વ્યંગ્ય કવન
બાબુ સુથાર
(૧)
એક ચકલી ઘરમાં ઊડ્યા કરે છે.
આમાં કોઈ નવી વાત નથી.
ક્યારેક એ ચકલી
ઘરમાં અઘાર પણ કરતી હોય છે.
આમાં પણ કોઈ નવી વાત નથી.
એ ચકલીને બે પાંખો છે
બે આંખો છે
બે પગ છે
આમાં પણ કોઈ નવી વાત નથી
જેમ મારા દેશે વિકાસ કર્યો છે
એ કોઈ નવી વાત નથી એમ.
મારા ગામનો મગનિયો
એની સાત સાત પેઢીની પરંપરા
હજી પણ સાચવી રહ્યો છે
એ રોજ ભૂખ્યો ઊંઠે છે
અને અર્ધો ભૂખ્યો ઊંઘે છે
આમાં પણ કોઈ નવી વાત નથી.
(૨)
જ્યારે સર્વત્ર વિકાસ જ દેખાતો હોય ત્યારે
ગરીબી પરનાં કાવ્યો
ના તો ‘પરબ’ છાપે
ના તો ‘શબ્દસૃષ્ટિ’.
એવાં કાવ્યો લખાય ખરાં
ક્યારેક વંચાય પણ ખરાં
જેથી કરીને માનનીય વિવેચકો એમને
બોલકાં કાવ્યો કહી શકે.
હું વડોદરાથી અમદાવાદ ઉબેરમાં જતો હોઉં
ડ્રાયવર અમદાવાદ શહેરમાં પ્રવેશતાં જ
ક્યાંક ચાર રસ્તે કાર રોકે
ને કોઈક બાળક મારી સીટ તરફના કાચ પર
ટકોરા મારે
અને હું જોઉં એની હથેળી
મારા હૃદય જેવી ખાલી
ત્યારે મને થાય: બોલકા ન બનવા માટે મારે
કાશીએ જઈને કરવત મૂકાવવો જોઈએ કે પછી
અમદાવાદના કોઈક સાહિત્યિક મહોત્સવમાં રજૂ કરી શકાય
એવી ગઝલ લખવી જોઈએ?
