સંવાદિતા
અંગ્રેજી શબ્દ-જોડી ‘ સ્વાન સોંગ ‘ નો અર્થ થાય કોઈ કલાકારની અંતિમ અને સંભવત: શ્રેષ્ઠ કૃતિ. ‘ આગંતુક ‘ ફિલ્મ ભલે એ કક્ષાની નહીં પરંતુ વિચારતા કરી મૂકે એવી ફિલ્મ છે.
ભગવાન થાવરાણી
મહાન સત્યજીત રાય દ્વારા દિગ્દર્શિત કુલ ૨૯ ફીચર ફિલ્મોમાંથી કારકિર્દી અને જીવનના અસ્તાચળે એમણે બનાવેલી ગણશત્રુ, શાખા પ્રશાખા અને એમની આ અંતિમ ફિલ્મ ‘ આગંતુક ‘ પ્રમાણમાં નબળી ફિલ્મો લેખાય છે. ‘આગંતુક ‘ સુધી પહોંચતાં એ શારિરિક રીતે એટલા કમજોર બની ગયેલા કે એમના ડોક્ટરોએ એમને કલકત્તા બહાર પ્રવાસની પણ મનાઈ ફરમાવેલી. એ ફિલ્મ પૂરી કર્યાના થોડાક મહિનાઓમાં જ ફિલ્મ પ્રદર્શિત થાય એ પહેલાં એમનું અવસાન થયું. એક જિનીયસ કલાકારની ‘ નબળી ‘ કૃતિ પણ કેવી હોય એનું ઉદાહરણ આ ‘ આગંતુક ‘ છે.

‘ આગંતુક ‘ ફિલ્મ રાયે એમણે જ લખેલી ટૂંકી વાર્તા ‘ અતિથિ ‘ પરથી બનાવેલી. એમના પ્રિય ઉત્પલ દત્ત આ ફિલ્મના નાયક અને કેન્દ્રવર્તી ચરિત્ર મનમોહન મિત્રની ભૂમિકામાં છે. એમના અન્ય બે માનીતા કલાકારો મમતા શંકર અને દીપંકર ડે સાથે. અન્ય બે સુખ્યાત બંગાળી અભિનેતાઓ રોબી ઘોષ અને ધૃતિમાન ચેટર્જી પણ મહેમાન ભૂમિકાઓમાં છે.
કલકત્તામાં વસતા સુધીન્દ્ર અને અનિલા બોઝના નામે એક પત્ર આવે છે જે અનિલાના મામા મનમોહન મિત્રાનો છે. મનમોહન પાંત્રીસ વર્ષ પહેલાં અગમ્ય કારણોસર પિતાનું ઘર છોડીને ચાલ્યા ગયેલા જે છેક હવે પ્રગટ થયા છે. અનિલાને તો એમનો ચહેરો પણ યાદ નથી. હા, એ ભણવામાં અત્યંત તેજસ્વી હતા અને જતા રહેલા એ યાદ છે ખરું. એના મોસાળના કુટુંબમાં હવે કોઈ જીવિત નથી અને આ મામાને પણ લગભગ મૃત્યુ પામેલા માની લેવામાં આવેલા. પત્ર મુજબ, મામા અમેરિકાથી દિલ્હી આવ્યા છે અને એમના કુટુંબની એકમાત્ર હયાત સદસ્યા અનિલાની મહેમાનગતિ થોડાક દિવસ માણીને ઓસ્ટ્રેલિયા જતા રહેવાના છે.
અનિલાનો પતિ આવા બનાવટી લેભાગુઓથી સુપેરે પરિચિત છે. અનિલા પણ સશંક તો છે જ પણ પત્રમાં વપરાયેલી સુશિષ્ટ ભાષા અને વિવેક એને એમ માનવા પ્રેરે છે કે આ એના ખોવાયેલા મામા જ હોઈ શકે. બોઝ દંપતિનો કિશોર પુત્ર સત્યાકિ જો કે આ સમાચાર જાણી ઉત્સાહિત છે કારણ કે એ હજી શંકા કરતાં શીખ્યો નથી !

