સંવાદિતા
કેટલીક ફિલ્મી ગીત રચનાઓના શબ્દો અને એમનું ફિલ્માંકન એ હદે એકમેકના પૂરક હોય છે કે મીઠો મૂંજારો થાય – કયું શ્રેષ્ઠ ?
ભગવાન થાવરાણી

મખ્દૂમ મુહિયુદ્દીન ઉર્દૂના ખ્યાતનામ શાયર હતા એટલું જ નહીં, ભારતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ એમનું નામ મોટું છે. હૈદ્રાબાદના નિઝામના એ રિયાસતને પાકિસ્તાન સાથે જોડવાના વિચારના એ પ્રખર વિરોધી હતા અને એ ચળવળની સફળ આગેવાની એમણે કરેલી. સ્વતંત્રતા પછી આંધ્ર પ્રદેશની ધારાસભાના વર્ષો સુધી એ ચૂંટાયેલા સક્રિય સદસ્ય હતા. કવિતા ઉપરાંત રાજકીય વર્તુળોમાં એમનું નામ પૂરા આદરથી લેવાતું. એમની સમગ્ર રચનાઓ ‘ બિસાત-એ-રક્સ ‘ ( નૃત્ય મંચ ) નામના પુસ્તકમાં ગ્રંથસ્થ છે. તેઓ ૧૯૬૯ માં અવસાન પામ્યા.
એમની પ્રખ્યાત નઝ્મ ‘ દો બદન પ્યારકી આગમેં જલ ગએ એક ચમેલી કે મંડવે તલે ‘ ફિલ્મ ‘ ચા ચા ચા ‘ ( ૧૯૬૪ ) માં એમની હયાતી દરમિયાન જ લેવાયેલી. એ પહેલાં એમની ક્રાંતિકારી નઝ્મ ‘ જાને વાલે સિપાહી સે પૂછો વો કહાં જા રહા હૈ ‘ પણ ફિલ્મ ‘ ઉસ ને કહા થા ‘ માં આવી હતી. એમના મૃત્યુ પછી એમની એક ગઝલ ફિલ્મ ‘ ગમન ‘ ( ૧૯૭૦ ) માં અને પછી અન્ય એક ગઝલ ‘ ફિર છિડી રાત બાત ફૂલોં કી ‘ ફિલ્મ ‘ બાઝાર ‘ ( ૧૯૮૨ ) માં લેવાઈ. જો કે એક શાયર તરીકે ફિલ્મો દ્વારા મળતી લોકપ્રિયતાની એ સ્હેજે મોહતાજ નહોતા.
આજે વાત કરવી છે ૧૯૭૮ ની સ્મિતા પાટિલ – ફારૂક શેખ અભિનીત અને મુઝફ્ફર અલી દિગ્દર્શિત ફિલ્મ ‘ ગમન ‘ માં આ કલાકાર બેલડી પર ફિલ્માવાયેલ ગઝલ ‘ આપકી યાદ આતી રહી રાત ભર ‘ ની અને એની સાથે સંકળાયેલ અન્ય એક એટલી જ બળકટ રચના અને એ કૃતિના મહાન સર્જકની પણ ! પહેલાં મખ્દૂમ સાહેબ લિખિત અને છાયા ગાંગૂલીએ ગાયેલી, જયદેવ દ્વારા સંગીતબદ્ધ એ ગઝલના શબ્દો જોઈએ :
આપ કી યાદ આતી રહી રાત ભર
ચશ્મે – નમ મુસ્કુરાતી રહી રાત ભર
રાત ભર દર્દ કી શમ્આ જલતી રહી
ગમ કી લૌ થરથરાતી રહી રાત ભર
બાંસુરી કી સુરીલી સુહાની સદા
યાદ બન-બન કે આતી રહી રાત ભર
યાદ કે ચાંદ દિલ મેં ઉતરતે રહે
ચાંદની ઝગમગાતી રહી રાત ભર
કોઈ દીવાના ગલિયોં મેં ફિરતા રહા
કોઈ આવાઝ આતી રહી રાત ભર ..
પ્રતીક્ષાની રાત્રિઓ ખૂબ લાંબી હોય છે, ક્યારેક તો એક જિંદગી જેટલી સુદીર્ઘ ! આ પ્રતીક્ષાના એક છેડે સ્મૃતિઓ હોય અને બીજા છેડે આશા. એ રાત્રિઓ સ્થૂળ રીતે વીતી પણ જાય તોય એના ભણકારા મન-મંજૂષામાં આજીવન ગૂંજતા રહે છે.
‘ ખુમાર ‘ બારાબંકવીએ લખેલું :
રાત બાકી થી જબ વો બિછડે થે
કટ ગઈ ઉમ્ર – રાત બાકી હૈ ..
