ગઝલઃ કેટલું!….
જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!
તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?
કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?
એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?
આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?
–જયશ્રી વિનુ મરચન્ટ
:આસ્વાદઃ
સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.
અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,
જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!
આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતાં રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.
આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!
તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો. પ્રથમ બે શેરમાં ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ. ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો ઊઠતું જાય છે કેટલું?” સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.
આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.
અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?
કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?
આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.
અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’ કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?
એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?
મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.” ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.
આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?
હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય. કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.
કવયિત્રીને સો સો સલામ અને વંદન.
–અસ્તુ.
દેવિકા ધ્રુવ
Devika Dhruva.
ddhruva1948@yahoo.com