મામા આવે છે અને અનિલા આશ્વસ્ત થાય છે કે આવા ખુલ્લા, નિખાલસ અને વિદ્વાન મારા મોસાળના પરિવારના જ હોય ! પતિ એને તાકીદ કરે છે કે સિફતપૂર્વક એમનો પાસપોર્ટ જોઈ ઓળખ પાકી કરી લેજે. અનિલાને એ વાત જ અસંસ્કારી લાગે છે. મામા આવતાંવેંત ચોખવટ કરે છે કે રખડપટ્ટીના પહેલા પાંચ વર્ષ આદિવાસીઓ જોડે રહ્યા હોઈ એ સર્વભક્ષી છે એટલે એમના જમવા બાબતે ચિંતા ન કરવી. પતિનું મહેણું ‘ સગી ભાણી પાસે મામા ખાલી હાથે આવ્યા ‘ અનિલા પચાવી જાય છે.
સત્યાકિને મામા સાથે તુરંત ગોઠી જાય છે. મામા બાળમાનસ જાણે છે. એમની કુતુહલવૃતિ અને વિસ્મય પણ, કારણ કે એમણે પોતે પોતાની ભીતર એ ગુણો હજી જાળવી રાખ્યા છે. એ સત્યાકિ અને એના મિત્રો જોડે એમના જેવા થઈ એમને દુનિયાની વિલુપ્ત સંસ્કૃતિઓ, ચાંદ-તારાઓ અને બ્હ્માંડ વિષે રસપ્રદ વાતો કરે છે. એ કહે છે, જાદુ – બાદુ જેવું કંઈ નથી, આપણા મનમાં રહેલું વિસ્મય એ જ જાદુ છે ! એ એમને નવા – નવા શબ્દોથી અવગત કરે છે જેમ કે WANDERLUST ( નવા – નવા સ્થળોએ ઘૂમવા જવાની તીવ્ર ઈચ્છા ) અને કૂપમંડૂક. એ બાળકો પાસેથી કદીય તન કે મનથી કૂપમંડૂક ન થવાનું વચન લે છે!
સુધીન્દ્ર હજી મામાની અસલિયત વિષે આશ્વસ્ત નથી. સામે પક્ષે અનિલાને એ હદે ભરોસો છે કે મામાના આગમન પહેલાં ઘરના દીવાનખાનામાંથી ખસેડીને તિજોરીમાં મૂકી દીધેલી કલાકૃતિઓ ફરી યથાસ્થાને નિશ્ચિંત થઈ મૂકી દે છે ! દરમિયાન સુધીન્દ્રને માહિતી મળે છે કે અનિલાના નાના અને મામા મનમોહનના ગર્ભશ્રીમંત પિતા મૃત્યુ પહેલાં જે વસિયતનામું કરતા ગયા એમાં એમણે પોતાના ખોવાયેલા પુત્ર માટે પણ ખાસ્સો હિસ્સો રાખ્યો છે. ખલાસ ! જો એ ખરેખર અનિલાના મામા હોય તો પણ આ દલ્લો હડપ કરવા જ આટલા વર્ષે ભારત પરત ફર્યા છે !
સુધીન્દ્ર પોતાના ચબરાક વકીલ મિત્ર સેનગુપ્તાને મામાને મળવાના બહાને ઘરે બોલાવે છે જેથી એ ઊલટતપાસ કરી મામાની અસલિયત છતી કરે ! એ અસલિયત તો ઉઘડે જ છે પણ એ તો ઊલટાની સભ્ય નાગરિક એવા વકીલને વધુ બેબાકળો બનાવી મૂકે છે. વકીલ મિત્રની ઊલટ તપાસ દરમિયાન ઉપસી આવતી મામાની કેફિયત :
– ઘર છોડ્યા પછી એ જગતભરમાં ફર્યા છે અને આજે એ જગતના પ્રતિષ્ઠિત નૃવંશશાસ્ત્રી છે.
– ધર્મ જો માણસ – માણસ વચ્ચે વાડા ઊભો કરતો હોય તો એવો ધર્મ એમને સ્વીકાર્ય નથી. શાસ્ત્રો પણ ધર્મની એ જ વ્યાખ્યા કરે છે. આપણે કરીએ છીએ એ નહીં ! નાતજાત પણ એ જ છે.
– જીવનમાં ‘ ઠરીઠામ ‘ થવું, લગ્ન કરવા એ એમની પ્રકૃતિ નથી. એટલે જ તો ઘર છોડી ચાલી ગયા !
– ઈશ્વરનું અસ્તિત્વ જો હોત તો આજે છે એવી અંધાધૂંધી ન હોત !
