલ કેસમાં કેન્સરની દવાઓ, કે દર્દી બેભાન હોય તો પ્રવાહી અને ખોરાક પણ અપાય છે. ફાયદો એ કે દવા સંપૂર્ણ શરીરમાં પહોંચવાની ખાત્રી. પણ આડઅસર અને બીજી અસરોથી સાવધ રહેવું પડે, અને દવાખાનામાં દાખલ થવું પડે. ખાસ જંતુનો ચેપ ના લાગે એનો પણ ખ્યાલ રાખવો પડે.

(૬) ધમનીમાં (Intra-arterial)

(અ) ખાસ સંજોગો જેવા કે દવાને અમુક અવયવ પૂરતી જ આપવી હોય તો, દા.ત. કેન્સરના ભાગમાં.

(બ) તપાસાર્થે (for investigations)- ધમની બંધ હોય તેની તપાસ, હૃદયની એન્જ્યોગ્રાફી (with Cardiac Catheterization), પગની ધમનીનો અકસ્માતે કે રોગથી અટકાવ ક્યાં છે તે જોવા. (Angiography).

(ક) સારવાર અર્થે (for treatment) – ધમનીને પહોળી કરવા (Vasodilators) અને જામી ગયેલા લોહીની ગાંઠો ઓગાળવા (Thrombolytics).

ઘણી વખત જાન બચાવવા અમુક ઇંજેક્શન હૃદયમાં સીધાં જ આપી શકાય છે. (Intracardiac).

ધમની દ્વારા ખાસ કેસની વાત કરી છે એ પ્રકારે જ વપરાય છે. ધ્યાન ન રહે તો ઘણું નુકશાન થવાનો સંભવ રહે છે. જેથી આ આધુનિક હોસ્પિટલોમાં જ આ પ્રકારનો ઉપયોગ કરાય છે.

 (૭) હાડકાં ના પોલાણમાં (Intraosseous) – બાળકોની શિરા (Veins) ખૂબ નાજુક હોઈ, ઘણીવાર હાડકાંના પોલાણમાં (Marrow Area) બાટલાથી દવા અને બીજા પ્રવાહીઓ આપી શકાય છે. કેન્સરની દવા પણ અપાય.

સાંધાના ‘વા’ (Osteoarthritis, Rhematoid Arthritis)માં સાંધાના પોલાણમાં (Intra-Articular).

(૮) મુખ્ય ચેતાતંત્ર (Central Nervous System/CNS) કરોડરજ્જુ (Spinal Cord) અને મગજની (Brain, Cerebrum), આસપાસ (Intrathecal, Subdural) – આ જ રીતે, મગજના આવરણના પડ નીચે પણ દવા અપાય છે.

ઑપરેશન (Surgery) વખતે દર્દીને/શરીરના ભાગને અસંવેદન/બેભાન કરવા વપરાતી દવાઓ આ રીતે અપાય છે. (Techniques of Anaesthesia).

(A) સંપૂર્ણ બેભાન કરીને (General Anaesthesia). આમાં ગેસ રૂપે દરદીને સુંઘાડવામાં સીધી અથવા શ્વાસનળીમાં ટ્યૂબ નાખીને (Endotracheal) અને ઇંજેક્શન દ્વારા.

(B) સ્થાનિક ભાગને બેભાન કરવા (Local Anaesthesia) ઘણીવાર એકાદ બે જ્ઞાનતંતુના સમૂહને દવાથી બહેરો કરવાથી એ જે જગ્યાને સંવેદના વહન કરતો હોય તેને બહેરું કરી વાગેલા ઘાના ટાંકા લેવા, નાની રસોળી/ગાંઠને કાપી કાઢવા કે તપાસાર્થે લેવા (Biopsy) ઉપયોગ થાય છે. ઘણી દવા સ્પ્રે તરીકે પણ વપરાય છે.