મખ્દૂમ સાહેબની ગઝલનો દરેક શેર ભાવક સમક્ષ એક ચિત્ર ખડું કરે છે. ચશ્મે – નમનું મુસ્કુરાવું, દર્દની શમા, ગમની જ્યોતનું થથરવું, બાંસુરી શબ્દ પછી સળંગ આવતા ત્રણ ‘સ’કાર શબ્દોના આવર્તન, યાદનો ચંદ્ર અને અંતિમ શેરમાં કોઈ પાગલનું ગલીમાં રઝળવું અને એનો પોકાર – આ બધા એવા પ્રતીકો છે જે ઝેહનમાં જડાઈ જાય છે. ફિલ્મમાં આ ગઝલનું ફિલ્મીકરણ પણ મુઝફ્ફર અલીએ એવું જ ધારદાર અને ભાવવાહી કર્યું છે. કેમેરા ક્યારેક ગામથી જોજનો દૂર આવેલા શહેરમાં ટેક્સી ચલાવતા પતિ ફારૂક શેખની નિ:સહાયતા ઝીલે છે તો બીજી ક્ષણે દૂર ગામમાં પતિના સાન્નિધ્ય માટે વલખતી પત્ની સ્મિતા પાટિલનો ઝુરાપો !
હવે વાત કરીએ બીજી ગઝલની.
આ ગઝલ ઉર્દૂના મુઠ્ઠી ઊંચેરા શાયર ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ દ્વારા રચિત છે. એક તરફ મખ્દૂમ જેવા વિદ્રોહી શાયર વિભાજન બાદ ભારતમાં જ રહીને વિભાજનકારી સાંપ્રદાયિક તાકતો સામે લડતા રહ્યા તો ફૈઝ સાહેબ પાકિસ્તાન ( એ સમયનું અખંડ હિંદુસ્તાન ) માં જ જન્મી આજીવન ત્યાંના શાસન સામે લડતા રહ્યા. સરકારને ‘ ઉથલાવવા ‘ ના જાલી આરોપ હેઠળ એમણે વર્ષો લગી જેલવાસ ભોગવ્યો. એક સર્જક તરીકે એમનું કદ એવું માતબર હતું કે એમનું નામ નોબેલ ઈનામ માટે પણ પ્રસ્તાવિત થયેલું. રશિયાનો પ્રતિષ્ઠિત લેનિન પુરસ્કાર પણ એમને એનાયત થયેલો. ૧૯૮૪ માં એ ઝન્નતનશીન થયા.
જે વર્ષે મખ્દૂમ સાહેબની ગઝલ ‘ ગમન ‘ ફિલ્મમાં લેવાઈ, એ જ વર્ષ એટલે કે ૧૯૭૮ માં ફૈઝ સાહેબે એમના પરમ મિત્ર મખ્દૂમને યાદ કરી મોસ્કોમાં આ ગઝલ અદ્દલ એ જ બહર, કાફિયા અને રદીફ સાથે લખી. એક શાયર પોતાના મિત્રને એના જ ભાવ અકબંધ રાખી કેવી ભવ્ય અંજલિ આપી શકે એનો નમૂનો એટલે આ નઝાકતભરી રચના ! જૂઓ :
આપ કી યાદ આતી રહી રાત ભર
ચાંદની દિલ દુખાતી રહી રાત ભર
ગાહ જલતી હુઈ ગાહ બુઝતી હુઈ
શમ્એ ગમ ઝિલમિલાતી રહી રાત ભર
કોઈ ખુશ્બૂ બદલતી રહી પૈરહન
કોઈ તસવીર ગાતી રહી રાત ભર
ફિર સબા સાયા-એ-શાખે-ગુલ કે તલે
કોઈ કિસ્સા સુનાતી રહી રાત ભર
જો ન આયા ઉસે કોઈ ઝંજીરે-દર
હર સદા પર બુલાતી રહી રાત ભર
એક ઉમ્મીદ સે દિલ બહલતા રહા
એક તમન્ના સતાતી રહી રાત ભર..
( ગાહ = ક્યારેક , પૈરહન = વસ્ત્ર , સબા = હવા , સાયા-એ-શાખે ગુલ = ફૂલોની ડાળની છાયા )
અહીં પણ દરેક શેરની શેરિયત અને પરિપક્વતા મખ્દૂમની ગઝલ સાથે ખભેખભો મેળવી ઊભી રહે એવી આલીશાન છે.
ત્યાર બાદ પણ આ ચુંબકીય રચનાના ખેંચાણમાં પુરુષોત્તમ અબ્બી ‘ આઝર ‘ અને ‘ સમર ‘ ગાઝીપુરી નામના શાયરોએ એ જ લહેજા, કાફિયા અને રદીફથી ગઝલો લખી. એ રચનાઓના માત્ર મત્લા વાંચી સંતોષ માનીએ :
આપકી યાદ આતી રહી રાત ભર
નીંદ નખરે દિખાતી રહી રાત ભર
આપકી યાદ આતી રહી રાત ભર
ચશ્મે તર ઝગમગાતી રહી રાત ભર..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