– વિજ્ઞાન અને ટેક્નોલોજીએ પ્રગતિના દ્વાર તો ખોલ્યા છે પણ એનાથી કેટલાય અનિષ્ટો પણ ઊભા થયા છે.
– આદિવાસી સંસ્કૃતિમાં ઘણી સારી બાબતો છે. દંભી શહેરી સંસ્કૃતિ કરતાં એ ઘણી સારી.
– જો માનવભક્ષી આદિવાસીઓ અસભ્ય કહેવાય તો એક બટન દબાવી એક આખા શહેરને નેસ્તનાબૂદ કરવાનો હુકમ આપનાર શાસક સભ્ય કેમ લેખાય ?
સમસમી ઊઠેલ સેનગુપ્તા તાડૂકે છે કે તમારી ઓળખ સાબિત કરવાને બદલે મારા મિત્રને ત્યાં ધામા નાંખીને પડ્યા છો. જંગલી સંસ્કૃતિની હિમાયત કરતા તમારા જેવા લોકોને અમારા સભ્ય સમાજમાં રહેવાનો અધિકાર નથી ! પોતાના ઘરે પોતાના અતિથિ ( મામા હોય કે ન હોય ! ) ના અપમાનથી અનિલા તો વ્યથિત થાય છે, એના પતિને પણ એ હરકત ગમતી નથી. બન્ને મામાની માફી માંગે છે.
ક્ષુબ્ધ મામા બીજા દિવસે બધા સૂતા હોય ત્યારે જ નીકળી જાય છે. એમના વારસાનું કામ સંભાળતા એમના વતનના વકીલને પૂછતાં માલૂમ પડે છે કે એ ગુમસૂમ અવસ્થામાં એમના ઘરે આવેલા ખરા પણ એમના પિતાના વસિયતનામાની વિધિઓ પૂરી કરી શાંતિનિકેતન બાજુ કોઈક સાંથાલ ગામડા તરફ નીકળી ગયા છે.
ત્રણેય એમને શોધી કાઢે છે. ફરી માફી માંગી આજીજીપૂર્વક એમને ઘરે સાથે આવવાનું કહે છે. ‘ મારો સમય પૂરો થયો. કોઈને ઓળખવો એ અઘરું કામ છે. ઘરે આવીશ પણ તુરંત ઓસ્ટ્રેલિયા જવા નીકળી જઈશ. ‘
મામા ઘરે આવી સામાન પેક કરે છે. ભાણીને એક બંધ પરબીડિયું આપે છે. ‘ હું જાઉં પછી ખોલજો. મારી હાજરીમાં ખોલશો તો મને મૂંજારો થશે. ‘ એમાં શું છે ના જવાબમાં એ અંગ્રેજીનો સહુથી લાંબો શબ્દ ઉચ્ચારે છે . ફ્લોકસીનોસીનિહિલીફિકેશન ! જેનો અર્થ છે ‘ પ્રથમ દ્રષ્ટિએ અગત્યની ભાસતી વાતને ઝાઝું મહત્વ ન આપવું ‘ ! આ કવરનું પણ એવું જ ! એમની વિદાય પછી કવર ખોલતાં એમાંથી અનિલાના નામે મામાએ લખેલો મોટી રકમનો ચેક નીકળે છે. એ જ રકમ જે અનિલાના નાના પોતાના ખોવાયેલા પુત્ર મનમોહનના નામે મૂકી ગયા હતા ! સાથે નોંધ ‘ સદા સોહાગણ ભાણી કાજે . ‘
બોઝ દંપતિ અવાક્ !
ફિલ્મમાં મનમોહન મિત્રાની ચિરસ્મરણીય ભૂમિકા ભજવનાર ઉત્પલ દત્ત, સત્યજીત રાયના અવસાનના એક વર્ષ બાદ અવસાન પામેલા.
કહેવાય છે કે ફિલ્મના શૂટીંગનો અંતિમ શોટ પૂર્ણ થતાં સત્યજીત રાય બોલી ઊઠેલા ‘ ધેટ્સ ઓલ ! ‘ ( મારે જે કહેવાનું હતું તે અહીં પૂરું થાય છે. ) મનમોહન મિત્રા એ અસલમાં રાયની પોતાની છબી અને વિચારધારાનું પ્રતિબિંબ છે. કદાચ એમનો માંહ્યલો જાણતો હતો કે જે કંઈ એમની ફિલ્મો દ્વારા કહેવાનું રહી ગયું હતું એ કહી નાખવાનો આ આખરી મોકો હતો.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