(C) સ્પાયનલ એનીસ્થેશિયા (Spinal Anesthesia) – ઑપરેશન (Surgery)જો શરીરના નીચેના ભાગે કરવાનું હોય તો તે ભાગ બહેરો કરવા કમર (પીઠ)માં થઈને આપી શકાય છે. દરદી સંપૂર્ણ ભાનમાં રહે છે અને જનરલ એનીસ્થેશિયા (General Anaesthesia)ના ડરમાંથી બચી શકાય. ઘણી દવાઓ પણ એ જગ્યાએ આપવાની જરૂર પડે છે. Caudal Anasthesia આમાંનો જ પ્રકાર છે, જે બાળકોમાં પણ વપરાય છે. આ સિવાય પણ Regional Anaesthesia નામની પધ્ધતિ છે, પણ આ ઓછી વપરાય છે.

(૯) શરીરના અન્ય પોલાણમાં પણ દવા આપી શકાય, દા.ત. પેટમાં (Tuberculosis-T.B.), ફેફસાની બહારના પડમાં (Intra-Plural), સાંધામાં (Intra-Articular). કિડની (ગુદા) કામ કરે નહીં (Renal Failure), ત્યારે પેટના પોલાણમાં પ્રવાહીથી લોહીનો કચરો સાફ કરાય છે. (Intaperitoneal Dialysis).

(૧૦) પાચનતંત્ર દ્વારા (Gastro-Intestinal Tract) – (૧) મોઢા વાટે (૨) હોજરીમાં નાખી (૩) ગુદા દ્વારા.

મોઢા વાટે લેવાતી દવાઓ, ટેબ્લેટ, કેપ્સ્યુલ, પીવાના સિરપ, વિટામિન અને મિનરલની દવાઓ.

બાળકો માટે ટીપાં (Drops) રૂપે પણ વપરાય છે.

દર્દી જો ભાનમાં હોય અને ખાઈ શકતો હોય તો આ એક સામાન્ય ઉત્તમ પ્રકાર છે. છતાં એ દરદીમાં દવા કેટલી વપરાશે અને ફાયદો કરશે એ ચોક્કસ થતું નથી. ફાયદો એ કે ઓછી આડઅસર કરે.

દર્દી બેભાન હોય તો, અથવા લાંબી માંદગીમાં ગળા અને અન્નનળીના કેન્સરના દરદીને ખોરાક-પાણી હોજરી કે નાના આંતરડા સુધી ટ્યૂબ નાખી આપી શકાય છે. આવી ટ્યૂબ દ્વારા સારવારની દવાઓ પણ આપી શકાય છે. આ રીતે હોજરીને સાફ કરી ઝેર (Poison)ની અસર ઓછી કરાય, લોહીની ઊલટી થાય તો બરફનું ઠંડું પાણી વપરાય અને સાથે દવાઓ પણ લોહી બંધ કરવા નાખી શકાય છે.

ગુદા દ્વારા બંધકોશ (Constipation) માટે ટેબ્લેટ (Supossitory), એનિમા (Enema) માટે સાદું પાણી (હૂંફાળું), સાદા સાબુનું પાણી, ગ્લિસરીન, કે અત્યારે આધુનિક તૈયાર મળતા એનિમા આપી શકાય. બીજી દવાઓ જે મસા, ભગંદર, અને હરસ માટે હોય છે, દા.ત. મલમ. ગુદા ઉપરના મોટા આંતરડાંમાં પાણી સહેલાઈથી ચુસાય છે, તેથી ઘણીવાર શરીરમાં પાણી ઓછું થયું હોય ત્યારે પણ એ પ્રવેશે આપી શકાય છે.

ઘણી દવાઓ મોઢામાં, ઓગળી જાય (Dissolving) એવી હોય છે, મોઢામાં (Transmucosal), નાયટ્રોગ્લિસરીન (Nitroglycerine) નામની ગોળી જીભ નીચે મૂકવાથી હૃદયશૂળ (Angina, Heart Attach)માં તાત્કાલિક રાહત આપે છે.

અમુક દવાઓ સ્પ્રે દ્વારા અથવા ટીપા દ્વારા, ચુસાય (Chewing) એવી હોય છે. મોઢામાં મુકાય છે, અને નાકમાં દમના દર્દીઓ સ્પ્રે અથવા એરોસોલ (Aerosole) દ્વારા લેતા હોય છે.

આંખમાં, કાનમાં, નાકમાં ટીપા રૂપે, સ્ત્રીઓ માટે જનનેંદ્રિયમાં મૂકવાની ગોળીઓ, દવાઓ પણ આવે છે. જે સમજપૂર્વક વપરાય તો સારી અસર કરે છે.

ગર્ભાશયમાં અને પ્રેગનન્સી વખતે પણ ગર્ભની આસપાસ દવા વપરાય છે. (Extra-Amniotic).

પુરુષ નપુંસકતાના અમુક કિસ્સામાં (Erectile dysfunction), જનનેન્દ્રિયમાં ઇંજેક્શન રૂપે (Intracavernous). આ વિષે મળતી ગોળીઓ પણ છે. ઘણીવાર રોગના ભાગમાં દવાનું ઇંજેક્શન આપી શકાય છે. (Intralesional).

આ લેખ ઘણો વિસ્તૃત થઈ શકે, પણ અંગ્રેજી શબ્દોનું ગુજરાતી ભાષાંતર કઢંગું થાય તો સમજાય નહીં. વળી વાચકોને કામ આવે એવું જ લખવાનો મેં ઉપક્રમ રાખ્યો છે, એટલે અટકું છું.

Please Note – Administration of drugs in human body is a very vast subject by itself, the medical branch is called Pharmacology. It is very nicely discussed by various internet sites, though most are in English, more information can be found by interested readers.


દવાઓ વિશે જાણવા જેવું

આપણે જોયું કે દવાઓ કઈ રીતે શરીરમાં – Administration of Drugs – લેવાય છે. થોડી વધારે માહિતી આપવી જરૂરી લાગે છે.

રોગને મટાડવા/રાહત આપવા શરીરમાં દાખલ કરાતા પદાર્થને દવા કહે છે.

આધુનિક એલોપથી (Allopathy) દવાઓ ઘણી ઉપકારક સાબિત થઈ છે, છતાં પણ તેની આડઅસરો (Side Effects, Reactions) વધતા-ઓછા પ્રમાણમાં થાય છે, એ સ્વીકારવું રહ્યું. જોકે, આ વાત આયુર્વેદ, કે નેચરોપથી કે હોમિયોપથી પદ્ધતિઓથી દવા તરીકે અપાતા કોઈ પણ પદાર્થને લાગુ પડે છે,

એક કરતાં વધારે દવાઓ સાથે લેવાના (Multi-Therapy) અમુક સંજોગોમાં ફાયદા છે, પણ તેની આડઅસરોની શક્યતાઓની જાણકારી પણ સાથે-સાથે રાખવી જોઈએ. દવાની આડઅસર સામાન્યથી માંડીને જીવલેણ સુધીની થઈ શકે. યાદ રાખવું કે આવાં ‘રિએક્શન’ ખૂબ ઓછા બને છે અને એવી દવાઓ પણ ઘણી ઓછી છે.

આ માટે ઘણા પરિબળો ભાગ ભજવે છે,

(૧) દર્દીનું શરીરનું બંધારણ;

(૨) વાંશિક, Genetic;

(૩) પ્રજાતિ, Race;

(૪) ઉંમર;

(૫) સ્ત્રી કે પુરુષ;

(૬) ખાસ કરીને લીવર અને કિડનીના, હૃદયના, અંતરસ્ત્રાવના, હૉર્મોનગ્રંથિઓને લગતા બીજા હયાત રોગો

(૭) અન્ય દવાઓ સાથે લેવાથી થતી કેટલીક ચોક્કસ ક્રિયા-પ્રતિક્રિયાઓ, વગેરે.

આ ઉપરાંત, વૈજ્ઞાનિક કારણોમાં દરેક દવાનું ચયાપચય (Metabolism) અને શરીરમાંથી બહાર નીકળી જવાની ઉત્સર્ગ ક્રિયા (Excretion) પણ અગત્યનો ભાગ ભજવે છે.

દવાની આડઅસરોના પ્રકારઃ

(૧) સામાન્ય (જેમ કે કોઈ કોઈ દવા માટેની ઍલર્જિ, કોઈ કોઈ દવા માટે વ્યક્તિના શરીરનાં બંધારણની અતિસંવેદનશીલ પ્રતિક્રિયાની પ્રકૃતિ [Hypersensitivity]) – ઊબકા, ઊલટી, ખંજવાળ, એસિડિટી, બંધકોશ વિ.

(૨) દવા ચાલુ હોય તેટલા પૂરતા સમય માટે થઈ આવતી (Time Bound Reactions) ચિંતાજનક આડઅસર – આવી આડઅસર થોડું નુકસાન કરે પણ દવા બંધ કરતાં સંપૂર્ણ સારું થાય છે. દા.ત. ચામડી પર ફોલ્લા પડવા, તાવ આવી જવો.

(૩) ગંભીર કે સિરિયસ આડ અસરો જે જીવલેણ બની શકે (Anaphylaxis) – જેમાં ગભરામણ (Uneasiness), શ્વાસમાં તકલીફ, લોહીનું નીચું દબાણ (low B.P.), હૃદયની તકલીફ, કલેજા અને ગુદાનું કામ અટકી જવું (Liver failure, Kidney failure), લોહીનું કેન્સર થાય (Leukaemia), બેભાનાવસ્થા, વગેરે.

દવાઓ સાથે લેવાથી થતી આડ અસરો (Drug Interactions).

એકથી વધારે દવાઓ સાથે લેવાય તો ઘણી ન કલ્પેલી અસરો (Unpredictable effects) થઈ શકે.

(૧) એક દવા બીજાની અસર ઓછી કે વધતી કરી શકે, અને તેથી જ આનો ઉપયોગ વધારે નુકસાન કરતી દવાની માત્રા ઓછી કરવામાં કરી શકાય છે.

(૨) સામાન્ય રાસાયણિક પ્રક્રિયાથી દવા બદલાઈ જાય, અને કોઈ નવું જ રસાયણ બને જે નુકસાન કરે.

(૩) મોઢા વાટે લીધી હોય તો તેને આંતરડામાંથી શરીરમાં ચુસાતા રોકે.

(૪) લોહીમાં ભળ્યા પછી એકબીજા સાથે ચોંટી જાય (Binding) અથવા જ્યાં અસર કરવાની હોય ત્યાં સ્પર્ધા કરે (Receptor Site Competition).

આ બધાનો આંશિક ઉપાય એ કે અમુક દવાઓ લેતાં/આપતાં પહેલાં માહિતી પૂરી પાડવી અને ટેસ્ટ કરી ખાતરી કરવી. આ માટે (Skin Test), ચામડીના પડમાં ૦.૧મી.લી. જેટલી દવાનું ઇંજેક્શન આપી તેની પેનથી નિશાની કરી ૩૦ મિનિટ સુધી શું થાય છે તે જોવું. અને ત્યાર પછી દર્દીને કંઈ ના અનુભવાય તો જ દવા ચાલુ કરવી એ વાત ડૉક્ટરો જાણતા હોય છે.

ખાસ કરીને એન્ટિબાયોટિક દવાઓ, રસીકરણ માટેની દવાઓ, લોહીનું પ્રવાહી (Serum, Serum Products), અને અન્ય ઘણી દવાઓ સાથે ખોરાકની વસ્તુઓ (ખાસ Addictive હોય તો) આવું ગંભીર રિઍક્શન (Anaphylaxis) આવી શકે.

તો આપણે શું કરવું?

(૧) દવાનાં લેબલ કે દવાનાં પૅકિંગ સાથેના માહિતીના કાગળ (Drug Insert) પરની સૂચનાઓ વાંચી તેના વિશે સમજ કેળવવી. બ્રાન્ડના/કંપનીના નામ સાથે એમાં વપરાયેલી મુખ્ય (Active) દવાનું નામ (Generic Name) વાંચી ખાત્રી કરવી. વધારે દવાઓ સાથે હોય તો તે પણ સમજી લેવી. વાપરવાની છેલ્લી તારીખ (Expiry Date), કયા રોગ માટે/તકલીફ માટે (Indications, Uses) જેવી આવશ્યક સૂચનાઓ પર પણ ખાસ ધ્યાન આપવું.

કઈ દવાઓ સાથે ના લેવાય (Known Drug Interactions), ચેતવણીની નોંધ (Warning Notes), અને કેવી રીતે લેવી (How to take), દવાની એક વખતની માત્રા (Single One Time Dose), દિવસમાં કેટલી વાર કેટલા અંતરે લેવાય (Frequency and Time Gap), દિવસમાં વધારેમાં વધારે (Maximum Dose) કે ઓછી (Minimum Required Dose) કેટલી લેવાય એ વાંચવું. (જો કે સમજાવવાની જવાબદારી ડૉક્ટરની પણ છે જ).

(૨) જાતે જ દુકાનેથી દવા ના ખરીદવી (Self-Medication). ઘણી દવાઓ ડૉક્ટરનાં લખાણ/સલાહ વગર (Prescription) મળતી હોય છે (Over the Counter Medicine – OTC – Medicines). તે ના છૂટકે જ લેવી, અને વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી.

(૩) બીજા માટે લખાયેલી દવા ડૉક્ટરની સલાહ વગર ના લેવાય.

(૪) જાતે જ દવાની માત્રા (Dose) વધારવી કે ઓછી કરવી નહીં

(૫) ડૉક્ટરે એક કરતાં વધારે દવાઓ લખી આપી હોય તો મુખ્ય દવા કઈ છે તે જાણી લેવું.

(૬) આજની ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા ઘણી ફાલતુ દવાઓ બનાવવામાં આવે છે. જાણીતી કંપનીના નામમાં (Brand) સહેજ ફેરફાર કરી બજારમાં મૂકાય છે. (Spurious Medicines). લેબલને અને કંપનીના નામને બરાબર ચકાસી પછી જ દવાઓ ખરીદવી.

(૭) પહેલાં પણ જણાવ્યું છે એમ નવી આવેલી દવાઓના, ‘Latest’ના ભ્રમમાં ના પડો. ખાત્રી કરવા ઇન્ટરનેટ કે તમારા ફેમિલી ડૉક્ટરના સંપર્કમાં રહો.

અંતમાં,

આ લખી રહ્યો છું ત્યારે Drug Addiction/Dependence, Misuse/Abuse of Drugs, etc જેવા બીજા કેટલાક મુદ્દાઓ પણ યાદ આવે છે. અત્યારે એની વાત અસંગત છે.

કોઈપણ સારા ફાયદા સાથે જોખમ તો લેવું જ પડે, જો જરૂરી હોય તો! દા.ત. કાર કે વિમાનની મુસાફરી, શસ્ત્રક્રિયાઓ, ઇન્ટરનેટનો ઉપયોગ, વગેરે. એટલે આ બધું વાંચી/જાણીને ગભરાઈ જવાનું નથી. આધુનિક મેડિકલ વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે અને તેના આયોજકો, વ્યાવસાયિકો કે ધંધાર્થીઓ ઘણા તૈયાર છે.